એક ડાળ પર રીંગણાં, એક-ડાળ પર ટમેટાં

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
એક ડાલ પર તોતા બોલે એક ડાલ પર મૈના... એ ફિલ્મી ગીત પરથી પરેડી બનાવી ગાઈ શકાય કે એક ડાળ પર રીંગણાં લટકે એક ડાળ પર ટમેટાં. આનું કારણ એ છે કે વનસ્પતિશાસ્ત્રીઓએ એક જ છોડવા (પ્લાન્ટ) ઉપર રિંગણા અને ટમેટા ઉગાડવામાં સફળતા મેળવી છે. બ્રિંજલ (રીંગણાં ) અને ટોમેટો (ટમેટાં) પરથી સાથે ઉગતા રીંગણાં અને ટમેટાને બ્રિમેટો નામ્ આપવામાં આવ્યું છે.
વારાણસીની ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ વેજીટેબલ રિસર્ચના સંશોધકોએ એક જ પ્લાન્ટની જુદી જુદી ડાળ ઉપર રીંગણાં અને ટમેટાં ઉગાડવામાં કામિયાબી હાંસલ કર્યા બાદ ૧૮૦થી વધુ ખેડૂતોને બ્રિમેટો ઉગાડવાની તાલીમ આપીને તૈયાર કર્યા છે. રીંગણાં -ટમેટાં ભેગા ઊગાડવાના સફળ પ્રયોગને આધારે કહેવું પડે કે-
થાય નવતર પ્રયોગ ઘણાં ઘણાં,
એક ડાળ પર ટમેટા બીજી ડાળે
રીંગણાં .
વારાણસીમાં ચિતાની રાખ પર લખાય છે '૯૪'
આપણામાં કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. પવિત્ર તીર્થનગરી કાશી એટલે વારાણસીમાં જે મૃત્યુ પામે તેને મોક્ષ મળે છે એવી માન્યતા છે. વારાણસીમાં ગંગા કિનારે વસતા લોકોમાંથી કોઈ સ્વર્ગે સિધાવે ત્યારે અગ્નિસંસ્કાર માટે ગંગા નદીના કિનારે મણિકર્ણિકા ઘાટ પર લઈ જવામાં આવે છે. મૃત વ્યક્તિને અગ્નિદાહ આપવામાં આવ્યા પછી ચિતાની જે રાખ ભેગી થાય એમાં મુખાગ્ની આપનાર વ્યક્તિ સાંઠીકડાથી '૯૪' આંકડો લખે છે. આની પાછળ એવી માન્યતા છે કે જીવનના શતપથ એટલે ૧૦૦ માર્ગ હોય છે. માણસે જીવનમાં ૧૦૦ શુભકાર્ય કર્યા હોય તેને મૃત્યુ પછી આ શુભકાર્યને આધારે આગલા જન્મમાં બદલો મેળવે છે. ૧૦૦માંથી ૯૪ કર્મ મનુશ્યને આધીન છે એટલે એ કર્મ કરવા માટે મનુષ્ય સમર્થ હોય છે. પણ ૬ કર્મનું પરિણામ બ્રહ્માજીને આધીન હોય છે. હાનિ-લાભ, જીવન-મરણ, યશ-અપયશ આ ૬ કર્મો બ્રહ્માજીના નિયંત્રણમાં હોય છે, એટલે ચિતાની રાખ ઉપર '૯૪' લખવામાં આવે છે તેની પાછળનો આશય એ છે કે મૃતકના ૯૪ કર્મ ભસ્મ થઈ ગયાં. હવે બ્રહ્માજીને આધીન છ કર્મ મૃતકને આગલા જનમમાં ફળ આપશે.
વિરોધ દર્શાવવા માટે ગાંધીગીરી નહીં, પણ ચમચાગીરી
ઘણાં શાંત રીતે વિરોધ દર્શાવવા માટે ગાંધીગીરીનો માર્ગ લે એમ એક યુવકે વિરોધ વ્યક્ત કરવા માટે ચમચાગીરી અજમાવી. ઉત્તર પ્રદેશના હાપુડમાં આ યુવકને નશાની ખરી લત લાગી હતી. આ યુવકને પીવાની આદત છોડાવવા માટે પરિવારજનોએ એને નશામુક્તિ કેન્દ્રમાં દાખલ કરી દીધો.
આનો વિરોધ કરવા માટે યુવક ચમચા, ટૂથબ્રશ અને પેન ગળવા માંડયો, પણ પછી પેટનો સખત દુઝખાવો ઉપડતા હોસ્પિટલમાં દાખલ કરીને ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન કરતા તેના પેટમાંથી ૨૯ સ્ટીલના ચમચા, ૧૯ ટૂથબ્રશ અને બે પેન નીકળી હતી. પેટમાંથી નીકળેલા ખણખણતા ખજાનાને જોઈને ડોકટરો દંગ રહી ગયા હતા. સહુના મનમાં એક જ પ્રશ્ન ઊભો થયો હતો કે ચમચાથી ખવાય, પણ ચમચા કેવી રીતે ખવાય? આ ચમચાબાજીનો કિસ્સો જાણી કહેવું પડે કે-
નશાની એવી લાગી લત
ચમચા ગળી બગાડી હા-લત.
સાસુપ્રેમી જમાઈની લફરાબાજી
'ક્યુંકિ સાસ ભી કભી બહૂથી' એ સિરિયલ ખૂબ લોકપ્રિય થઈ હતી, પણ રિયલ લાઈફમાં જમાઈ અને સાસુ વચ્ચેના પ્રેમ-પ્રકરણો વિશે જાણીને ટાઈટલ ફેરવીને કહેવું પડે કે 'ક્યૂંકિ સાસ ભી અભી બહૂ હૈ'.
થોડા વખત પહેલાં ગુજરાતના એક શહેરમાં જમાઈરાજા સાસુને લઈને ભાગી છૂટયા હતા અને પછી સાસુની સાથે લગ્ન કરી એને વહુ બનાવી હતી. ઉત્તર પ્રદેશના એક શહેરમાં પણ એક જમાઈરાજા સાસુને લઈને ભાગી છૂટયા અને સાસુ સાથે પરણી ગયા.
યુપીમાં ૨૦ વર્ષના યુવકને તેની સાસુ સાથે પ્રેમ થઈ ગયો. સાસુ-જમાઈની કેટલીક અંતરંગ તસવીરો સોશિયલ મીડિયામાં જબરજસ્ત વાઈરલ થઈ હતી. કહેવાય છે કે આ મામલે યુવક અને તેની પત્ની વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. ઝઘડો થયા પછી પત્ની મૃત હાલતમાં મળી આવી હતી અને પતિ ફરાર થઈ ગયો હતો. આ કિસ્સો વાંચીને કહેવું પડે કેઃ
પત્નીને છોડીને કરે
જે સાસુને પ્રેમ,
પછી એનો સંસાર
કેમ રહે હેંમખેમ?
દો ફૂલ એક માલી
બે પુરૂષ એક જ સ્ત્રીને ચાહતા હોય એ જોઈને જૂની હિન્દી ફિલ્મનું ટાઈટલ યાદ આવેઃ 'એક ફૂલ દો માલી', પણ કર્ણાટકના ચિત્રદુર્ગમાં આ ટાઈટલ ફેરવીને 'દો ફૂલ એક માલી' કરવું પડે એવી ઘટના સામે આવી છે. ચિત્રદુર્ગના એક દુલ્હારાજાએ એક જ મંડપમાં બે યુવતીઓ સાથે ધામધૂમથી એકમેકની બેસ્ટ ફ્રેન્ડ આ યુવતીઓએ યુવક સાથે ભવ્ય રાજમહેલ જેવી સાજ સજાવટવાળા માહોલમાં ધામધૂમથી મેરેજ કર્યા હતા. હકીકતમાં આ બન્ને યુવતીઓ અને યુવક એકબીજાના ગાઢ મિત્રો છે. એટલે છૂટા પડવા ન માગતી આ ત્રિપુટીએ 'એક દુલ્હા-દો દુલ્હન'નો ઉપાય શોધી કાઢ્યો હતો.
પંચ-વાણી
સઃ 'ઝેર તો પીધાં જાણી જાણી' ઉપરથી રાજકીય રંગવાળું કયું ટાઈટલ સૂઝે?
જઃ ચેર તો લીધી તાણી તાણી...
***
સઃ ઘરમાં ટેલિવિઝન દેખાય અને શાક-માર્કેટમાં?
જઃ થેલી-વિઝન.
** *
પરણીને નર્વસ (નર-વસ) થવામાં વાંધો નહીં, પણ નારી-વશ થવાની ભૂલ ન કરવી. પત્ની ભલેે વર્શિપ (વર-શિપ) કરે પણ તમારે વહુ-શિપ ન કરવી.








