Editorial

સોના કિતના 'સોના' હૈ... હોના હૈ જો હોના હૈ

By GS TEAM
29 Aug 20255 mins read
સોના કિતના 'સોના' હૈ... હોના હૈ જો હોના હૈ

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

જે થાવું હોય ઈ થાય, બાકી મીઠી ઊંઘમાંથી થોડું જ જગાય? મહેનત- મજૂરી કરીને થાક્યા-પાક્યા રાત્રે ઘરે આવે તેને સૂવા માટે સુંવાળી સેજની જરૂર નથી પડતી. એ  તો જાજમ પાથરીને પણ ઘસઘસાટ સૂઈ જાય છે, જ્યારે બેઠાડુ જીવન જીવતા, દોમદોમ સાહેબીમાં રહેતા અને કાયમ નફા-તોટાની ગણતરીમાં રહેતા માલેતુજારોને ઊંઘવા માટે ગોળીઓ ખાવી પડે છે કે પછી ઠુંગાપાણી કરી ગળુ ભીનું કરવું પડે છે ત્યારે માંડ ઊંઘ આવે છે. 

રાજસ્થાનમાં ભદવા ગામે કળિયુગના કુંભકર્ણ તરીકે ઓળખાતા પુરખારામ નામના મહાશય એક વખત સૂવે પછી સહેજે વીસ- પચ્ચીસ દિવસ ઘસઘસાટ ઊંઘતા જ રહે છે. સામાન્ય લોકો દિવસમાં છથી આઠ કલાકની ઊંઘ લેતા હોય છે, પણ પુરખારામને એક્સિસ હાઈપરસોમ્નિયા નામની બીમારી છે. તેને કારણે તેમને સતત ઊંઘ આવ્યા કરે છે. તેમના ભોજનની અને શૌચક્રિયાની ચિંતા ફેમિલી મેમ્બરે કરવી પડે છે. ગાઢ નિંદ્રામાંથી જગાડી જમાડવા પડે છે. બાથરૂમ- ટોઈલેટમાં લઈ જવા પડે છે. મહિનામાં માંડ પાંચેક દિવસ પોતાની કરિયાણાની દુકાને જાય છે. દુકાનમાં પણ જો ઝોકું આવતાંની સાથે લુઢકી જાય તો ઘરવાળા હાથ ઝાલી, ઘરે લઈ જઈને સૂવડાવી દે. કુંભકર્ણનો પણ ઊંઘવાનો રેકોર્ડ તોડતા આ ભાઈની વાત જાણી કહેવું પડે કે-

કળિયુગનો કુંભકર્ણ

કરે કમાલ,

બસ ઘોરતો જ રહે

ભલે થાય ગમે એટલી ધમાલ.

'વિઘ્નકર્તા' દેશની ધરતી પર વિઘ્નહર્તાને વધામણા

મુંબઈ સહિત દેશભરમાં રંગેચંગે અને ભક્તિભાવપૂર્વક ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે એમ આપણા વસમા 'વિઘ્નકર્તા' પાડોશી દેશ પાકિસ્તાનની ધરતી પર વસતા હિન્દુ પરિવારો પણ આસ્થાપૂર્વક ગણેશોત્સવ ઉજવે છે. સિંધ પ્રાંતના કરાચી શહેરમાં દાયકાઓ પુરાણા રત્નેશ્વર મહાદેવ મંદિરમાં ગણેશોત્સવ ઉજવાય છે. એ જ રીતે કરાચીમાં વસતા મરાઠી પરિવારો પોતાના ઘરે બાપ્પાની પ્રતિમાની સ્થાપના કરે છે, મોદકનો પ્રસાદ તૈયાર કરે છે, ગણપતિની આરતી અને ભજન- કિર્તનની રમઝટ બોલાવે છે અને વિસર્જન વખતે વાજતેગાજતે કરાચીના ક્લિફ્ટનના દરિયામાં પ્રતિમા પધરાવે છે. 

પાકિસ્તાનમાં અત્યારે લગભગ ૨૨ પ્રાચીન મંદિરો મોજૂદ છે. ૧૯૪૭માં અખંડ હિન્દુસ્તાનના ભાગલા પડયા એ પહેલાં ત્યાં ૪૨૮ હિંદુ મંદિરો હતાં. પાકિસ્તાન રચાયા પછી લગભગ ૪૦૮મંદિરો નષ્ટ કરવામાં આવ્યાં હતાં અને તેની જગ્યાએ મદરેસા, હોટેલ અને સ્કૂલો ઊભી કરવામાં આવી હતી. ૧૯૯૨માં બાબરી મસ્જિદનો  ધ્વંસ કરવામાં આવ્યો તેને પગલે પાકિસ્તાનમાં અનેક હિંદુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. પાકિસ્તાનમાં બલૂચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર, પંજાબ પ્રાંતનું શિવને સમર્પિત કટાસરાજ મંદિર, કરાચીનું પંચમુખી હનુમાન મંદિર, સૈયદપુરનું રામમંદિર, પેશાવરનું ગોરખનાથ મંદિર, સિંઘનું કાલકા ગુફા મંદિર અને સિયાલકોટનું શિવાણ તેજાસિંહ મંદિર પ્રસિદ્ધ છે. 

પાકિસ્તાનમાં હિંદુઓની આબાદી લગભગ ૩૮ લાખની આસપાસ છે. એટલે ગણેશોત્સવ, નવરાત્રી, દિવાળી સહિતના બધા જ હિન્દુ તહેવારોની ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે. દુશ્મન દેશની ધરતી પર વસતા હિન્દુઓ દુંદાળા દેવના પર્વની દહેશત વિના ઉજવણી કરે એમને દાદ તો દેવી પડે ને!

નૃત્યસેવા એ પ્રભુસેવા

સંગીત હૈ શક્તિ ઈશ્વર કી

હર સૂર મેં સમાયે રામ,

રાગી જો સૂનાયે રાગ મધુર

રોગી કો મિલે આરામ.

ભારતીય શાસ્ત્રીય સંગીતમાં એવી તાકાત છે કે ડિપ્રેશન, માનસિક તાણ, બ્લડપ્રેશર સહિતની બીમારીમાં રાહત આપે છે. હવે તો રીતસર મ્યુઝિક થેરાપીથી દરદીને સાજા કરવામાં આવે છે. સંગીતની આ શક્તિ છે એવી રીતે શાસ્ત્રીય નૃત્યમાં પણ લોકોના મનને પ્રફુલ્લિત કરવાની તાકાત છે. એટલે જ બિહારની કુચીપુડી નૃત્યાંગના  હોસ્પિટલમાં જઈ દરદીઓ સામે નૃત્ય કરી તેમને આનંદિત કરવાની સાથે માનસિક શાંતિ તેમજ ભાવનાત્મક આધાર પણ આપે છે. શાંભવી શર્માએ  નૃત્યામૃત અભિયાન શરૂ કર્યું છે અને જુદી જુદી હોસ્પિટલોમાં જઈ દરદીઓ સમક્ષ કુચીપુડી નૃત્યની રજૂઆત કરે છે. આને લીધે અસાધ્ય બીમારીથી પીડાતા દરદીઓના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે, હોસ્પિટલના સોગિયા વાતાવરણની જગ્યાએ નૃત્ય જોઈને તેમના મન પ્રફુલ્લિત થઈ જાય છે અને રોગ સામે લડવાની શક્તિ મળે છે. નિસ્વાર્થ ભાવે નૃત્યકલાથી દરદીઓની સેવા કરતી આ નર્તકીએ જનસેવા એ પ્રભુસેવાનું સૂત્ર સાચું પાડયું છે. આમ પણ નર્તકી શબ્દને અવળેથી વાંચો તો શું વંચાય? કિર્તન, બરાબરને? નર્તન એ પ્રભુનું કિર્તન સાબિત થયું છે.

જનશતાબ્દી કે હાઈડ્રોજન શતાબ્દી?

ભારતમાં જનશતાબ્દી ટ્રેન દોડે છે, પણ ટૂંક સમયમાં પહેલવહેલી હાઈડ્રોજન  ટ્રેન દોડતી થવાની છે. એટલે જનશતાબ્દીની જેમ આ ટ્રેનને હાઈડ્રોજન- શતાબ્દી નામ આપી શકાય કે નહીં? ખેર... હાઈડ્રોજનના ઈંધણથી દોડનારી આ પહેલી ટ્રેન માટેનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. જિંદ- ગોહાના- સોનીપત રૂટ પર ૧૧૦થી ૧૪૦ કિમીની ઝડપે આ હાઈડ્રોજન ટ્રેન દોડશે.

 દાયકાઓ પહેલાં કોલસાવાળા સ્ટીમ એન્જિન  ટ્રેનને ખેંચતાં હતાં. ત્યારબાદ ડિઝલ એન્જિનો અને ત્યારબાદ ઈલેકટ્રિક એન્જિનો આવ્યાં. હવે હાઈડ્રોજન એન્જિનવાળી ટ્રેનો દોડાવવાની વધુ એક સિદ્ધિ હાંસલ કરવામાં આવશે. આ ટ્રેનને ઈંધણ પૂરું પાડવા માટે જિંદમાં એક મેગાવેટ પોલીમર ઈલેકટ્રોલાઈટ મેમ્બ્રેન પ્લાન્ટ બાંધવામાં આવી રહ્યો છે. આ પ્લાન્ટમાં દરરોજ ૪૩૦ કિલો હાઈડ્રોજન તૈયાર કરવામાં આવશે. આ જોઈને કહેવું પડશે કે-

ચારો ચરી મેળવીને

પેટનું ઈંધણ,

પાછું ફરે ગાયોનું ધણ,

જ્યારે હવે પૂરઝડપે દોડાવશે ટ્રેન

હાઈડ્રોજનનું ઈંધણ.

બોલો, બળદ ખાય પુરણપોળી!

કોઈ માણસ અક્કલ વગરનું કામ કરે ત્યારે તેને ટોણો મારવામાં આવે છે કે તું તો સાવ બુદ્ધિનો બેલ છે. હિન્દીમાં તો જાણીતી કહેવત છે. આ બૈલ મુઝે માર. પરંતુ મહારાષ્ટ્રમાં બળદ પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરવા માટે બૈલ પોળાનો તહેવાર દર વર્ષે સોમવતી અમાવસ્યાના દિવસે ઉજવાય છે. આ દિવસે બળદને ઘસી ઘસી નવડાવવામાાં આવે છે, હળદરનો લેપ લગાડવામાં આવે છે, શણગારવામાં આવે છે અને વાજતે ગાજતે સરઘસ કાઢવામાં આવે છે. ત્યારબાદ બળદોની પૂજા કરીને તેમને પ્રેમપૂર્વક પુરણપોળી અને બીજા ભાવતા ભોજન જમાડવામાં આવે છે. આમ આ બૈલ મુઝે માર એમ નહીં આ બેૈલ તૂઝે માન.... જેવું દ્રશ્ય જોવા મળે છે. 

બૈલ પોળાને બીજા દિવસે તાન્હા પોળાનો પર્વ મહારાષ્ટ્રના વિદર્ભમાં ઉજવાય છે. મરાઠીમાં તાન્હા એટલે ટેણિયા બાળકો. તાન્હા પોળા એટલે ટેણિયામેણિયા બાળકો, પણ નાનપણથી જ બળદોનું મહત્ત્વ સમજે અને તેમના પ્રત્ય આદરભાવ રાખે માટે તાન્હા પોળા પર્વ ઉજવાય છે. તાન્હા પોળા વિદર્ભની વિશેષ ઓળખરૂપ તહેવાર બની ગયો છે. નાગપુરના બીજા ધની રાજા રઘુજી મહારાજ ભોંસલેએ ૧૭૮૯માં આ ઉત્સવની શરૂઆત કરી હતી. આમ આ વર્ષે આ તહેવારને ૨૩૬ વર્ષ પૂરા થયા. તાન્હા પોળામાં બાળકો માટીના અને લાકડાના નાનકડા બળદ હાથે બનાવીને અથવા તો વેંચાતા લઈને શણગારે છે અને પછી પારંપારિક વેશભૂષામાં સજ્જ થયેલા બાળકો શણગારેલા બાળકો હાથમાં લઈ સરઘસ કાઢે છે. ત્યારબાદ લાકડા અને માટીના બળદોની પૂજા કરી પ્રસાદ ચડાવે છે. ત્યારબાદ આ લાકડા- માટીના ટચુકડા બળદ લઈ ઘરે ઘરે ફરે છે જ્યાં તેમને દક્ષિણા આપવામાં આવે છે. 

રાજા મુઘોજી મહારાજ ભોંસલેએ આજે પણ ઉજવણીની પરંપરા ચાલુ રાખી છે. તેમના આવાસ વરિષ્ઠ ભોંસલે મહારાજ મહેલ સ્થિત મંદિરમાં આજે પણ લાકડાના બળદની જંગી પ્રતિમાનાં દર્શન થાય છે. લાકડાના આ બળદની ઊંચાઈ આઠ ફૂટ અન ેલંબાઈ છ ફૂટ છે. બાળકો પ્રત્યેના પ્રેમ અને કૃતજ્ઞાતા વ્યક્ત કરવા માટેના આ અનોખા તહેવારની ઉજવણી આખા દેશમાં થવી જોઈએ એવું નથી લાગતું?

પંચ-વાણી

સવાલઃ 'રસ્તા રોકો' આંદોલનની જેમ સવારે ખડખડાટ હસીને ઘોંઘાટ કરતા લાફટર ક્લબવાળા સામે કયુ આંદોલન કરી શકાય?

જવાબઃ હસતા રોકો.