ઢળતા મહાદેવ મંદિરમાં શ્રાવણમાં જલાભિષેક થતો નથી, કેમ કે...

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
શ્રાવણ મહિનામાં શિવજીનાં મંદિરો જય જય શિવશંકરના નાદથી ગાજી ઉઠે છે અને મહાદેવ ભક્તો શિવલિંગ પર જલાભિષેક માટે ધસારો કરતા હોય છે, પરંતુ પુણ્યભૂમિ વારાણસીમાં મહાદેવનું એક મંદિર એવું છે જ્યાં શ્રાવણ માસમાં જલાભિષેક નથી થતો અને બમ બમ ભોલેનો નાદ પણ કાને નથી પડતો. આ મંદિર ઢળતા મહાદેવ મંદિર તરીકે ઓળખાય છેે.
પિસાના ઢળતા મિનારાને દુનિયાની એક અજાયબી ગણવામાં આવે છે. પિસાનો મિનારો ફક્ત ૪ ડિગ્રી ઝૂકેલો છે છતાં અજાયબી ગણાય છે, જ્યારે રત્નેશ્વર મહાદેવ મંદિર ૯ ડિગ્રી ઝૂકેલું છે છતાં બહુ ઓછા લોકો તેનાથી વાકેફ છે. ૪૦૦ વર્ષ પુરાણું આ રત્નેશ્વર મહાદેવ મંદિર મહારાણી અહિલ્યાબાઈની દાસી રત્નાબાઈએ બંધાવ્યું હતું. એવી કિંવદંતી છે કે દાસીએ સુંદર મહાદેવ મંદિર બંધાવ્યા પછી મહારાણી મંદિરને જોવા ગયાં. દાસીએ એવો હઠાગ્રહ રાખ્યો કે પોતાના નામ સાથે જોડીને મંદિરને રત્નેશ્વર મહાદેવ મંદિર નામ આપવામાં આવે. મહાદેવની સાથે નામ જોડવામાં આવે એ મહારાણી સાહેબને ગમ્યું નહીં. દાસીને સમજાવાની કોશિશ કરી, પણ તે માની નહીં. આથી મહારાણી સાહેબ નારાજ થઈને પાછાં વળી ગયાં. ત્યાર પછી જેવું આ મંદિર ખુલ્લું મૂકાયું ત્યાર પછી જમણી બાજુ ઝૂકવા માંડયું.
વારાણસીમાં ગંગા કિનારે મણિકર્ણિકા ઘાટ પાસે આ રત્નેશ્વર મહાદેવ મંદિર ૪૦૦ વર્ષથી ઝૂકેલી દશામાં પણ અડીખમ ઊભું છે. વર્ષમાં આઠ મહિના મંદિરનો ઘણોખરો ભાગ ગંગાજળમાં ડૂબેલો રહે છે અને મંદિરમાં સ્થાપિત શિવલિંગ જમીનમાં ૧૦ ફૂટ નીચે છે. આ જ કારણસર પવિત્ર શ્રાવણ માસમાં કોઈ ભક્તો જલાભિષેક કરી નથી શ કતા. એવું કહેવાય છે કે આ મંદિર એક તરફ ઝૂકવાનું ચાલુ જ છે. મંદિરનો છજ્જાનો ભાગ અનેક દાયકાઓ પહેલાં જમીનથી ૮ ફૂટ ઊંચે હતો, જ્યારે અત્યારે જમીન અને છજ્જા વચ્ચેની ઊંચાઈ ઘટીને ૭ ફૂટ થઈ ગઈ છે.
ઢળતા મહાદેવ મંદિરને જોઈને કહેવું પડે કે મંદિર એક તરફ ઢળે એમ પણ ધર્મ તરફ વળે અને સમર્પિત ભાવે ઢળે તો સહુની શ્રદ્ધા ફળે.
સાવન કા મહિના 'ગહરેબાજી' કા શોર
મર્દ તાંગેવાલા મેં હૂં મર્દ તાંગેવાલા, મુઝે દુશ્મન કયા મારેગા, મેરા દોસ્ત ઉપરવાલા... 'મર્દ' ફિલ્મમાં ઘોડાગાડી દોડાવીને મત્સ-મઝેદાર અંદાજમાં આ ગીત ગાતા અમિતાભ બચ્ચનને અત્યારે યાદ કરવાનું શું કારણ છે? અમિતાભ બચ્ચનના જન્મસ્થળ અલાહાબાદ (અત્યારના પ્રયાગરાજ)માં શ્રાવણ મહિના દરમ્યાન આવી જ રીતે તાંગા દોડાવવામાં આવે છે. ઘોડેસવારીના શોખીનો અને તાંગા દોડાવવાની કાબેલિયત ધરાવતા જુવાનિયાઓ ખુલ્લા મેદાનમાં રેસ લગાવીને તેજ રફતારનો રોમાંચ માણે છે. શ્રાવણમાં ઉજવાતા આ ઉત્સવને પ્રયાગરાજના લોકો 'ગહરેબાજી' કહે છે. આ તાંગાદોડ આખો શ્રાવણ મહિનો જોવા મળે છે. પરાપૂર્વથી આ પરંપરા ચાલી આવે છે.
અમિતાભ બચ્ચને પણ નાનપણમાં આ ગહરેબાજીની રોમાંચક ક્ષણોને માણી જ હશે.આજે ભારત ઘોડાગાડી અને બળદગાડાના જમાનાને પાછળ છોડીને પ્લેન અને રેોકેટની દુનિયામાં પહોંચી ગયું છે, છતાં આજે પણ ઘોડાગાડી કે બળદગાડાની રેસ સાથેનો લોકોનો લગાવ છૂટયો નથી. હિન્દી ફિલ્મ સંગીતમાં તો ઘોડાના ડાબલાનો અવાજ અનુભવાય એવી રીધમ સાથેનાં ગીતો બનાવતાં. 'નયા દૌર'નું 'માંગ કે સાથ તુમ્હારા, મૈને માંગ લિયા સંસાર...' અને 'એક મુસાફર એક હસીનાનું બંદા પરવર થામ લો જીગર...' આ તાંગાતાલવાળા ગીતો કોણ ભૂલી શકે?
વૃક્ષ પરથી વાંદરાએ વરસાવ્યો નોટોનો વરસાદ
વરસાદ એટલે પ્રભુનો પરસાદ. પરંતુ તામિલનાડુના કોડાઈકેનાલની ગુમા ગુફાઓ જોવા ગયેલા ટુરિસ્ટોને માથે નોટોનો વરસાદ વરસાવ્યો હતો. સો, બસો, પાંચસોની ચલણી નોટો ભેગી કરવા માટે પર્યટકો રીતસર પડાપડી કરવા માંડયા હતા. કોડાઈકેનાલ વિસ્તારમાં વાંદરાનો બહુ ત્રાસ છે, ટુરિસ્ટોના હાથમાંથી ખાવાનાં પડીકાં પર ઝપટ મારી પડાવી જાય છે. ક્યારેક મોબાઈલ પણ તફડાવી જાય છે તો ક્યારેક ટોપી ખેંચી જાય છે. આવા જ એક તોફાની બારકસ બંદરે એક ટુરિસ્ટની બેગ તફડાવી અને ઝાડ પર ચડી ગયો. વાંદરાને એમ કે બેગમાં કંઈક ખાવાનું હશે. પણ બેગમાં તો ચલણી નોટોની થોકડીઓ ભરેલી હતી. હવે કકડીને ભૂખ લાગી હોય ત્યારે તો ખાવાનું જ જોઈએને? ચલણી નોટની થોકડીઓને બચકાં થોડાં જ ભરાય? એટલે વાંદરાએ તો બેગમાંથી રોકડ નોટો કાઢી કાઢીને ઉડાડવા માંડી. વાંદરાને વળી પૈસાનું શું કામ? એટલે આ નોટો વરસાવનારા વાનરે પેલી કહેવત સાચી પાડી કેઃ બંદર કયા જાને અદરક કા સ્વાદ. પૈસા વરસાવતા વાંદરાનો વીડિયો જોઈને મને તો ડાયરામાં લોકગાયકોને માથે ઊભા રહીને પૈસા વરસાવનારા યાદ આવી ગયા.
પોલીસે 'પોલીસી' બનીને હુમલાખોરને હનીટ્રેપમાં ફસાવ્યો
સોશિયલ મીડિયા પર હની ટ્રેપમાં એટલે કે મોહજાળમાં ફસાવીને લાખો રૂપિયા પડાવી લેવાના કિસ્સા છાશવારે પોલીસને ચોપડે નોંધાતા હોય છે, પરંતુ મંબઈ પોલીસે એક તરૂણી ઉપર છરીથી વાર કરી પલાયન થઈ ગયેલા હુમલાખોરને સુંદરી બનીને હની ટ્રેપમાં ફસાવી આબાદ ઝડપી લીધો. ધારાવીમાં રહેતા માત્ર ૧૯ વર્ષના આ આરોપીને એક તરૂણી સાથે ઝઘડો થયા બાદ તેની ઉપર છરાથી હુમલો કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે બહુ શોધ ચલાવી પણ તે હાથમાં નહોતો આવતો. પોલીસને એટલી ખબર પડી કે ચાલાક યુવક ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે. એટલે કોઈ યુવતીના બનાવટી નામે પોલીસે એકાઉન્ટ ખોલ્યું અને તેને ફ્રેન્ડ્ઝ રિકવેસ્ટ મોકલી તરત જ તે મેસેજ કરવા માંડયો, બસ પોલીસે એનું પગેરૃં મેળવી લીધું અને નાસિકથી આરોપીને ઝડપી લીધો. પોલીસે 'પોલીસી' બનીને હુમલાખોરને હની ટ્રેપમાં ફસાવ્યો એ જોઈને કહેવું પડે કે-
કોઈ સપડાય હની ટ્રેપમાં
તો કોઈ સપડાય મનીટ્રેપમાં,
પણ હલ્લાખોર સપડાયો
પોલીસની આ 'પોલીસી' ટ્રેપમાં.
ચંડીગઢ ચોખ્ખુંચણક બનાવવા નિવૃત્ત આઈપીએસ અધિકારી ઉપાડે કચરો
ભારતના સૌથી પહેલા સુનિયોજિત અને સુંદર શહેરમાં ચંડીગઢની ગણના થતી, પરંતુ છેલ્લાં થોડા વર્ષ દરમ્યાન ચંડીગઢમાં કચરો અને ગંદકી વધવા માંડયા. સ્વચ્છતા રેંકિગ નીચે જવા માંડયું. આમ છતાં કોઈ ચંડીગઢવાસીઓએ દરકાર ન કરી અને શહેરના પ્રશાસને પણ આંખ આડા કાન કર્યા. આને કારણે પંજાબ પોલીસના રિટાયર્ડ ડેપ્યુટી ઈન્સ્પેકટરે જનરલ ઈંદરજીત સિંહ સિદ્ધુ વ્યથિત થઈ ગયા. ૮૮ વર્ષની જૈફ વયે તેમણે ચંડીગઢને ચોખ્ખુંચણક બનાવવાનું બીડું ઝડપ્યું. હવે દરરોજ સાઈકલ-લારી લઈને સવારમાં નીકળી પડે છે. રસ્તા અને ફૂટપાથ પર પડેલો કચરો ઉપાડીને સાઈકલ-લારીમાં ભરે છે અને પછી દૂર તેનો નિકાલ કરી આવે છે. સફાઈપ્રેમી સિદ્ધુસાહેબને આટલી જૈફ ઉંમરે કચરો ઉપાડતા જોઈને ચંડીગઢના કોઈ જુવાનિયાને એમ નહીં થતું હોય કે મદદ કરીએ? ચંડીગઢ સુધરાઈના સત્તાવાળા પણ આ એકલવીરની કાબિલેદાદ કામગીરી જોઈને ભોંઠપ અનુભવી સફાઈ ઝુંબેશ કેમ નહીં ઉપાડતા હોય? નિવૃત્ત આઈપીએસ અફસરની આ વન-મેન સફાઈ ઝુંબેશને સો સો સલામ કરીને કહેવું પડે કેઃ
જેના હૈયામાં હામ છે,
શ્વાસે શ્વાસે સફાઈનું નામ છે,
એને માટે નાનું ક્યાં
કોઈ કામ છે?
પંચ-વાણી
કબૂતર શાંતિદૂત કે
અશાંતિ-ભૂત?








