વૃદ્ધાએ જ્યારે હજારો ફૂટ ઊંચેથી ઝંપલાવ્યું...

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
પંખ હોતી તો ઉડ આતી રે... માનવીને ઘણીવાર એવો વિચાર આવે કે પક્ષી જેવી પાંખો હોય તો હવામાં ઉડવાની કેવી મજા આવે? આવું જ સ્વપ્ન જોતી હતી કેરળની ૭૧ વર્ષની વૃદ્ધા, નામ એનું લીલા જોસ. કેરળનાં ઈડુક્કી જિલ્લાનાં આ વૃદ્ધાને તો આકાશમાં ઉડવાની જ નહીં, પણ હજારો ફૂટ ઊંચૈેથી હવામાં ઝંપલાવવાની અદમ્ય ઈચ્છા હતી. તેની વાત સાંભળીને લોકો મશ્કરી કરતા કે ઘરડે ઘડપણ આવા ખેલ ન શોભે. પણ શોભે કે ન શોભે લીલા કાંઈ થોભે?
આખરે માતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે દીકરાએ દુબઈની સ્કાય-ડાઇવિંગ ટીમ સાથે ટેન્ડમ જમ્પનું બુકિંગ કરાવી લીધું. નિર્ધારિત તારીખે લીલા જોસે વિમાનમાંથી ૧૩ હજાર ફૂટની ઊંચાઈએથી બિનધાસ્ત ઝંપલાવ્યું અને પછી પેરેશૂટની મદદથી સફળતાપૂર્વક ઉતરાણ કર્યું ત્યારે તેની ખુશીનો કોઈ પાર નહોતો રહ્યો. ૭૧ વર્ષની લીલા અમ્મા એટલે કે લીલા જોસના આવા જોશને સહુએ સલામ કરી. વૃદ્ધાની હિંમતને બિરદાવતા કહેવું પડે કે-
જે રહે હિમ્મતમાં ને હોશમાં
ઓટ આવે નહીં તેના જોશમાં.
પાડોશી વચ્ચે સમાધાન: પિઝા-છાશ આશ્રમમાં વહેંચવા આદેશ
પાડોશીઓ વચ્ચે નજીવી વાતે ઝઘડા થયા પછી જતે દિવસે ઘણીવાર ગંભીર સ્વરૂપ લેતા હોય છે. એટલે તણખો ભડકો બને એ પહેલાં જ ઠારી નાખવામાં સાર છે. દિલ્હીની હાઈકોર્ટે પાળેલાં કૂતરાથી થતા ત્રાસને મામલે બે પાડોશીઓ ઝઘડી પડયા ત્યારે આવો કેસ લાંબો ચલાવવાને બદલે સમાધાન કરાવી બન્ને પાડોશીઓને એક આશ્રમમાં જઈ પિઝા અને છાશ વહેંચવાનો આદેશ આપ્યો હતો. કોર્ટને જાણ કરવામાં આવી હતી કે એક પાડોશી પિઝા વેંચે છે. આ જાણી કોર્ટે તરત જ બન્ને પાડોશીઓને સામુદાયિક સેવારૂપે જીટીબી હોસ્પિટલ પાસેના કરૂણા આશ્રમમાં જઈ એકદમ સારી ક્વોલિટીના પિઝા અને ઠંડી મજાની છાશ આશ્રમવાસીઓને વહેંચવાનો નિર્દેશ કર્યો હતો. વડી અદાલતે જણાવ્યું હતું કે એકબીજા પર મૂકેલા આરોપો અને કાનૂની કાર્યવાહીનો નિવેડો લાવવામાં નહીં આવે તો નાની બાબતે થયેલો ઝઘડો મોટું સ્વરૂપ લે એ પહેલાં જ મામલાને સુમેળપૂર્વક ઉકેલવામાં જ મજા છે. કોર્ટના આ ચુકાદા પરથી કહેવું પડે કે-
ઝઘડતા પાડોશીઓને થશે હાશ
ભેગા મળીને વહેંચશે પિઝા ને છાશ
ચાલો પાંડવોના લાક્ષાગૃહને જોવા
ભારતમાં રાજકારણનું મહાભારત ક્યાં ખેલાય છે? એવો સવાલ કરતાની સાથે જ સહુ એક જ જવાબ આપે કે દિલ્હીમાં ખેલાય છે રાજકારણનું મહાભારત. આ જ દિલ્હીથી માત્ર ૪૦ કિલોમીટર દૂર અસલ મહાભારતના પાંડવોના લાક્ષાગૃહના દર્શન થશે. ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બરનાવા ગામે પાંડવો સાથે જોડાયેલા અનેક જગ્યાઓ જોવા મળે છે. મહાભારતમાં ઉલ્લેખ મળે છે કે કે કૌરવોએ પાંડવોને જીવતા સળગાવી નાખવા માટે લાખમાંથી સુદર મહેલ બનાવ્યો હતો જેને લાક્ષાગૃહ નામ આપવામાં આવ્યું હતું, પરંતુ પાંડવો અને કુંતીમાતા સળગતા લાક્ષાગૃહમાંથી હેમખેમ નીકળી ગયા હતા. આ લક્ષાગૃહના ખંડેર અને અવશેષો બાગપત પાસેના એક ટીલા પર મોજૂદ છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા તરફતી ા ખંડેર અને ઐતિહાસિક સ્થળને સુરક્ષિત કરવામાં આવ્યા છે એટલું જ નહીં ઉત્તર પ્રદેશ સરકાર બાગપતને મહાભારત સર્કિટ પ્રોજેકટમાં સામેલ કરવાની છે. એટલે આ સ્થળે મહાભારત કાળની ઝાંખી થશે. પ્રોજેકટ અંતર્ગત ટુરિસ્ટો માટેની સુવિધા ઊભી કરવામં આવશે. બાગપત પુરાતત્ત્વની દ્રષ્ટિએ ઘણું જ મહત્ત્વ ધરાવે છે.
સાત વર્ષ પહેલાં બાગપતમાં ઈ.સ.પૂર્વે ૨૦૦૦ની સાલના નાનાં કાંસ્યરથ મળી આવ્યા હતા. હડપ્પન સભ્યતાના અવશેષો પણ મળ્યા છે. ટુરિસ્ટો મહાભારત સાથે સંબંધ ધરાવતા આ સ્થળોની મુલાકાતે આવશે ત્યારે ગર્વથી 'મેરા ભારત મહાન'ની સાથે બોલી ઉઠશે, 'મેરા મહાભારત મહાન.'
ગાયોને માટે બ્લેક એન્ડ વ્હાઈટનો જમાનો આવ્યો
આપણામાં કહેવનત છે કે દુબળી ગાયને બગા ઝાઝા. એક તો ગાય દુબળી હોય ગાયોની ગમાણમાં ક્યારેક ગામડે જાવ તો નજર કરજો. બણબણતી માખીઓ ગાયોને પરેશાન કરતી હશે. ગમાણમાં દવા છાંટવામાં આવે કે કોઈ વતી મોટા પંખા રાખે છતાં માખીઓની ગણગણતી સ્ટ્રાઈકથી ગાયોને બચાવી નથી શકાતી. ભારત સહિત અનેકલ દેશોમાં ગાયને માખીથી બચાવવા માટે ઘણા ઘણા ઉપાયો થયા છે, પણ એમાં ધારી સફળતા નથી મળી અને ખર્ચાળ ઉપાયો પોષાતા નથી. ગાયમાતાને માખીઓથી બચાવવાનો સાવ સહેલોને સટ અને વળી સોંઘો ઉપાય જપાનના વૈજ્ઞાાનિકોએ શોધી કાઢ્યો છે. આમાં બીજું કાંઈ નહીં કરવાનું, ગાયના શરીર ઉપર ઝેબ્રા જેવા સફેદ અને કાળા પટ્ટા ચિતરી દેવાના. દૂરથી જોતા ગાય ઝેબ્રા જેવી લાગે, પરંતુ આ બ્લેક એન્ડ વાઈટ સ્ટ્રાઈપ્સને લીધે માખીઓ કનડતી નથી. આમ કાળા-ધોળા પટ્ટાને લીધે ગાયોનો ૫૦ ટકા હેરાનગતી ઓછી થઈ જાય છે.
શરૂઆતમાં લોકોએ આ શોધને ગંભીરતાથી નહોતી લીધી, પણ પછી પરિણામ દેખાવા માંડતા સહુએ વૈજ્ઞાાનિકોની ટીમની વાહ વાહ કરી હતી. નેશનલ એગ્રિકલ્ચર એન્ડ ફૂડ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના સંશોધક કોજિમા તોમોકી આ જ વિજ્ઞાાનિકોની ટીમમાં હતા.
હવે તો જવાનને પગલે ભારતમાં પણ આ નુસ્ખો અજમાવાય છે કે નહીં એ જોવાનું છે. બાકી તો માખીમુક્તિ માટેનો આ ઉપાય જાણીને કહી શકાય કે-
સામેવાળાને ભગાડે
માણસની તુમાખી,
અને કાળો-ધોળા પટ્ટા
ભગાડે માખી.
મરવા ગંગામાં પડી, જીવવા ઝાડ પર ચડી
યાદ રાખજો આ વાક્ય પહેલું, સામેથી મોત મેળવવું નથી સહેલું... આ કાવ્ય પંક્તિ કાનપુર નજીક આવેલા ગામની માલતી નામની ગૃહિણીએ સાચી પાડી હતી.
રાત્રે ચા બનાવવા જેવી નજીવી વાતમાં માલતી તેના ધણી સાથે બાખડી પડી અને પછી ગુસ્સામાં ને ગુસ્સામાં રાતના અંધારામાં બહાર દોડી જઈને સીધી ગંગા નદીમાં છલાંગ લગાવી દીધી. પરંતુ પાણીમાં પડયા પછી મનોમન વિચાર્યું કે આ તો ખોટું થયું, ચા બનાવવા જેવી વાતમાં કોઈ જીવ થોડો જ આપી દેવાય? એટલે તરવાનું જાણતી આ મહિલા પૂરી તાકાતથી તરીને કિનારે આવવા ગઈ.
ત્યાં સામે વિકરાળ મગર ધસી આવ્યો.વ્હંેત છટું મોત જોઈને ફફડી ઉઠેલી આ મહિલા પૂરી તાકાત અજમાવી કિનારે પહોંચી ગઈ અને પછી કિનારે ઝૂકેલા એક ઝાડ પર ચડી ગઈ.
શિકાર છટકી જતાં ઘૂંઘવાયેલો મગર વૃક્ષ નીચે જ ચકરાવા લેતો રહ્યો (અને કદાચ ભૂખ્યો થયો હશે તો ગાતો પણ હશે- 'મગર જી નહીં સકતે તુમ્હારે બીના). મહિલા આખી રીત ઝાડ ઉપર બેઠી રહી અને સવાર પડતા મહિલાએ બૂમાબૂમ કરીને નજીકથી પસાર થતા લોકોની મદદ માગી અને પછી તેને હેમખેમ ઉગારી લેવામાં આવી આના પરથી કહી શકાય:
મરવું નથી સહેલું
એવી બરાબરની ખબર પડી,
મરવા માટે ગંગામાં પડી
અને જીવવા માટે ઝાડ પર ચડી.
પંચ-વાણી
આ ત્રણેય ક્યારેય પીછો ન છોડે: શરદી, દરદી અને વરદી.








