પગ લઈ કૂતરો પલાયન

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
શ્વાનની સૌથી વરવા અને ચીબાં મોઢાવાળી નસલ પગ છે. પગ નસલના કૂતરા ભસીને માણસને દૂર ભગાડે, પણ એક ધુ્રજારીપૂર્ણ કિસ્સામાં શિમલાની સડક પર માણસનો કપાયેલો પગ મોઢામાં દબાવીને દોડતા જતા કૂતરાને જોઈને હાહાકાર મચી ગયો હતો. અરેરાટીપૂર્ણ દ્રશ્ય મોબાઈલ કેમેરાથી ઉતારીને કેટલાય લોકોએ સોશિયલ મિડિયામાં વહેતી કરતા સ્થાનિક પ્રશાસન સફાળું જાગ્યું અને તપાસ શરૂ કરી. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં આ ભયાનક ઘટનાની તપાસને ૅઅંતે ખબર પડી કે સરકારી હોસ્પિટલ અટલ ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં એક દરદીના સડી ગયેલા પગની સર્જરી કરીને પગ કાપી નાખવામાં આવ્યો હતો. ત્યાર પછી આ પગને કોથળીમાં વિંટાળીને સ્ટોર રૂમમાં રાખવામાં આવ્યો હતો અને સફાઈ એજન્સીને તેનો નિકાલ કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે સ્ટોર રૂમનો દરવાજો ભૂલથી ખુલ્લો રહી જતાં એક રખડું કૂતરો અંદર ધૂસી ગયો હતો અને પગ ઉપાડી નાસી છૂટયો હતો. આમ હોસ્પિટલની બેદરકારીને કારણે કૂતરો માણસનો પગ ઉપાડીને ભાગ્યો હતો. આ સરકારી હોસ્પિટલની બેદરકારીનો કિસ્સો જાણીને કહેવું પડે કે:
સરકારી તંત્ર રહે બેધ્યાન
તો ઈન્સાનનો પગ ઉપાડી
જાય શ્વાન.
નિંદા કરો અને
દંડ ભરો
કરી પારકી પંચાત ધસો જાત તો પછી થાય ઉત્પાત. પારકી પંચાત કે નિંદાથી કયારેક નાની વાતમાંથી મોટી બબાલ થતી હોય છે. એટલે જ છત્તીસગઢના ભાલોદ જિલ્લાના મેઢકી ગામમાં નિંદા કરવા પર કે પછી ચાડીચુગલી કરવાની હરકત બંધ કરાવવા માટે ગ્રામ પંચાયતે પાંચ હજાર રૂપિયા દંડ ફટકારવાનો ફેંસલો કર્યો છે. એટલે ગામના ચોરે બેસીને કે પછી જાહેર કાર્યક્રમમાં કોઈની નિંદા કે ટીકા કરવામાં આવશે તો તરત જ પાંચ હજાર રૂપિયાનો રોકડો દંડ ભરવા તૈયાર રહેવું પડશે. આવી જ રીતે ગામડામાં દારૂ પર પ્રતિબંધ છે. આમ છતાં બહારથી દારૂ લાવીને ઢીંચ્યા પછી કોઈ ગ્રામજન ધમાલ મચાવશે તો તેને દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
દંડની જે રકમ ભેગી થશે તેનો ઉપયોગ ગ્રામ પંચાયત તરફથી ગામડાના વિકાસ માટે કરવામાં આવશે.
આ સાંભળીને કોઈ ગામડિયા એવું પણ વિચારતા હશે કે ભલેને વધુને વધુ લોકો નિંદા કરતા પકડાય અને દંડાય? જેમ દંડની રકમ વધુ ભેગી થશે એમ ગામડાનો વિકાસ પણ વધુ થશેને? આ ગામડાના નિયમની વાત જાણીને કહેવું પડે કે-
કાં તમારૂં મોઢું બંધ કરો
કાં નિંદા કરો ને દંડ ભરો.
પ્રેમનું ખરૂં ચક્કર ભાણેજ સાથે રફુચક્કર
ઘરમાં ધામધૂમથી લગ્ન લેવાતાં હોય અને લગ્ન માણવા માટે સાજન-માજન ઉમટયું હોય ત્યારે સહુથી વધુ હરખ વરરાજાની માતાના હૈયામાં ઉછાળા મારતો હોય છે. પરંતુ ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લામાં માન્યામાં ન આવે એવી ઘટના બની. ં ઘરઆંગણે માંડવામાં દીકરાનાં લગ્નની તૈયારી થતી હતી વરરાજાની માતા તેનાંથી ઉંમંરમાં ૧૬ વર્ષ નાના ભાણેજ સાથે ભાગી છૂટી હતી. વળી, ભાણેજના પ્રેમમાં પાગલ બનેલી આ મહિલા ખાલી હાથે નહોતી ગઈ. લગ્ન પ્રસંગે માટે ઘરમાં દરદાગીના અને રોકડ રકમ રાખવામાં આવેલી એ બધું જ લઈને ભાગી છૂટી હતી. આ જોઈને કહેવું પડે કે:
પ્રેમનું કેવું આ અજબ ચક્કર?
મામી ભાણા સાથે થઈ રફુચક્કર.
દીકરી વ્હાલ કરે કે વાર કરે
દીકરી તો વ્હાલનો દરિયો ગણાય. દીકરી તો પારકી થાપણ કહેવાય. ખરેખર આજના જમાનામાં મા-બાપને સાચવવામાં દીકરીઓ પાછી નથી પડતી. પરંતુ ઉત્તર પ્રદેશના મુઝફફરપુર નગર જિલ્લાના મોરના ગામની જવલ્લે જ બને એવી ઘટનામાં બે જુવાન દીકરીઓએ ધારદાર છરાથી બાપનું ગળું રહેંસીને મોતને ઘાટ ઉતાર્યા હતા. પિતાને પતાવી દેવા પાછળ શું કારણ હતું જાણો છો? પ્પા બન્ને દીકરીઓને વારંવાર ટોક ટોક કરતાસ હતા અને દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ રાખતા હતા. આ હત્યાના કેસમાં પકડાયા પછી જયારે પોલીસ બન્ને દીકરીઓને લઈ પોલીસ વેનમાં બેસાડી લઈ ગઈ ત્યારે આ જરા જુદી રીતની 'કન્યા-વિદાય'નું દ્રશ્ય જોઈ ભલભલા ચોંકી ઉઠયા હશે. દરેકના હૈયામાં એક જ સવાલ ધૂમરાતો હશે કે સગી દીકરીઓ વ્હાલ કરે કે વાર કરે?
રામને વધાવો રાવણને હટાવો
મનમાં રામને વધાવો અને રાવણને હટાવો તો પછી મન મંદિર બની જાય. પરંતુ મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ત્યોંથર ગામમાં છેલ્લા છ દાયકાથી અડીખમ ઊભેલી દશાનન રાવણની મૂર્તિ હટાવવાની જોરશોરથી માગણી ઊઠતાં ભારે વિવાદ થયો હતો. મૂર્તિ હટાવવાની માગણી કરતો પક્ષ રાવણની પ્રતિમાને અપશુકનિયાળ ગણે છે, જ્યારે મૂર્તિ ન હટાવવાના પક્ષમાં છે એ લોકો કહે છે કે રાવણ પ્રખર શિવભક્ત અને વિદ્વાન હતો. આમ રાવણની મૂર્તિ ખાતર ખરી રાવણાયન ઊભી થઈ છે. બાકી તો ઘણાને ખબર નહીં હોય કે રાવણ તો મધ્યપ્રદેશના મંદસૌરનો જમાઈ છે. મંદસૌરની કુંવરી મંદોદરી સાથે રાવણનાં લગ્ન થયાં હતાં. એટલે જ મંદસૌરમાં રાવણની ૫૧ ફૂટ ઊંચી મૂર્તિ જોવા મળે છે. દશેરામાં ભલે આખા દેશમાં રાવણના પૂતળાને બાળવામાં આવતું હોય પણ મંદસૌરમાં ગામના જમાઈ રાવણની પ્રતિમાનું પૂજન કરવામાં આવે છે. બાકી તો વિવાદ છેડવાને બદલે મનમાંથી રાવણ વૃત્તિને જો જોકારો આપવામાં આવે તો જીવન આપોઆપ રામમય બને.
પંચ-વાણી
સ: આજના નેતાઓના નામની આગળ આજી કે માજી લખાય છે અને નઠારાના નામની આગળ વગર લખ્યે પાજી વિશેષણ લાગે છે, તો સત્તા પરથી ઉથલી પડે એવાં નેતાને શું કહેવાય?
જ: સત્તા-વિધુર.
***
સ: ચાર-પાંચ પક્ષો ભેગા થઈને જે પાર્ટી રચે એને શું કહેવાય?
જ: કોકટેલ-પાર્ટી.
***
સ: ભેગા મળીને લડયા પછી પણ હારે એ પાર્ટીને શું કહેવાય?
જ: ફોક-ટેલ પાર્ટી.
***
સ: ચૂંટણીમાં અવનવા ખેલ કરી હાંસીપાત્ર ઠરે એવી પાર્ટીને શું કહેવાય?
જ: જોક-ટેલ પાર્ટી.








