Editorial

બસો વર્ષ પહેલાં ખોદાયેલો કૂવો ફરી ખોદી કઢાયો

By GS TEAM
26 Sep 20255 mins read
બસો વર્ષ પહેલાં ખોદાયેલો કૂવો ફરી ખોદી કઢાયો

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

એક જમાનામાં ખેતી અને નાહવા-ધોવામાં અને પીવામાં કૂવાના પાણીનો જ ઉપયોગ થતો. રાજા-મહારાજા અને શ્રીમંત દાનવીરો ગામેગામ કૂુવા ગળાવતા. કાળક્રમે શહેરોમાં કૂવા બૂરાતા ગયા. જળાશયોમાંથી પાઈપ લાઈનો દ્વારા ઘર ઘરમાં ચોવીસે કલાક પાણી આવવા માંડયું. હવે તો રેઈન વોટર હાર્વેસ્ટીંગથી વરસાદનું પાણી જમા કરી ઉપયોગમાં લેવાય છે ્ને દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનો પ્લાન્ટ શરૂ થવા માંડયા છે. પરંતુ ગયા વર્ષે બેંગ્લોર શહેરમાં ગંભીર જળસંકટ ઊભું થયું અને લોકો રીતસર પાણી માટે વલખાં મારવા લાગ્યા એ વખતે બોરિંગ ઈન્સ્ટિીટયુટે ૨૦૦ વર્ષ પહેલાં ખોદવામાં આવેલા એક કૂવાને શોધી કાઢ્યો હતો. એક ઈમારત નીચે દબાયેલા આ કૂવાને ફરી ખોદી કાઢવામાં આવ્યો ત્યારે અંદરથી બિલકુલ સ્વચ્છ પાણી નીકળ્યું હતું. ૧૮૦૦ની શરૂઆતમાં બ્રિટીશ સૈનિકો અને તેમના ઘોડાની પાણીની જરૂરિયાત સંતોષવા આ કૂવો ખોદવામાં  આવ્યો હતો. ૨૫ ફૂટ પહોળો અને ૪૦ ફૂટ ઊંડો કૂવો મધર-વેલ તરીકે ઓળખાય છે, કારણ કે ભૂગર્ભમાં વહેતા ઝરણા સાથે તેનું તળ સીધું જ જોડાયેલું હોવાથી આ કૂવો કોઈ દિવસ સૂકાતો નથી. આ કૂવાની શોધખોળ ૨૦૧૬માં શરૂ થઈ હતી. ત્યાર પછી તો કોરોના કાળમાં શોધખોળની કામગીરી ઠપ થઈ ગઈ હતી.  પરંતુ ગયા વર્ષે બેંગ્લોરના જળસંકટ બાદ કૂવાની શોધખોળ ઝડપી બનાવવામાં આવી હતી. ત્રણ મહિના પહેલાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું અને આખરે ઈમારત નીચે દટાયેલા કૂવાને શોધી કાઢવામાં આવ્યો હતો. કૂવાની અંદરની દિવાલો હજી પણ એક કાંકરી પણ ન ખરે એટલી મજબૂત છે. ઐતિહાસિક વારસાને બચાવી ને ભવિષ્યની પાણીની જરૂરિયાતને પહોંચી વળવાનો આ એક સફળ પ્રયાસ છે. એવું કહેવાય કે-

જળ એ જ જીવન,

અને હવે ઐતિહાસિક

કૂવો થયો સજીવન.

સાડા ચાર દાયકાથી પોલીસ સ્ટેશનમાં એક પણ ફરિયાદ નહીં 

ગુનાખોરીમાં અવ્વલ ગણાતા ઉત્તર પ્રદેશમાં અગાઉની સરકાર સાથે અમિતાભ બચ્ચનના સારા સંબંધ હતા ત્યારે યુ.પી.ના પ્રચાર માટે અમિતાભ બચ્ચનના અવાજમાં એક સૂત્ર બહુ ગાજ્યું હતું  યુ.પી.મેં હૈ દમ, યહાં જુર્મ હૈ કમ...  

ક્રાઈમ સ્ટેટનું લેબલ લાગેલું એ સ્ટેટમાં આ સૂત્રની ચારે તરફથી ઠેકડી ઉડાડવામાં આવી હતી. જ્યારે યોગી આદિત્યનાથે સત્તાનો દોર સંભાળ્યા પછી ગેન્ગસ્ટરો માટે બુરે દિન આયેહૈ. ટોચના ગેન્ગસ્ટરોનો ખાતમો બોલાવી દીધો. બાકી બચ્યા છે તેને મોતને ઘાટ ઉતારવાને બદલે ભાગતા હોય ત્યારે પગમાં ગોળી મારી ઝડપી લે છે. આને નામ અપાયું છે ઓપરેશન લંગડા. ટૂંકમાં યુપીમાં લંગડા કેરી જાણીતી છે એમ હવે વેરી લંગડા થઈને ટીવીના પડદે ચમકે છે. ગુનાખોરોનો ઢોળિયો બોલાવવાની ઝુંબેશ ચાલુ જ છે. છતાં હજી સુધી ટોટલી ક્રાઈમ-ફ્રી સ્ટેટ નથી  બન્યું. આ પરિસ્થિતમાં યુપીના એક ગામની હકીકત જાણવા જેવી છે. નિયાખતપુર નામના  ગામમાં પોલીસ સ્ટેશનમાં છેલ્લાં ૩૭ વર્ષથી એક પણ ફરિયાદ નથી નોંધાઈ. નાના-મોટા ઝઘડા થાય, મિલકતના વિખવાદો કે વિવાદોનો ઉકેલ ગ્રામ પંચાયતના સભ્યો અને વડીલો જ ઉકેલે છે. આ જ કારણસર ગામના પોલીસ સ્ટેશનમાં ૧૯૮૮થી એક પણ એફઆઈઆર નથી નોંધાઈ.

ઈ-મેલના જમાનામાં ગણેશજીને મળે છે થોેકબંધ મળે છે ટપાલ 

વિધ્નહર્તા ગણેશજી દેશ અને દુનિયામાં પૂજાય છે. સાર્વજનિક ગણેશોત્સવ વખતે મુંબઈમાં લાલબાગના રાજા સહિત સાર્વજનિક ગણેશોત્સવ મંડળના મંડપોમાં વિરાટ પ્રતિમાઓ પૂજાય છે.  દેશનું એકમાત્ર મંદિર એવું છે જ્યાં ગણપતિના મુખની જ પૂજા થાય છે. આ મંદિર રણથંભોરમાં આવેલું છે. રણથંભોરના ત્રિનેત્રી ગણેશ મંદિરમાં  મુખની જ પૂજા થાય છે એ વિશે એવી માન્યતા છે કે ગણપતિ દાદા આ સ્થળે સ્વયંભૂ રૂપ ધારણ કરતા હતા ત્યારે કોઈએ તેમને જોઈ લીધા. એટલે પ્રાગટય પ્રક્રિયા અટકી ગઈ. એટલે આ મૂર્તિમાં દિવ્ય મુખના જ દર્શન થાય છે. રણથંભોરના કિલ્લામાં સ્થિત આ અતિપ્રાચીન મંદિરમાં બિરાજમાન ગણપતિ બાપ્પા તરફ દેશ-વિદેશના લોકો શ્રદ્ધા ધરાવે છે. એટલે મંદિરની બીજી ખાસિયત એ છે કે લગ્ન અથવા બીજાં શુભકાર્યોનો આરંભ કરતાં  પહેલાં ગણેશજીને આમંત્રણ આપવા માટે દેશ-વિદેશથી ટપાલો આવતી રહે છે. પૂજારી  આ બધા નિમંત્રણ પત્રિકાઓ અને  ટપાલો ગણેશજીની પ્રતિમા સમક્ષ મૂકે છે અને શુભકાર્યો પાર પડે એવી પ્રાર્થના કરે છે. આજે ઈ-મેલના જમાનામાં પણણ ગણપતિ બાપ્પાને થોકબંધ ટપાલો મળે છે એની પાછળ લોકોની આસ્થાના જ દર્શન થાય છેને!

વાહ બા... વાહ બા

બા અને મા - આનાથી મીઠા અને મધુર શબ્દ બીજા હોય જ ન શકે. એક અક્ષરમાં જાણે લાગણીના અક્ષરધામનાં દર્શન થાય. બાને આજના જમાનાના બાળકો મમ્મી કે મોમ કહી સંબોધે, પણ બાની સામે મોમ શબ્દ મોમની જેમ ઓગળી જાય. ગાંધી બાપુની અટકની આગળ માનવાચક જી લગાડવામાં આવતા ગાંધીજીને થયું એમ તેમના જીવનસાથીના નામની આગળ માનપૂર્વક 'બા' લગાડવામાં આવતાં  કસ્તુરબા થયું. બા અક્ષર બે વખત લખાય તો બાબા બની જાય, સાંઈબાબા. થોડા વર્ષો પહેલાં એ ક રૅપ સોન્ગ બહુ હિટ થયું હતું જેના શબ્દો હતાઃ બમ્બઈ મેં કા બા... ત્યાર પછી આ જ રૅપસોંગને આધારે પોલિટિકલ સોંગ બન્યાં, જેમ કે યુ.પી.મેં કા બા... બિહાર મેં કા-બા... 'કા બા' એટલે ક્યા હૈ... શું છે... ગુજરાતીમાં મહિલાઓને સન્માન આપવા માટે નામની પાછળ બા લગાડવામાં આવે છે. આવી જ રીતે માલવી ભાષામાં પણ મહિલાઓને માન આપવા માટે નામને છેડે બા લાગે છે. બા લાગવાથી નામનું વજન કેવું વધી જાય? સજનબા, ફૂલકુંવરબા, દેવકુંવરબા... સંસ્કૃતમા બાનો અર્થ  જળ થાય છે. બુંદેલી ભાશામાં 'વહ' માટે બા શબ્દ વપરાય છે. મૈથિલી ભાષામાં અથવા માટે બા શબ્દ ઉપયોગમાં લેવાય છે. ગઢવાલી ભાષામાં પિતા માટે બા શબ્દનો માનપૂર્વક ઉપયોગ થાય છે. તેમ જ વિચાર કરો કે એક જ અક્ષરના બા શબ્દના આટઆટલા અર્થ નીકળે એવું દુનિયાની બીજી કોઈ પણ ભાષામાં શક્ય નથી. 

જરા હળવાશથી કહીએ તો કે ચાલાક પુત્રવધૂ બા શબ્દનો કેવો ખૂબીપૂર્વક ઉપયોગ કરતી? સાસુ સામે બેઠા હાય ત્યારે પાડોશણને જાણે વખાણ કરતી એમ કહેશે કેઃ બા તો બા છે. પછી જેવાં સાસુબા અંદર જાય ત્યારે છણકો કરીને અને ફેરવીને કહેશે કે બા 'તોબા' છે.

ફ્રિજમાં બાસુંદી મૂકાય કે બાળક?

બાળકો ધીંગામસ્તી કરતાં હોય ત્યારે મમ્મી વ્હાલપૂર્વક વઢતા કહેતી હોય છે કે તું બહુ બગડી ગયો છે હો! અરે, બાળક કાંઈ બાસુંદી છે તે બગડી ન જાય? ખાવા-પીવાની ચીજો બગડની જાય માટે રેફ્રિજરેટરમાં એકદમ ઠંડકમાં રાખવામાં આવે છે, પણ કોઈ માતા પોતાના તાજા જન્મેલા બાળકને ફ્રિઝરમાં મૂકી દે એ સાંભળીને જ આપણે ધુ્રજી ઉઠીએ. આ ચોંકાવનારી ઘટના  ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં બની હતી.  માતાએ ૧૫ દિવસ પહેલાં જન્મ આપ્યો હતો એ માસુમને રેફ્રિજરેટરમાં મૂકી ફ્રિઝનો દરવાજો બંધ કરી દીધો. આ તા સારૃં થયું કે બાળકનોે જોર જોરથી રડવાનો અવાજ આવવા માંડતા પરિવારના અન્ય સભ્યો ગોતાગોત કરવા માંડયા. 

 ર્ફ્રિજમાંથી અવાજ આવે છે એવું લાગતા ડોર ખોલતાની સાથે જ અંદર જોયું તો બાળક રડતું હતું. આ જોઈને સહુ ચોંકી ઉઠયા હતા. બાળકની જનેતાને વળગાડ લાગ્યો છે એમ માની મંત્ર-તંત્ર કરાવ્યા. પણ માતાના સ્વભાવમાં ફેર ન પડયો. છેવટે ડોકટર પાસે લઈ ગયા ત્યારે ડોકટરે નિદાન કર્યું કે  પ્રસૂતિ પછી તેને સાઈકોસિસની માનસિક બીમારી લાગુ પડી છે. ફ્રિજમાં મૂકવામાં આવેલું બાળક   રડવા માંડયું એટલે બચી ગયું, નહીંતર આખા ઘરે રડવાનો વારો આવત.

પંચ-વાણી

માણસ દાખવે શિષ્ટાચાર

કબૂતર દાખવે વિષ્ટા-ચાર.