Editorial

બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, રાજકીય સગાવાદ યુવા પેઢીનો આક્રોશ

By GS TEAM
1 Oct 20258 mins read
બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, રાજકીય સગાવાદ યુવા પેઢીનો આક્રોશ

- ફ્રાન્સ, શ્રીલંકા, નેપાળ, મેડાગાસ્કર, પેરુ, કેન્યામાં જેન-ઝીની ક્રાંતિ

- મેડાગાસ્કરમાં યુવાનો દ્વારા સત્તા પરિવર્તનનો શંખનાદ કરવામાં આવ્યો હતો જેમાં તેઓ સફળ રહ્યા હતા. આ વિરોધ અને વિદ્રોહમાં ૨૨ લોકોનાં મોત થયા છે. વીજળી, પાણીની અછત, મોંઘવારી, પાયાગત સુવિધાઓનો અભાવ, બેરોજગારી જેવા ઘણા મુદ્દે દેશની રાજધાની એન્ટાનાનારિવો ખાતે હજારો યુવાનો રસ્તે ઉતરી આવ્યા હતા : પેરુમાં કોંગ્રેસ દ્વારા પેન્શન ફંડમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેના કારણે યુવાનોમાં ફફડાટ ફેલાયો કે આ સુધારાને પગલે તેમનું ભાવી અસુરક્ષિત થઈ જશે. તે ઉપરાંત વધતી ગુનાખોરી, બેરોજગારી અને ભ્રષ્ટાચારના કારણે પણ યુવાનો રોષે ભરાયેલા હતા : કેન્યા સરકારે બ્રેડ, ડાઈપર્સ અને સેનેટરી ટોવેલ્સ સહિત કેટલાક ગુડ્સ અને સર્વિસ ઉપર ટેક્સ વધારવાની વિચારણા કરી હતી. આ વાત બહાર આવતા જ લોકો વિરોધ કરવા ઉતરી પડયા હતા. આ વિરોધ પ્રદર્શનોમાં મોટાભાગના લોકો યુવાનો જ હતા. ત્યારે જેન-ઝી પ્રોટેસ્ટ જેવો શબ્દ ચર્ચામાં આવ્યો હતો 

વિશ્વમાં છેલ્લાં કેટલાક સમયમાં એવા આંદોલનો થયા છે જેણે ઘણા દેશોને અંદરથી હમચાવી કાઢયા છે તો કેટલાકમાં સત્તા પરિવર્તન કરાવી દીધું છે. આ તમામ આંદોલનોને હવે જેન-ઝી આંદોલન નામ આપવામાં આવ્યું છે. નવી પેઢી, યુવા પેઢી દ્વારા દુનિયાના વિવિધ દેશોમાં પોતાની સરકાર સામે જ બંડ પોકારવામાં આવ્યું. અન્યાય, અનીતિ, ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દે તેમણે સોશિયલ મીડિયાથી શરૂ કરીને શહેરોના રસ્તા સુધી આંદોલન માંડયા છે. તેના કારણે પરિવર્તનનો પવન ફુંકાવા લાગ્યો છે. ધીમે ધીમે આ યુવા ક્રાંતિનો રંગ વિવિધ દેશોને લાગતો જાય છે. નેપાળમાં થોડા સમય પહેલાં જે થયું તે આ જેન-ઝી ક્રાંતિનો જ પરચો હતો. નેપાળમાં જે ક્રાંતિ થઈ તેની પહેલાં શ્રીલંકા, પાકિસ્તાનમાં પણ સમયાંતરે આવું જોવા મળ્યું હતું. ખાસ કરીને નેપાળ, બાંગ્લાદેશ, ફ્રાન્સ, અમેરિકાના કેટલાક રાજ્યો વગેરેમાં જે જેનઝી ક્રાંતિ ફેલાઈ છે તેણે હવે બે નવા દેશને પણ રંગ લગાડયો છે. તાજેતરમાં જ પેરુમાં અને માડાગાસ્કરમાં યુવાનો રસ્તે ઉતરી આવ્યા છે. 

આફ્રિકાના પૂર્વે આવેલા એક ટાપુદેશ માડાગાસ્કરમાં યુવાનો દ્વારા સત્તા પરિવર્તનનો શંખનાદ કરવામાં આવ્યો હતો જેમાં તેઓ સફળ રહ્યા હતા. આ વિરોધ અને વિદ્રોહમાં ૨૨ લોકોનાં મોત થયા છે. માડાગાસ્કરમાં યુવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા સરકાર સામે અનેક નીતિઓને પગલે બાંયો ચડાવવામાં આવી છે. તેમની આ યુવાક્રાંતિની અસર પણ એટલી મજબૂત થઈ કે સરકાર ઘુંટણીયે આવી ગઈ છે. સૂત્રોના મતે માડાગાસ્કરના પ્રમુખ એન્ડ્રી રોઝોઈલિનાએ સોમવારે સરકારનો ભંગ કરી દીધો હતો. વીજળી, પાણીની અછત, મોંઘવારી, પાયાગત સુવિધાઓનો અભાવ, બેરોજગારી જેવા ઘણા મુદ્દે દેશની રાજધાની એન્ટાનાનારિવો ખાતે હજારો યુવાનો રસ્તે ઉતરી આવ્યા હતા. આંદોલન દરમિયાન અહીંયા પણ યુવાનો દ્વારા રાજનેતાઓના ઘર ઉપર, ઓફિસો ઉપર, જાહેર સાહસોની કચેરીઓ ઉપર, બજારમાં અને બેન્કોમાં તોડફોડ, લૂંટફાટ કરવામાં આવી અને આગચંપી પણ કરવામાં આવી.

મેડાગાસ્કરમાં તો હજી સોમવારે જ આ ઘટના બની પણ તેના અઠવાડિયા દિવસ પહેલાં પેરુમાં પણ આવો જ વિદ્રોહ ઉઠયો હતો. જેનઝી દ્વારા બેનર બનાવીને, સોશિયલ મીડિયા થકી, મીમ્સ બનાવીને સરકારનો વ્યાપક વિરોધ કરવામાં આવ્યો હતો. પેરુમાં પણ સરકાર દ્વારા સોશિયલ મીડિયા ઉપર બેન મુકવાના પગલે યુવાનો ભડક્યા હતા અને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. પેરુના રાષ્ટ્રપ્રમુખ ડિના બોલુઆર્ટે વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે હિંસક દેખાવો શરૂ કરી દીધા હતા. પેરુની રાજધાની લીમા ખાતે અનેક યુવાનો વિરોધ માટે આવી ગયા હતા. આ યુવાનો પણ ભ્રષ્ટાચાર, આર્થિક સુરક્ષા અને પેન્શન કાયામાં થયેલા સુધારાના વિરોધમાં રસ્તે ઉતરી આવ્યા હતા. 

હકિકતે હાલમા વૈશ્વિક સ્તરે આ પ્રવૃત્તિ જોવા મળી રહી છે. માત્રા પેરુ કે નેપાળ કે પછી માડાગાસ્કર જ નહીં, દુનિયાના ઘણા દેશોમાં આ જ સ્થિતિ છે. બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, કેન્યામાં પણ યુવાનો દ્વારા પહેલાં ડિજિટલ પ્લેટફોર્મ થકી વિરોધ શરૂ કરાયો અને ત્યારબાદ યુવાનો રસ્તે ઉતરી આવ્યા અને ચારેતરફ હિંસક માહોલ ઊભો થઈ ગયો. યુવાનો સીધા જ સત્તાની સામે મેદાને પડી ગયા અને વિવિધ દેશોમાં રાજકીય ભૂકંપ આવી ગયો. નેપાળના યુવાનોએ આંદોલન દરમિયાન કહ્યું હતું કે, બહુમતી આવી જવાથી નેતાઓ માને છે કે, અમે ગમે તે કરી શકીએ છીએ અને દેશના લોકો અમારા ગુલામ છે. તેમણે આ વાત ભુલી જવી જોઈએ. નેપાળની આ જેન-ઝી ક્રાંતિએ દુનિયામાં નવા જ પ્રકારની યુવા ક્રાંતિના બીજ વાવી દીધા છે. 

નેપાળમાં સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુકવાના સરકારના આદેશના કારણે યુવાનો ગિન્નાયા હતા અને રસ્તે ઉતરી આવ્યા હતા. 

સરકારે ફેકન્યૂઝ અને હેટ સ્પીચનું કારણ આગળ ધરીને સોશિયલ મીડિયા બંધ કર્યું પણ તેની અસર ભયાનક જોવા મળી. દેશમાં ચારેતરફ અફરાતફરી મચી ગઈ. લાખો યુવાનો રસ્તે આવી ગયા અને સરકારી ઓફિસો, રાજકારણીઓના મકાનો, કચેરીઓ, સંસદ બધે જ ઘુસીને તોડફોડ કરી નાખી. કેટલાક રાજકારણીઓના તો મકાનો પણ સળગાવી દેવાયા અને હિંસાનું જઘન્ય તાંડવ જોવા મળ્યું. તેના કારણે નેપાળમાં સત્તા પલટો થયો અને કામચલાઉ સરકારની સ્થાપના કરાયા બાદ મામલો થાળે પડયો. આ તો માત્ર નેપાળની વાત હતી. તેની પહેલાં યુવાનોએ અન્ય દેશમાં પણ આ જ ઘટનાક્રમ અપનાવ્યો હતો.

ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં બાંગ્લાદેશ ખાતે જેન-ઝી આંદોલન ફાટી નીકળ્યું હતું. ૭૬ વર્ષીયા બાંગ્લાદેશી પીએમ શેખ હસીના સામે યુવાનો લાલ આંખ કરીને બંડ પોકારવા લાગ્યા હતા. તેના પગલે તેમનું ૧૫ વર્ષનું શાસન હાલી ગયું હતું. આંદોલન એટલું હિંસક અને વ્યાપક થઈ ગયું કે, શેખ હસીના રાજીનામુ આપીને દેશ છોડીને નાસી ગયા તથા બાંગ્લાદેશમાં નોબેલ વિજેતા મુહમ્મદ યુનુસના વડપણ હેઠળ વચગાળાની સરકારની રચના કરવામાં આવી. બાંગ્લાદેશી યુવાનો પણ ભ્રષ્ટાચાર, બેરોજગારી, અપૂરતું શિક્ષણ અને અન્ય પ્રાથમિક જરૂરિયાતો મુદ્દે રોષે ભરાયેલા હતા. તેમની મોટી માગણી એવી પણ હતી કે, ૧૯૭૧ના યુદ્ધમાં જે સૈનિકો દેશ માટે લડયા હતા તેમના વારસદારોને સરકારી નોકરીમાં ૩૦ ટકા અનામત આપવામાં આવે તેવો નિયમ રદ કરવામાં આવે. તેના કારણે અન્ય યુવાનો માટે સરકારી નોકરીના વિકલ્પો ઓછી થઈ જાય છે. હસીનાએ તેમના માગણી ફગાવી દીધી અને બાંગ્લાદેશમાં હિંસક આંદોલન શરૂ થઈ ગયા. આ આંદોલનમાં  ૧૦૦ જેટલા લોકોનાં મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હિંસાના બીજા જ દિવસે શેખ હસીના રાજીનામું આપીને દેશ છોડીને ભાગી ગયા. 

દુનિયાનો એક નાનકડો અને શાંત દેશ જ્યોર્જિયા પણ જેન-ઝીનાં આંદોલન અને હિંસાનો ભોગ બન્યો હતો. અહીંયા પણ ૨૦ વર્ષની આસપાસના યુવાનો ટિલિસી અને અન્ય શહેરોમાં ઉતરી આવ્યા હતા. હજારોની સંખ્યામાં યુવાનો વિરોધ કરવા લાગ્યા હતા. જ્યોર્જિયા સરકાર દ્વારા દ્વારા એક ફોરેન એજન્ટ બિલ લાવવામાં આવ્યું હતું જેમાં ઘણી બાબતોની માગણી કરવામાં આવી હતી. સ્થાનિકોએ વિરોધ કરતા જણાવ્યું કે, જેમ રશિયા દ્વારા એનજીઓ અને અન્ય સંસ્થાઓ ઉપર ૨૦૧૨માં દબાણ કરવામાં આવ્યું હતું તેવી જ સ્થિતિ જ્યોર્જિયામાં થઈ હતી. તેના કારણે યુવાનો નારાજ થયા હતા અને વ્યાપક આંદોલન ચલાવ્યું હતું. 

યુવા ક્રાંતિનો સૌથી જૂનો રેફરન્સ ૨૦૧૯માં મળે છે. જેન ઝીએ જે ક્રાંતિ શરૂ કરી તેની શરૂઆત ૨૦૧૯થી થઈ તેમ કહેવું પણ ખોટું નથી. 

બરાબર છ વર્ષ પહેલાં ૨૦ સપ્ટેમ્બરથી ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૯ વચ્ચે અંદાજે ૧૫૦ દેશોમાં ૪૫૦૦થી વધુ જગ્યાએ જેન-ઝી આંદોલન ફાટી નીકળ્યું હતું. ક્લાઈમેટ ચેન્જ મુદ્દે આ વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. સ્વીડિશ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ અને ટીનએજર ગ્રેટા થનબર્ગ દ્વારા આ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. 

વૈશ્વિક ધોરણે ક્લાઈમેટ ચેન્જ મુદ્દે થઈ રહેલા વિરોધમાં લાખો લોકો જોડાયા હતા. માત્ર હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓથી શરૂ કરીને યુવાનો સુધી ક્લાઈમેટ મુદ્દે ચિંતા વ્યાપી અને લાખો લોકોએ પોતપોતાના દેશમાં વિરોધ પ્રદર્શન કર્યા. 

જાણકારો માને છે કે, આ તમામ ક્રાંતિઓ એક જ વાત બતાવે છે કે, દુનિયામાં સમયાંતરે ક્રાંતિ થતી રહે છે અને તેના પગલે આમૂલ પરિવર્તન આવતા રહે છે. 

2024માં કેન્યામાં જીવનજરૂરિયાતની વસ્તુઓના ટેક્સ મુદ્દે હિંસા ફેલાઈ હતી

ગત વર્ષે જૂન ૨૦૨૪માં કેન્યાના રસ્તા ઉપર લોકજુવાળ ઉમટી પડયો હતો. પ્રજાએ આગચંપી અને તોફાની વિરોધ કર્યો હતો. 

હકિકતે તત્કાલિન સરકારે બ્રેડ, ડાઈપર્સ અને સેનેટરી ટોવેલ્સ સહિત કેટલાક ગુડ્સ અને સર્વિસ ઉપર ટેક્સ વધારવાની વિચારણા કરી હતી. આ વાત બહાર આવતા જ લોકો વિરોધ કરવા ઉતરી પડયા હતા. આ વિરોધ પ્રદર્શનોમાં મોટાભાગના લોકો યુવાનો જ હતા. તેમની ઉંમર ૧૯થી ૨૫ વર્ષની વચ્ચે હતી. તેના કારણે જ પહેલી વખત વૈશ્વિક સ્તરે સોશિયલ મીડિયામાં જ નવો શબ્દ સામે આવ્યો હતો જેને આપણે જેન-ઝી પ્રોટેસ્ટ તરીકે ઓળખીયે છીએ. તે વખતે યુવાનો દ્વારા સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો અને સરકારના નિર્ણયો, બિલ અને અન્ય કાયદાને ખૂબ જ વખોડવામાં આવ્યા હતા. કેન્યાની સરકાર દ્વારા આ વિરોધ અને વિવાદને દબાવવા માટે મોટાપાયે બળપ્રયોગ કરવામાં આવ્યો. તેનું પરિણાણ એ આવ્યું કે, કેન્યાના ઈતિહાસની સૌથી મોટી જાહેર હિંસા ફાટી નીકળી. ૨૫ જૂન ૨૦૨૪ના રોજ હજારો યુવાનોએ કૂચ કરી અને કેન્યાની સંસદની દીવાલ તોડીને અને કૂદીને તેની અંદર ઘુસી ગયા. સંસદમાં રહેલા નેતાઓ અને મંત્રીઓ જેઓ કાયદા બનાવે છે તેમની કેબિનમાં જઈને તેમની સાથે હિંસા કરવા લાગ્યા.

 સુરક્ષા જવાનોએ આ તોફન કાબુ કરવા ગોળીબાર કર્યો, ટીયરગેસ છોડયા અને લાઠીચાર્જ પણ કર્યો હતો. આ હિંસામાં ૬૦ યુવાનોના મોત થયા હતા. ત્યારબાદ પણ થોડા સમય સુધી આ આંદોલન ચાલતું રહ્યું હતું પણ જૂન જેવી હિંસા અને મોતનું તાંડવ ત્યારબાદ જોવા મળ્યું નહોતું.

હમાસ અને ઈઝરાયેલ યુદ્ધને પગલે અમેરિકામાં વિદ્યાર્થીઓએ દેશવ્યાપી આંદોલન કર્યું હતું 

નાના દેશો જ નહીં અમેરિકા જેવા મોટા દેશ અને મહાસત્તામાં પણ વિરોધ અને વિદ્રોહનું તાંડવ ચાલ્યું હતું. ૨૦૨૩માં હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલુ થયેલા યુદ્ધમાં ૭ ઓક્ટોબરે હમાસે મોટો હુમલો કર્યો હતો. તેમાં અનેક લોકનાં મોત થયા હતા. તેના પગલે અમેરિકામાં મોટાપાયે વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યા હતા. તે સમયે વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. તે વખતે ઈઝરાયેલા સાથે જોડાયેલી કંપનીઓમાં વિદેશી રોકાણ અને અન્ય બાબતે વિરોધ પ્રખર થતો જતો હતો. વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા અમેરિકી કંપનીઓ અને ધનિકોનું ઈઝરાયેલમાં રોકાણ વખોડવામાં આવતું હતું. એપ્રિલ ૨૦૨૪માં વિદ્યાર્થીઓએ કોલંબિયા યુનિવર્સિટી ખાતે તંબુ તાણીને ધરણા શરૂ કર્યા તેના પછી દેશ વ્યાપી વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. આ વિરોધ એટલો વધી ગયો કે, પોલીસે ૧૦૮ જેટલા ધરણા કરનારાની ધરપકડ કરી હતી. 

ત્યારબાદ વિદ્યાર્થીઓ વધારે આક્રોશમાં આવી ગયા અને દેશની તમામ યુનિવર્સિટીઓમાં આ વિરોધની આગ ફેલાવા લાગી હતી.