સિંહ, સાપ અને મગરમચ્છથી વધુ મારકશક્તિ મચ્છરની

- મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
એક સાલા મચ્છર આદમી કો ... બના દેતા હે નાના પાટેકરનો આ મશહૂર ડાયલોગ સહુને યાદ હશે. મચ્છરો માણસથી વધુ ખતરનાક છે અને સિંહ, સાપ અને મગરમચ્છથી પણ વધુ મારકશક્તિ ધરાવે છે એ હક્કિત સામે આવી છે.દુનિયામાં દર વર્ષે મચ્છરો સવાસાત લાખ માણસોના જીવ લે છે. શરીર પર મચ્છર બેસે તો આપણે તેને ચપટીમાં ચોળી નાખીએ છીએ. પણ એ જ મચ્છરો મલેરિયા જેવી બીમારી ફેલાવીને દર વર્ષે લાખો લોકોનો ભોગ લે છે. માણસ માણસનો જીવ લે એવી ચાર લાખ ઘટના બને છે. એટલે માણસથી વધુ ખતરનાક તો મચ્છર ગણાયને? મોટા પ્રાણીઓની વાત કરીએ તો સિંહ દર વર્ષે લગભગ ૨૦૦ લોકોનો, મગરમચ્છ ૧૦૦૦ લોકોનો, હાથી ૫૦૦ લોકોને મારી નાંખે છે. જ્યારે ઝેરી સર્પ કરડવાથી ૧.૩૮ લાખ લોકોના અને કૂતરા કરડવાથી ૫૯ હજાર લોકો જીવ ગુમાવે છે. જ્યારે શાર્ક માછલી માત્ર ૭૦નો ભોગ લે છે. આ આંકડાવારી પરથી જ પૂરવાર થાય છે કે સૌથી વધુ મારકશક્તિ ઝીણા મચ્છરો ધરાવે છે.
સમૂહ ભોજનમાં ફરે દાળના ટેન્કર
આપણામાં કહેવત છે કે દે દામોદર દાળમાં પાણી. જમણવારમાં જમવાવાળા વધી પડે અને દાળ ખૂટી પડે એવું લાગે ત્યારે દાળમાં પાણી ધબેડવાનું. અગાઉ નાતના જમણવારમાં મોટા મોટા તપેલામાં દાળ ઉકળતી અને કમંડળોમાંથી પીરસાતી જોઈ હશે. પણ કોઈ કલ્પી શકે કે સેંકડો લોકો ભેગા બેસી ભોજન કરવા બેઠા હોય ત્યારે તેમને દાળ પીરસવા માટે દાળ ભરેલા ટેન્કરો ફેરવવા પડે? દાળના ટેન્કરો ફરતા હોય એવો અજબ નઝારો મહારાષ્ટ્રના અહિલ્યા નગર (અહમદનગર) જિલ્લાના શ્રીરામપુરમાં જોવા મળ્યો હતો. શ્રીરામપુરમાં છેલ્લાં ૧૭૮ વર્ષથી ગંગાગિરી મહારાજ સપ્તાહ યોજાય છે જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો અને શ્રમિક વર્ગના લોકો સામેલ થાય છે. આ ઉત્સવની ખાસિયત એ છે કે સેંકડો ગામડાઓમાંથી રોટલી, ભાખરી તૈયાર થઈને આવે છે. આ ભાખરી કે રોટલી પતરાવાળામાં અને દાળ (આમટી) દોણામાં લઈ સહુ ભેગા બેસીને ખાઈને કોઈ જાતના ભેદભાવ વગર સહુ સમૂહભોજન લઈ એક અન્ન એક મન ઉક્તિી ખરી ઠેરવે છે. ગામડાઓમાં ઘર ઘરમાંથી રોટલી અને ભાખરી આવે છે. મસૂરની દાળમાંથી આ વખતે લગભગ ચાર લાખ લીટર આમટી તૈયાર કરવામાં આવી હતી અને નાખી નજર ન પહોંચે એટલી લાંબી પંગતમાં આમટીને ટેન્કરમાં ભરીને પીરસવા માટે ફેરવવામાં આવી હતી. ગંગાગિરી મહારાજ સપ્તાહ નિમિત્તે યોજાતો આ વૈષ્ણવોનો મેળો શ્રદ્ધા અને એકતાના પ્રતિક સમાન ગણાય છે. લોકોએ મિલ્ક ટેન્કર, ઓઈલ ટેન્કર, પેટ્રોલ-ડિઝલ ટેન્કર ફરતા જોયા હશે, પણ દાળના ટેન્કર ફરતા શ્રીરામપુરમાં જ જોવા મળે.

દેશનું એક માત્ર બ્રહ્માજીનું મંદિર અને એકમાત્ર માલપુઆવાળી ગલી
રાજસ્થાનમાં અજમરેને અડીને આવેલા તીર્થધામ પુષ્કરનું નામ કાને પડતાની સાથે જ નજર સામે સૃષ્ટિના રચયતા જગતપિતા બ્રહ્માજીના દેશના એક માત્ર મંદિરનું સ્મરણ થાય. પુષ્કરની બીજી પણ એક ખાસિયત છે, એ છે માલપુઆવાળી ગલ્લી. મુંબઈ જેવા શહેરમાં જેમ ખાઉગલ્લી હોય છે અને જેમાં વડા-પાઉ, ભાજી-પાઉ, ભેળ, રગડા-પેટીસ અન ે પાણીપુરી જેવી ખાવાની જાતજાતની ચીજો મળે છે એમ પુષ્કિરની આ અનોખી માલપઆરવાળી ગલ્લીમાં રબડીના માલપુઆ અને મીઠાઈઓ જ વેંચાય છે. દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ, સહેલાણીઓ અને પર્યટકો પુષ્કર આવે ત્યારે પુષ્કરની માલપુઆવાળી ગલ્લીમાં જઈને રબડીના માલપુઆનો ટેસ્ટ કરવાનું ચૂકતા નથી. ૧૦૦ વર્ષ પહેલાં એક હલવાઈએ પહેલી જ વાર રબડીના માલપુઆ બનાવ્યા હતા. બસ ત્યારથી આ સ્વાદની પરંપરા ચાલી આવે છે. ગલીમાં પગ મૂકતાંની સાથે જ દેશી ઘીમાં તળાતા અને પછી ચાસણીમાં બોળી મધ જેવાં મીઠા બનાવવામાં આવતાં માલપુઆની સોડમથી નાક ભરાઈ જાય છે. આખી ગલ્લીમાં જ્યાં જુઓ ત્યાં માલપુઆ જ વેંચાતા હોય છે. પુષ્કરની મુલાકાત વખતે ત્યાંના એક ટુરિસ્ટ ગાઈડે હળવાશથી ટકોર કરી હતી કે ડાયાબિટીસના દરદીઓ ભલે મીઠાઈ ન ખાતા હોય, પણ પુષ્કરઆવે ત્યારે માલપુઆનો એક વાર સ્વાદ માણવાનું જોખમ ઉઠાવવામાં વાંધો નહીં. મશહૂર મીઠા માલપુઆની શોહરત જાણીને કહેવાનું મન થાય કેઃ
મામા-મામી માસા-માસી
ફોઈ-ફૂવા
જે જાય પુષ્કર
ચોક્કસ ચાખે માલપુઆ.
તારીખ પે તારીખથી કંટાળી અડધી સદી બાદ ગુનો કબૂલ્યો
અદાલતોમાં નાના-મોટા કેસોના રીતસર ગંજ ખડકાતા હોય છે. એટલે કેસનો નિકાલ આવતા વર્ષોના વર્ષો નીકળી જતા હોય છે. આવા જ એક કેસમાં ઉત્તર પ્રદેશના એક શહેરમાં દોઢસો રૂપિયાની ઘડિયાલની ચોરીના આરોપી વૃદ્ધજને તારીખ પે તારીખ પડતી હોવાથી લગભગ અડધી સદી સુધી કોર્ટના ચક્કર કાપી કંટાળીને ગુનો કબૂલ કરી લીધો હતો. ૧૯૭૬માં આરોપી યુવાન હતો ત્યારે સહકારી સમિતિમાં ગાર્ડ તરીકે કામ કરતો હતો. એ વખતે ઘડિયાળની ચોરીનો આરોપ મૂકાયો હતો. કેસની તારીખ વખતે કોર્ટમાં હાજર થવું પડે. આમને આમ ૪૯ વર્ષ સુધી તેણે કોર્ટના ધક્કા ખાધા. આખરે કંટાળીને તેણે કોર્ટમાં ગુનો કબૂલી લીધો હતો. જજને કહ્યું હતું કે જુવાન હતો ત્યારે કોર્ટના ચક્કર કાપી શકતો, હવે વૃદ્ધ થયો છું એટલે કોર્ટના ધક્કા ખાઈ શકું એમ નથી. આરોપી અગાઉ જેલવાસ ભોગવ્યો હોવાથી જજે તેને બે હજારનો દંડ કર્યો હતો. આમ લગભગ અડધી સદી સુધી ચાલેલી અદાલતના ચક્કરની આ અજબ દાસ્તાનનો અંત આવ્યો હતો.

સિંહ, વાઘ, દીપડાના બચ્ચાની માયાળુ માતા
આજના જમાનામાં એક બાળકને ઉછેરવામાં મમ્મીએ કેટલું લોહી-પાણી એક કરવું પડતું હોય છે, ત્યારે જરા કલ્પના કરો કે માનવીના બાળકો નહીં પણ સિંહ, વાઘ અને દીપડાના બચ્ચાને વ્હાલથી ઉછેરતી માયાળુ માતા કઈ રીતે આ કઠીન ફરજ બજાવતી હશે? પણ કહે છે ને કે જ્યાં ભાવ હો ત્યાં ભાર ન લાગે. કર્ણાટકના બનેરઘાટા બાયોલોજિકલ પાર્કમાં છેેલ્લાં બાવીસ વર્ષથી સાવિત્રી અમ્મા પ્રાણીઓના બચ્ચાને પોતીકા ગણી પ્રેમપૂર્વક ઉછેરે છે. બે દાયકા પહેલાં સાવિત્રી અમ્મા બનેરઘાટા બાયોલોજિકલ પાર્કમાં સફાઈ કર્મચારી તરીકે જોડાઈ હતી પરંતુ પ્રાણીના બચ્ચાં પ્રત્યેના તેના માયાળુ વર્તનને જોઈને પાર્કના સત્તાવાળાઓએ તેને બચ્ચાંની સારસંભાળ લેવાની ગમતી જવાબદારી સોંપી હતી. બાવીસ વર્ષ દરમિયાન સાવિત્રી અમ્માએ દીપડાના ૫૦ બચ્ચાને, સિંહના ૧૫ બચ્ચાને અને વાઘના ૭ શાવકોને પ્રેમપૂર્વક ઊછેરીને મોટા કર્યા છે. આ બચ્ચાને શીશીથી દૂધ પીવડાવે છે, કાંખમાં તેડી ફેરવે છે, ગાર્ડનમાં રમાડે છે અને પોતાના બાળકની જેવો પ્રેમ આપે છે. જ્યારે બચ્ચા મોટ થઈ જાય પછી જ્યારે પાર્કમાંથી વિદાય કરવામાં આવે ત્યારે સાવિત્રી અમ્મા ચોધાર આંસુએ રડી પડે છે, જોવાનું એ છે કે મોટા થઈ ગયેલા બચ્ચા પણ એટલા ઢીલા પડી જાય છે અને રીતસર અમ્માને વળગી પડે છે. પાર્કના રક્ષકોએ તેમને પરાણે છોડાવીને લઈ જવા પડે છે. આ જોઈને કહેવું પડે કેઃ
સબસે ઊંચી પ્રેમ સગાઈ
પ્રાણી સે કૈસી પ્રીત લગાઈ
- પંચ-વાણી
ગુરૂઘંટાલો હોય તનમનના મેલા
ભેગા ચલતાપુર્જા જેવા ચેલા
ભેગા મળીને કરે ઠેલમઠેલા.









