રક્ષાબંધન વખતે યોજાતો અનોખો પંખા-મેળો

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
હાથના પંખા કે વીંજણાનો મેળો ઓલ્ડ ફરીદાબાદના પથવારી દેવીના મંદિરમાં સદીઓથી યોજાય છે. દર વર્ષે પંખા-મેળો યોજાય છે અને એમાં બેન્ડ-વાજા અને અવનવી ઝાંખીઓ સાથે દબદબાભેર સરઘસ કાઢવામાં આવે છે અને શણગારેલા નવાનકોર પંખાને આખા ગામમાં સરઘસાકારે ફેરવવામાં આવ્યા બાદ પથવારી દેવી માતાના દરબારમાં આ પંખો ચડાવવામાં આવે છે. ૪૧૫ વર્ષ પૂરાણી આ પંખામેળાની પરંપરા પાછળ એવી લોકવાયકા છે કે ગામમાં મહામારી ફેલાઈ હતી અને લોકો ટપોટપ મરવા માંડયા હતા. આ વખતે એક ભક્તે એવી માનતા લીધી કે રોગચાળો નાબૂદ થશે તો તે પંખો ચડાવશે. દેવી માતાએ ભક્તની પ્રાર્થના સાંભળી અને મહામારીનો અંત આવ્યો. બસ ત્યારથી આજ સુધી દર વર્ષે રક્ષાબંધન વખતે પંખા-મેળો યોજાય છે. આ અનોખો પંખા-મેળો જોઈને કહેવું પડે:
ના વિવાદની હવા
ના કોમવાદની હવા
ફરીદાબાદના પંખામાંથી આવે
માત્ર સંવાદની હવા.
કેરળમાં પ્રવાહી સોનાની ચોરી અટકાવવા પેટ્રોલિંગ
સોનાના દાગીનાની ચોરી અટકાવવા માટે સશસ્ત્ર રક્ષકો રાખવામાં આવે છે, પણ પ્રવાહી સોનાનું રક્ષણ કરવા માટે રાત્રે પેટ્રોલિંગ કરવું પડે એ સાંભળી કેવી નવાઈ લાગે? પ્રવાહી સોનું એટલે નાળિયેરનું તેલ. સૌથી વધુ નાળિયેરનું ઉત્પાદન કરતા કેરળમાં નાળિયેરની કિંમત ૨૦૦ ટકા વધી જવાને કારણે રાડ બોલી ગઈ છે. અગાઉ ૨૫ રૂપિયામાં વેંચાતા નાળિયેર આજે ૭૦થી ૮૦ રૂપિયે વેંચાય છે. નાળિયરેની કિંમત નાળિયેરીથી પણ ઉંચે જતા અનેક કોકોનેટ-થીફ ગેન્ગ સક્રિય થઈ ગઈ છે. રાતના અંધારમાં નાળિયેર પાડીને ઉપાડી જાય છે. એટલે જ ખેડૂતો નાના-નાના ગ્રૂપ બનાવી રાત્રે ઉજાગરો કરીને પેટ્રોલિંગ કરતા રહે છે. નાળિયેર મલયાલીઓના જીવનનો એક અભિન્ન હિસ્સો છે. કેરળ વધુમાં વધુ નાળિયેર અને નર્સને બહાર મોકલે છે. કેરળવાસીઓની દરેક વાનગીમાં નાળિયેર હોય છે. નાળિયેરનું પાણી પીવે છે, ટોપરૃં ખાય છે, દરેક વાનગીમાં ટોપરૃં નાખે છે, નાળિયેરના દૂધનો ખાવામાં વપરાશ કરે છે એટલું જ નહીં સૌથી વધુ તો કોપરેલ તેલની કિંમત અત્યારે એક લીટરની ૨૦૦ રૂપિયાથી વધી ૪૦૦ રૂપિયા થઈ ગઈ છે. પ્રિમિયમ બ્રાન્ડના તેલનો ભાવ તો ૭૦૦ રૂપિયાથી વધી ગયો છે. એટલે જ કેરળવાળા નાળિયેરના તેલનો ઉલ્લંખ 'લિક્વિડ ગોલ્ડ' તરીકે કરે છે. નાળિયેરનો ઉપયોગ પરાપૂર્વથી આહારમાં તેમ જ ધાર્મિક વિધિમાં થતો આવ્યો છે. લોકો નાળિયેરને મંદિરમાં ધરાવે છે અને પેટમાં પ-ધરાવે છે. જન્મથી માંડી મરણ સુધી અને આહારથી માંડી અધ્યાત્મિક વિધિ માટે ઉપયોગમાં લેવાના નાળિયેર અને શ્રીફળને આજે ચોરીથી બચાવવા માટે ચોકીપહેરો રાખવો પડે છે એ જોઈને કહેવું પડે કે:
ચોર ચોરી જવામાં ન થાય સફળ
એટલે જ તો રક્ષાય છે શ્રીફળ.
માંદી ગાયને પીઠ પર
ઉપાડી હોસ્પિટલ પહોંચાડી
દેશની આર્થિક રાજધાની મુંબઈની આસપાસ આવેલા આદિવાસી સ્સતારોમાં આજે પણ તબીબી સેવાની એટલી દયનીય દશા છે કે આદિવાસી પાડામાં કોઈ માંદુ પડે કે સગર્ભાને પ્રસૂતી પીડા ઉપડે ત્યારે તેને બાંબૂ સાથે કપડું બાંધી ઝોળી બનાવી ગ્રામીણ હોસ્પિટલ સુધી પહોંચાડવા પડે છે. આનાં કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. પરંતુ હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારમાં ગામના બે બાહદુર યુવકોએ બીમાર ગાયને પીઠ ઉપર ઉપાડી, સાંકડી કેડી પર ચાલી પર્વતની ખીણમાં પડવાના જોખમની પરવા કર્યા વિના પશુ-પ્રાણીની હોસ્પિટલમાં પહોંચાડી હતી. શહેરોમાં અને ગામોમાં ગોરક્ષાની પ્રવૃત્તિ કરતા ઘણાં સ્વયંસેવકો મળી આવે છે, પણ હિમાચલના પહાડી ક્ષેત્રમાં બીમાર ગાયનું દોઢ-બે ક્વિન્ટલ વજન પીઠ વેંઢારી હોસ્પિટલે પહોંચાડીને જીવ બચાવનારા દયારામ અને લાલસિંહની હિંમતનો કોઈ જોટો જડે એમ નથી. શિલાઈ વિધાનસભા ક્ષેત્રના કુરાઈ ગામના રહેવાસીની ગાય કેટલાય દિવસથી માંદી રહેતી હતી. વેટરનીટી હોસ્પિટલ ત્રણ કિલોમીટર દૂર હતી પણ પર્વતના આડાઆવળા જોખમી રસ્તે ગાયને વરસતા વરસાદમાં લઈ કેવી રીતે જવી એ સવાલ હતો. ગામના આ બે બહાદુરોએ પોતાના જીવન પરવા કર્યા વિના જોખમ ઊઠાવી ગાયનો જીવ બચાવ્યો એ ઘટનાનો વિડિયો સોશ્યલ મિડિયા પર જબરજસ્ત વાઈરલ થયો હતો અને દેશભરમાંથી માનવતાના કાર્ય માટે પ્રશંસાના પુલ બાંધ્યા હતા. આ જોઈને કહેવું પડે કે:
સૌને માન થાય એવું
માનવતાનું કામ થાય છે
ભલે માનવ કે ગાય
બીમાર થાય છે
ત્યારે જે વહારે ધાય છે
એની વાહ વાહ થાય છે.
લ્યો બોલો!
સ્કૂટરની દફનવિધિ
પોલ્યુશન ન ફેલાવે એવાં ઈલેક્ટ્રિક સ્કૂટરો ઘણાં લોકો ખરીદવા માંડયા છે. જોધપુરના એક પર્યાવરણપ્રેમી ભાઈએ આ જ કારણસર ઈ-સ્કૂટર ખરીદી લીધું હતું. શરૂઆતમાં સ્કૂટર બરાબર ચાલ્યું હતું, પણ ૧૭૨૬ કિલોમીટર ચાલ્યા બાદ ડચકાં ખાવા માંડયું હતું. તેણે કંપનીના સર્વિસ સેન્ટરમાં મોકલ્યું અને સ્કૂટર રિપેર થઈને આવ્યા પછી પણ સરખું ચાલતું નહોતું. ફરીથી સર્વિસ સેન્ટરમાં મોકલ્યું તો ત્યાં મહિનાઓ સુધી એમનેમ પડયું રહ્યું કંપનીએ બચાવમાં કહ્યું કે રિપેરિંગ માટેના જરૂરી છૂટાભાગોના અભાવે સમારકામ થતું નથી. છતે સ્કૂટરે સર્વિસ સેન્ટરમાં ટાંટિયાતોડ કરી ધક્કા ખાઈ ખાઈને ભાઈ એવાં કંટાળ્યા કે ઘરના કમ્પાઉન્ડમાં જ ૭ ફૂટ ઊંડો ખાડો ગાળીને એમાં ઈ-સ્કૂટરને દફનાવી દીધું. સ્કૂટરની દફનવિધિનવી વિડિયો વીજળીવેગે આખા દેશમાં વાઈરલ થઈ ગઈ. પછી તો ઈ-સ્કૂટરની સમસ્યાનો સામનો કરતા કેટલાય સમદુખિયાઓએ પણ સોશ્યલ મિડિયા ઉપર કકળાટ કીર મૂકોય. આને કારણે ઈ-સ્કૂટર કંપનીવાળા હરકતમાં આલી ગયા. સ્કૂટરની વિધિવત દફનવિધિ જોઈને કહેવું પડે કે:
કોઈ ચીજ આંખ
બંધ કરીને ન અપનાવો
જો સ રખી કામ ન આવે
તો એને જાહેરમાં દફનાવો.
હપ્તા ભરો અને પછી પત્નીને લઈ જાવ
ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી... ઝાંસીનું નામ પડતાની સાથે જ આજે પણ દરેકને ઝાંસીની રાણીની શૂરવીરતા યાદ આવી જાય છે. પરંતુ એ જ ઝાંસીમાં એક ખાનગી બેન્કવાળા તરફથી મહિલાઓ સાથે ખૂબ જ અપમાનજનક વ્યવહાર કરવામાં આવ્યો હતો. આઝાદ નગરની એક બેન્કમાંથી બચત જૂથની મેમ્બર મહિલાએ ૪૦ હજારની લોન લીધી હતી. લોનને લગતા કામસર મહિલા બેન્કમાં ગઈ ત્યારે તેને બેન્કમાં જ ગોંધી રાખવામાં આવી હતી. ત્યારે તેના પતિએ બેન્કનો સંપર્ક સાધ્યો ત્યારે તેને કહેવામાં આવ્યું કે પહેલાં લોનના હપ્તા ભરો અને પછી પત્નીને છોડાવીને લઈ જાવ. આ સાંભળી પતિ પોલીસમાં દોડી ગયો હતો અને પાંચ કલાક સુધી ગોંધી રાખવામાં આવેલી પત્નીને પોલીસની મદદથી માંડ માંડ છોડાવી હતી.
પંચ-વાણી
સ : કોકાકોલાને બદલે મોકા પરસ્ત નેતાઓ કયું પીણું પસંદ કરે?
જ : મોકા-કોલા.









