Editorial

ચાબહાર પર અમેરિકી રાહત : ભારત-યુરેશિયાને વધુ ફાયદો થશે

By GS TEAM
1 Nov 20258 mins read
ચાબહાર પર અમેરિકી રાહત : ભારત-યુરેશિયાને વધુ ફાયદો થશે

ચાબહાર ઉપર અમેરિકાએ છ મહિના સુધી પ્રતિબંધ ઉઠાવી લીધો છે જે ભારત, મધ્ય એશિયાના દેશો અને યુરોપના કેટલાક દેશોના વેપારને મોટો લાભ કરાવશે

અમેરિકાએ 29 ઓક્ટોબરે જ જાહેરાત કરી દીધી કે, આગામી છ મહિના સુધી ચાબહાર પોર્ટ ઉપર અમેરિકાના કોઈ પ્રતિબંધો રહેશે નહીં. ચાબહાર પોર્ટ ઉપર અમેરિકી પ્રતિબંધો દૂર થવાથી અબજો ડોલરનું રોકાણ કરીને ડેવલપમેન્ટના કામ કરનારા ભારતને સૌથી મોટો ફાયદો થવાનો છે ઃ ભારતે ચાબહાર બંદરના વિકાસમાં ૭.૫ અબજ રૂપિયાનું રોકાણ કર્યું છે. રોકાણ અને કામગીરીના મુદ્દે આ બંદર ખૂબ જ મહત્ત્વપૂર્ણ જગ્યા છે. આ બંદર ઉપર કામગીરી ચલાવવા માટે પણ ભારત દ્વારા મશીનરી અને નાના-મોટા સંસાધનો આપેલા છે : જાણકારોના મતે ઈરાક, જોર્ડન, લેબનોન, સીરિયા અને યમન સહિતના પશ્ચિમી એશિયાના દેશોમાં ભારતીયની નિકાસ કુલ ૮.૬ અબજ ડોલર અને આયાત ૩૩.૧ અબજ ડોલરની છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં ઈરાનને ભારતે ૧.૨૪ અબજ ડોલરની નિકાસ કરી હતી

અમેરિકાએ તાજેતરમાં ઈરાનના ચાબહાર પોર્ટ યોજના ઉપર લગાવેલા પ્રતિબંધો છ મહિના માટે દૂર કર્યા છે. ચાબહાર પોર્ટ યોજના ઉપર અમેરિકા દ્વારા લગાવાયેલા આ પ્રતિબંધો દૂર થવાથી ઘણા દેશોને રાહત થશે. ખાસ કરીને અબજો ડોલરનું રોકાણ કરીને ડેવલપમેન્ટના કામ કરનારા ભારતને સૌથી મોટો ફાયદો થવાનો છે. ભારત અને ઈરાન દ્વારા સંયુક્ત રીતે આ પોર્ટનું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. જાણકારોના મતે અમેરિકા દ્વારા ગત મહિને જ સંકેત આપવામાં આવ્યા હતા કે, ઈરાનના ચાબહાર પોર્ટ ઉપરથી પ્રતિબંધો દૂર કરવામાં આવશે. આ અંગે આગામી સમયમાં કામચલાઉ નિર્ણય લેવાશે અને આદેશ પણ જારી કરાશે. અમેરિકાએ ૨૯ ઓક્ટોબરે જ જાહેરાત કરી દીધી કે, આગામી છ મહિના સુધી ચાબહાર પોર્ટ ઉપર અમેરિકાના કોઈ પ્રતિબંધો રહેશે નહીં. મહત્ત્વની વાત એ છે કે, ભારતે મે ૨૦૨૪માં જ ૧૦ વર્ષ માટે ઈરાન સાથે કરાર કરીને મોટાપાયે રોકાણ કર્યું હતું. પોર્ટ, શિપિંગ, વોટર વે મિનિસ્ટ્રી હેઠળ સરકારી કંપની ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડે પોર્ટ વિકાસ માટે કરોડો ડોલરનું રોકાણ કરવાના કરાર કર્યા હતા. તેમાંથી ઘણુંખરું રોકાણ કરી દેવામાં આવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં ભારત દ્વારા મુખ્યત્વે તો ચાબહાર બંદર અને તેની સાથે જોડાયેલી રેલવે યોજનામાં મોટાપાયે રોકાણ કરેલું છે. આ યુદ્ધ શરૂ થયું તે પહેલાથી આ તમામ પ્રોજેક્ટ મોટાપાયે ચાલી રહ્યા છે. હાલમાં સર્જાયેલી સંઘર્ષની પરિસ્થિતિથી આ પ્રોજેક્ટને મોટી અસર પડશે. જો સંઘર્ષ વધ્યો તો નકારાત્મક અસરો સર્જાશે અને કદાચ કામગીરી બંધ કરવાની આવે અથવા તો યુદ્ધના કારણે નુકસાન પણ ભોગવવાનું આવી શકે તેમ છે. ઈરાનમાં યુદ્ધના કારણે પ્રોજેક્ટ્સમાં જે વિલંબ થશે અને નુકસાન થશે તેના કારણે ભારતીય અર્થતંત્રને પણ વ્યાપક નુકસાન થવાના એંધાણ છે. હાલમાં ઈરાન અને ઈઝરાયેલનું યુદ્ધ ભારતના આર્થિક રોકાણ, વ્યાપારિક કામગીરીઓ અને હવે વિદેશ નીતિ પણ સમસ્યાની એરણે આવી ગઈ છે. ભારતના અબજો રૂપિયાનું રોકાણ ઈરાનમાં થયેલું છે અને તેવી જ રીતે ઈઝરાયેલમાં પણ રોકાણ થયેલા છે. હવે યુદ્ધની સ્થિતિમાં સુધારો નહીં આવે તો ભારતના રોકાણ સામે મોટું જોખમ ઊભું થશે.  જાણકારોના મતે ચાબહાર ખાતે ભારત અને ઈરાનનો મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ભારતે ચાબહાર બંદરના વિકાસમાં ૭.૫ અબજ રૂપિયાનું રોકાણ કર્યું છે. રોકાણ અને કામગીરીના મુદ્દે આ બંદર ખૂબ જ મહત્ત્વપૂર્ણ જગ્યા છે. આ બંદર ઉપર કામગીરી ચલાવવા માટે પણ ભારત દ્વારા મિશનરી અને નાના-મોટા સંસાધનો આપેલા છે. ચાબહાર બંદર ભારત માટે એક રણનીતિક પ્રવેશદ્વાર જેવું છે. આ જગ્યા દ્વારા ભારતને અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને યુરેશિયામાં વ્યાપારી વ્યવહારો કરવાની સાનુકુળતા મળે છે. આ જગ્યા ભારત માટે ખરેખર ખૂબ  જ મહત્ત્વની છે. આ પોર્ટ હકિકતે તો ચીનના ગ્વાદર પોર્ટને ટક્કર આપવા માટે મહત્ત્વની કડી સમાન છે. ભારત અને ઈરાન ચાબહાર પોર્ટને જોડવા માટે ચાબહાર-જાહેદાન રેલવે યોજના ઉપર પણ ભારત કામ કરી રહ્યું છે. બંને દેશઓ આ યોજનાને ઝડપથી પૂરી કરવા માગે છે. આ ૭૦૦ કિ.મી. લાંબી રેલવે લાઈન હશે માલસામાનને લાવવા અને લઈ જવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવશે.

ભારતના વેપારની વાત કરીએ તો, ચાબહાર પોર્ટ ભારત માટે ખૂબ જ મહત્ત્વની જગ્યા છે. ભારત અહીંયાથી જ યુરોપ અને એશિયાના બીજા દેશો સાથેનો વેપાર સારી રીતે કરે છે. જાણકારોના મતે ઈરાક, જોર્ડન, લેબનોન, સીરિયા અને યમન સહિતના પશ્ચિમી એશિયાના દેશોમાં ભારતીયની નિકાસ કુલ ૮.૬ અબજ ડોલર અને આયાત ૩૩.૧ અબજ ડોલરની છે. નાણાકિય વર્ષ ૨૦૨૫માં ઈરાનને ભારતે ૧.૨૪ અબજ ડોલરની નિકાસ કરી હતી. તેમાં ૭૫૩ મિલિયન ડોલરના બાસમતી ચોખા, ૫૩ મિલિયન ડોલરના કેળા, ૭૦ મિલિયન ડોલરના સોયા, ૨૫ મિલિયન ડોલરની ચા, ૨૮ મિલિયન ડોલરના ચણા મોકલાવ્યા હતા. ખાસ બાબત એ છે કે, ૨૦૧૬માં ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય સમજુતી થઈ હતી જેમાં એક ઈન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિકસિત કરવાની વાત થઈ હતી. ત્યાંથી ભારત એશિયાના દેશો જેવા કે ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન અને તુર્કમેનિસ્તાન જેવા દેશો સુધીના વેપારને પ્રોત્સાહન આપી શકે. વ્યાપારિક દ્રષ્ટીએ આ પોર્ટ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અને તેથી જ ભારત અને ઈરાને તેને સંયુક્ત રીતે વિકસિત કરવાની યોજના બનાવી હતી. ઈરાન સાથેના કામમાં અમેરિકાએ કાયમ આડા ઉતરવાનું કામ કર્યું જ છે. અમેરિકાને મોટાભાગે ઈરાન સાથે સમયાંતરે વાંકુ પડે છે અને તેના ઉપર જાતભાતના પ્રતિબંધો મુકતું રહે છે. અમેરિકી પ્રતિબંધોએ કાયમ ભારતીય પ્રોજેક્ટમાં વિઘ્ન નાખ્યું જ છે. ૨૦૧૮થી ભારતને અમેરિકી પ્રતિબંધોમાંથી છૂટ મળી હતી પણ સપ્ટેમ્બર ૨૦૨૫માં અમેરિકાએ તેને રદ કરવાની ધમકી આપી હતી. હવે ફરીથી છ મહિનાની છૂટ આપી છે જેથી ભારતને રાહત છે. ભારત હવે વધુ છ મહિના સુધી આઈપીજીએલ ખાતે કામગીરી અને સંચાલન કરી શકશે. જાણકારોના મતે ભારત ઘણા સમયથી ઈરાન દ્વારા યુરેશિયા સાથે જોડાતા નેટવર્ક ઉપર થોભે અને રાહ જૂઓની નીતિ અપનાવીને કામ કરતું હતું. 

જિયો પોલિટિક્સના જાણાકારો માને છે કે, ભારતે હવે રશિયા અને ઈરાન સાથે નવેસરથી જોડાણ કરીને ડેપલપમેન્ટ અને ઈન્વેસ્ટમેન્ટના નવા રસ્તા શોધવા જોઈએ. તેઓ મેકિનિઝમ, ઈન્વેસ્ટમેન્ટ રિસોર્સ અને ઈકોનોમિક યૂનિટ્સ બનાવીને કામ કરે જેમાં નવા દેશો સાથે નવેસરની ભાગીદારી કરી શકાય અને નવા આયામ ઉપર કામ કરી શકાય. ખાસ કરીને પશ્ચિમી પ્રતિબંધોથી સરકારી કંપનીને સુરક્ષિત રાખવા અને વારંવાર થતા પ્રતિબંધથી અટકતા કામ અને થતા નુકસાનને દૂર કરવા માટે પણ નવા યોજના અને જોડાણ જરૂરી થઈ ગયા છે. જાણકારો માને છે કે, ભારત માટે હવે ખૂબ જ જરૂરી થઈ ગયું છે કે, તે ઈન્ટરનેશનલ નોર્થ, સાઉથ કોરિડોરમાં આધુનિક લોજિસ્ટિક્સ અને પરિવહનના માળખાનો વિકાસ કરે. આ દિશામાં કામ કરવામાં આવશે તો વિઘ્ન વગર અને પ્રતિબંધો વગર સરળતાથી કામ કરી શકાશે. ભારત જો ઈરાન થકી લાંબા સમય સુધી કોઈપણ જાતના વિઘ્ન અને અડચણ વગર કામ કરવા માગતો હોય તો તેણે અમેરિકાના પ્રતિબંધોથી આગળ વધીને નવી યોજનાઓ ઉપર વિચાર કરવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ચાબહાર પોર્ટ ભારતના પશ્ચિમી કિનારાથી ૮૦૦ કિલોમીટર દૂર છે. પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી ઘણું નજીક આવેલું આ ચાબહાર પોર્ટ ભારત માટે એક વૈકલ્પિક માર્ગ છે. તેના દ્વારા ભારત મધ્ય એશિયા સાથે જોડાવા માટે પાકિસ્તાન ઉપરની નિર્ભરતાથી મુક્ત થઈ જાય છે. તાલિબાની શાસન આવવા દરમિયાન ભારત અને અફઘાનિસ્તાનના સંબંધો અટકી ગયા હતા. હવે તાલિબાનોના નવા શાસન દરમિયાન સ્થિતિ ઘણી બદલાઈ છે. તાલિબાન સરકારના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી થોડા સમય પહેલાં જ ભારત પ્રવાસ કરીને ગયા છે. આ પોર્ટ થકી ભારતને મદદ કરવાની અને વેપાર આગળ વધારવાની ચર્ચા તેમની સાથે થઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

આ સિવાયના રોકાણની વાત કરીએ તો ઈન્ટરનેશનલ ઉત્તર-દક્ષિણ કોરિડોર કે જે ૭,૨૦૦ કિ.મી. લાંબો મલ્ટીમોડ ટ્રાન્સપોર્ટેશન કોરિડોર બનવાનો છે. તે ભારત, ઈરાન, અફઘાનિસ્તાન, આર્મેનિયા, અઝરબૈઝાન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપ વચ્ચે માલ સામાનના સપ્લાય અને વેપાર માટે ખૂબ જ મહત્ત્વનો બની રહેશે. ચાબહાર બંદર પણ આ કોરિડોરની સાથે જ સંકળાયેલો એક ભાગ છે. આ યોજના ભારતના અર્થતંત્રને મજબૂતી આપશે અને તેના પ્રાદેશિક પ્રભાવને ખૂબ જ વધારશે. હાલમાં કેટલાક ભાગનું નિર્માણ થઈ ગયું છે અને કેટલાકનું નિર્માણ ચાલું છે અને કેટલાકનો ઉપયોગ શરૂ કરી દેવાયો છે. આ તમામમાં ભારતે વ્યાપક રોકાણ કરેલું છે.

- ચીન-પાકિસ્તાનની જોડીનો સામનો કરવા આ પોર્ટ જરૂરી

ચાબરપોર્ટ માત્ર ઈરાન સાથેનું જોડાણ કે મધ્ય એશિયાનો રસ્તો એટલું જ નહીં તેનું મહત્ત્વ ઘણું છે. ખાસ કરીને ભારત માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ભારત માટે રણનૈતિક દ્રષ્ટીએ પણ તેનું ખૂબ જ મહત્ત્વ છે. 

ચાબહાર પોર્ટ અને તેની સાથે જોડાયેલા વિવિધ યોજનાઓ અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને યુરોપને ભારત સાથે જોડે છે. તેનું આર્થિક મહત્ત્વ પણ ખૂબ જ મોટું છે. ચાબહાર પોર્ટ દ્વારા જ અફઘાનિસ્તાનને અનાજ, દવાઓ, કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી તમામ વસ્તુઓ, સામાન અને સહાય ભારત દ્વારા મોકલવામાં આવે છે. તાલિબાનો સત્તામાં આવ્યા ત્યારબાદ પણ ભારતે આ પોર્ટ દ્વારા અફઘાનિસ્તાનને મદદ કરવાનું ચાલુ જ રાખ્યું છે. આ પોર્ટની બીજી સૌથી મોટી ખાસિયત એ છે કે, ચીન-પાકિસ્તાનની જોખમી જોડીને નાથવા અને તેનો મધ્ય એશિયામાં પ્રભાવ ઓછો કરવા માટે પણ મહત્ત્વનું છે. ભારત આ પોર્ટ થકી જ આ નાપાક જોડીને આડોડાઈ કરતા અટકાવી શકે છે. ચીન અને પાકિસ્તાનની સીપેક યોજનાની સામે ભારતનું ચાબહાર પોર્ટ યુરેશિયાનું જિયો પોલિકિટલ સંતુલન જાળવી શકે છે. આ પોર્ટને અપાયેલુ છુટ હવે ઈન્ડિયન પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડને ઈરાન ફ્રિડમ એન્ડ કાઉન્ટર પોર્ટફોલિયો એક્ટ હેઠળ કામ કરવાની આઝાદી આપે છે. આઈપીજીએલ આ પોર્ટના શાહિદ બેહેશ્ટી ટર્મિનલ ઉપર કામ કરી રહી છે. 

આ રાહત વર્ષ ૨૦૧૮માં પહેલી વખત જાહેર કરવામાં આવી હતી. તેનાથી પાકિસ્તાનની જગ્યાએ ચાબહાર દ્વારા અફગાનિસ્તાન અને મધ્ય એશિયાના દેશો માનવિય સહાય પહોંચાડી શકાય છે અને વેપાર પણ કરી શકાય છે. ચીની અહેવાલો પણ સ્વીકારે છે કે, ભારતની લુક વેસ્ટ નીતિ ચાબહાર પોર્ટ ઉપર આધારિત છે અને મધ્ય એશિયા માટે આ પોર્ટ જ ઈકોનોમિક ગેટ વે છે. ભારતની લુકવેસ્ટ નીતિ જ છે જેનો ઉદ્દેશ પશ્ચિમી એશિયાના દેશો સાથે જોડાણ વધારે મજબૂત કરવું. તેમાં ખાડી સહયોગ પરિષદના દેશો ઈરાન, ઈઝરાયલ અને અન્ય આરબ દેશો પણ જોડાયેલા છે. આ નીતિ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત આર્થિક બળ આપે છે અને સુરક્ષા પણ પૂરી પાડે છે.