Editorial

15 દિવસ પતિવ્રતા, 15 દિવસ પ્રેમીવ્રતા

By GS TEAM
12 Sep 20255 mins read
15 દિવસ પતિવ્રતા, 15 દિવસ પ્રેમીવ્રતા

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

જે પરણે છે એ એકબીજાને સમજી નથી શકતા અને જે એકબીજાને સમજે છે એ પરણી નથી શક્તા. બસ, આમાંથી જ લગ્નેતર સંબંધો કે લફરાબાજીની ઘટનાઓ બને છે, પરંતુ ઉત્તર પ્રદેશના એક ગામમાં એક વિચિત્ર કિસ્સો બન્યો.  

એક મહિલાના બાજુના ગામના યુવક સાથે લગ્ન થયાં, એ જ વખતે બીજા એક દિલફેંક જુવાનિયાના પ્રેમમાં પડી. પરણી ગયા પછી શું થાય? એટલે લાગ જોઈને ઘરમાંથી ભાગી પ્રેમી સાથે ઈલુ  ઈલુ કરવા પહોંચી જાય. આવી રીતે એક વર્ષમાં દસ વખત પ્રેમી સાથે ભાગી ગઈ. જેવી ભાગી જાય એટલે પતિ જઈને પકડીને પાછી લાવે. આ પકડાપકડીથી કંટાળીને પતિએ ગ્રામપંચાયતમાં ફરિયાદ કરી. 

પંચાયત બોલાવવામાં  આવી અને મહિલાને પૂછવામાં આવ્યું , 'તારો વિચાર શું છે?' 

મહિલાએ બેધડક માગણી મૂકી, 'હું મહિનામાં ૧૫ દિવસ પતિ સાથે અને ૧૫ દિવસ પ્રેમી સાથે રહેવા માગું છું!' 

આ ડિમાન્ડ સાંભળીને આખી પંચાયત સ્તબ્ધ થઈ ગઈ. પતિએ વહુને હાથ જોડીને કહ્યું , 'હવે મારે તને રાખવી જ નથી. તું તારા પ્રેમી સાથે જ રહે.' 

એમ કહી પતિ પોતાની પરણેતરનો હાથ ઝાલીને પ્રેમીના હવાલે કરી આવ્યો. એટલે જ કહેવું પડે કે- 

આવી વિચિત્ર શરત

કેમ સહેવાય?

પંદર-પંદર દિવસ પતિવ્રતા

અને પ્રેમીવ્રતા કેમ પોષાય?

પંચાવનની પ્રસૂતા

સત્તરમી વાર સુવાવડ

એક હિન્દી ફિલ્મનું ગીત યાદ આવે છેઃ 'સાવન કો આને દો...' આ ગીત ફેરવીને કંઈક આ રીતે ગાવું પડે એવી  ઘટના સામે આવી છે કેઃ 'બાલક કો આને દો...'

 રાજસ્થાનના એક ગામમાં  પંચાવન વર્ષની પ્રસૂતાએ તાજેતરમાં જ પબ્લિક હેલ્થ સેન્ટરમાં સત્તરમા બાળકને જન્મ આપ્યો હતો. મંદિરમાં ગર્ભગૃહ હોય છે એમ આ તો જાણે  ઘરના ગર્ભ-ગૃહમાં 'ગર્ભ-શ્રીમંત' મહિલાએ સત્તરમા બાળકને જન્મ આપ્યો ત્યારે સગા-વ્હાલા ઉપરાંત દીકરા-દીકરીઓ તેમ જ પૌત્ર-પૌત્રીઓ હાજર હતાં. 

એવું જાણવા મળ્યું હતું કે  આ મહિલાનાં ચાર દીકરા અને એક દીકરી એમ પાંચ સંતાનો જન્મપછી તરત જ મૃત્યુ પામ્યાં હતાં. એટલે અત્યારે ૧૨ સંતાનો હયાત છે. મહિલાનો પતિ ભંગાર વેંચવાનું કામ કરે છે અને નબળી આર્થિક સ્થિતિને  કારણે વ્યાજે પૈસા લઈને બાળકોેને ઉછેરે છે. નવાઈ એ લાગે છે કે આવી આર્થિક કટોકટીમાં રહેતા પરિવારની મહિલાને અને તેેના પતિને કુટુંબ નિયોજનની કોઈ સલાહ નહીં આપતું હોય?

 સંગીત સમ્રાટ તાનસેન સૂરોની પ્રસ્તુતી કરતા જ્યારે આ સં-તાનસેન  કપલ એક પછી એક પ્રસૂતિ કરે છે.

આંખ મારો કેસ જીતો

'આંખ મારે હો લડકા આંખ મારે...' જુવાનિયાઓ અને જુવાનડીઓ આ ગીત લલકારતા, ડાન્સ પાર્ટીમાં ઝૂમતા-નાચતા મસ્તીમાં એક બીજાને આંખ મારતા રહે એમાં કંઈ અજુગતું ન લાગે. પણ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ માર્કન્ડેય કાતજુ જ્યારે એમ કહે કે મને આંખ મારનારી મહિલા વકીલ કેસ જીતી જતી ત્યારે વિવાદનો કેવો વંટોળ જાગે?  

વિવાદાસ્પદ બયાન આપવા માટે પંકાયેલા કાત્જુએ થોડા સમય પહેલાં જ- સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટમાં  લખ્યું હતું કે કોર્ટમાં મારી સામે જોઈ આંખ મારનારી મહિલા વકીલન તેમની ફેવરમાં આદેશ મળ્યા હતા. આ પોસ્ટ ઉપર ચારે બાજુથી ટીકાની તડી પડતા નિવૃત્ત જજે પોસ્ટ ડિલીટ કરી નાખી હતી.  મહિલા વકીલોના સંગઠને  પણ વિરોધનો વાવટો ફરકાવતા નિવૃત્ત જજે માફી માગવી પડી હતી, પરંતુ ઘણાએ એવી માગણી કરી હતી કે જસ્ટિસ કાત્જુએ અત્યાર સુધીમાં દે ચુકાદાઓ આપ્યા છે તેની ફેરતપાસ થવી જોઈએ. કોઈ આ લખાણને ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડનારૃં  ગણાવ્યું હતું. આ આંખ મારવાની વાત પરથી એક જૂના નાટકનું ટાઈટલ યાદ આવ્યું ઃ 'કાણાએ આંખ મારી'. પણ કાણા નહીં શાણા જ્યારે આંખ મારવાની વાત કરે ત્યારે એ પોસ્ટ આંખમાં કેવી ખૂંચે?

13 વર્ષની ટેણકીનું બલિદાન

'કર ચલે હમ ફિદા જાન-ઓ-તન સાથિયો... અબ તુમ્હારે હવાલે વતન સાથિયો... 'જંગે આઝાદીમાં જાનની કુરબાની આપનારા વીરોની કુરબાનીને આઝાદ હિન્દુસ્તાનની પ્રજા કયારેય નહીં ભૂલી શકે, પણ અમુક એવાંય વીરલા પાક્યા કે જેના બલિદાનની ગાથા લોકો સુધી પહોંચી નહોતી.  આમાંથી એક હતી ૧૩ વર્ષની ટેણકી કાલીબાઈ ભીલ. 

'ભારત કા ગૌરવશાળી ઈતિહાસ'માં આ વીરાંગનાની બહાદૂરીનું રૃંવાડા ઊભા  કરી દે એવું વર્ણન મળે છે. ડુંગરપુરમાં ચાલતી રાસ્તાપાલની પાઠશાળા બંધ કરાવવા માટે પોલીસ સુુપરિન્ટેન્ડન્ટ અને સૈનિકો પહોંચ્યા. પોલીસે પાઠશાળા બંધ કરી ચાવી સોંપવા કહ્યું ત્યારે પ્રજામંડળના કાર્યકર્તા નાનાભાઈ ખાટે ઈન્કાર કર્યો એટલે એમની બેરહેમીથી પીટાઈ કરી, એટલું જ નહીં , અધ્યાપક સેંગાભાઈને દોરડાથી ટ્રક સાથે બાંધી ઘસડવા માંડયા.

 આ દ્રશ્ય જોઈ ૧૩ વર્ષની આદિવાસી બાળકી કાલીબાઈ કાળઝાળ બની ગઈ. દોડીને  તેણે છરીથી રસ્સી કાપી નાંખી. આ જોઈ તેની પર ગોળી વરસાવવામાં આવી. ગોળી વાગતા કાલીબાઈ ફસડાઈ પડી અને થોડી ક્ષણોમાં દમ તોડયો. આવી ટેણકી વીરાંગના કાલીબાઈને સો સો સલામુ પણ ઓછી પડે.

કૂતરાએ રક્ષણને બદલે કર્યું વૃદ્ધનું ભક્ષણ

રખડતાં, રઝળતાં, કરડકણાં કૂતરાંનો ત્રાસ દેશવ્યાપી બન્યો છે. કૂતરાં કરડવાના રોજ હજારો બનાવો બને  છે. ડાઘીયા કૂતરાના  હુમલામાં બાળક ભોગ બન્યા હોય એવી ઘટનાઓ છાશવારે છાપે ચડે છે. 

અબાલવૃદ્ધ સહુ કરડકણાં કૂતરા કરડવાથી ઘાયલ થાય છે. મુંબઈમાં તો સરકારી હોસ્પિટલોમાં હડકવાની રસી લેવા માટે સેંકડો માણસોની લાઈન લાગે છે. પણ કૂતરાના હુમલાની તાજેતરમાં જ ઈન્દોરમાં બનેલી ઘટનામાં ૮૦ વર્ષના વૃદ્ધજનને ફાડી ખાધા હતા. આ દાદા જર્જરિત ઘરમાં એકલા રહેતા  હતા અને બારી-બારણાં તૂટી ગયા હોવાથી શેરીનાં કૂતરાં ઘરમાં ઘૂસી ગયાં હતાં અન ે પથારીવશ દાદાનો ખાત્મો બોલાવી દીધો હતો.

બે દિવસથી આ સિનિયર સિટિઝન દેખાતા નહોતા એટલે એનો ભત્રીજો જ્યારે ખબર કાઢવા ગયો ત્યારે અંદરનું હૃદયવિદારક દ્રશ્ય જોઈને રીતસર ધુ્રજી ગયો હતો. દાદાનું શરીર કૂતરાં અડધું ખાઈ ગયાં હતાં. એક પત્ર અને એક હાથ ખેંચતાણ કરી છૂટ્ટો કરી નાખ્યો હતો. પોલીસે આવી તપાસ કરી અને કહ્યું કે બારીઓ તૂટેલી હોવાથી કૂતરાઓ એમાંથી અંદર ઘૂસ્યા હશે. જીવદયાવાળા અને પ્રાણીરક્ષા કરવાનો વાવટો લઈને ફરવાવાળા શેરીનાં કૂતરાં ને બચાવવાના નારા લગાવે છે, પણ શેરીમાં ફરતા શેરી-ડોન જેવાં કૂતરાં સામે માણસને બચાવવાની કેમ વાત નથી કરતા? 

રક્ષણ કરવાની જવાબદારી હોય એવા શ્વાન જ્યારે કોઈનું ભક્ષણ કરે ત્યારે ભલભલાના હૈયાં હચમચી જાય.

પંચ-વાણી

કાયદામાં રહે

એ ફાયદામાં રહે