Editorial

માન ન માન... જળચરોને જીવતદાન

By GS TEAM
7 Nov 20254 mins read
માન ન માન... જળચરોને જીવતદાન

- મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

કાંઠે જ ઊભા રહે એના હાથમાં કાંકરા જ આવે, જ્યારે સાગરના પેટાળમાં જાય એ મરજીવા જ મોતી મેળવી શકે. પરંતુ દક્ષિણના પુડુચેરી (પોંડીચેરી)ના દરિયા કિનારેથી સાગરના પેટાળમાં ઝંપલાવતા મરજીવા રૂપી સ્કૂબા ડાઈવર્સ મોતી મેળવવા માટે નહીં પણ જળચરોને જીવતદાન આપવા જીવનું જોખમ ખેડે છે. 

પોંડીચરીના પ્રોફેશનલ એસોસિએશન ઓફ ડાઈવિંગ ઈન્સ્ટ્રકટરના સ્કૂબા ડાઈવર્સ મોતી મેળવવા માટે નહીં, પણ જળચરોને જીવતદાન આપવા જીવનું જોખમ ખેડે છે. આ એસોસિએશન ઓફ ડાઈવિંગ ઈન્સ્ટ્રકટરના સ્કૂબા ડાઈવરો દરિયામાં ઊંડે જઈને માછલી પકડવાવાળા ટ્રોલરોમાંથી છૂટી પડી ગયેલી જંગી જાળ, પ્લાસ્ટિકનો જીવલેણ કચરો અને બીજો ઘન કચરો સાફ કરે છે. સફાઈ ઝુંબેશ વખતે બીચ પરથી કચરો ઉપાડવાવાળા અને ફોટા પડાવવાવાળા  પ્રસિદ્ધિ પુરુષોત્તમો ઘણા જોયા હશે, પરંતુ જીવને જોખમે દરિયામાં ઝંપલાવી ઊંડે જઈ સફાઈ કરીને જળચરોને જોખમમાંથી મુક્ત કરાવે એવા વીરલાઓ બહુ ઓછા જોવા મળે. 

પ્લાસ્ટિકની જાળ, પ્લાસ્ટિકનો કચરો કે પછી ઝેરી પદાર્થો ઉપાડીને દરિયાઈ પેટાળને સાફ કરતાં આ મરજીવાઓને સલામ કરીને દરિયામાં ગંદકી ફેંકનારાઓને ચેતવણી આપીને કહેવું પડશે કે-

દરિયામાં કચરો નાખવાનું ટાળ,

તો જ ચોખ્ખું રહેશે સાગરનું પેટાળ

પરચૂરણ પાવરથી દોડયું સ્કૂટર

સ્કૂટર સામાન્ય રીતે પેટ્રોલથી અથવા ઇલેક્ટ્રિક બેટરીથી દોડે છે, પણ પરચપરણના પાવરથી સ્કૂટરને દોડતું જોયું છે? પરચુરણ એટલે કે ચિલ્લરના પાવરથી પહેલીવાર એક સ્કૂટરને દોડતું જોવાનો લ્હાવો છત્તીસગઢના જશપુર ગામે મળ્યો હતો. જશપુરના એક ખેડૂતની લાડલી બેટીને સ્કૂટર ખરીદવાની હોંશ હતી. પિતા બજરંગ રામ ભગતે દીકરીનું સપનું પૂરૂં કરવા માટે પૈસા ભેગા કરવા માંડયા. ત્યાર પછી દિવાળીના સપરમા દિવસે મોટો વજનદાર કોથળો ઉપાડીને બજરંગ રામ સ્કૂટરના શો રૂમના સ્ટાફે પૂછ્યું કે આ કોથળામાં શું લાવ્યા છો? ત્યારે ભોળાભાવે કિસાને કહ્યું કે દીકરી માટે સ્કૂટર ખરીદવું છે, છ મહિનાથી પરચૂરણ ભેગું કર્યું છે, એમાંથી સ્કૂટર ખરીદવા માગું છું. ખેડૂતની ભાવનાને વધાવીને શોરૂમના માલિકે તમામ સ્ટાફને સિક્કા ગણવાના કામમાં લગાડી દીધા. 

કલાક-બે કલાક સુધી ૪૦ હજાર રૂપિયાના સિક્કા ગણ્યા અને ત્યારબાદ બાકીની થોડી રકમ ખેડૂતે ચલણી નોટોમાં ચૂકવી. આમ આપણે કહીએ છીએને કે પાઈ પાઈ ભેગી કરી એમ આ ખેડૂતે દીકરીનું  સપનું પૂરૂં કરવા દસ-દસના કોથળા ભરાય એટલા સિક્કા ભેગા કરી એના માટે સ્કૂટર ખરીદ્યું. બસ, આને જ કહેવાય પિતાનો પુત્રી પ્રત્યેનો પ્રેમનો અને પરચુરણનો પાવર.


ચલ યાર ધક્કા માર

રસ્તામાં મોટર ખોટવાય તો ધક્કા મારવા પડે છે. ક્યારેક એસ.ટી. બસ હાઈવે ઉપર ડચકાં ખાતી ખાતી ઊભી રહી જાય તો પેસેન્જરોએ અને કંડકટરે ભેગા થઈને ધક્કા મારવા પડે છે. અમુક વખતે પોલીસના વાહનમાં ખામી ઊભી થાય ત્યારે ખાખી વર્દીધારીઓએ પોતાનો રૂઆબ કોરાણે મૂકીને ધક્કા મારવા પડે છે, પરંતુ હેલિકોપ્ટરને ધક્કા મારવા પડે એવું કોઈ કલ્પી શકે?  

અને એ હેલિકોપ્ટર પણ કોનું ખબર છે? પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મૂનું હતું! 

તાજેતરમાં જ પ્રેસિડેન્ટ કેરળમાં સબરીમાલાના દર્શને ગયાં હતાં ત્યારે પ્રમદમ ખાતે રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ઉતાવળે તૈયાર કરવામાં આવેલા  હેલિપેડમાં હેલિકોપ્ટરના વ્હીલ ખૂંપી ગયાં હતાં. એક દિવસ પેહેલાં જ બાંધવામાં આવેલા હેલિપેડની સિમેન્ટ હજી સૂકાઈ નહોતી ત્યાં હેલિકોપ્ટરે લેન્ડિંગ કરતાં પૈડાં ખૂંપી ગયાં હતાં. 

પછી તો ફાયર બ્રિગેડના જવાનો, પોલીસો અને બીજા ક્રમચારીઓએ જોર લગા કે હૈશા... કરીને ધક્કા મારીને હેલિકોપ્ટરને બહાર કાઢયું હતું.  આ ધક્કાબાજી જોઈને હળવાશથી તીન લાઈના કહેવાનું મન થાય-

ધક્કે ધક્કે ખાળો પડકાર

ધક્કે ધક્કે ચાલે કાર

ધક્કે ધક્કે ચાલે સર-કાર.

ગંગા કિનારે અંતિમ વિધિ વખતે મળ્યું દુર્લભ શિવલિંગ-મૂર્તિ

શંકર તેરી જટા સે, બહતી હૈ ગંગાધારા... શિવભક્તો આ ભજન લલકારી ભોલેનાથને ભજતા હોય છે. ગંગા કિનારે સ્મશાનની રાખ શરીર પર ચોળીને શિવભક્તો શંકર ભગવાનની ભક્તિ કરતા હોય છે. 

ગંગા કિનારે બનારસ પાસે આવેલા ચૌબેપુર ગામના સ્મશાનમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીના પ્રોફેસર જ્ઞાાનેશ્વર ચૌબે કોઈ સંબંધીના અગ્નિસંસ્કારની ક્રિયામાં હાજરી આપવા ગયા હતા. ત્યાં તેમને ખેતરમાંથી દુર્લભ એકમુખી શિવલિંગ મૂર્તિ મળી આવી હતી. શિવજીની શાંત મુદ્રા, માથે ઘૂઘરિયા  વાળ, કાનમાં બુટિયા અન ેગળામાં સુંદર કોતરણીવાળી માળા સાથેની આ શિવલિંગ પ્રતિમાનું અવલોકન કર્યા પછી પુરાતત્ત્વ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મૂર્તિ લગભગ એક હજાર વર્ષ પુરાણી છે. 

આ મૂર્તિનો ઉપરનો ભાગ શિવલિંગના આકારનો અને આગળની બાજુએ શિવજીનો ચહેરો અંકિત કરવામાં આવ્યો છે એટલે કાશી-સારનાથ શિલ્પકલાના નમૂના રૂપ આ મૂર્તિ અત્યંત દુર્લભ છે. ગંગાકિનારે  અંતિમવિધિ વખતે મળી આવેલી આ મૂર્તિના દર્શન કરીને આ ભજનનું સ્મરણ થાય-

બખાન કયા કરૂં

મેં લાખોં કે ઢેર કા,

ચપટી ભભૂત મેં હૈ

ખજાના કુબેર કા.


નહેરુ ચાચાએ બીરબલની ચાંદીની થાળીમાં નાસ્તો કર્યો

નાનપણમાં સહુએ અકબર-બીરબલના અવનવા કિસ્સા વાંચ્યા જ હોય. જૂના વખતમાં બાળકો અકબર-બીરબલની નાની નાની  ચોપડીઓ રસપૂર્વક વાંચતા બાળકોને બીરબલની વાતો ગમતી અને ચાચા નહેરુને બાળકો ગમતા.   એકવાર પંડિતજી બિહાર બાજુ પ્રવાસે ગયા હતા ત્યારે સવારે ડાઈનિંગ ટેબલ પર  ચાંદીની થાળીમાં નાસ્તો પીરસવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે બુદ્ધિશાળી બીરબલની આ થાળી છે. નેહરુ ગુસ્સે થઈને બોલ્યા કે આવો દેખાડો કરવાની શું જરૂર છે? સાદી પ્લેટમાં નાસ્તો આપોને? ત્યારે કોઈએ સમજાવ્યા કે પંડિતજી બીરબલ બાદશાહ અકબરના પ્રાઈમ-મિનિસ્ટર હતા અને આપ આઝાદ ભારતના પ્રાઈમ-મિનિસ્ટર છો, એટલે આપને નાસ્તો બીરબલની થાળીમાં જ શોભેને? પંડિતજીએ પૂછ્યું કે સાબિતી શું છે કે આ બીરબલની થાળી છે? ત્યારે જણાવાયું હતું કે આર્કિયાલોજી વિભાગે આપેલી માહિતી મુજબ દિલ્હીના લાલ કિલ્લામાં બીરબલના મહેલમાં આ જ પ્રકારના ચાંદીના વાસણ સચવાયાં છે. ત્યાંથી જ આ ચાંદીની થાળી અને બીજી ચીજો લાવવામાં આવી છે. નેહરૂજીને  સંતોષ થયો હતો અને ત્યાર પછી તેમણે નાસ્તો પૂરો કર્યો હતો.

પંચ-વાણી

સારા લક્ષણ સુધારે

જીવનની દરેક ક્ષણ.