Editorial

મણિ ન હોત, તો હું આજે ન હોત...

By GS TEAM
30 Oct 20257 mins read
મણિ ન હોત, તો હું આજે ન હોત...

- આ માત્ર રોજનીશી નથી, કિંંતુ સરદાર પટેલના શક્તિ-સામર્થ્યનો જીવંત દસ્તાવેજ છે

- વલ્લભભાઈ પટેલ પુત્રી મણિ સાથે

- હમદર્દ ઉસે જબ સે હમને બના દિયા, 

વહ દર્દ મેરે નામ લિખતા ચલા ગયા. 

પિતાની સેવાકાજે જીવન સમર્પિત કરનાર પુત્રીની ઘણી સત્યઘટનાઓ તમે સાંભળી હશે, પરંતુ અહીં એક એવી પુત્રીની વાત છે કે જેણે નીડર અને પ્રભાવશાળી પિતાની જીવનભર સારસંભાળ લીધી. એમની એકેએક જરૂરિયાત પૂરી કરવા સતત પ્રયત્ન કર્યો, પણ એથીયે વિશેષ તો દેશને કાજે ફકીરી ઓઢનારા પિતાની અનેકવિધ પ્રવૃત્તિઓમાં જીવંત સાથ આપ્યો. એ પુત્રીનું નામ છે મણિબહેન અને એ પિતા છે, આધુનિક ભારતના ભાગ્યવિધાતા સરદાર પટેલ. 

સરદાર વલ્લભભાઈ પટેલ સાથે રહીને એમના સ્વાસ્થ્યને અનુકૂળ આવે એવી રસોઈ બનાવવી તથા એમનાં કપડાં ધોવાથી માંડીને ઘરની સઘળી જવાબદારી સંભાળી. એની સાથે સઘળી સ૨દા૨ના પત્રવ્યવહારથી માંડીને એમના અંગત સચિવ અને આદર્શ મંત્રી તરીકેની તમામ કામગીરી મણિબહેને નિષ્ઠાથી બજાવી. એ પોતે જાતે રેંટિયો કાંતતા અને એમાંથી બનેલી ખાદીમાંથી પિતા સરદાર વલ્લભભાઈ પટેલનાં અને પોતાનાં વસ્ત્રો બનાવતાં હતાં. મણિબહેનનું વસિયતનામું એ અપરિગ્રહનું એક જ્વલંત દ્રષ્ટાંત છે. એમાં એમણે લખ્યું: 

'બને તેટલો જલ્દી મારા દેહને અગ્નિસંસ્કાર કરાય. આ અંગે જરૂરી ૨કમ મારી પાસે હશે જ. કપડાં મારા કાંતેલા જ સૂતરનાં પહેરું છું એટલે બેગમાંથી કાઢી તેમાંથી પહેરાવવાં... અમદાવાદમાં મારા ભાઈ-કાકાના દીકરા પુરુષોત્તમભાઈના મકાનમાં ગેરેજ પરની રૂમમાં રહું છું. તેમાં પાટીનો ખાટલો બાપુ(સરદાર)ને ઠીક નહોતું રહેતું, ત્યારે શિયાળામાં દિલ્હીમાં ચોકમાં સુવાડવા તથા ઠીક ન હોય, ત્યારે ટેબલ-સોફા સામે પગ લાંબા કરવા વપરાતું, જેના મેં હીંચકા બનાવ્યા છે. ગોદરેજનાં ચાર કબાટો પુસ્તકો સાથે તથા ચંદનનાં નાનાં કબાટો મેં ખરીદ્યાં છે - આ બધું મારું અવસાન થતાં રાજભવન-સરદાર સ્મારકભવન જાય.' 

કલ્પના કરો કે રાષ્ટ્રની આવી લોકસેવિકા કેવી સાદાઈથી રહેતી હશે! 

તેઓ સરદાર પટેલના પુત્રી હોવા ઉપરાંત એ સમયના ઉકળતા ચરુ જેવા રાજકારણમાં આગવી દ્રષ્ટિ ધરાવતા રાષ્ટ્રભક્ત પણ હતા. સ૨દા૨ની મુલાકાતે જુદા જુદા દેશના રાજદૂતો, રાજા-મહારાજાઓ અને અનેક રાજપુરુષો આવતા. આ રાજપુરુષોમાં માઉન્ટબેટન હોય, પંડિત જવાહરલાલ નહેરુ હોય, રાજગોપાલાચારી હોય, ભાવનગરના કે વડોદરાના મહારાજા હોય - તો બીજી બાજુ નાયબ વડાપ્રધાન અને દેશના ગૃહખાતાના પ્રધાન એવા સરદારને મળવા આવતા વિવિધ વિભાગોના સેક્રેટરી હોય. આ બધાની સરભરા કરવામાં મણિબહેન કોઈ કસર રાખતાં નહીં. ઘરમાં જેટલી ચોકસાઈ એટલી જ ચોકસાઈ એમના આંગણામાં પણ જોવા મળતી. 

સરદાર પટેલનાં એક આદર્શ મંત્રી તરીકે મણિબહેન એ સમયે છાપાની નકલ રાખવાનું કે કાગળની નકલ રાખવાનું કદી ભૂલતા નહીં. શ્રમ, સાદાઈ, સુઘડતા, પ્રમાણિકતા, કરકસર અને અપરિગ્રહ જેવાં વ્રતોનાં એ સાક્ષાત્ મૂર્તિ હતાં. સ્નાતક થવા માટે સાઇકલ પર બેસીને વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા ગયાં, ત્યારે મણિબહેનને જોવા માટે એ સમયે રસ્તા પર લોકો ભેગા થતા. ચોરે અને ચૌટે એની ચર્ચા ચાલતી. આજે કલ્પના ન આવે, પરંતુ એ સમયે પટેલની દીકરી સાઇકલ પર બેસીને નીકળે, તે સહુને એક અજાયબી જેવું લાગતું. 

વિદ્યાપીઠમાં સ્નાતક બન્યા પછી મણિબહેન બોરસદ સત્યાગ્રહમાં જોડાયાં, એમણે બારડોલી સત્યાગ્રહની આગેવાની લીધી, 'ભારત છોડો' ચળવળમાં ભાગ લીધો, દેશની આઝાદી માટે પ્રવચનો આપ્યાં, દારૂના પીઠા પર પીકેટિંગ કર્યું, મુંબઈ રાજ્યની લગભગ બધી નાની-મોટી જેલમાં કારાવાસ ભોગવ્યો હતો અને જેલમાં હતા, ત્યારે પણ પોતાના સાથીઓને આત્મવિશ્વાસ આપતા અને એમની રાષ્ટ્રભક્તિ સતત જાગૃત રાખતા. 

સરદાર વલ્લભભાઈ પટેલને કોઈ પત્ર, ઠરાવ કે નોંધની જરૂ૨ પડે તો તત્કાળ એ કાગળ શોધીને આપી દેતા. અરે! સરદારે ફાડીને કચરાની ટોપલીમાં નાખેલો પત્ર પણ એ ચોંટાડીને સાચવી રાખતાં. એક વાર જવાહરલાલ નહેરુએ ઈ. સ. ૧૯૩૩ના સમયે બનેલો ઠરાવ માંગ્યો, ત્યારે સરદારની ઓફિસના કર્મચારીઓ એ આપી શક્યા નહીં, પણ મણિબહેને તરત જ એ ઠરાવ કાઢીને આપ્યો હતો. પંડિત જવાહરલાલ નહેરુ મણિબહેનને 'આઇડિયલ સેક્રેટરી' તરીકે ઓળખતા હતા. 

એમનો એક માર્મિક પ્રસંગ મૃણાલિની દેસાઈના પુસ્તકમાં આલેખાયો છે. મણિબહેન બે બહેનોને ટેક્સીમાં મૂકીને પાછાં ફરતાં હતાં, ત્યારે એ ટેક્સીવાળાએ બહેનોને પૂછયું કે, 'આ માજી કોણ હતા?'

બહેનોએ ઉત્તર આપ્યો, 'મણિબહેન પટેલ. સરદાર પટેલના પુત્રી.'

આ સાંભળીને ડ્રાઈવરે તરત જ ગાડી બંધ કરી અને નીચે ઉતરીને જે રસ્તેથી મણિબહેન ગયાં હતાં, તેની ધૂળ માથે ચડાવી.

પેલાં બે બહેનોને તો આશ્ચર્ય થયું કે ડ્રાઈવરે આવું કેમ કર્યું? ત્યારે એ ડ્રાઈવરે બહેનોને પ્રશ્ન કર્યો, 'તમે રામાયણ તો વાંચ્યું છે ને? તેમાં આવે છે કે હનુમાનજીએ લંકા દહન કર્યું, પરંતુ એ પૂરેપૂરી બળી નહોતી, એનું કારણ શું?' 

એ બે બહેનો આનો ઉત્તર આપી શકી નહીં, ત્યારે ડ્રાઈવરે કહ્યું કે, 'બહેન, લંકામાં એક વિભીષણ હતા, પુણ્યાત્મા હતા એમના પુણ્યપ્રતાપે લંકા બચી ગઈ. હમણાં આ ગયા એ માજીનાં પ્રતાપે દિલ્હી સુરક્ષિત છે, નહીંતર અહીં તો લંકાથી ય વધુ બદતર બની ગયું હોત.'

રાત્રે સરદાર સૂતા હોય, ત્યારે મણિબહેન ટેલિફોન લઈને સૂએ અને રાત્રે જે કોઈ સમાચાર આવે તે સમાચારની નોંધ બનાવીને બીજા દિવસે સવારે પિતાના ટેબલ પર મૂકે. આથી જ સરદાર વલ્લભભાઈએ સ્વીકાર કર્યો હતો કે, 'મણિ ન હોત, તો હું આજે ન હોત.' 

આગામી ૩૧મી ઓક્ટોબરે સરદાર પટેલની સાર્ધશતાબ્દીએ માત્ર ગુજરાતને જ નહીં, પરંતુ સમગ્ર દેશને અને વિશ્વને એક વિરલ દસ્તાવેજ પ્રાપ્ત થશે અને એ છે 'સમર્પિત સરદારનો પડછાયો' એ પુસ્તક. શ્રી આર.એસ. પટેલે અથાગ પ્રયત્ન કરીને મણિબહેનની ૧૯૨૯થી ૧૯૫૦ સુધીની ૨૫ ડાયરીઓનાં ૨૭૫૦ પૃષ્ઠોમાંથી નવનીત તારવીને આપ્યું છે. 

મારી દ્રષ્ટિએ આ રોજનીશી નથી, બલ્કે એમાં આઝાદી માટેનું સમર્પણ, સ૨દા૨ની ગાંધીજી પ્રત્યેની એકનિષ્ઠા, રજવાડાંઓના રાજ્યનું વિલીનીકરણ કર્યું હોવા છતાં એમની સાથેનો મૈત્રીસંબંધ - એ સઘળી બાબતોની નોંધ આમાં મળે છે. કાશ્મીરની બાબતમાં પંડિત નહેરુને યુનોમાં ઉત્તર આપવાનો ભય લાગતો હોય કે ભારત-પાકિસ્તાનની વિભાજન સમસ્યાના સમયે એકાવન કરોડ આપવાની વાતના વિવાદની ઘટનાઓ પણ જોવા મળે છે. દેશને ખાતર સરદારે ચોતરફથી વિરોધો સહન કર્યા. ક્યારેક મુસલમાનો દ્વારા વિરોધ થાય, તો ક્યારેક કોંગ્રેસપક્ષના મૌલાના આઝાદ કે જયપ્રકાશ જેવા સાથીઓ પરેશાન કરે, ક્યારેક સામ્યવાદીઓ એમના પર આક્ષેપો કરે, તો કદીક પારસી અખબારો પક્ષપાતી ટીકાઓનો મારો ચલાવે. બીજી બાજુ અંગ્રેજોની ચાલાકી, પાકિસ્તાનની આડોડાઈ, હૈદરાબાદ અને જુનાગઢ રાજ્યનો વિરોધ આ બધાની વચ્ચે રહીને સરદાર વલ્લભભાઈ પટેલે માત્ર રાષ્ટ્રપ્રેમને લક્ષમાં રાખીને જીવનમાં કાર્ય કર્યું. ઉકળતા ચરુ જેવા આ સમયમાં દેશની કફોડી આર્થિક સ્થિતિ અને અનાજની તંગી વચ્ચે એમણે માર્ગ કાઢયો. આ રોજનીશીના એક-એક વાક્યમાં સરદાર વલ્લભભાઈ પટેલે દેશ માટે સહન કરેલા આઘાતો અને એનો કરેલો પ્રતિકાર જોવા મળે છે. એ સમયની રાજકીય પરિસ્થિતિના અભ્યાસીને માટે આમાંથી મળતું એક વાક્ય એ પરિસ્થિતિનું સ્પષ્ટ અને સત્ય દર્શન આપી જાય છે. 

આમાં ક્યાંક સરદાર વલ્લભભાઈ પટેલના જીવનપ્રસંગોની પણ મણિબહેને મિતાક્ષરી નોંધ કરી છે. સરદાર વલ્લભભાઈ પટેલે એમના પત્ની ઝવેરબાને ટયુમર થયું હતું. ત્રણ મહિનાની લાંબી સારવાર હતી, તેથી તેઓ કોર્ટમાં એક અગત્યનો કેસ હોવાથી હાજર થયા. વાત એવી હતી કે વકીલાત કરતા સરદાર જો સહેજ ચૂકી જાય તો એ માણસને ફાંસી થાય. કોર્ટમાં કેસ ચાલતો હતો, ત્યારે બપોરે બે વાગે ઝવેરબાના સવારે થયેલા અવસાનનો તાર આવ્યો. સરદારે તે ખિસ્સામાં મૂકી દીધો અને મન મજબૂત કરીને કેસ પૂરો કર્યો. તો વળી સ૨દા૨ે બીડી કઈ રીતે છોડી એની વાત પણ અહીં મળે છે. 

સરદાર એક જ બાબતનાં વિરોધી હતા અને તે દંભના. એક વ્યક્તિએ ગાંધીયન ફિલોસોફી અને ગાંધીયન ઈકોનોમીની વાત કરી, ત્યારે સરદારે ગુસ્સે થઈને કહ્યું કે, 'તમે રોજના ૪૫ રૂપિયાની ફી લો છો, અને ગાંધીયન ફિલોસોફીની વાત કરો છો.'

ભારતના ઇતિહાસમાં સરદાર બે વાર કોંગ્રેસના પ્રમુખ બન્યા. ચૂંટણીમાં સૌથી વધુ મત એમને મળ્યા હતા, પરંતુ પંડિત જવાહરલાલની ઇચ્છા હોવાથી બંને વખત એમણે પોતાનું નામ પાછું ખેંચીને પંડિતજીને પ્રમુખ થવા દીધા. આમાં સરદારની વિ૨લ ઉદારતાનો અનુભવ થાય છે. જવાહ૨લાલને બદલે સરદાર પ્રમુખ થયા હોત તો આજે દેશની સિકલ જુદી જ હોત. 'સમર્પિત પડછાયો સરદારનો' એ ગ્રંથમાં સી.એ. શ્રી આર.એસ. પટેલે આવી તો કેટલીય ઘટનાઓ સંકલિત કરી છે. એથીયે વિશેષ તો આ રોજનીશી દ્વારા સરદારના જીવન વિશેનો જીવંત ચિતાર આપવાની સાથોસાથ એ સમયની રાષ્ટ્રની ગતિવિધિનો સત્યનિષ્ઠ દસ્તાવેજ પૂરો પાડે છે.

પ્રસંગકથા

દેવદૂત બની ગયા દાનવદૂત 

એક ડોક્ટર પોતાના મિત્ર સાથે હોટલમાં ભોજન લઈ રહ્યા હતા. એવામાં એમના મોબાઈલની રિંગ વાગી. ડોક્ટરે મોબાઈલ લીધો, તો સામેથી કોઈકે કહ્યું કે તેઓ જેના ફેમિલી ડોક્ટર છે, એ વ્યક્તિની તબિયત અત્યંત ગંભીર છે. તમે તરત જ એના ઘેર આવી જાવ. 

ડોક્ટર ભોજન લઈ રહ્યા હતા. એમણે અધવચ્ચેથી જવાનો વિચાર કર્યો. એમના મિત્રએ એમને અટકાવ્યા, તો ડોક્ટરે કહ્યું, 'અરે દોસ્ત! મારો દર્દી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. મારે તરત જવું પડશે.'

 'ધાર કે તું નહીં જાય તો?' 

'જો હું નહીં જાઉં, તો એ મરી જશે.' 

મિત્રએ હસતાં હસતાં હાથ પકડીને કહ્યું, 'અરે દોસ્ત, આજે તો કોઈ દર્દીને પોતાની રીતે મૃત્યુ પામવા દેને!'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે એક સમયે આદરપાત્ર અને સન્માનનીય ગણાતા ડોક્ટરના વ્યવસાયને આજે કેટલાક લેભાગુઓ ઘોર કલંક લગાડી રહ્યા છે. તેઓ ડોક્ટરને બદલે 'કમિશન એજન્ટ' બની ગયા છે. દર્દીને થયો ન હોય એવો રોગ બતાવીને ખોટાં ઓપરેશન ક૨વામાં આવે છે, તો બિનજરૂરી દવાઓની લાંબી યાદી લખીને દુકાનદારની કમાણીમાંથી કમિશન મેળવે છે અથવા તો દવા કંપની પાસેથી 'કિંમતી ભેટ' મેળવે છે. જરૂર ન હોય તો પણ લાંબો સમય સારવાર માટે હોસ્પિટલમાં રાખે છે અને એના બિલની રકમ વધારતા જાય છે. 

સરકારની આયુષ્માન, અમૃતમ્ અને વાત્સલ્ય જેવી મફત સારવાર સુલભ કરાવતી યોજનાઓને કેટલાંક ડોક્ટરો અને હોસ્પિટલોએ નફાલક્ષી ઉદ્યોગ બનાવી દીધો છે. માનવતાના આ દ્રોહીઓ દર્દીઓનાં મોતનાં સોદાગર બની જાય છે. 

કેટલાક ડોક્ટરો સાચે જ સેવાભાવી અને માનવતાવાદી છે, પણ બીજા આ વ્યવસાયનું નામ બોળનારા છે. દર્દીને માટે દેવ ગણાતા ડોક્ટરના વ્યવસાયનું આ કેવું પતન! જેમ શિક્ષણને વેપાર બનાવીને આપણે સરસ્વતીની સ્મશાનયાત્રા કાઢી છે, એ જ રીતે તબીબી સેવાને નફાલક્ષી ઉદ્યોગ બનાવીને દેવદૂત ગણાતા ડોક્ટરને દાનવ બનાવી દીધો છે...