Editorial

એક બાજુ કબૂતરને મુદ્દે બાઝે, બીજી બાજુ કબૂતરબાજીમાં રાચે

By GS TEAM
14 Nov 20255 mins read
એક બાજુ કબૂતરને મુદ્દે બાઝે, બીજી બાજુ કબૂતરબાજીમાં રાચે

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

કબૂતર જા... જા... જા... ગાઈને સફેદ કબૂતર શાંતિના દૂત ગણાવવામાં આવે છે અને તેને શાનથી આકાશમાં ઉડાડવામાં આવે છે... પરંતુ કબૂતરોનાં પીંછાં અને ચરકને લીધે શ્વસનતંત્રની બીમારીનું જોખમ રહેતું હોવાથી કબૂતરોને અશાંતિ-દૂત આપીને જા.. જા... જા... કહીને ઘણા જાકારો આપે છે. કબૂતરખાના બંધ કરાવવાના મુદ્દે અને કબૂતરકાના ખુલ્લા રાખવાના મુદ્દે વિવાદને વિરોધનું વાતાવરણ જોવા મળે છે. જ્યારે બીજી તરફ રાજસ્થાનમાં કેટલાય કબૂતરબાજાએ મુઘલ કાળના કબૂતરબાજીના ખેલને જીવંત રાખ્યો છે. અજમેર, ટોંક અને જયપુર કબૂતરબાજીના ખેલનાં મુખ્ય કેન્દ્ર છે.

અજમેરમાં ગોલૂ ઉસ્તાદે ૨૫૦૦ કબૂતરોને પાળ્યા છે અને તેને ટ્રેનિંગ આપે છે. આ કબૂતરો તાલીમ લીધા પછી ૧૦ કલાક સુધી ઉડ્ડયન કરી શકે છે એવો ઉસ્તાદનો દાવો છે. આકરી તાલીમમાંથી પસાર કરવામાં આવતા કબૂતરોને બદામ, કિશમિશ, શક્કરટેટીના બીજ અને બાજરાનું ટોનિક ખવડાવવામાં આવે છે. આ કબૂતરોની રેસ યોજવામાં આવે છે. ટોંકમાં પણ કબૂતરબાજીના શોખીન તરફથી હજારોની સંખ્યામા કબૂતરો પાળવામાં આવ્યા છે. લુપ્ત થવાને આરે પહોંચેલી કબૂતરબાજીની કલાને સોશિયલ મીડિયાએ જીવતદાન આપ્યું  છે.  

જોકે આપણે ત્યાં કબૂતરબાજી ચાલે છે એમાં કબૂતરો હોતાં જ નથી. અમેરિકા, કેનેડા કે બીજા કોઈ દેશમાં જવા માગતા લોકો પાસેથી ઊંચી રકમો પડાવીને ગેરકાયદે  મોકલતા એજન્ટોને પણ કબૂતરબાજો તરીકે ઓળખવવામાં આવે છે. જાતજાતની કબૂતરબાજી જોઈને જ અને 'ઝ' અક્ષર પરથી શબ્દરમત કરી શકાય. બાજી એટલે ખેલ અને બાઝી પડે એટલે લડી પડે, બરાબર? હવે વાંચો આ ચાર લાઈના-

ક્યાંક નજરે પડે કબૂતરબાજી,

તો ક્યાંક કબૂતરના નામે પડે બાઝી.

પણ કબૂતરના નામે ઉડાડે માણસને,

એ સૌથી જોખમી છે કબૂતરબાજી.

કાવાસાકી બાઈક

નહીં બીમારી

કાવાસાકી નામ કાને પડતાંની સાથે જ નજર સામે તરવરે, પણ અહીં વાત કાવાસાકી બાઈકની નહીં, કાવાસાકી બીમારીની વાત કરવાની છે. પાંચ વર્ષથી નાની ઉંમરનાં બાળકોને થતી આ એક દુર્લભ બીમારી છે - કાવાસાકી ડીસીઝ (કેડી). ભારતમાં દર એક લાખ બાળકોમાંથી ૧૦-૨૦ બાળકોને લાગુ પડે છે. આ વેસ્કયુલાઈટીસ બીમારીમાં રક્તવાહિનીઓમાં સોજો ચડી જાય છે. લાંબા સમય સુધી સોજો  રહેવાથી તે નબળી પડે છે. કાવાસાકીગ્રસ્ત બાળકને સતત તાવ રહે છે, હોઠ અને જીભ લાલ રહે છે, છાતી, પીઠ, કમર પર નાના દાણા ફૂટી નીકળે છે. હાથ-પગ સોજી જાય છે. બે સપ્તાહ સુધી ઈલાજ કરવામાં ન આવે તો આર્થરાઈટીસ થવાનું જોખમ રહે છે. એટલે સમયવર્તી સાવધાન  બની જો ટાઈમસર બાળકનો ઈલાજ કરવામાં આવે તો જોખમ ટાળી શકાય છે. 

નેશનલ લાયબ્રેરી ઓફ મેડિસીનમાં પ્રગટ થયેલા એક અભ્યાસલેખમાં જણાવાયા મુજબ, ભારતમાં ેકાવાસાકી બીમારીનું પ્રમાણ વધતું જાય છે. હમણાં જ એક જાણીતા  સ્ટેન્ડએપ કોમેડિયને તેના દોઢ વર્ષના દીકરાને  કાવાસાકીની બીમારી લાગુ પડી હતી  એના વિશે સોશિયલ મીડિયામાં ઈમોશનલ પોસ્ટ મૂકી હતી. ટૂંકમાં, કાવાસાકી બાઈક અને બીમારી બન્નેથી બચવાની જરૂર છે.

રામમંદિર પર પેરેશૂટના  કાપડમાંથી કાપડમાંથી બનેલો ધર્મધ્વજ

અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ૨૫મી નવેમ્બરે યોજાનારા ભવ્ય ધ્વજારોહણ સમારોહ માટે તડામારા તૈયારી ચાલી રહી છે. રામમંદિર સહિત આ પરિસરમાં આવેલા આઠ મંદિરો પર ધર્મધ્વજ લહેરાવવામાં આવશે. આંધી, તૂફાન કે સૂસવાટા બોલાવતા પવન સામે ઝીંક ઝીલી શકે એટલા માટે ધર્મધજા પેરેશૂટ (હવાઈ છત્રી)ના મજબૂત કાપડમાંથી  તૈયાર કરવામાં આવશે. મિલિટરીની ટીમે કરેલા સૂચન અનુસાર પેરશૂટના કાપડમાંથી ધર્મધ્વજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રામમંદિરનો મુખ્ય ધ્વજ સ્તંભ ૩૬૦ ડિગ્રી પર ઘુમનારી બોલબેરિંગ  પ્રણાલી પર આધારિત હશે. જેને કારણે કલાકના ૬૦ કિમીની ઝડપે ફૂંકાતા પવનનો સામનો કરી શકે. અયોધ્યાના મંદિર પરિસરમાં ૧૭ મંદિરોનું નિર્માણકાર્ય પૂરૃં થઈ ગયું છે. આમાં મુખ્ય રામમદિર, પરકોટાના છ મંદિર, સપ્તમંડપનાં સાત મંદિર, શેષાવતાર મંદિરનો સમાવેશ થાય છે. મંદિર પરિસરમાં તુલસીદાસ, જટાયુ અને ખિસકોલીની સુંદર પ્રતિમાઓ તૈયાર થઈ ગઈ છે. મંદિરો ઉપર લહેરાનારા કેસરિયા ધ્વજ ઉપર સૂર્યદેવ ઓમકાર અને કોવિદાર વૃક્ષનાં ચિહ્નો અંકિત કરવામાં આવશે. આ ધજાઓ લહેરાતી જોઈને રામભક્તો ગાઈ ઉઠશે-

મૅદિર પર ધરમની ધજા લહેરાશે,

પ્રભુ રામજીના નામનો જયજયકાર થાશે.

જયાં લગ્ન પછી દુલ્હારાજા સાસરે જાય છે...

લગ્ન થાય એ  પછી કન્યાને સાસરે વળાવવામાં આવે છે, પરંતુ  મેઘાલયના ખાસી જાતિના ગામમાં પરણ્યા પછી પુરૂષ સાસરે જાય છે અને કન્યા સાથે તેના પિયરમાં રહે છે. આ અનોખી પ્રથા જોઈને એવી કલ્પના કરી શકાય કે આપણામાં કન્યા વિદાયના ગીતો ગવાય છે એવી રીતે મેઘાલયમાં કુંવર વિદાયના ગાણાં ગવાતાં હશે. આ નવતર પ્રથા સદીઓ પુરાણી છે. જે વિસ્તારમાં આ પ્રથા છે ત્યાં મહિલાપ્રધાન સમાજ-વ્યવસ્થા છે, પુરુષપ્રધાન સમાજ -વ્યવસ્થા નથી. કારોબાર અને જવાબદારી મહિલાઓ જ સંભાળે છે. જરા વિચારો કે આજે એકવીસમી સદીમાં પણ મોટે ભાગે નારીઓને પુરૂષની સમકક્ષ ગણવામાં નથી આવતી અને ગ્રામ વિસ્તારોમાં તો સ્ત્રીઓએ પતિથી દબાઈને રહેવું પડે છે, ત્યારે મેઘાલયમાં સદીઓ પહેલાં મહિલાપ્રધાન સમાજ-વ્યવસ્થા અસ્તિત્ત્વમાં આવી એ કેવું આશ્ચર્યજનક કહેવાય! 

પોર્ટુગલમાં પણ બટાટા,ગુજરાતમાં પણ બટાટા

બિહારમાં લાલુપ્રસાદ યાદવની બોલબાલા હતી ત્યારે એવું કહેવાતું કે, જબ તક સમોસે મેં આલૂ રહેગા, તબ તક બિહાર મેં લાલુ રહેગા... પણ સમોસામાં જ નહીં, બીજી અગણિત વાનગીઓમાં આલૂ એટલે બટેટા સદીઓથી ટકી રહ્યાં છે, જ્યારે ભાઈ-ચારાની વાતો કરી ચારા-કાંડમાં ફસાયેલા લાલુપ્રસાદ ટકી ન શક્યા. આપણે તો અહીં આલૂ, બટેટા, બટાકા, બટાટા, પોટેટો (કે પટેટો)ની વાત કરવાની છે. બટેટા મૂળ દક્ષિણ અમેરિકાના વતની. ૧૬મી સદીના અંતમાં બટેટા યુરોપ પહોંચ્યાં. ત્યારબાદ ૧૭મી સદીની શરૂઆતમાં બટાટા પોર્ટુગલથી ભારત પહોંચ્યા હતા. પોર્ટુગીઝ વેપારીઓ પોતાની સાથે બટેટા ભારત લાવવા અને પછી તો જાણે ભારતમાં બેટટા-ક્રાંતિ થઈ. મજેદાર વાત એ છે કે પોર્ટુગલમાં આલૂને બટાટા જ કહે છે.

 આજે તો બટેટા ઉગાડવામાં ગુજરાત મોખરે છે. સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઈન્સ્ટિટયુટની જાણકારી પ્રમાણે ભારત દર વર્ષે ૬ કરોડ ટન બટાટા પેદા કરે છે, જેમાંથી ૪૦ લાખ ટન એકલા ગુજરાતમાં ઉગાડવામાં આવે છે. આમાંથી શ્રેષ્ઠ ક્વોલિટીના ૬૦ ટકા બટાટાને પ્રોસેસ કરીને ફ્રાઈઝ કે ટીક્કી વગેરે બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે ગુજરાત પ્રોસેસ્ડ પેટેટો ઉદ્યોગનું પણ કેન્દ્ર બની ગયું છે. આજે દુનિયાના અનેક દેશોમાં ગુજરાતનાં બટાટાનો સ્વાદ અને સોડમ પહોંચી છે. એટલે કહી શકાય કે પરદેશથી આવેલા બટાટા આજે ભારતથી પરદેશ જાય છે. દરેક શાકમાં ભળી જાય  એવાં મળતાવડા આલૂ વિશે જોડકણું કહી શકાય-

દિવાળીમાં ફૂટે ટેટા

થાળીએ થાળીમાં બટેટા,

આલૂના સ્વાદથી કોઈ ન  

રહે છેટા.

પંચ-વાણી

કાગા સબતન ખાઈયો

ચૂન ચૂન ખાઈયો માંસ,

પર દો નૈના મત ખાઈયો

મોહે મોબાઈલ દેખન કી આસ.