રશિયા સાથે સંબંધો બગાડી અમેરિકાને ખુશ કરવાનું બંધ કરવું જોઈએ

- અમેરિકાને ખુશ કરવા ચીન સાથે સંબંધો બગાડયા હવે
- ખાસ મિત્ર ભારત ઉપર ટેરિફની જાહેરાત કરી ટ્રમ્પે પીઠમાં ખંજર ભોંક્યું છે. ભારતના અર્થતંત્ર ઉપર ૩૦ અબજ ડોલરનું જોખમ ઉભું થયું છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશહિત સર્વોપરી છે. જોકે, અમેરિકાએ યાદ રાખવું જોઈએ કે ભારત બદલાયું છે. આજે વિશ્વની ટોચની અર્થવ્યવસ્થામાં ચોથા ક્રમે છે અને સૌથી ઝડપે વિકસી રહ્યું છે. ટ્રમ્પ ભારતને જે સજા કરી રહ્યા છે તે આર્થિક કરતા રશિયા સાથેના ગાઢ સંબંધોના કારણે વધારે હોય એવો સૂર ઉઠી રહ્યો છે. કથિત રીતે ડાબેરી લાગતી પણ દરેક મુસીબતમાં અડીખમ ઉભા રહેતા રશિયા સાથેની મિત્રતા સારી કે ભૂતકાળમાં દરેક મોરચે ભારતના હિત વિરુદ્ધ, ભારતના દુશ્મનોને મદદ કરનાર અને દેશની દરેક રાજકીય, સૈનિક, અવકાશી અને આર્થિક હરણફાળમાં અડચણ ઉભી કરનાર અમેરિકા સાથે વધારે સંબંધો રાખવા એ નક્કી કરવાનો ભારત માટે આ શ્રેષ્ઠ સમય છે. સાથે-સાથે સ્વતંત્ર રીતે ભારત પોતાના હિતમાં નિર્ણય લે તેનાથી અમેરિકાને પેટમાં તેલ રેડાવું જોઈએ નહીં, આ સ્થિતિ કુદરતી ન્યાયની વિરુદ્ધ છે.
મૂળ ઇટાલીના પણ સ્પેન સ્થિર થયેલા નાવિક ક્રિસ્ટોફર કોલંબસ ભારત શોધવા નીકળેલો. ભારતીય ઉપખંડ પહોંચવાના બદલે એ દક્ષિણ આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ પહોંચી ગયેલો. પંદરમી સદીના છેલ્લા દાયકાની આ ઘટના યુરોપીયન દેશો, કેથોલિક રાજાઓની દુનિયા ઉપર રાજ કરવાની, વેપારના નામે દુનિયા કબજે કરવાની લાલસાનું પ્રતિબિબ હતી.
સ્થિતિ અત્યારે બદલાઈ છે.દોમદોમ સાહ્યબીમાં રહેતું યુરોપ પણ નબળું પડયું છે. જોકે, વ્યાપારના નામે દુનિયા કબજે કરવાની લાલસા ઘટી નથી. એ સમયે રાજાઓ હતા અત્યારે રાજકીય નેતા છે, એ સમયે યુરોપ હતું હવે અમેરિકા છે!
દુનિયા ઉપર વ્યપારના નામે રાજ કરવાની પાંચ સદી જૂની માનસિકતા બદલાઈ નથી. બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર ૨૫ ટકા ટેરિફ અને રશિયા સથે ક્રુડ અને શસ્ત્રોની ખરીદીના કારણે વધારાની પેનેલ્ટી (કેટલી એ નક્કી નથી) એવી જાહેરાત કરી. વડાપ્રધાન નરન્દ્ર મોદી મિત્ર છે, ભારત સાથે ગાઢ સંબંધો છે એવા રાગ આલાપી, ભારતના કટ્ટર દુશ્મન, ત્રાસવાદના જન્મદાતા પાકિસ્તાન સાથે ક્રુડ ઓઈલ સંશોધન અને ઉત્પાદન માટેની જાહેરાત પણ કરી. એટલું જ નહીં, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા (બ્રિકસ રાષ્ટ્ર સમુહ)ને ફરી એકવખત ડોલર વિરોધી તરીકે સંબોધ્યા હતા. ટ્રમ્પ અમેરિકાને મહાન બનાવવા માટે દુનિયાને ટેરિફના જોરે નમાવવા મેદાને પડયા છે.
ટ્રમ્પની આ સ્વકેન્દ્રી નીતિઓ સામે ભારતે નરમ પડવાની જરૂર નથી. ભારત અને ચીન ક્રુડ ખરીદે છે એટલે રશિયા પાસે નાણા આવે છે અને રશિયા તેનો ઉપયોગ યુક્રેનના યુદ્ધમાં કરે છે એવી ટ્રમ્પની દલીલ છે. ગાઝામાં નિર્દોષ, ભૂખે મરી રહેલા, રસ્તે રઝળતા લોકો ઉપર મિસાઈલ હુમલા કરી કત્લેઆમ કરી રહેલા ઇઝરાયેલને તન, મન, ધન તેમજ શસ્ત્રોથી ભરપૂર અને નફફટાઈથી મદદ કરી રહ્યા છે!
ટ્રમ્પના ટેરિફની અસર ભારતમાં સૌથી વધુ રોજગારીનું સર્જન કરતા ટેક્સટાઈલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ઓરો પાર્ટ્સ અને ફાર્મા ઉદ્યોગ પર થવાની છે અને કૃષિ, ડેરી ઉદ્યોગ ઉપર કબજો ઈચ્છે છે.
અમેરિકા કોઈનું મિત્ર નથી. પોતાની જોહુકમી સ્વીકારે એને જ મદદ કરે છે એવું પુરવાર થયેલું છે. અમેરિકાએ દુનિયાની બહુપક્ષીય સંસ્થાઓ યુનાઈટેડ નેશન્સ, વર્લ્ડ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડને પોતાના ઈશારે નચાવી છે. વિયેતનામ, ઈરાન, ઈરાક, લિબિયા, અફઘાનિસ્તાન, પનામા, ક્યુબા, વેનેઝુએલા જેવા દેશોને બરબાદ કર્યા છે. હવે, અમેરિકાની નજર વધારે શક્તિશાળી એવા ચીન, રશિયા અને ભારત ઉપર છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ દોગલા છે, બે મોઢાની વાતો કરે છે અને તેમના ઉપર ભરોસો કરવો જોઈએ નહીં. વર્તમાન વિશ્વમાં ભારતે ડરવાની જરૂર નથી, પણ એટલું ચોક્કસ વિચારવાનું છે કે અમેરિકા સાથે કેટલા સંબંધો રાખવા, કેટલી મિત્રતા રાખવી અને અમેરિકાના ભોગે અન્ય દેશો સાથે દોસ્તી કરવી કે નહીં?
બીજા વિશ્વયુદ્ધના ભયાનક અંત પછી દુનિયા અમેરિકાના મૂડીવાદ અને સોવિયેત યુનિયન-ચીનના સામ્યવાદ (કે સમાજવાદ) વચ્ચે વિભાજીત થયો. બે-ત્રણ વર્ષમાં ભારત આઝાદ થયું અને વડાપ્રધાન પદ ઉપર જવાહરલાલ નેહરુ આવ્યા. એમના ૧૭ વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતે સામ્યવાદ અને મૂડીવાદને જોડી મિશ્ર અર્થતંત્રનો માર્ગ અપનાવ્યો. એ સમયે ભારત અને અમેરિકાના સંબંધો જટિલ હતા. નેહરુની વિચારધારા ડાબેરી હોવાની સખ્ત ટીકા થતી, થાય છે. એ સમયે ભારતના મિત્ર તરીકે સોવિયેત સંઘ ભારતનું પ્રથમ સ્થાને, ચીન બીજા અને અમેરિકા ત્રીજા સાથે હતું.
નેહરુના અવસાન પછી લાંબો સમય ઇન્દિરા ગાંધીનું રાજ રહ્યું. ઇન્દિરાએ પણ વિચારધારા યથાવત રાખી.
એમને પણ ડાબેરી હોવાનું બિરુદ મળ્યું છતાં તેમણે સોવિયેત સંઘ સાથેની મિત્રતા ચાલુ રાખી હતી. ૧૯૭૪માં પોખરણમાં પરમાણુ પરીક્ષણ પછી અમેરિકાએ ભારતને સહાય આપવાનું બંધ કર્યું, લશ્કરી ખરીદી અને પરમાણુ કાર્યક્રમ ઉપર રોક લગાવી પણ સોવિયેત સંઘ તેમાં જોડાયું નહીં અને ભારતને મદદ કરી. પરમાણુ કાર્યક્રમ માટે જરૂરી 'હેવી વોટર'નો પુરવઠો પણ ચાલુ રાખ્યો હતો. બીજી તરફ, ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)ની આઝાદીની ચળવળ સમયે ભારતના હસ્તક્ષેપને રોકવા માટે અમેરિકાએ સેના મોકલી, ભારત ઉપર હુમલો કરવાની તૈયારી પણ કરી હતી.
વીસમી સદીના છેલ્લા દાયકામાં દુનિયામાં આમૂલ પરિવર્તન આવ્યા. પૂર્વ અને પશ્ચિમ જર્મની એક થયા, સોવિયેત યુનિયન વિભાજીત થયું. યુરોપના ઘણા સામ્યવાદી દેશોએ મૂડીવાદ અને લોકશાહી અપનાવી. વિશ્વ એક છે, ગ્લોબલાઈઝેશન, મૂડીવાદ તરફ દુનિયા ઢળી રહી હતી. વિશ્વમાં વ્યાપાર માટે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની સ્થપનાની વાતો શરૂ થઇ. સ્થાનિક અર્થતંત્રને બચાવવા ભારતે પણ આર્થિક સુધારા, મૂડીવાદ અને ખાનગીકરણ અપનાવ્યા. વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે ૧૯૯૮માં ભારતે ફરી એકવાર પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણ કર્યું, અમેરિકાએ ભારત ઉપર ફરી પ્રતિબંધ લાદયા. પણ રશિયા આ પ્રતિબંધથી દૂર રહ્યું હતું. ભારતના સ્પેસ પ્રોગ્રામમાં અમેરિકાને અવગણી, વધારે ભારે વજનવાળા, અવકાશમાં વધુ ઉંચાઈએ ઉપગ્રહ ગોઠવવા માટે જરૂરી રોકેટના ક્રાયોજનિક એન્જીન બનાવવા પાર્ટ, વૈજ્ઞાાનિક સહિત મદદ રશિયાએ કરી અને મિત્ર તરીકે અડીખમ રહ્યું. આ સમયે પણ મિત્ર તરીકે ચીન બીજા અને અમેરિકાનો ક્રમ ત્રીજો જ રહ્યો હતો.
જોકે, એકવીસમી સદીમાં ટેકનોલોજી, ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ભરેલી હરણફાળ અને ઉદારીકરણના બીજા તબક્કા માટે જરૂરી વૈશ્વિક સહાયની સાથે અમેરિકા તરફ નજર દોડાવવી શરૂ કરી. ૨૦૦૫માં ભારતે અમેરિકા સાથે પરમાણુ કરાર (૧૨૩ એગ્રીમેન્ટ) કર્યા અને અમેરિકા તરફ ભારતનું વલણ કુણું પડવાનું શરૂ થયું. છેલ્લા બે દાયકામાં ભારતના મિત્રોમાં અમેરિકા પ્રથમ ક્રમે, વ્યાપાર ભાગીદાર તરીકે ચીન બીજા ક્રમે અને રશિયા ત્રીજા ક્રમે ધકેલાઈ ગયું. આમ છતાં, ત્રીજા ક્રમે પહોંચ્યા પછી પણ રશિયાએ ભારતને જરૂર પડયે મદદ કરી જ છે.
ભારતે વિદેશ નીતિ અંગે ફરી વિચારવાનો સમય આવી ગયો છે. અમેરિકા સાથે દોસ્તી શક્ય નથી. સ્વાર્થના સંબંધો રાખી શકાય પણ દોસ્તી તો નહીં જ. પાકિસ્તાનને અબજો ડોલરની આર્થિક મદદ, લશ્કરી મદદ પછી પાકિસ્તાને તેનો ઉપયોગ ભારત સામે કર્યો, ભારતમાં ત્રાસવાદ સામે ફેલાવવા કર્યો એવું અમેરિકા જાણે છે. આ મદદ ૨૦૧૭માં બંધ કર્યા પછી ફરી અમેરિકાએ પાકિસ્તાનને કાખમાં તેડયું છે!
અમેરિકાએ પાંચ દાયકાથી ડોલર થકી દુનિયાને હંફાવી છે. ડોલર છાપી દુનિયા અને અમેરિકનને દેવું કરી ઘી પીતા કર્યા છે. અમેરિકા ઉપર ૩૭ ટ્રીલીયન ડોલરનું દેવું છે. દેવું ભરવાની શકિત ઘટી રહી છે એટલે ટેરિફના નામે દુનિયાને દબાવવા નીકળ્યા છે. યુરોપ વ્યાપાર સંધિ કરી અમેરિકાના ઘૂંટણીયે પડી ગયું છે.
યુરોપના વર્ચસ્વ સાથેના નાટો દેશો માટે રશિયા દુશ્મન છે એટલે અસ્તિત્વ ટકાવી રાખવા એ પણ અમેરિકાની સાથે છે વ્યાપારના નામે દુનિયાને ગુલામ બનાવવા, મૂડીવાદથી સઘળો પૈસો પોતાના ધનપતિઓના ગજવામાં નાખવાના અમેરિકાના બદઈરાદા છે ત્યારે ભારત, રશિયા અને ચીન જ બાથ ભીડી શકે એવી સ્થિતિમાં છે. ભારત અને ચીન વચ્ચે આર્થિક અને રાજદ્વારી રીતે છેલ્લા દાયકામાં મજબૂત સંબંધો હતા, પરંતુ અમેરિકા તરફ ભારત વધારે ઝડપથી ઢળી ગયું અને એ સંબંધો છેલ્લા ત્રણ વર્ષમાં બગડી ગયા હતા. જો કે, ફરી તેમાં સુધારો આવે એવા સંકેત મળી રહ્યા છે. ટ્રમ્પે યાદ રાખવું જોઈએ કે ટેરિફની અસર અમેરિકન પ્રજાને પણ થશે.
કૃષિ, ડેરી ક્ષેત્રે અમેરિકાને મુક્ત પ્રવેશના ઇનકારથી ટ્રમ્પ ગિન્નાયા!
બજેટમાં હાઈએન્ડ બાઈક્સ અને અમેરિકાના કેટલાક દારૂ ઉપર ટેક્સ ઘટાડયા બાદ એપ્રિલમાં રેસિપ્રોક્લ ટેરિફની જાહેરાત કરી. આ પછી ભારત અને અમેરિકાએ ટ્રેડ ડીલ કરવા માટે વાટાઘાટ શરૂ કર્યા છે.
આ વ્યાપાર સંધિ હમણાં થશે, ટૂંક સમયમાં જાહેરાત થશે એવી જાહેરાતો ટ્રમ્પ કરતા હતા. જોકે, ભારતે મંત્રણા ચાલુ હોવાનું મક્કમ વલણ અપનાવી લીધું છે. જે ચર્ચા થઇ છે તેની નોંધ અને ડ્રાફ્ટ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. ટ્રમ્પ ઈચ્છે કે અમેરિકાને દરેક ચીજ વેચવા માટે ભારત પોતાનું બજાર બંધનથી મુક્ત કરે.
આ બજારમાં કૃષિ, ડેરી સહિતની ચીજોનો સમાવેશ થાય છે. ભારતે કરોડો ખેડૂતો અને પશુપાલકોની રોજીરોટી માટે બજાર ખોલવાનો ઇનકાર કર્યો છે. યુરોપિયન યુનિયન, ઇન્ડોનેશિયા કે બ્રિટન અમેરિકાના પગ દબાવી રહ્યા છે ત્યારે ભારત દેશહિતમાં નમતું જોખવા તૈયાર નથી એટલે ટ્રમ્પને ગાંડપણ ઉપડયું છે!








