એક અનોખું મંદિર જ્યાં પગરખાં ચડાવાય છે

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
મંદિરોમાં ફૂલ-હાર ચડાવવામાં આવે છે, શ્રીફળ વધેરવામાં આવે છે, સોના-ચાંદીના ંઆભૂષણો શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવામાં આવે છે, પણ ભારતનું કદાચ એક જ એવું મંદિર છે જ્યાં દેવીને જૂતાં-ચંપલ ચડાવવામાં આવે છે. આ મંદિર ભોપાલની કોલાર પહાડી પર આવેલું સિદ્ધિદાત્રી મંદિર છે, જ્યાં આસ્થાળુઓ તરફથી રોજ ૪૦-૫૦ જોડી પગરખાં ચડાવવામાં આવે છે.
આની પાછળ એવી લોકવાયકા છે કે લગભગ ત્રણ દાયકા પહેલાં કેટલાય ભક્તોને સિદ્ધિદાત્રી દેવીએ દર્શન દીધાં અને આદેશ આપ્યો કે કોઈ પણ બાળક ઉઘાડા પગે ફરવા ન જોઈએ, એમને પગરખાં પહેરાવવા જોઈએ. બસ, ત્યારથી આ પ્રથા શરૂ થઈ ગઈ છે. મંદિરમાં ચડાવવામાં આવતાં પગરખાં જરૂરિયાતમંદોને વહેંચી દેવામાં આવે છે. આમ તો બધાં જ મંદિરોમાં બૂટ-ચેપલ બહાર ઊતારવા પડે છે, જ્યારે દુર્ગામાતાના બાળ સ્વરૂપ સિદ્ધિદાત્રી દેવીના મંદિરમાં નવાનક્કોર પગરખાં લઈ જઈને દેવીના ચરણે ધરવામાં આવે છે.
વયોવૃદ્ધ વરરાજાની એક જ રાતમાં 'જાન' નીકળી
વરરાજા વાજતેગાજતે જાન લઈને પરણવા નીકળે એ બધાએ જોયું જ હશે, પરંતુ પરણ્યા પછી એક જ રાતમાં વરારાજાની 'જાન' નીકળે એ કેવી કરૂણતા કહેવાય? આ ઘટના ઉત્તરપ્રદેશના જૌતપુર જિલ્લામાં બની હતી. ૭૫ વર્ષનાં વયોવૃદ્ધ સંગરૂરામે ૩૫ વર્ષની મનભારતી સાથે લગ્ન કર્યાં. પહેલાં મંદિરમાં લગ્ન કર્યાં અને પછી કોર્ટ મેરેજ કર્યા. રાત્રે વયોવૃદ્ધ વરરાજા અને યુવાન દુલ્હને અલકમલકની વાતો કરીને સૂવા ગયાં હતાં. સવારે જોયું તો વરરાજા મૃતાવસ્થામાં પડેલા જોવા મળતાં રોકકળ મચી ગઈ હતી. દુલ્હને કહ્યું કે સગરૂરામ રાતે એકદમ ફિટ હતા, પણ સવારે એ સાથ છોડી ગયા. પોણોસો વર્ષના સગરૂરામના ૪૦ વર્ષ પહેલાં અનારી દેવી સાથે લગ્ન થયાં હતાં. ચાર દાયકા બાદ બીજાં લગ્ન તો કર્યાં પણ કમભાગ્યે રાત્રે પરણ્યા અને સવારે પ્રાણત્યાગ કર્યો. આ ઘટના પરથી કવિ દાદના કન્યા વિદાયના ગીતની એક કડી યાદી આવેઃ જાન ગઈ મારો જાન લઈને...
દાનવ બન્યો ડ્રાઈવર
એક જમાનામાં સ્કૂલોમાં માસ્તરો સણસણતી સોટી ફટકારીને વિદ્યાર્થીઓને ભણાવતા હતા ત્યારે એવું કહેવાતું કે સોટી વાગે ચમચમ વિદ્યા આવે ઝમઝમ... પણ આજના જમાનામાં માસ્તર ભૂલેચૂકેય સ્ટુડન્ટ્સ ઉપર હાથ ઉપાડે તો હોબાળો મચી જાય છે. માસ્તરો દ્વારા મારપીટ ભલે નથી થતી, પણ સ્કૂલ સાથે સંકળાયેલા હોય એવા લોકો માસૂમો પર અત્યાચાર ગુજારતા હોય છે. આવા જ એક કિસ્સામાં હરિયાણાના પાનીપત શહેરની એક પ્રાઈમરી સ્કૂલના બિલ્ડિંગના ઉપલા માળની બારીમાંથી માસુમ બાળકને ઊંધો લટકાવી એક માણસ નિર્દયતાથી ફટકા મારતો જોવા મળ્યો હતો. આ અરેરાટીભર્યા કિસ્સાનો વિડીયો વાયુવેગે વાઈરલ થતાંની સાથે જ હોબાળો મચી ગયો હતો. તરત જ પોલીસ સ્કૂલમાં પહોંચી ગઈ હતી. તપાસ કરતા ખબર પડી હતી કે સ્કૂલ બસના ડ્રાઈવરે બીજા ધોરણમાં ભણતા બાળકનું શારીરિક શોષણ કર્યું હતું, પણ બાળક આ બાબતે કોઈને ફરિયાદ ન કરે એટલે ધાક બેસાડવા માટે ઉપલા માળની બારીમાંથી ઊંધો લટકાડીને તેની પીટાઈ કરી હતી. હેવાનિયતની હદ વટાવનારા ડ્રાઈવરની અને સ્કૂલના પ્રિન્સિપાલની પોલીસે ધરપકડ કરી હતી.
એટીએમમાંથી પૈસાને બદલે આખલો નીકળ્યો
આપણે સહુ એટીએમમાં પૈસા કઢાવવા જઈએ છીએ, પણ તમે કોઈ એવું એટીએમ જોયું છે જ્યાંથી પૈસાને બદલે આખલો નીકળે? આ સવાલનો જવાબ આપતા પહેલાં તાજેતરમાં જ વાઈરલ થયેલો વિડીયો જોવો પડે.
બન્યું એવું કે યુપીના ઈટાવામાં બપોરના તડકામાં ગરમીથી બચવા માટે આખલો બેન્કના એટીએમની કેબીનમાં ઘૂસી ગયો હતો. એસીની ઠંડકમાં એને એવી મજા આવી ગઈ કે બહાર જ ન નીકળે. કેટલાક કસ્ટમર પૈસા કઢાવવા ગયા ત્યારે કદાવર આખલાને જોઈને દૂર ભાગ્યા હતા. અંતે મહામહેનતે આખલાને એટીએમમાંથી કાઢવામાં આવ્યો હતો.
બીજો એક આખલો યુપીના જ ઉન્નાવ ગામે બેન્કની બ્રાન્ચમાં ઘૂસીને ટેસથી ફરવા લાગ્યો હતો. આખલાના ઓચિંતા આગમનને પગલે અફરાતફરી મચી ગઈ હતી. બે બેન્કોમાં થયેલા આ વસમા અનુભવને પગલે એવો વિચાર આવે કે આ રીતે ઢોરની ઘૂસણખોરી રોકવા માટે હવે બેન્કોએ ડોર-કીપરની સાથે ઢોર-કીપર પણ રાખવા પડશે કે શું?
સાદગીની મૂર્તિ શાસ્ત્રીજીની કારલોન તેમના નિધન પછી ભરપાઈ થઈ
આજે સરકારી કારના કાફલાના કાર-નામાની વાત થાય એમ નથી એક-એક પ્રધાનોની મોટર પાછળ દસ-વીસ કાર દોડતી હોય છે. મહાપાલિકાના નગરસેવક હોય કે પછી ધારાસભ્ય હોય, એની પાસે પણ ખુદની માલિકીની પાંચ-છ આલિશાન મોટરકાર હોય છે, પણ દેશના એવા વડાપ્રધાન, જેમની પોતાની અંગત કાર નહોતી એવી સાદગીની મિસાલ પૂરી પાડનારા મહામાનવ એટલે લાલબહાદુર શાસ્ત્રીજી. બીજી ઓકટોબરે ગાંધી જયંતીની સાથે જ લાલબહાદુર શાસ્ત્રીજીની જયંતી ઉજવાઈ એ વખતે તેમની સાદગીનો કિસ્સો જાણવા મળ્યો. શાસ્ત્રીજી વડાપ્રધાન બન્યા એટલે તેમને સરકારી કાર મળી હતી, પણ એમની પાસે પોતાની અંગત કાર હતી જ નહીં. પરિવારજનોએે સાદગીની જીવંત મૂર્તિસમા શાસ્ત્રીજીને કહ્યું કે આપ વડાપ્રધાન બન્યા છો ત્યારે પોતાની માલિકીની મોટર તો હોવી જોઈએ. શાસ્ત્રીજીએ બેન્કમાં તપાસ કરાવી કે ખાતામાં કેટલાં પૈસા છે, તો જાણવા મળ્યું કે ૭ હજાર રૂપિયા પડયા છે. એ વખતે કારની કિંમત ૧૨ હજાર હતી. એટલે શાસ્ત્રીજીએ પાંચ હજારની લોન લઈ કાર ખરીદવાનું નક્કી કર્યું. બેન્ક દ્વારા કારલોનની દરખાસ્ત તત્કાળ પાસ થઈ ગઈ. શાસ્ત્રીજીએ ત્યારે બેન્કના ઉચ્ચ અધિકારીને જણાવ્યું કે તમે વડાપ્રધાનની લોન જે ઝડપે પાસ કરી એટલી જ સરળતાથી આમ આદમીની લોન પાસ થવી જોઈએ.
ખેર, કાર આવી ગઈ અને શાસ્ત્રીજીના પુત્રો તે ચલાવવા લાગ્યા. કમભાગ્યે લોન ભરપાઈ થવામાં એક વર્ષ બાકી હતું ત્યાં શાસ્ત્રીજીનું અકાળે નિધન થયું. શાસ્ત્રીજી પછી વડા પ્રધાનની ગાદીએ આવેલાં ઈન્દિરા ગાંધીએ લોનની વાત જાણીને પરિવારને ધરપત આપી કે લોનની બાકી રહેલ રકમ માફ કરવામાં આવશે.પરંતુ સાદગી નીતિ અનેપ્રામાણિકતાને માર્ગે આગળ વધેલા શાસ્ત્રીજીનાં જીવનસંગિનીલલિતાદેવી શાસ્ત્રીએ લોન માફી સ્વીકારવાનો ઈનકાર કર્યો. આખરે તેમણે જે પેન્શન મળતું હતું એમાંથી ચાર વર્ષે કાર લોનના બાકીના હપ્તા ચૂકવી દીધા હતા. આજે એ કાર શાસ્ત્રીજીના પરિવાર પાસે સાદગીભર્યા જીવનની સ્મૃતિરૂપે સચવાઈછે.
પંચ-વાણી
ધન મળે ત્યાં આનંદ નહીં,
મન મળે ત્યાં આનંદ.








