7000 ડેમના ભારથી પૃથ્વીનું ચુંબકીય કેન્દ્ર ડગવા માંડયું છે

- ચીન એક તરફ મેગા ડેમ બનાવવા મરણીયું થયું છે અને બીજી તરફ યુરોપના દેશોએ પોતાના ડેમ તોડવાની શરૂઆત કરી છે
- સંશોધકોનું માનવું છે કે, ધરતી ઉપર બાંધવામાં આવેલા આ ડેમના કારણે ધરતીની ઉપરની સપાટીને ચુંબકિય કેન્દ્રથી અંદાજે એક મીટર દૂર ખસેડી કાઢી છે: જાણકારોના મતે 1835થી 1954 દરમિયાન યુરોપ અને અમેરિકામાં ઘણા મોટા ડેમનું નિર્માણ થયું જેના કારણે ઉત્તર ધ્રુવ અંદાજે 20 સેમી જેટલું રશિયા તરફ ખસ્યું હતું. ત્યારબાદ ૧૯૫૪થી ૨૦૧૧માં એશિયા અને આફ્રિકામાં વિશાળ ડેમનું નિર્માણ કરવામાં આવ્યું જેના કારણે આ ધ્રુવ 57 સે.મી જેટલું પશ્ચિમ તરફ ખસી ગયું : આ ડેમ દ્વારા જે વીજળી ઉત્પન્ન થશે તેનાથી 30 કરોડ લોકોને વાર્ષિક ધોરણે વીજપૂરવઠો મળી રહેશે: જાણકારોના મતે ચીન દ્વારા તેનો ભવિષ્યમાં એક ભૂરાજનૈતિક હથિયાર તરીકે ઉપયોગ થઈ શકે છે. ભારત આ મુદ્દે ચિંતિત છે: યુરોપના દેશો પ્રાકૃતિક સંતુલન જાળવવા મથી રહ્યા છે. સ્પેન, ફ્રાન્સ, સ્વીડન જેવા યુરોપના દેશો દ્વારા પોતાના જૂના બંધ ઝડપથી તોડવામાં આવી રહ્યા છે
ધરતીના ચુંબકિય ક્ષેત્રમાં હાલમાં જે પરિવર્તન નોંધાયું છે તે ખૂબ જ જોખમી છે. આ પરિવર્તન કુદરતી નહીં પણ માનવસર્જિત મહામારી જેવું છે. હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા થોડા સમય પહેલાં કરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું હતું કે, માણસો દ્વારા બનાવવામાં આવેલા 7000થી વધારે મોટા મોટા ડેમના કારણે પૃથ્વીનું ચુંબકિય ક્ષેત્ર અસરગ્રસ્ત થયું છે, તેને ક્ષતી પહોંચી છે અને બીજી તરફ સમુદ્રમાં પણ જળસ્તરને અસર થઈ છે. સૌથી મોટી ઘટના તો એ છે કે, ધરતી પોતાના એક્સ ઉપર જે દિશામાં ફરી રહી છે તેમાં પણ ફેરફાર થયો છે. સંશોધકોનું માનવું છે કે, ધરતી ઉપર બાંધવામાં આવેલા આ ડેમના કારણે ધરતીની ઉપરની સપાટીને ચુંબકિય કેન્દ્રથી અંદાજે એક મીટર દૂર ખસેડી કાઢી છે. ટ્ પોલર વંડર નામની આ ભૌગોલિક પ્રક્રિયામાં પૃથ્વીની સપાટી ચુંબકિય ઉત્તર ધ્રુવ તરફ સરકી રહી છે.
ઉલ્લેખનીય છે કે, પૃથ્વી એક ગોળ ફરતા ગોળા સમાન છે. તેના કોઈપણ ભાગમાં વજન વધવા લાગે તો તે નમવા લાગે છે. સ્થિતિ એવી થઈ છે કે, ધરતી ઉપર મોટા મોટા ડેમ બનવાના કારણે લાખો લિટર પાણી એક જગ્યાએ ભેગું થવા લાગ્યું છે. આ ડેમના કારણે એટલું બધું વજન ભેગું થઈ ગયું છે કે, પૃથ્વીનું સંતુલન બદલાવા લાગ્યું છે. દુનિયામાં જેમ જેમ બંધ બંધાતા ગયા તેમ તેમ ધરતીની સપાટીનું ચુંબકિય ધ્રુવ તરફનું ખેંચાણ પણ બદલાતું ગયું. જાણકારોના મતે 1835થી 1954 દરમિયાન યુરોપ અને અમેરિકામાં ઘણા મોટા ડેમનું નિર્માણ થયું જેના કારણે ઉત્તર ધ્રુવ અંદાજે ૨૦ સેમી જેટલું રશિયા તરફ ખસ્યું હતું. ત્યારબાદ ૧૯૫૪થી ૨૦૧૧માં એશિયા અને આફ્રિકામાં વિશાળ ડેમનું નિર્માણ કરવામાં આવ્યું જેના કારણે આ ધ્રુવ ૫૭ સે.મી જેટલું પશ્ચિમ તરફ ખસી ગયું.
મહત્ત્વની વાત એ છે કે, ચીને અરુણાચલ પ્રદેશ પાસે ભારતીય સરહદની નજીક બ્રહ્મપુત્રા નદી ઉપર એક મેગા ડેમ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. ચીને આ માટે ૧૪ લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ ડેમને વિશ્વનો સૌથી મોટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ કહેવામાં આવે છે. આ હાઈડ્રો પાવર પ્રોજેક્ટને કારણે ભારત અને બાંગ્લાદેશમાં ચિંતા વ્યાપી ગઈ છે. સમગ્ર ઘટનામાં બીજી વિડંબણા એ છે કે, ચીન દ્વારા મેગા ડેમ બનાવવામાં આવી રહ્યા છે અને પ્રકૃતિનું સંતુલન બગાડવામાં આવી રહ્યું છે. બીજી તરફ યુરોપના ઘણા દેશો દ્વારા પોતાના જૂના બંધ તોડવામાં આવી રહ્યા છે. ભૌગોલિક, આર્થિક, પ્રાકૃતિક, સામાજિક અને અન્ય કારણો આપીને આ દેશો દ્વારા ડેમ તોડવામાં આવી રહ્યા હોવાના અહેવાલો છે.
એક અહેવાલ પ્રમાણે હાઈડ્રો ઈલેક્ટ્રિક એનર્જી દ્વારા દર વર્ષે ૩૦૦ અબજ કિલોવોટ કલાકથી વધારે વીજળી ઉત્પન્ન કરવા માટે ચીને આ ડેમ બનાવવાનું શરૂ કર્યું છે. આ ડેમ દ્વારા જે વીજળી ઉત્પન્ન થશે તેનાથી ૩૦ કરોડ લોકોને વાર્ષિક ધોરણે વીજપૂરવઠો મળી રહશે. ચીનનું માનવું છે કે, આ ડેમ થકી ઉત્પન્ન થતી વીજળી દ્વારા તિબેટની જરૂરિયાત પણ પૂરી કરી શકાશે. આ યોજનાને ગત વર્ષે ડિસેમ્બરમાં જ મંજૂરી આપી દેવાઈ હતી અને હવે તેનું સર્જનનું કામ શરૂ કરી દેવાયું છે.
જાણકારોના મતે આ બંધ હિમાયલના પર્વતિય વિસ્તારમાં એક વિશાળ ઘાટીમાં બનાવવામાં આવશે. અહીંયા બ્રહ્મપુત્રા નદી એક વિશાળ વળાંક લઈને અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે અને ત્યારબાદ બાંગ્લાદેશમાં જાય છે. જાણકારોના મતે આ ડેમ વિશ્વનો સૌથી મોટો ડેમ હશે જેની આગળ અત્યાર સુધી બનાવેલા તમામ ડેમ વામન કદના સાબિત થશે. ચીન દ્વારા બનાવવામાં આવેલો થ્રી ગોર્જેયસ ડેમ પણ આ સ્ટ્રક્ચરમાં સામેલ થશે. તેને દુનિયાનો સૌથી મોટો બંધ ગણવામાં આવે છે. તે ઉપરાંત ચીને તિબેટના સૌથી મોટા ૧.૫ અબજ ડોલરમાં બનાવેલા હાઈડ્રો પાવર સ્ટેશનનું સંચાલન પણ શરૂ કરી દીધું છે. એક દાયકા પહેલાં જેનું કામ શરૂ કરાયું હતું તે પાવર સ્ટેશન હવે કાર્યરત થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, ભારત આ બાંધકામ ઉપર નજર રાખીને બેઠું છે. બ્રહ્મપુત્રા નદીનું ઉદગમ સ્થળ તિબેટમાં છે અને તે ભારત તથા બાંગ્લાદેશમાં થઈને પસાર થાય છે. તેના ઉપર બંધ બનાવીને ચીન નીચે જતા પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માગે છે. તેના દ્વારા તે ભારત અને બાંગ્લાદેશને દબાવવા માગે છે.
જાણકારોના મતે ચીન દ્વારા તેનો ભવિષ્યમાં એક ભૂરાજનૈતિક હથિયાર તરીકે ઉપયોગ થઈ શકે છે. ભારત આ મુદ્દે ચિંતિત છે. ચીનનો આ વોટર બોમ્બ ભારત માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે. ચીન ચોમાસામાં પૂરની સ્થિતિને વધારે શકે છે અને ઉનાળામાં પાણી રોકીને દુકાળની સ્થિતિને વધારી શકે છે. તેના કારણે ભારતે પણ અરુણાચલમાં બ્રહ્મપુત્રા ઉપર બંધ બનાવવાનું શરૂ કરી દીધું છે.
આ ડેમના નિર્માણના કારણે ઘણા વિવાદ ચાલી રહ્યા છે. સૌથી પહેલાં તો તેની કિંમત મુદ્દે વિવાદ ચાલે છે. લોકોને લાગી રહ્યું છે કે, ચીન દ્વારા આ ડેમ પાછળ ૧.૨ ટ્રિલિયન યુઆનનો ઉપયોગ કરવામાં આવશે. આ રકમ આટલી મોટી સંખ્યામાં આ કામમાં ખર્ચાઈ રહી છે તો ખરેખર તેની જરૂર છે. આ રકમ દેશના લોકોના બીજા વિકાસ કાર્યોમાં પણ ખર્ચાઈ શકે છે. બીજી તરફ વાત આવે છે કે, નવો બંધ જ્યાં બની રહ્યો છે તે ભાગ તિબેટનો હિમાલયનો એવો ભાગ છે જ્યાં ભૂકંપની સક્રિયતા રહેલી છે. અહીંયા ટેક્ટોનિક પ્લેટો હાલતી હોય છે. તેના કારણે આ બંધ બાંધવા માટે એન્જિનિયરોએ એટલી બધી મજબૂત કામગીરી કરવી પડશે કે ભૂકંપમાં આ બંધના કોઈપણ માળખાને નુકસાન ન થાય. ચીને આ મુદ્દે વૈશ્વિક રીતે ખૂબ જ ઓછી માહિતી ફરતી કરી છે તેના કારણે ભારત અને બાંગ્લાદેશ વધારે ચિંતામાં છે.
સૂત્રોના મતે ચીનમાં અર્થયવસ્થા ઝડપથી વિકસી રહી છે. તેના કારણે ઉદ્યોગધંધા અને અન્ય કામગીરીને પગલે ઊર્જાની ડિમાન્ડ પણ વધી છે. આ સંજોગોમાં કોલસા ઉપર તો નિર્ભરતા વધારે જ છે અને જો તેમાં વધારો કરવામાં આવે તો પ્રદુષણ વધી જાય તેમ છે. કાર્બન ઉત્સર્જનને નિયંત્રિત કરવા માટે પાણીથી વીજળી ઉત્પન્ન કરવાની દિશામાં પગલાં ભરાયા. આ બંધ દ્વારા વિજળી ઉત્પન્ન કરવાની સાથે સાથે સિંચાઈ માટે પાણી આપવામાં અને પૂરને નિયંત્રીત કરવામાં પણ મદદ મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.
તિબેટ જેવા દુર્ગમ સ્થળોએ આવા મેગા પ્રોજેક્ટનું નિર્માણ ત્યાંના સ્થાનિક વિકાસને પણ વેગ આપશે તેવું માનવામાં આવે છે. બીજી તરફ આવા પ્રોજેક્ટ્સ દ્વારા ચીન આ વિસ્તારો ઉપર પોતાનો સકંજો વધારે મજબૂત કરશે તેવી પણ ચર્ચા છે.
જાણકારોના મતે આ ડેમના કારણે નદીના કુદરતી પ્રવાહમાં અવરોધ ઊભો થશે. તેના કારણે જળચર જીવન ખાસ કરીને માછલીઓનો પ્રવાસ અને પ્રજનન માટેનો જે તબક્કો છે તેના ઉપર નકારાત્મક અસરો જોવા મળશે. બંધમાં જ લીલ અને શેવાળ જામવા લાગશે જેથી બંધમાં પાણીના પ્રવાહમાં સમસ્યા થશે અને બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં કુદરતી લીલ અને શેવાળ જશે નહીં એટલે ત્યાં લીલની ખેતી અટકી જશે અને ઉત્પાદન ઘટી જશે.
યુરોપના 15 દેશો દ્વારા છેલ્લાં બે વર્ષમાં 487 ડેમ પાડી દેવામાં આવ્યા
અહીંયા સમજવા જેવી વાત એ છે કે, ચીન જિયોપોલિટિક્સના નામે આડોડાઈ ઉપર ઉતરેલું છે ત્યારે યુરોપના દેશો પ્રાકૃતિક સંતુલન જાળવવા મથી રહ્યા છે. સ્પેન, ફ્રાન્સ, સ્વીડન જેવા યુરોપના દેશો દ્વારા પોતાના જૂના બંધ ઝડપથી તોડવામાં આવી રહ્યા છે.
૨૦૨૩થી અત્યાર સુધીમાં યુરોપના ૧૫ દેશો દ્વારા ૪૮૭ બંધ તોડી પાડવામાં આવ્યા છે. તેમણે ૨૦૩૦ સુધીમાં ૨૫,૦૦૦ કિ.મીના પ્રવાહ સુધીની નદીઓને કોઈપણ પ્રકારના અવરોધથી મુક્ત કરવાની નીતિ અપનાવી છે. બંધ નદીઓના કુદરતી પ્રવાહ અને તંત્રને અવરોધે છે. તેને દૂર કરવાથી નદીઓ મૂળ સ્વરૂપે પાછી આવે છે અને તેનાથી જૈવ વિવિધતામાં પણ મદદ મળે છે. આ બંધના કારણે સેલ્મન જેવી મહત્ત્વની માછલીના કુદરતી ચક્રને મોટો અવરોધ આવતો હતો, તેમના પ્રજનન ચક્ર ઉપર ઘણી વિપરિત અસર પડી હતી. આ તમામ અસરને દૂર કરવામાં કામગીરી કરાઈ રહી છે. આ બંધ તોડવાના કારણે આ માછલીઓ મુક્ત રીતે ઉપર અને નીચે જઈ શકે છે અને તેમનું કુદરતી ચક્ર જળવાઈ રહે છે.
બીજી તરફ વાત એવી પણ છે કે, ઘણા જૂના બંધ સુરક્ષાની દ્રષ્ટીએ જોખમકારક હતા અને ખાસ કરીને જળવાયુ પરિવર્તન મુદ્દે તેમની નકારાત્મક ભૂમિકાનો ઉકેલ લાવવો જરૂરી હતી. તેના પગલે જ આ બંધ તોડવાની શરૂઆત કરાઈ છે.
જૂના બંધ વધારે કામમાં આવતા નહોતા, તેમની જાળવણી, પાણીનું સ્તર વગેરે અવ્યવસ્થિત હોવાથી તેમનો લાંબો ઉપયોગ શક્ય નહોતો. આ કારણે તેમને તોડવા જ તમામ સ્તરે ફાયદાકારક જણાતા હતા. યુરોપના દેશો પર્યાવરણની સ્થિરતા ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે અને પર્યાવરણના સુધારને પ્રાથમિકતા આપી રહ્યા છે.
તેઓ વૈશ્વિક સ્તરે માનવ વિકાસ અને પર્યાવરણની સુરક્ષાને સાંકળવા મુદ્દે કામ કરી રહ્યા છે. તેના કારણે જ બંધ તોડીને પૃથ્વીને સામાન્ય અવસ્થામાં લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.









