બોલો, હવે શ્વાનનું પણ આધાર કાર્ડ .

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
શ્વાન મનુષ્યનો સૌથી વફાદાર સાથી ગણાય છે. પોલીસ અને લશ્કરની ડોગ-સ્કવોડ અને બોમ્બ-સ્કવોડમાં ફરજ બજાવતા સ્નિફર ડોગ કેટલાયના જાન બચાવે છે. જો કે રઝળ તાં કૂતરાં જાન ખાઈ જાય છે એ જુદી વાત છે. પણ એક હકીકત છે કે માનવ અને શ્વાન વચ્ચે હજારો વર્ષથી સંબંધ જળવાયો છે. પાળેલા શ્વાન એશ કરે છે. તેમની સારસંભાળ લેવાય છે. દિલ્હીમાં તો શ્વાનને યોગાસનની જેમ ડોગાસનની તાલીમ આપતું સેન્ટર પણ ચાલે છે.
શ્વાનને માણસનો જ આધાર છે. એટલે જ મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં ટોમી નામના એક શ્વાનનું આઘારકાર્ડ બનાવવામાં આવ્યું છે. આધાર કાર્ડમાં ડોગીનું આખું નામ ટોમી જયસ્વાલ લખવામાં આવ્યું છે. તેના માલિકનું નામ કૈલાશ જયસ્વાલ છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલું ડોગીના ફોટા સાથેનું આધાર કાર્ડ સાચું નથી લાગતું, બાકી તો દુનિયામાં કોઈ પણ દેશના શ્વાન હોય એ બહાર નીકળે ત્યારે રસ્તામાં થાંભલા પાસે, મોટર પાસે કે પછી ગેટ નજીક એક પગ ઊંચો કરી પ્રવાહી-સલામી આપતા જ હોય છે. એટલે હળવાશથી કહી શકાય કે આ-ધાર કરવાની આદતનેલીધે આધાર કાર્ડ અપાયું હશે.
...અને ગુરુ કુર્તાની ફેશનનો ફૂંકાયો પવન
રેશમી સલવાર કુર્તા જાલી કા રૂપ સહા નહીં જાયે નખરેવાલી કા... 'નયા દૌર' ફિલ્મના આ ગીતે વિતેલા જમાનામાં ધૂમ મચાવી હતી.ગીતના મુખડામાં કુર્તા શબ્દનો ઉલ્લેખ છે તેનાં પરથી યાદ આવ્યું કે 'આનંદ' ફિલ્મનું યાદગાર ગીત ઝિંદગી કૈસી હૈ પહેલી હાયે... કભી તો હસાવે કભી યે રૂલાયે... યાદ કરશો તો દરિયા કિનારે ઘૂમતા-ગાતા આનંદ ઉર્ફે રાજેશ ખન્ના નજર સામે તરવરશે. આજે હિન્દી સિનેમાના આ પહેલવહેલા સુપરસ્ટાર હયાત નથી, પણ તેમણે શરૂ કરેલી ગુરુકુર્તાની ફેશનનો રંગ આજે પણ જોવા મળે છે. અડધી બાંયના મોદી કુર્તાનો ટ્રેન્ડ શરૂ થયો એ પહેલાં ઝબ્બા કરતાં લંબાઈમાં જરા ટૂંકા અને રંગીન ગુરુકુર્તાની ફેશનનો જબરજસ્ત પવન ફૂંકાયો હતો.
આજે એ દિવસો યાદ કરીએ ત્યારે મનમાં સવાલ થાય કે આ ગુરુકુર્તાની ડિઝાઈન કોણે કરી હશે? આ બાબતમાં ખાંખાખોળા કરતા જાણવા મળ્યું હતું કે જાણીતી અભિનેત્રી બહેનો સુપ્રિયા પાઠક અને રત્ના પાઠકના પિતા બલદેવ પાઠકે ગુરુકુર્તાની ડિઝાઈન ખાસ રાજેશ ખન્ના માટે તૈયાર કરી હતી. પાઠકનો ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક કપડાંનો સ્ટોર હતો. તેઓ રાજેશ ખન્ના ઉપરાંત દિલીપ કુમારના સ્ટાઈલિસ્ટ પણ હતા.
બલદવે પાઠકે રાજેશ ખન્ના માટે તૈયાર કરેલા ગુરુકુર્તા ઉપરાંત ગુરુશર્ટની ફેશનનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો હતો. ગુરુ-શર્ટ એટલે કોલરને બદલે સ્ટેન્ડ પટ્ટીવાળા અને જરા લાંબા શર્ટ. ગુરુકુર્તાનું ઇન-શર્ટ કરવામાં ન આવે, તેથી તેનો ફાયદો એ રહેતો કે વધતી કમરનો ઘેરાવો ઢંકાઈ જતો. રાજેશ ખન્નાએ બંધન, આનંદ, હાથી મેરે સાથી, મહેબૂબ કી મહેંદી, આન મિલો સજના વગેરે ફિલ્મોમાં ગુરુ કુર્તા અને જાતજાતના ગુરુ શર્ટ પહેર્યાં હતા. કહેવત છેને કે સાપ ગયા ને લિસોટા રહ્યા. તે કહેવતને ફેરવીને કહી શકાય કે સ્ટાર ગયા ને કુર્તા રહ્યાં.
ઝાંસીની રાણીના ગામમાં ઘોડા ફરે હોસ્પિટલમાં
બુંદેલે હરબોલો સે
હમને સુની કહાની થી
ખૂબ લડી મર્દાની
વો તો ઝાંસીવાલી રાની થી
મહાન વીરાંગના ઝાંસીની રાણીએ પીઠ પર બાળકને બાંધીને, ઘોડા પર બેસીને ગઢની રાંગ પરથી ઝંપલાવી અંગ્રેજ સેનાને થાપ આપી હતી. ઝાંસીની રાણીની શૂરવીરતાનાં ગીતો આજે પણ ગવાય છે અને તેના બહાદુર ઘોડાને પણ બિરદાવવામાં આવે છે. એ જ ઝાંસીની હોસ્પિટલની અંદર છુટ્ટા ઘોડા ફરતા જોઈને દરદીઓના ધબકારા વધી ગયા હતા. સામાન્ય રીતે હોસ્પિટલમાં ડોકટરો રાઉન્ડમાં નીકળતા હોય છે, પરંતુ ઝાંસીની રેલવે હોસ્પિટલની અંદર બે હટ્ટાકટ્ટા અને કદાવર ઘોડા ટેસથી રાઉન્ડ મારતા જોવા મળ્યા હતા. આ ઘોડાને કોઈ રોકવાવાળું પણ નહોતું. રેલવે હોસ્પિટલની આ કેવી લાપરવાહી કહેવાય! આ બેદરકારી બદલ હોસ્પિટલના સત્તાવાળાને માથે માછલાં ધોવાયા હતાં. એ જોઈને કહેવું પડે કે-
હોસ્પિટલમાં જો ટેસથી
ફરે ઘોડા,
એને રોકવામાં પડે
સહુ મોડા,
તો પછી ક્યાંથી માથે
માછલાં ધોવાય થોડા?
મંદિરમાં લીલા શાકનો ભોગ અને શાકભાજીનો શણગાર
એવી શક્તિ છે શાકમાં જે માંદગીને રાખે ધાકમાં. શાકની આ હાથબનાવટની હરીભરી કહેવત કાને ધરીને કહી શકાય કે શાકાહારી સામે માંદગી જાય હારી. પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો સૌથી કદાવર પ્રાણીઓ લીલોતરી ખાય છે એટલે શાકાહારીની જેમ એને ઘાસાહારી કહી શકાય. ભક્તોને લીલાતરી એટલે હરી-સબ્જી ભાવે તો પછી હીરને પણ હરી-સબ્જી ભાવને? એટલે જ ઓડિશાના જગન્નાથ મંદિરમાં ભગવાનને છપ્પન ભોગ ધરવામાં આવે છે. એમાં જાત જાતનાં શાકભાજી હોય છે.
મધ્ય પ્રદેશના સબગોઈ માતા મંદિરમાં કદૂનો ભોગ ચડાવવાની પ્રથા છે. કાનપુરના બુધ્ધાદેવી મંદિરમાં દેવીને પ્રસાદના રૂપમાં લીલાં શાકભાજી ચડાવવાની અનોખી પ્રથા છે. શાકમ્બરી ઉત્સવ વખતે સારો પાક થાય એ માટે દેવી કનકદુર્ગાને શાકભાજીથી શણગારવામાં આવે છે, અને લીલા શાકનો ભોગ ધરવામાં આવે છે. આ સૃષ્ટિ એ ભગવાનની લીલા જ છેને? એટલે ભગવાનને લીલા શાકનો ભોગ ધરવાનું ગમે જ ને?
જીવતી દીકરીની કાઢી નનામી
બાબુલ કી દુવાએ લેતી જા... જા તુઝકો સુખી સંસાર મિલે... કન્યા-વિદાય પ્રસંગે પિતાની આંખોમાંથી ચોધાર આંસુ સરી પડે છે અને સુખી સંસારની કામના કરી આશીર્વાદ આપી વિદાય કરે છે, પરંતુ ઓડિશામાં એક ચોંકાવનારી ઘટનામાં બેટીના પ્રેમલગ્નથી નારાજ પિતાએ હયાત દીકરીની પ્રતીકાત્મક નનામી કાઢી હતી અને સ્મશાને પહોંચી અગ્નિદાહ આપ્યો હતો.
આ કિસ્સો ગંજમ જિલ્લાના કવિ સૂર્યનગર ગામની એક યુવતીએ મા-બાપની મરજી વિરુદ્ધ બીજી જાતિના યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધાં. આને કારણે કન્યાના પરિવારજનો અને સમાજના લોકો નારાજ થયા. કન્યાના પિતાએ કહ્યું કે દીકરી અમારે માટે મૃત્યુ પામ્યા સમાન છે, એટલે એની સાથે હવે અમારો કોઈ સંબંધ નથી રહ્યો.
ત્યારબાદ પિતાએ અને અન્ય સગા-સંબંધીએએ કેળનું થડ લાવ્યા અને આ થડને નનામીમાં બાંધી નવી સાડી ઓઢાડી. પછી નનામી લઈને આ બધા 'રામ નામ સત્ય હૈ... રામ બોલો ભાઈ રામ...' બોલતા અને સાથે મૃદંગ-ઘંટ વગાડતા આખા ગામનું ચક્કર લગાવી સ્મશાને પહોંચ્યા. ત્યાં મૃતદેહ નહીં, પણ આ સાડી ઓઢાડેલા થડ-દેહને ચિતા પર મૂક્યા પછી પિતાએ અગ્નિદાહ આપ્યો હતો.સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો ત્યારે આવી સંકુચિત જાતિવાદી વિચારસરણી બદલ કન્યાના પિતા અને પરિવારજનો પરહ લોકોએ ટીકાના તીર છોડ્યા હતા. કેવું વિચિત્ર કહેવાય! એક બાજુ 'બેટી બચાવો'ના નારા ગજાવવામાં આવે છે, જ્યારે બીજી તરફ જીવતી બેટીને મરેલી સમજીને અંતિમક્રિયા કરી નાખવામાં આવે છે.
પંચ-વાણી
પરી અને ઉપરીમાં શું ફેર જાણો છો?
પરીને પાંખ હોય,
ઉપરીને આંખ હોય.









