ટ્રેડ ડીલ માટે ભારતને ઉશ્કેરવા પાકિસ્તાનને કાખમાં લઇ ટ્રમ્પ ફરતા થયા

- હકીકતો નજરઅંદાજ કરી રશિયા, બ્રિકસ દેશોના સંબંધોના નામે તરંગી ટ્રમ્પના હવાતિયા
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મિત્રતા રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પની પ્રથમ ટર્મ અને સત્તા ઉપર આવ્યા પછી બન્ને નેતાઓની મુલાકાતમાં અન્ય દેશો માટે ઈર્ષ્યા સમાન હતી. અમેરિકામાં વધારે શક્તિશાળી નેતા તરીકે તરીકે ફરીથી જીત મેળવ્યા બાદ સત્તાનો નશો ટ્રમ્પના દિમાગમાં ઘુસી ગયો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા સાથે પત્રકારોની હાજરીમાં ઉદ્ધત વર્તન, ગાઝા ખાલી કરાવી ત્યાં રીઅલ એસ્ટેટ ડેવલપમેન્ટ કરવું, જેને અમેરિકાએ ત્રાસવાદી તરીકે વોન્ટેડ જાહેર કર્યા તે સિરિયાના નેતા સાથે દ્વિપક્ષીય સંબંધોની જાહેરાત તેમના નશાની નિશાની છે. પાકિસ્તાન સાથે ઓપરેશન સિંદુર સામે પોતે યુદ્ધ વિરામની ઘોષણા પછી પોતે યુદ્ધ અટકાવ્યું એવું વારંવાર બબડી રહ્યા છે. ભારત સાથે વાટાઘાટ ચાલુ હોવા છતાં અચાનક જ ટેરિફની જાહેરાત પણ તેમના તરંગી સ્વભાવનું ઉદાહરણ છે. ભારતની વર્તમાન શક્તિના આંકડાઓ અને હકીકત નજરઅંદાજ કરી રહ્યા છે. એટલી હદે કે ભારત સામે મગતરા લાગતા પાકિસ્તાનને કાખમાં લઇ ભારતને જ ઉશ્કેરવા પ્રયત્ન કરી રહ્યા છે.
અન્ય દેશોની જેમ ઘૂંટણીયે પડી કૃષિ, ડેરી ક્ષેત્ર અને દરેક ચીજો માટે બજાર સંપૂર્ણ મુક્ત કરવાનો ભારતે ઇનકાર કરી દેતા અમરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દાદાગીરી ઉપર ઉતરી આવ્યા છે. ભારતના કટ્ટર દુશ્મન પાકિસ્તાનને કાખમાં લઇ ભારતને ઉશ્કેરવા માટે પ્રયત્ન થઇ રહ્યા છે. અમેરિકાએ બુધવારે ભારત ઉપર ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરી અને ઇસ્લામાબાદ સાથે ટ્રેડ ડીલ થયાની ઘોષણા કરી. ગુરુવારે ટેરિફના ઓર્ડર કર્યા એમાં ભારત ઉપર ૨૫ ટકા પણ પાકિસ્તાન ઉપર ૧૯ ટકા ટેરિફ લાદવામાં આવ્યા છે. આ ઉપરાંત, પાકિસ્તાનમાં ક્રુડ ઓઈલનું સંશોધન કરવા, તેનું ઉત્પાદન કરવા માટે અમેરિકા રોકાણ કરશે એવી જાહેરાત ટ્રમ્પ કરી ગયા છે. ટ્રમ્પ એવો ટોણો મારે છે કે ભવિષ્યમાં પાકિસ્તાન ભારતને ક્રુડ ઓઈલ વેંચશે.
પાંચ દાયકા સુધી નવી દિલ્હી સાથે દુશ્મન જેવું વર્તન કર્યા પછી, ભારતને દરેક મોરચે આગળ નહીં દેવાના અમેરિકાના અથાગ પ્રયત્ન નિષ્ફળ રહ્યા બાદ અમેરિકા સાથે સંબંધો બે દાયકાથી સુધરી રહ્યા હતા.
અમેરિકાએ ભારતની આર્થિક પ્રગતિ સાથે ટેકનોલોજી, ડિફેન્સ, ફાર્મા અને સ્પેસની હરણફાળ સ્વીકારી દરેક મોરચે સહકાર શરૂ થયો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ફેબુ્રઆરીમાં વોશિંગ્ટન ખાતે મુલાકાત થઇ હતી. બન્ને દેશોએ દ્વિપક્ષીય વ્ય્વાપર પાંચ વર્ષમાં ૫૦૦ અબજ ડોલર સુધી પહોંચાડવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, ભારત અમેરિકા પાસેથી જરૂરી શસ્ત્રો ખરીદશે અને વર્ષે ૨૫ અબજ ડોલરનું ક્રુડ, નેચરલ ગેસ ખરીદવાની જાહેરાત થઇ હતી. આ મુલાકાતમાં ભારતની કંપનીઓએ અમેરિકામાં ૭.૫ અબજ ડોલરના રોકાણની વાત પણ કરી હતી. અમેરિકાની નાસા અને ભારતની ઈસરોના સંયુક્ત સ્પેસ મિશન નિસારના લોન્ચના દિવસે જ ટ્રમ્પે ભારતનું અપમાન કર્યું છે. પણ હવે, અચાનક જ ટ્રમ્પ આડા ફાટયા છે.
આ ધરતી અને આકાશ વચ્ચે રહેલી તમામ સજીવ - નિર્જીવ, અણુ - પરમાણુ વિષે પોતાને જેટલું જ્ઞાાન છે, જેટલી ખબર પડે છે એટલી કોઈને નથી ખબર પડતી એવા નિવેદનો ટ્રમ્પ વારંવાર આપે છે. ટ્રમ્પને પોતાના સત્ય સિવાય બીજા કોઈના સત્ય ઉપર વિશ્વાસ નથી, પોતે જ મહાજ્ઞાાની છે પણ પાકિસ્તાનના નામે ભારતને ઉશ્કેરવાનો પ્રયત્ન એકદમ બાલિશ છે. એટલું જ નહીં ટ્રમ્પ અને તેમનું વહીવટી તંત્ર, તેમની ચાંપલૂસી કરતા તેમના મંત્રીઓ (સોરી સેક્રેટરીઓ) પણ હકીકતો અંગે અજાણ હોવાનું પુરવાર થઇ રહ્યું છે.
અહંકાર સાથે ટ્રમ્પ જેને મૃત ગણાવે છે એવા ભારતના અર્થતંત્રનું કદ અત્યારે ૩૯૧૦ અબજ ડોલર છે, પાકિસ્તાનનું અર્થતંત્ર ૩૭૩ અબજ ડોલર એટલે કે ભારતના અર્થતંત્રના ૧૦માં ભાગનું છે! પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે કુલ ૭.૩ અબજ ડોલરનો વ્યાપાર છે જયારે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર ૧૩૨ અબજ ડોલરનો છે. પાકિસ્તાન આખી દુનિયામાં જેટલી આયાત અને નિકાસ કરે છે તેનાથી ત્રણ ગણો વ્યાપાર ભારત એકલું અમેરિકા સાથે કરે છે! ભારત દૈનિક ૧૦ લાખ બેરલ ક્રુડ ઓઈલનું ઉત્પાદન કરે છે અને પાકિસ્તાનનું ઉત્પાદન માત્ર ૮૮,૬૯૨ બેરલનું છે એટલે કે ભારતના ઉત્પાદનના માત્ર આઠ ટકા. જીયોલોજી અનુસાર ભારત પાસે ઉત્પાદન થઇ શકે એવી ૬૫.૧૭ કરોડ બેરલની અનામત છે જયારે પાકિસ્તાનની આ અનામત ત્રીજા ભાગની કે ૨૩ કરોડ બેરલની છે! આ સરકારી અને સત્તાવાર આંકડા છે જેની જાણકારી ટ્રમ્પ વહીવટી તંત્રને હોવી જરૂરી છે.
બીજું, રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ભારત ખરીદી કરી રહ્યું હોવાથી ટ્રમ્પ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને ભારતને દબડાવે છે. રશિયાની ખરીદી મામલે પેનેલ્ટી લાદવાની જાહેરાત પણ કરી ચૂક્યા છે. ટ્રમ્પનો આ અભિગમ પણ વ્યવહારુ નથી. ટ્રમ્પ વાસ્તવિકતાને નજરઅંદાજ કરી રહ્યા છે. સૌથી પહેલા જાણીએ કે દેશની કુલ ક્રુડ ઓઈલ આયાતમાં આઠ ટકા હિસ્સો અમેરિકાથી આવે છે. જાન્યુઆરીથી જૂન ૨૦૨૫ના છ મહિનામાં દૈનિક ૨.૭૧ લાખ બેરલ ક્રુડ અમેરિકાથી ભારત આવેલું જે આગળના વર્ષ કરતા ૫૧ ટકા વધારે છે. વર્ષ ૨૦૨૪ દરમિયાન અમેરિકા પાસેથી ૭.૨૫ અબજ ક્યુબીક મીટર લીક્વીફાઈડ નેચરલ ગેસ ભારતે ખરીદયો હતો, આગળના વર્ષ કરતા ૫૫ ટકા વધારે. આમ છતાં, અમેરિકા રશિયા પાસેથી ખરીદી બંધ કરવા દબાણ કરી રહ્યું છે. શસ્ત્રોની ખરીદીમાં પણ ભારત અને અમેરિકા વચ્ચે ૨૦૦૮થી કરાર થયેલા છે. ભારતે ખરીદી ઉપરાંત અમેરિકન સેના સાથે કવાયત કરવા, અમેરિકન કંપનીઓને ભારતમાં ઉત્પાદન કરવાની શરૂઆત કરી છે. અત્યારે દેશના ૧૦ ટકા શસ્ત્રો કે સંબંધિત સાધનો અમેરિકા પાસેથી આવે છે.
પાકિસ્તાન સાથે ગાઢ સંબંધો ઉભા કરવા ઉપરાંત ટ્રમ્પ અલગ રીતે ભારતને નાથવા પ્રયત્નશીલ છે. ભારત પાસેથી અમેરિકા જે ચીજોની ખરીદી કરે છે તેમાં સ્પર્ધક દેશને ફાયદો થાય એ પ્રકારે ટેરિફ લાદવાના હુકમ ઉપર ગુરુવારે રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કર્યા છે. અમેરિકામાં વર્ષે ૧૧ અબજ ડોલરની ટેક્સટાઈલ નિકાસ ભારત કરે છે અને વૈશ્વિક બજારમાં ચીન, બાંગ્લાદેશ, વિયેતનામ ભારતના મુખ્ય સ્પર્ધક છે. ચીન સાથે અમેરિકા વાટાઘાટ કરી રહ્યું છે અને તેના ઉપર નવા ટેરિફ લાદવામાં આવ્યા નથી. બાંગ્લાદેશ અને વિયેતનામ ઉપર ૨૦ ટકા ટેરિફની જાહેરાત થઇ છે જે ભારત કરતા ઓછા છે. એવી જ રીતે ઇલેક્ટ્રોનિકસની ૭.૫ અબજ ડોલરની અમેરિકા નિકાસ ભારત માટે મહત્વની છે અને તેમાં ચીન અને તાઈવાન ભારતના સ્પર્ધક છે.
તાઈવાન ઉપર પણ અમેરિકાએ ભારત કરતા ઓછા એટલે કે ૨૦ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. અમેરિકામાં વર્ષે ૧૦ અબજ ડોલરની જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં પણ ભારત સામે ચીન સ્પર્ધામાં છે. હીરાની બજાર અત્યારે અન્ય રીતે વૈશ્વિક પડકારો ઝીલી રહી છે પણ ઘરેણાની બજારમાં તેજી છે. ચીન સાથે અમેરિકા અલગથી વાટાઘાટ કરી રહ્યું છે અને ચીનની પ્રોડક્ટનો અમેરિકા પાસે કોઈ વિકલ્પ નહીં હોવાથી ટ્રેડ ડીલ થશે એ નક્કી છે.
ત્રીજું, અમેરિકામાં વસવાટ કરતા, સ્થાયી થયેલા ભારતીય મૂળના લોકોના સ્થાનિક યોગદાન અંગે પણ ટ્રમ્પ વાકેફ નહીં હોય એ શક્ય નથી. એ ડોળ કરી રહ્યા હશે પણ એમને ચોક્કસ જણકારી તો છે જ. કારણ કે, અમેરિકાની ગુપ્તચર સંસ્થાના વડા તરીકે તુલસી ગબ્બાર્ડ અને ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (એફબીઆઈ)ના વડા કાશ પટેલ છે, બન્ને ભારતીયો છે. આ ઉપરાંત, અમેરિકામાં ૫૨ લાખ ભારતીયો કાયમી વસવાટ કરે છે જે વસતીના ૧.૫ ટકા થાય. આ મૂળ ભારતીય અમેરિકન અમેરિકાના અર્થતંત્ર, વિજ્ઞાાન, વ્યાપાર અને રોજગારી સર્જનમાં મોટો હિસ્સો ધરાવે છે. અમેરિકામાં વસવાટ કરતા ભારતીયો વર્ષે ૩૦૦ અબજ ડોલરનો અમેરિકામાં ટેક્સ ચૂકવે છે જે ત્યાના આયકરમાં ૬ ટકાનો હિસ્સો ધરાવે છે. વિશ્વની સૌથી મોટી ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાં ૧૬ કંપનીઓના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર ભારતીય છે જે વર્ષે એક ટ્રીલીયન ડોલરનું વેચાણ ધરાવે છે અને ૨૭ લાખ લોકોને રોજગારી આપે છે. અમેરિકામાં ૭૨ સ્ટાર્ટઅપ યુનિકોર્નના સ્થાપક ભારતીય મૂળના છે. ભારતીય કંપનીઓએ અમેરિકામાં ૪૦ અબજ ડોલરનું રોકાણ કરેલું છે.
અમેરિકા ભલે ઉધામા કરે, કૃષિ, ડેરી ક્ષેત્રમાં પ્રવેશ નહીં જ
દુનિયાના ચોથા ભાગનું એટલે કે વર્ષે૨૪૦ અબજ લીટર દૂધ ઉત્પાદન કરતા ભારતના ડેરી ક્ષેત્ર ઉપર દુનિયાની નજર છે. યુનાઈટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન સાથે વ્યાપર સંધિમાં ભારતે આ ક્ષેત્રને બાકાત રાખ્યું હતું.
ચીન, જાપાન, ન્યુઝીલેન્ડ જેવા દેશો સાથેના સંગઠન રીજીયોનલ કોમ્પ્રીહેન્સિવ પાર્ટનરશીપ (આરસેપ) વાટાઘાટમાંથી આ બન્ને ક્ષેત્રને બાકાત રાખવાના મુદ્દે ભારતે ૨૦૧૯માં પોતાની સભ્યતા પરત ખેંચી લીધી હતી. હવે, અમેરિકા જિદ્દે ચડયું છે.
દેશના કરોડો ખેડૂત અને ૪૦ કરોડ પશુપાલકોની એકમાત્ર આજીવિકા ઉપરની આ તરાપ ભારત સાંખી શકે નહીં. વિદેશી કંપની ભારતમાં ૧૦૦ ટકા મૂડીરોકાણ કરી કંપની સ્થાપી શકે પણ ત્યાં ઉત્પાદિત ચીજો ભારતમાં વેચવા સામે વિરોધ છે. આ સ્થિતિમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની જીદ અને તેમના પેટનો દુખાવો અલગ છે અને તેના નામે તે રશિયા, ક્રુડ ઓઈલ, ઓટોમોબાઈલ્સ જેવી ચીજોના નામ લઇ રોજ ભારત સામે બળાપા કાઢી રહ્યા છે.








