ચીને રેર અર્થ મીનરલ્સ થકી દુનિયાનું નાક દબાવ્યું

- ટ્રમ્પની જિનપિંગ સાથેની મુલાકાત અને સાંઠગાંઠ બાદ ચીને એક વર્ષની રાહત આપી પણ એક્સપોર્ટના નિયમો રદ તો ન જ કર્યા
- ચીને થોડા સમય પહેલાં પાંચ જેટલા રેર અર્થ મિનરલ્સના એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ મુકતા જ દુનિયાના દરેક દેશોને અમેરિકાના ઘુંટણીયે લાવવા મથી રહેલા તુંડ મિજાજી ટ્રમ્પ દોડીને જિનપિંગને મળવા પહોંચી ગયા હતા: સમગ્ર વિશ્વમાં રેર અર્થ મિનરલ્સનો ભંડાર અંદાજે 130 મિલિયન ટન છે. તેમાં સૌથી વધારે 44 મિલિયન ટન મિનરલ્સ ચીન પાસે છે. એટલે દુનિયાનું ત્રીજા ભાગનું રેર અર્થ મિનરલ્સ ચીન પાસે છે. ત્યારબાદ વિયેતનામ, બ્રાઝિલ અને રશિયા પાસે ઘણો મોટો ભાગ છે. દરેક પાસે અંદાજે 16 ટકા ભંડાર છે: ભારતમાં તમિલનાડુ, ઓડિશા, આંધ્ર, ઝારખંડ અને કેરળ જેવા રાજ્યોમાં ખનિજોની માત્ર વધારે છે. તે ઉપરાંત અહિંયા દુર્લભ ખનીજો મળ્યા છે અને વધુ ખનિજો મળવાની શક્યતા છે. તે ઉપરાંત રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં હાર્ડરોક સંશોધન કરવામાં આવી રહ્યું છે
ટ્રેડ ડીલ અને અન્ય કામગીરી માટે એશિયાના પાંચ દિવસના પ્રવાસે દોડી ગયેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આંશિક રાહત મળી છે. દુનિયાના દરેક દેશોને ટેરિફના મોટા મોટા દરથી ડરાવનારા અંકલ સેમની દુઃખતી નસ ઉપર ચીને પગ મુકી દીધો હતો. થોડા સમય પહેલાં ટેરિફ મુદ્દે આડોડાઈ કરનારા ડોનાલ્ડ ટ્રમ્પને કાબુ કરવા માટે ચીને પોતાના દેશમાંથી નિકાસ કરાતા રેર અર્થ મિનરલ્સના કેટલાક એલિમેન્ટ્સ ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો. ચીની સરકારે તેના માટે લાઈસન્સ લેવાની અને સરકારની મંજૂરી વગર નિકાસ નહીં કરાવાની જાહેરાત કરી દીધી હતી. તેના પગલે અમેરિકી કંપનીઓ અને પ્રોડક્શન તથા મેન્યુફેક્ચરિંગ સેક્ટર સંકટમાં આવી ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ તેને પગલે જ ચીન અને જાપાન જેવા દેશોની મુલાકાતે પહોંચી ગયા હતા. સાઉથ કોરિયામાં થયેલી મુલાકાત બાદ ચીને આગામી એક વર્ષ સુધી એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ નહીં મુકવાની જાહેરાત કરી છે.
જાણકારોના મતે ચીને માત્ર નાનકડી રાહત આપી છે. ચીને રેર અર્થ મીનરલ્સ પોતાના કબજામાં લઈને સમગ્ર દુનિયાને બાનમાં લીધેલું છે.
છેલ્લાં ઘણા દાયકાથી ચીન આ કામ કરી રહ્યું છે અને અત્યારે તેની પાસે જે સ્તરનો જથ્થો છો અને જે લેવલ પર હાલમાં પણ ચીન રેર અર્થ મિનરલ્સ મેળવવા કામ કરી રહ્યું છે તે જાણીને સમગ્ર દુનિયાને આશ્ચર્ય થાય તેમ છે. ચીને છાના પગલે અને ગુપ્ત આયોજનો દ્વારા આ સેક્ટરમાં એટલું મોટું કામ કર્યું છે અને રોકાણ કર્યું છે કે, આગામી ઘણા દાયકા સુધી તે સમગ્ર દુનિયાનું નાક દબાવીને બધાને ઘુંટણીયે લાવી શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે, એક સમય હતો જ્યારે આ રેર અર્થ મિનરલ્સ તરફ કોઈ જોતું પણ નહોતું અને કોઈ વિચાર પણ નહોતું કરતું. આ એલિમેન્ટ્સ સાવ હાંસીયામાં ધકેલાઈ ગયેલા હતા પણ હવે છેલ્લાં એક દાયકામાં વૈશ્વિક કૂટનીતિના કેન્દ્રમાં આવી ગયા છે. સ્થિતિ એવી છે કે, સ્માર્ટફોનથી માંડીને ઈલેક્ટ્રિક ગાડીઓ, ફાઈટર જેટ, સેટેલાઈટ્સ અને તમામ આધુનિક ટેક્નોલોજીમાં આ રેર અર્થ એલિમેન્ટ્સની જરૂર પડે છે. ક્લીન એનર્જી હોય કે ડિફેન્સ ટેક્નોલોજી હાલમાં દરેક દેશ આ મિનરલ્સ શોધવા, ખોદવામાં અને તેના ઉપર નિયંત્રણ કરવામાં વ્યસ્ત છે.
અમેરિકા, આફ્રિકા, યુરોપ અને લેટિન અમેરિકાના દેશો જ્યાં રેર અર્થ મિનરલ્સ શોધવામાં અને કાઢવામાં પડયા છે ત્યાં ચીન પહેલેથી આ ક્ષેત્રમાં પોતાની મજબૂત પકડ બનાવીને બેઠું છે. હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે, ચીને આ ક્ષેત્રમાં પોતાની ઈજારાશાહી સિદ્ધ કરી દીધી છે અને અમેરિકા સહિતની મહાસત્તાઓ ઘુંટણીયે આવી ગઈ છે.
લગભગ ૬૦ વર્ષ પહેલાંની વાત કરીએ તો ૮૦-૯૦ના દાયકામાં ચીનને બાદ કરતા મ્યાંમાર, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, રશિયા, ભારત, વિયેતનામ અને મલેશિયા જેવા દેશો રેર અર્થ મિનરલ્સ કાઢવામાં વ્યસ્ત છે. ચીન કરતા આ દેશો ક્યાંય પાછળ છે. દુનિયાના તમામ દેશો ભલે જોર કરે તો પણ રેર અર્થ મિનરલ્સના જથ્થામાં કે તેને કાઢવાની ટેક્નોલોજી અને પ્રોસેસમાં તેઓ ચીનને આંબી શકે તેમ નથી. તેનું સૌથી મોટું કારણ એ છે કે, અઢારમી સદીના અંત બાદ ઓગણીસમી અને વીસમી સદીમાં દુનિયા ક્રૂડ પાછળ વ્યસ્ત હતી ત્યારે ચીને ભવિષ્યનો વિચાર કરીને રેર અર્થ મિનરલ્સ કાઢવાનું કામ શરૂ કરી દીધું હતું. તેમાંય ૧૯૯૩માં ચીન ૩૮ ટકા રેર અર્થ મિનરલ્સ કાઢતું હતું. તે વખતે અમેરિકા પણ ૩૩ ટકા મિનરલ્સ કાઢતું હતું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા ૧૨ ટકા અને ભારત તથા મલેશિયા ૫ ટકા રેર મિનરલ્સનું ખનન કરતા હતા. ત્યારબાદ બ્રાઝિલ, કેનેડા, શ્રીલંકા, થાઈલેન્ડ, સાઉથ આફ્રિકા જેવા દેશો આવતા હતા. ચીને ધીમે ધીમે આ બધાને પાછળ છોડી દીધા.
એકસવીસમી સદીમાં સ્થિતિ બદલાવા માંડી હતી. ૨૦૦૮ સુધીમાં દુનિયાની ૯૦ ટકા રેર અર્થ મિનરલ્સ ચીનમાં તૈયાર થવા લાગી હતી. ૨૦૧૧ સુધીમાં તો આ આંકડો ૯૭ ટકા સુધી પહોંચી ગયો હતો. તેનો સીધો અર્થ હતો કે, દુનિયાને રેર અર્થ મિનરલ્સ જોઈએ તો ચીન પાસેથી લેવા પડે. સમગ્ર વિશ્વમાં રેર અર્થ મિનરલ્સનો ભંડાર અંદાજે ૧૩૦ મિલિયન ટન છે. તેમાં સૌથી વધારે ૪૪ મિલિયન ટન મિનરલ્સ ચીન પાસે છે. એટલે દુનિયાનું ત્રીજા ભાગનું રેર અર્થ મિનરલ્સ ચીન પાસે છે.
ત્યારબાદ વિયેતનામ, બ્રાઝિલ અને રશિયા પાસે ઘણો મોટો ભાગ છે. દરેક પાસે અંદાજે ૧૬ ટકા ભંડાર છે. ભારત પાસે માત્ર ૫ ટકા રેર અર્થ મિનરલ્સ છે. ભારત પાસે ૬.૯ મિલિયન ટન રેર અર્થ મિનરલ્સ છે. આ રેર અર્થ મિનરલ્સ કાઢવાની વાત આવે તો ચીન દુનિયામાં મોખરે છે. તે દર વર્ષે ૩.૪૮ લાખ ટન રેર અર્થ મિનરલ્સ ખનન અને પ્રોસેસિંગ કરીને કાઢે છે.
ખાસ વાત એવી છે કે, હાલમાં ચીન ૭૦ ટકા પ્રોડક્શન કરે છે, અમેરિકા ૧૨ ટકા પ્રોડક્શન કરે છે અને મ્યાંમાર ૮ ટકા પ્રોડક્શન કરે છે. દુનિયામાં જે પણ પણ રેર અર્થ મિનરલ્સ મળે છે તેના ઉપર ૯૦ થી ૯૨ ટકા પ્રોસેસિંગ ચીનમાં જ કરવામાં આવે છે.
મોટા મોટા દેશો પણ ચીનને જ આધારિત છે. ભારત અને બ્રાઝિલ પાસે આ ધાતુઓનો ભંડાર મોટો છે પણ અહીંયા પ્રોસેસિંગ અને રિફાઈનિંગનું કામ ચીનના સ્તરે થતું નથી. હજી તો એકંદરે એક થી દોઢ દાયકા જેટલો સમય લાગશે ત્યારે ભારત આ સ્થિતિએ પહોંચી શકે તેમ છે. હાલમાં તો તે પોતાના રેર અર્થ મિનરલ્સ શોધવામાં વ્યસ્ત વધારે છે.
ચીન દ્વારા ૧૯૮૦ના દાયકાથી ખૂબ જ ગણતરીપૂર્વક રેર અર્થ માઈનિંગ અને રિફાઈનિંગ કામગીરી અંગે રણનીતિ બનાવવામાં આવી હતી. ચીન સબસિડી, સસ્તા વ્યાજદરની લોન, પર્યાવરણના નિયમોમાં છૂટછાટ જેવી પોલિસી અપનાવી અને પશ્ચિમી દેશોને પછાડવા સજ્જ થવા લાગ્યું.
સ્થિતિ એવી થઈ કે, વીસમી સદી આવતા આવતા તો ઘણા દેશો ચીન સાથેની સ્પર્ધામાંથી બહાર થઈ ગયા.
અમેરિકામાં પણ ઉત્પાદન ઘટી ગયા. ચીને બમણા વેગે રેર અર્થ મિનરલ્સનું ખનન અને રિફાઈનિંગ શરૂ કરી દીધું. ચીને પોતાના મોટાભાગના માઈન્સ અને મિનરલ્સના વિસ્તારોને મેગ્નેટ, મિનરલ્સ અને ધાતુઓના ઉત્પાદનનું કેન્દ્ર બનાવી દીધા. તેણે પરમેનન્ટ મેગ્નેટ, બેટરી, ઈલેક્ટ્રોનિક્સ, બધું જ બનાવવાનું શરૂ કરી દીધું. તેણે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે રેર અર્થ મિનરલ્સ હોય કે તેની સાથે જોડાયેલી ધાતુ હોય કે તેના દ્વારા બનતી સામગ્રી હોય તે તમામનું ઉત્પાદન ચીનમાં જ થાય અને દુનિયાભરના દેશો તેની પાસેથી જ ખરીદે. આ સ્થિતિ વધવા લાગી અને કોમ્પિટિશન વધવા લાગી ત્યારે તેણે રેર અર્થ મિનરલ્સ ઉપર પ્રતિબંધ મુકવાનું શરૂ કરી દીધી અને દુનિયા ઘુંટણીયે પડવા લાગી. ખાસ કરીને અમેરિકા ચીનના સાણસામાં આવી ગયું અને ટેરિફ વોરના જે બણગા માર્યા હતા તે અટકાવીને ટેક્સ વોરને અટકાવવું પડયું.
ભારત રેર અર્થ મિનરલ્સના ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધવા માંડયું
રેર અર્થ મિનરલ્સમાં ચીન ભલે પોતાના ઈજારાશાહી બતાવતો હોય કે, દુનિયાને દબાવવાનો પ્રયાસ કરતો હોય પણ બીજા દેશો દ્વારા આ દિશામાં મહત્ત્વનું કામ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને ભારતે તેના માટે સક્રિય પ્રયાસ શરૂ કરી દીધા છે. જાણકારોના મતે ભારત પાસે દુનિયાનું અંદાજે છ ટકા જેટલું એટલે કે અંદાજે ૭ મિલિયન ટન રેર અર્થ મિનરલ્સ છે. ભારતે નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશન ૨૦૨૫ના નામે એક અભિયાન શરૂ કરી દીધું છે. તેના પગલે ભારત રેર અર્થ મિનરલ્સ મુદ્દે આત્મનિર્ભર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સૂત્રોના મતે ભારતે આ દિશામાં કામ કરવા માટે અંદાજે ૩૪,૦૦૦ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કર્યું છે. તેમાં એક્સપ્લોરેશન, માઈનિંગ, પ્રોસેસિંગ વગેરે કરવામાં આવશે. આ કામ કરવામાં ભારતને અંદાજે પાંચ થી દસ વર્ષનો સમય લાગી શકે તેમ છે. ભારતમાં કેરળ, તમિલાનાડુ, આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં રેર અર્થ મિનરલ્સ શોધવા માટે કામગીરી કરવાના પ્રોજેક્ટ્સ ચાલુ કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં બીજા પણ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. આ માટે દુનિયાના બીજા કેટલાક દેશો સાથે પણ ભાગીદારી અને જોડાણ કરવામાં આવી રહ્યા છે. જીયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન રેર અર્થ એલિમેન્ટ્સ લિમિટેડ હાલમાં દેશભરમાં આ ધાતુઓ અને ખનિજોના નવા ભંડાર શોધવાની દિશામાં કામ કરી રહ્યા છે. તમિલનાડુ, ઓડિશા, આંધ્ર, ઝારખંડ અને કેરળ જેવા રાજ્યોમાં ખનિજોની માત્ર વધારે છે. તે ઉપરાંત અહિંયા દુર્લભ ખનીજો મળ્યા છે અને વધુ ખનિજો મળવાની શક્યતા છે. તે ઉપરાંત રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં હાર્ડરોક સંશોધન કરવામાં આવી રહ્યું છે.
ભારત સરકાર દ્વારા જૂન ૨૦૨૩માં ૨૪ ક્રિટિકલ મિનિરલ્સની યાદી બહાર પાડવામાં આવી હતી. તેના આધારે ખનિજોનું સંશોધન, ખનન અને રિફાઈનિંગનું કામ કરવાનું મિશન શરૂ કરાયું છે. ભારતે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે મિનરલ્સ સિક્યોરિટી પાર્ટનરશિપ પણ કરી છે. બીજી વાત એવી છે કે, ભારતમાં ઈવેસ્ટનો પણ મોટો જથ્થો છે અને દર વર્ષે અબજો ટન જથ્થો ઠલવાઈ રહ્યો છે. તેમાંથી પણ રેર અર્થ મિનરલ્સ પાછા મેળવી શકાય તેમ છે. આ દિશામાં પણ કામ કરી રહ્યું છે. જાણકારો માને છે કે, ભારત જે રીતે રેર અર્થ મિનરલ્સ માટે કામ કરી રહ્યું છે તે જોતાં ભારત એક દાયકામાં આ ક્ષેત્રે ગેમ ચેન્જર સાબિત થવાની સાથે સાથે આત્મનિર્ભર પણ બની જશે.









