પાપને આદર અને પુણ્યને દેશનિકાલ તે છે જગતની રીત

- રક્તકમળ એ ગરીબ કુંવારી માતાની પવિત્રતાનું પ્રતીક બન્યું
- સમૃદ્ધ શહેરીઓ ખૂબ ત્રાસ આપતા, કોઈ બીભત્સ ગાળો દેતા, કોઈ પથરા મારતા. કોઈ એના પ્રત્યે અભદ્ર ચેનચાળા કરતા, કોઈ એના પાપના પ્રતીક સમા રક્તકમળનું નિશાન લઈને નાનાં તીર ફેંકતાં
હમેશાં સિર્ફ કામ સે હી ઇન્સાન થક નહીં જાતે,
કભી ખયાલોં કે બોજ ભી ઇન્સાન કો થકા દેતે હૈ.
નાન-શી સરિતાનાં જળ કોણ જાણે શોષાઈને ક્યાં વિલીન થઈ જાય છે? ગ્રીષ્મનો દવજલન્તો કોઈ પથિક, સૂકી સરિતાને કોણ જાણે શા શા અભિશાપ આપતો, ઉતાવળો ઉતાવળો આગળ વધી જાય છે!
વર્ષાઋતુ આવે છે, ને બંધાયેલાં વાદળ મૂશળધારે વરસી પડે છે, ત્યારે સહુ જાણે છે કે સરિતાએ તો સંસારના સુખ કાજે પોતાના દેહને સતીની ચિતા બનાવી હતી.
ઊંચા ધર્મમંદિરના અધિષ્ઠાતા પાસે કુમારિકાને પકડી લાવવામાં આવી અને કાબેલ શિકારીની અદાથી લોકોએ ધર્મગુરૂને કહ્યું, 'આ કુંવારી કન્યા માતા બની છે.'
ધર્મગુરૂએ પોતાના નેત્રોની તીક્ષ્ણ રોશની એ છોકરી પર નાખી અને કહ્યું, 'અરે! સ્ત્રીનું આભૂષણ તો છે શીલ! એનો જ તેં ભંગ કર્યો. તારા જેવી સ્ત્રીઓ જ પૃથ્વી પર પાપનો ભાર વધારે છે. જાગતી જુવાનીમાં આવું કર્મ અનેકના પતનની કેડી બને છે. હવે એ પાપનો ટોપલો કોઈનાય પર નાખીને છટકી નહીં શકે. તને તારા પાપોની સજા કરવી જ પડશે.'
છોકરી સાવ ચૂપ રહી. માત્ર એના લાલ પરવાળા જેવા પાતળા હોઠ મલકતા હતા. ઓહ, કેવા સુંદર હોઠ! પણ સાવધાન! મહાગુરૂએ સંયમ અને શીલનું આખ્યાન આપતાં કહ્યું, 'આવાં રૂપાળાં પાપોના અધર પર મધુ હોય છે અને અંતરમાં હળાહળ ઝેર ભર્યું હોય છે. છોકરી! તને તો મોતની સજા જ કરવી જોઈએ.'
આખી સભા ખળભળી ઊઠી. ધર્મગુરૂની શીલભાવનાની અને ધર્મદ્રઢતાની વાહ-વાહ પોકારવા લાગી. માત્ર પેલી છોકરી એ જ રીતે ખામોશ બનીને ઊભી હતી. મોતની સજા સાંભળવા છતાં એના મુલાયમ ચહેરાની એકે રેખા લેશ પણ બદલાઈ નહોતી.
ધર્મગુરૂએ વધુમાં કહ્યું, 'તને તો મોતની સજા હોય, પણ તે સાદું મોત નહીં. રીબાવી રીબાવીને મળતું મોત જ તારો સાચો પસ્તાવો બને તેમ છે.'
બીજાનાં પાપોમાં બમણો રસ લેતા લોકો તો શેરીઓમાં દોડયો, પથરા ઉપાડી લાવ્યા, પણ ધર્મગુરૂએ અંતિમ ફેંસલો આપતા કહ્યું, 'આ કુંવારી કન્યાએ એક પુત્રીને જન્મ આપ્યો છે. એ બાળકી તે બિચારી નિર્દોષ છે. એને પાપિણીની સજાની ભાગીદાર કેમ બનાવાય? આથી વસતીથી દૂર એકાંતમાં નગરને સાવ છેડે આ કુંવારી કન્યાએ નિવાસ કરવાનો! નગરમાં આવે તો અંબોડો લાલ કપડાના ચીંથરાથી બાંધે અને એમાં સ્મશાનનું રક્તકમળ નાખે. લોકોને એથી એના રૂપાળા પાપની પૂરેપૂરી પહેચાન રહેશે.'
* * *
રૂપાળા પાપને દૂર દૂર સાગરતીરે સ્થાન મળ્યું. નાની ઝૂંપડી બાંધીને એ પોતાની નવજાત બાળકોને ઉછેરવા માંડી.
દરિયાની ખારી હવાએ એની કોમળ ચામડીને ઉતરડી નાખી, એનું ગોરું મુખ શ્યામ બની ગયું. લોકોની ભયંકર અવહેલનાએ એની આંખો ફરતાં કાળાં કુંડાળાં ઊભાં કરી દીધાં. જાણે એ ગુલાબનું ફૂલ જ નહીં! શરીર સુકાઈને કાંટા જેવું થઈ ગયું.
મળી એ મજૂરી કરીને તેણે ગુજરાન ચલાવવા માંડયું. દુનિયા સામે કદી દુ:ખનો કે દિલગીરીનો એકેય શબ્દ ન બોલી. દુષ્કર્મનો કદી પસ્તાવો પણ ન કર્યો. દુનિયાએ જેને હડધૂત કર્યા હતા, એ સમાજ વચ્ચે નિર્ભય બનીને ફરવા લાગી. પ્રેમ-દયાની વહેંચણી કરવા લાગી.
પણ સાધનાની સિદ્ધિ અજબ હોય છે. જીવનના અંધકારમાંથી પ્રકાશનાં કિરણો ફૂટયાં. ગરીબોને તેના તરફ ચાહ જાગ્યો. દુખિયાંઓની એ માતા બની. આંસુ અને પાણી એક થયાં.
ઘણી વાર ઘણા પૂછતાં, 'માતા! અમારા કયા સદ્ભાગ્યે અને તમારા કયા દુર્ભાગ્યે તમને આ નરકભૂમિમાં ખેંચી આણ્યા? એ તો કહો.'
માતા હસીને કંઈ જવાબ ન વાળતા.
પણ આ કુંવારી માતા શહેરમાં જતી, ત્યારે સમૃદ્ધ શહેરીઓ ખૂબ ત્રાસ આપતા, કોઈ બીભત્સ ગાળો દેતા, કોઈ પથરા મારતા. કોઈ એના પ્રત્યે અભદ્ર ચેનચાળા કરતા, કોઈ એના પાપના પ્રતીક સમા રક્તકમળનું નિશાન લઈને નાનાં તીર ફેંકતાં.
કુંવારી માતા સાંજે ઘેર પાછી ફરતી, ત્યારે લોહીલુહાણ અવસ્થામાં આવતી.
ગામડાંનાં લોકો કહેતા, 'માવડી, હુકમ કર...હાથ ઉપાડનારનું માથું લઈ આવીએ.'
જુવાનો કહેતા, 'જોગમાયા! તું કહે તેને અમે લૂંટી લઈએ. જેલ કે કાળા પાણીનો ભય નથી. અહીં કરતાં અમારે તો ત્યાં, કારાવાસમાં સારું છે.'
કુંવારી માતા હસતી અને એમને ના પાડતી. આવું કશું ય કરતાં એમને અટકાવતી. દિવસો એમ ને એમ વીતી ગયા. સમરાંગણમાં ઘણાં યુદ્ધો ખેલી ચૂકેલા યોદ્ધાને અંગે અંગે જેમ જખમના ઘા હોય, એમ કુંવારી માતાનું એકેય અંગ જખ્મ વિનાનું રહ્યું નહોતું.
પ્રતિકાર વિનાના પ્રતિશોધમાં ખૂબ જ નિર્બળતા છુપાયેલી હોય છે. કુંવારી માતા એકે શબ્દ બોલતી નહીં. નગરમાંથી જે કામ લઈ જાય, એ બરાબર કરીને પાછું આપી જાય, ઠરાવેલા દામ જ લે. કોઈ દામ આપવામાં લુચ્ચાઈ કરે, તો કંઈ પણ બોલ્યા વિના પાછી ફરે.
ફરી એવા લુચ્ચા માણસને આંગણે કોણ ચઢે? પણ આ કુંવારી માતા તો ફરી ફરી એને ત્યાં જાય, કામ કરે. દામ આપે તો લે, નહીં તો પાછી ફરે, મુખેથી બોલવું કેવું? સદાય હસતું મોં! સુગરીના માળા જેવા અંબોડામાં હજીય રક્તકમળ નાખે છે. પોતાની ગુનેગારીને એ ગોપવતી નથી.
મોટા મહોલ્લામાં ને મોટાં મંદિરોમાં વસનારા માંધાતાઓ તો એવા ને એવા છે, એમની આંખે કહેવાતા પુણ્યની અને પૈસાની અંધિયારી બાંધેલી છે. ધનથી મેળવેલી ધર્મની ઠેકેદારીએ એમને વધુ અધર્મી બનાવ્યા છે, પણ ગરીબ અને મધ્યમ વર્ગનાં માણસોનાં હૃદય પરિવર્તન પામ્યાં છે. પથ્થર, ગાળ કે અભિશાપ એમને ત્યાં નથી.
'કુંવારી માતા' આ શબ્દ પણ જાણે એનો અર્થ છોડી ગયો છે. કુંવારી માતા પૂજનીય બની છે અને રક્તકમળ એ ગરીબ કુંવારી કન્યાઓની પવિત્રતાનું પ્રતીક બન્યું છે. રક્તકમળ એ જાણે કોઈ શક્તિ બન્યું છે.
એ શક્તિનો પરચો આજે જ મળ્યો. ન્યાયમૂર્તિ ખુદ ગુનેગાર બની બેઠો અને ગુનેગાર ન્યાયના સિંહાસન પર બિરાજમાન થયો.
વાત એમ બની કે આજ મહાગુરૂની વર્ષગાંઠ હતી. નગરમાં મહોલ્લે મહોલ્લે ઉત્સવ હતો. ભક્તોએ સુવર્ણ પાલખીમાં મહાગુરૂને પધરાવીને પાલખી જાતે ઉંચકી હતી. પુણ્યનું સાધન આથી વિશેષ ક્યું હોઈ શકે?
ભાગ્યયોગે કુંવારી માતા લપાતી-છુપાતી ત્યાંથી નીકળી. મહાગુરૂની નજર ત્યાં પડી ગઈ. એક નજર અને ન જાણે રૂપાળા પાપે શું જાદુ કર્યું કે આવા મહાન માણસે પાલખીમાંથી કુદકો માર્યો, દોડયા અને જઈને એ કુંવારી માતાના ચરણમાં ઝૂકી પડયા.
પહાડ જાણે તુચ્છ કાંકરાના ચરણમાં પડયો, લોકોમાં હો-હા થઈ રહી.
જૂની આંખે નવા તમાશા જેવો ઘાટ થયો. ગાંડા થયા કે શું મહાગુરૂ? જાદુગરણીએ જાદુ કર્યો કે શું? કુંવારી માતાના ચરણનો સ્પર્શ કરતાં મહાગુરૂએ કહ્યું, 'હે ભદ્ર લોકો! આ કુંવારી માતા પવિત્રતાનો અવતાર છે. એના ચરણને જે સ્પર્શશે, તે સ્વર્ગનાં ભાગી થશે.'
'અરે! આ વ્યભિચારિણી છે.' શ્રીમંતોએ ચીસ પાડી.
'એ પવિત્ર છે. હું વ્યભિચારી છું અને ફસાવનાર હું....'
કુંવારી માતાએ સદ્ગુરૂના મુખ પર પોતાનો હાથ દાબ્યો. એમને આગળ કંઈ બોલવા ન દીધા.
પણ જગત આખું વાત સમજી ગયું. મુખેથી કોઈ કશું બોલ્યા નહીં, પણ અંતરમાં સહુએ કહ્યું, 'આપણે તે કેવા છીએ? પાપનો આદર કરીએ છીએ અને પુણ્યને દેશનિકાલ ફરમાવીએ છીએ.'
પ્રસંગકથા
ટેરિફ વોર : શત્રુ છે સવારનો કૂકડો!
એનું નામ હતું સિંહલદ્વીપ, આજની લંકાનગરી. લંકાનગરીના સીમાડે એક સમાધિ છે.
એ સમાધિ શૂરાની નથી, સંતની નથી, શત્રુની છે! એ શત્રુનું નામ એલાર, એલાર એ તામિલ દેશનો રાજા હતો.
સિંહલદ્વીપ એના તાબામાં હતું અને સિંહલના લોકોને સ્વતંત્ર થવાનું મન થયું. સિંહલનો રાજા વૃદ્ધ થયો હતો, એનું લોહી ઠંડું પડયું હતું.
રાજાને બે પુત્ર હતા. એમાં એકનું નામ અભયગામિની. બાપે દીકરાને સંસ્કારદીક્ષા આપી. અન્નના ત્રણ કોળિયા આપી, ત્રણ પ્રતિજ્ઞાા લેવડાવી. પહેલી પ્રતિજ્ઞાા, ધર્મવિરુદ્ધ વર્તીશું નહીં. બીજી, પરસ્પર કદી લડીશું નહીં. ત્રીજી, અમે રાજકર્તાઓની સામે થઈશું નહીં.
કુમાર અભયગામિનીએ એલાન કર્યું, 'પ્રતિજ્ઞાા અમને કબુલ છે. બે કોળિયા ખાઈએ છીએ, ત્રીજો કોળિયો નહીં ભરીએ અમારે સ્વતંત્ર થવું છે.' પિતા બહારથી નારાજ થયા, પણ અંદરથી રાજી થયા.
અભયગામિનીએ કહ્યું, 'આખો દેશ મને ફક્ત દશ બહાદુર માણસો આપે.' દસ બહાદુર માણસો આવી મળ્યા. કુમારે કહ્યું, 'તમે દરેક તમારી પસંદગીના દશ-દશ યોદ્ધા શોધી લાવો.'
આમ સો જણા યોદ્ધા એકઠા થયાં. એ હજાર વ્યક્તિને પોતાની પસંદગીના દશ-દશ જણા શોધી લાવવા આદેશ કર્યો. આમ દશ હજારનું ચુનંદા લશ્કર તૈયાર થયું. સ્વાધીનતાનો જંગ મંડાયો, દેશ જાગી ગયો.
કેટલાંક દેશદ્રોહી લોકોએ અભયગામિનીને 'દુષ્ટગામિની'નો ઈલ્કાબ આપ્યો. તેણે એ સ્વીકાર્યો. જંગ છેડાયો. આખરે કુમારે પરદેશી રાજાને હણ્યો ને રાજ મેળવ્યું. શત્રુ રાજાની સમાધિ ચણાવીને એના પર લખ્યું, 'જીતવા માટે કે જીત્યા પછી શત્રુને યાદ રાખવો જરૂરી છે. શત્રુ સવારનો કૂકડો છે. એ આપણને ઊંઘમાંથી કે ગફલતમાંથી જગાડે છે.'
આજે પણ એ સમાધિ પાસેથી શત્રુની સમાધિને માન આપવું પડે, તે માટે ઘોડા પર, રથ પર યા વાહન પર બેસીને કોઈથી નીકળાતું નથી.
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું ધાર્યું ન થતાં ભારત સાથે ટેરિફ વોર ખેલી રહ્યા છે. ઓપરેશન સિંદૂર સમયે એમની મધ્યસ્થીની વાત ભારતે નકારી કાઢી છે. રશિયા સાથે ભારતના વ્યાપારને રોકવામાં ફાવ્યા નહીં અને આથી ભારત પર ટેરિફના હન્ટર દ્વારા યુદ્ધ ખેલી રહ્યા છે. એ કહે છે કે ચીનને ધમકી આપવા માટે ભારતને સીધોદોર કરવા માગે છે!
મૂળ ચાલ તો એવી છે કે ભારતના પ્રગતિશીલ અર્થતંત્રને એમણે ઘમરોળી નાખવું છે. એવા ઉદ્યોગો પર તરાપ મારવી છે કે ભારતીય અર્થતંત્રની કેડ ભાંગી જાય. એના ઉદ્યોગપતિઓને બેઆબરૂ કરવામાં અમેરિકા પાછું વળીને જોતું નથી અને ત્યારે આપણો દેશ વિશ્વમાં વૈકલ્પિક માર્કેટ શોધી રહ્યું છે.
અમેરિકાને શરણે જવાને બદલે ભારત પોતાની તાકાતથી એનો સામનો કરી રહ્યો છે. 'શત્રુ સવારનો કૂકડો છે.' કદાચ આવા શત્રુને કારણે આપણે વધુ મજબૂત, સ્વતંત્ર અને આત્મનિર્ભર બનીશું.








