Editorial

દોસ્તીની દિલાવરીનાં એ આંસુમાં ગુનેગારી નહીં, બલ્કે નરી પવિત્રતા હતી

By GS TEAM
26 Jun 20258 mins read
દોસ્તીની દિલાવરીનાં એ આંસુમાં ગુનેગારી નહીં, બલ્કે નરી પવિત્રતા હતી

- ખૂનનો બદલો ખૂનથી ન લઉં, તો મારી આખી જમાત અને નામર્દ ગણે અને દુનિયા આખી કાયર ગણે 

- ખાન શાહઝરીન

- ઈન્સાન કે બદલે ભીડ સે ખચાખચ ભરી હૈ દુનિયા,

બેઈમાની કી બા-અદબ ઈજ્જત કરતી હૈ દુનિયા,

ઈન્સાનિયત કે બદલે શૈતાન કો પાલતી હૈ દુનિયા,

ભૂખે કંગાલો કી લાશ પર જશ્ન મનાતી હૈ દુનિયા.

આપણા જીવનમાં કેટલાંય મિત્રો આવતા હોય છે. કેટલીક દોસ્તી અલ્પ સમયની હોય છે, તો કેટલીક જીવનભર જળવાઈ રહે છે. પોતાના મોસાળ એવા સૌરાષ્ટ્રના વિંછિયા ગામમાં ૧૯૦૮ની ૨૬મી જૂને જન્મેલા સર્જક જયભિખ્ખુના જન્મદિવસે તેઓ જીવનભર જેનું સ્મરણ કરતા હતા, એવા પઠાણ મિત્ર ખાન શાહઝરીનની દોસ્તીની દાસ્તાન યાદ આવે છે. ખાન શાહઝરીન ગ્વાલિયર પાસે આવેલા શિવપુરીમાં ગુરુકુળની ચોકી કરતા હતા અને એની સાથે વિદ્યાર્થી જયભિખ્ખુને જિગરી દોસ્તી થઈ ગઈ.

એક દિવસ પઠાણ ખાન શાહઝરીનને એના ઘેર પેશાવરથી પત્ર આવ્યો કે, એનો દીકરો ગુજરી ગયો છે. ખાનને બે દીકરી બાદ એક જ દીકરો હતો અને એમાં પણ એનો દીકરો સાળાની બંદૂકની ગોળીથી મૃત્યુ પામ્યો હતો. બન્યું એવું કે ખાન શાહઝરીનની ઔરત પિયર ગઈ હતી, ત્યારે રસોઈની બાબતમાં ભાઈ-ભાભી વચ્ચે બોલાચાલી થઈ. ભાભી જરા મોટા ઘરાનાની હોવાથી એણે ભાઈને બે કડવા વેણ કહ્યા. ખાનના સાળાએ કહ્યું કે, 'તેં મારા ખાનદાનની ટીકા કરી છે અને તે પણ મારી બહેન સામે!' એથી ઉશ્કેરાઈને ખાનના સાળાએ હાથમાં બંદૂક લીધી અને બીબી સામે તાકી. બાજુમાં ખાનની બહેન એના માસૂમ બાળક સાથે બેઠી હતી. એ દોડીને વચ્ચે આવી, પરંતુ એટલામાં તો બંદૂકમાંથી ગોળી છૂટી અને ખાનની પત્નીની કાંખમાં રહેલા એના દીકરાને વીંધીને ગોળી સોંસરવી નીકળી ગઈ.

એ ઘટનાની ભારે હૈયે વાત કર્યા પછી ખાન શાહઝરીને એના મિત્રને કહ્યું, 'મારા સાળાએ ખૂન કર્યું, પરંતુ એનું ખૂન એમ માફ ન થાય. ખૂનનો બદલો હું ખૂનથી ન લઉં, તો મારી જમાત મને નામર્દ ગણે અને દુનિયા આખી કાયર લેખે. મારા પર નહીં, પણ મારી સાત સાત પેઢી પર ફિટકાર વરસાવે. હવે હું માદરે વતનમાં પાછો જઈશ. હવે તો ખૂનનો બદલો ખૂન.' 

ખાન શાહઝરીનના શબ્દોમાં સાહજિકતા હતી. મોતની ઊંડી વેદનાને બદલે એને બદલાની અતિ આતુરતા હતી. જયભિખ્ખુએ પોતાના આ દોસ્તને ખૂબ સમજાવ્યો. કહ્યું, 'અજાણતા બનેલી ઘટના પર આટલો બધો આક્રોશ ન હોય. વળી તમે ખૂન કોનું કરશો? દીકરાના મોતનું વેર કંઈ સાળાના મોતથી લેવાય ખરું? હવે ભૂલી જાવ એ બદલાની વાત.'

ખાન શાહઝરીને કહ્યું, 'મારા પ્યારા દોસ્ત! હું બનિયો નથી, સિપાહી છું, જ્યારે બનિયો પણ પોતાનું લેણું છોડતો નથી ને વ્યાજ સાથે વસૂલ કરે છે, ત્યારે હું તો પઠાણ બચ્ચો! ખૂનનો બદલો ખૂન કરીને ન લઉં, તો લોકો મારા નામ પર થૂંકે. મારા સંતાન મને વાલિદ (પિતા) તરીકે જાહેર કરતાં શરમાય. તમે મરનારની પાછળ શ્રાદ્ધ-તર્પણ કરો છો, અમારે માટે આ જ શ્રાદ્ધ અને તર્પણ છે.'

ખાન શાહઝરીને વતન જવાની તૈયારી શરૂ કરી. પ્રસિદ્ધ ખૈબરઘાટમાં ખાન શાહઝરીનનું ગામ લંડી કોતલ અફઘાનિસ્તાનની સરહદથી માત્ર પાંચ કિલોમીટર પશ્ચિમે આવેલું છે. પેશાવરના પર્વતીય પ્રદેશના માર્ગેથી ખાન શાહઝરીનના વતનના ગામમાં પહોંચી શકાતું હતું. શાહઝરીન પાસે એક સાઈકલ હતી. તે પણ સાથે લીધી. એ વેચીને બંદૂક લેવાનો શાહઝરીનનો ઈરાદો હતો.

જીવનમાં દોસ્ત તો ઘણા મળ્યા હતા, પરંતુ ગુરુકુળના વિદ્યાર્થી 'જયભિખ્ખુ'ને શાહઝરીન જેવો જીગરજાન અને દિલાવર દોસ્ત કોઈ મળ્યો નહોતો. આથી એને અલવિદા આપતા જયભિખ્ખુનું હ્ય્દય પારાવાર વેદના અનુભવતું હતું. એમણે કહ્યું, 'ખાનસાહેબ, દિલમાં તો એક સવાલ છે. તમારો આ દોસ્ત તમને પૂછે છે કે દિલના ટુકડા એવા પોતાના દીકરા પર માને વધુ પ્યાર હોય છે કે બાપને?'

'દોસ્ત, આમાં સવાલ ક્યાં છે? સહુ જાણે છે કે માને જ હોય, કારણ કે દીકરો એ બાપની શાન છે, પણ માનું તો કલેજું છે. શાન જાય તો પાછી મળે, પણ કલેજું ફાટે તો પાછું ન મળે.'

'તો દોસ્ત, તમારે મારું આટલું વચન રાખવું પડશે. જો દીકરાની માનું કલેજું દીકરાનું ખૂન કરનારને માફ કરે, તો તમે એને માફ કરજો.'

ખાનસાહેબ પોતાના દોસ્ત તરફ જોઈ રહ્યા. જાણે દોસ્તના જિગરનો અવાજ સાંભળતા ન હોય! એવામાં ગાડી ઊપડવાનો સમય થયો. એકાએક ખાનસાહેબે પોતાના દોસ્તના હાથને ચૂમી કરતાં કહ્યું, 'દોસ્તનું વચન જરૂર રાખીશ.'

ખાનસાહેબે વિદાય લીધી, પણ એમના જિગરની જ્વાળા દોસ્તના જિગરના જળથી કંઈક શાંત બની. ખાન ઊંડા વિચારમાં ડૂબી ગયા અને જેમ જેમ દૂર જતા ગયા, તેમ તેમ દોસ્તનાં વચનો એમના દિલમાં વધુને વધુ મોટો પડઘો પાડવા લાગ્યાં. ખૈબરઘાટની ગિરિમાળાઓમાંથી પસાર થઈને પેશાવરથી એમના ગામ લંડી કોતલ પહોંચ્યા. નેક ઓરતે ખાવિંદના પગ ચૂમ્યા. એની કોશિશ તો ખાવિંદને સમજાવવાની હતી. દિવસોથી વિચારતી હતી કે એમને સમજાવવા કઈ રીતે? કારણ? ખાવિંદ સમજે એવી એને કોઈ શ્રદ્ધા નહોતી. ખાનના વિચારો અને જમાતનો ઈમાન એ જાણતી હતી, તેથી વિચારતી હતી કે દીકરો તો હારીને બેઠી, હવે ભાઈને પણ ગુમાવવો પડશે. ભૂતકાળના આઘાત અને ભવિષ્યના ભયે ઔરતનું મુખ સીવી દીધું હતું, પણ ત્યાં તો સામેથી ખાવિંદે જ પ્રશ્ન કર્યો, 'બોલ, કઈ ચાહત છે તારી? ખૂનનો બદલો ખૂન કે પછી ભાઈને જિંદગી?'

'ભાઈની જિંદગી. પ્યારા ખાવિંદ! તમે અને હું હજી બુઝુર્ગ થયાં નથી. જો અલ્લાહની મહેર ઊતરશે તો...' ઔરત બોલી.

'એમ નહીં. તું મને કહે કે આ ખાન શું કરે? કુરાને શરીફ ઉઠાવીને કહેવું પડશે.' ખાન શાહઝરીને ઔરતના દિલની પાકી તપાસ કરતાં કહ્યું, 'પછીથી મને કોઈ વગોવે નહીં.'

'ખાન, હુંય પાક દિલદાર ઔરત છું. દિલ કહે છે કે મારા ભાઈએ ભૂલથી કરેલા ખૂનને માફી બક્ષો.'

ખાનસાહેબના દિલ પર દોસ્તના દિલની આરઝૂ અને નેક બીબીના શબ્દો કામ કરી ગયાં. એમનો ગુસ્સો શાંત થયો અને કહ્યું, 'તારા ભાઈને કહેજે કે ખાન આવી ગયા છે અને કાલે તમારે ત્યાં અમે દાવત માટે આવીશું.'

અણધારી હત્યાની ઘટના બન્યા પછી ખાનનો સાળો બેબાકળો બની ગયો હતો. એક  બાજુ પોતાની ભૂલનો અહેસાસ હતો ને બીજી બાજુ ખૂન થવાની ભીતિ હતી. વળી, એક ખૂન બીજા નવા ખૂનની સંભવિતતા હંમેશાં પેદા કરતું હતું. વેરની આવી પરંપરાઓમાં તો કુળનાં કુળ સ્વાહા થઈ ગયાં હતાં. ખાનસાહેબની નેક બીબીએ ભાઈને આશ્વાસન આપ્યું. બહેનના વચન પર ભાઈને પૂરો ઈતબાર હતો. બીજે દિવસે સાળો-બનેવી મળ્યા. દોડીને એકબીજાને દિલથી ભેટયા. સાળાએ કદમબોસી કરી. બનેવીની જૂતી માથે મૂકી. ખાનસાહેબનું ભીતરી ગુલાબી દિલ મહેકી ઊઠયું. સાથે દાવત લીધી. એણે ખીસામાં રહેલા ૫૦ રૂપિયા અને સાઈકલ બંને સાળાને ભેટ આપી દીધા.

થોડા દિવસ બાદ ખાનસાહેબ ફરીથી શિવપુરી આવ્યા. ગુરુકુળની ચોકીદારીની નોકરી પર હાજર થયા. એમની આંખમાં દોસ્તીની દિલાવરીનાં આંસુ હતાં. એ આંસુમાં સહેજેય ગુનેગારી નહોતી, બલ્કે નરી પવિત્રતા હતી. સમય વીતતો ગયો. શિવપુરીનો અભ્યાસ પૂરો થયો. જયભિખ્ખુએ પદવી પ્રાપ્ત કરી. હવે બંને દોસ્ત વચ્ચે છૂટા પડવાની ઘડીઓ નજીક આવી. ખાનસાહેબ પોતાના દોસ્ત પાસેથી હિંદી શીખતા હતા અને જયભિખ્ખુ પોતાના પઠાણી મિત્ર પાસેથી ઉર્દૂ શીખતા હતા. જુદા પડતી વખતે ખાનસાહેબે દોડીને પોતાના દોસ્તના પગ પકડયા અને ગદ્ગદ કંઠે બોલ્યા, 'ભાઈસાબ ! આશીર્વાદ આપો કે મારે ત્યાં દીકરો જન્મે. તમે આલમ ફાઝલ છો.'

જયભિખ્ખુ છોભીલા પડી ગયા. દોસ્તને દિલની દિલાવરી આપી શકાય, પણ દુઆ કઈ રીતે આપી શકે? પણ ખાન એના નિર્ણયમાં મક્કમ હતા. આખરે ગુરુકુળની વિદાય લેતા જયભિખ્ખુએ પોતાના દોસ્તને શરમાતા અવાજે કહ્યું, 'જો મારી દુઆ મંજૂર થતી હોય તો હું ખુદાને અરજ ગુજારું છું કે તમારે ત્યાં વાઘ ને સાવજ જેવા બે દીકરા થજો.' 

શિવપુરીથી અભ્યાસ કરીને નીકળેલા જયભિખ્ખુનું ભ્રમણ શરૂ થયું અને અંતે મધ્યપ્રદેશ છોડીને ગુજરાતમાં અમદાવાદમાં આવીને વસ્યા.

એક દિવસ ઉર્દૂમાં એક પત્ર આવ્યો. અમદાવાદના ત્રણ દરવાજે બેસતા સાંઈ ફકીર પાસે એ વંચાવ્યો. એમાં ખાનસાહેબે એમને ત્યાં થયેલા પુત્રજન્મના સમાચાર લખ્યા હતા. તેઓ જયભિખ્ખુ અને એમની પત્નીને પેશાવર આવવાનું નિમંત્રણ આપતા હતા અને એમના મનમાં ખ્વાહિશ પણ હતી. પેશાવરના સ્ટેશને પચીસ નવજુવાનોના હાથની બંદૂકોના બારથી જયભિખ્ખુનું સ્વાગત કરવાની, પોતાના પહાડી ગામમાં દબદબાભરી રીતે દોસ્ત જયભિખ્ખુની સવારી કાઢવાની.

દોસ્તીની યાદમાં અને મીઠાં સ્વપ્નોમાં દિવસો વીતતા હતા. એવામાં હિંદુસ્તાન અને પાકિસ્તાનનું વિભાજન થયું. દેશની સરહદોએ દિલના પ્યારની સરહદો બનાવી દીધી. એ પછી જયભિખ્ખુ સતત દોસ્તીની યાદમાં જીવનભર તડપતા રહ્યા. જીવનના ઘણા રંગો બદલાયા, ઘણા મિત્રો મળ્યા, ઘણી મહેફિલ થઈ, પણ જીવનભર ખાન શાહઝરીનની દોસ્તીનાં સ્મરણો મનમાં તરોતાજા અને વાણીમાં ગુંજતાં રહ્યાં હતાં.

પ્રસંગકથા

ત્રીજા વિશ્વયુદ્ધનો ઓથાર  

દુનિયાનો મહાન વિજેતા શહેનશાહ સિકંદર. ભારતની ધરતી પર આવ્યો. એને ખબર પડી કે ગંગાકાંઠે એક મહાન મહાત્મા બિરાજે છે. ખાસ દૂત બોલાવીને મહાત્માને માનભેર પોતાની પાસે લાવવાની આજ્ઞાા કરી. સાધુ-મહાત્માની શોધમાં દૂત ઘણું ફર્યો. છેવટે મહાત્મા મળ્યા. એણે મહાત્માને સવિનય નિવેદન કર્યું.

'દિગ્વિજયી શહેનશાહ સિકંદર નજીકના શહેરમાં પધાર્યા છે અને તેમણે આપને મળવા બોલાવ્યા છે. જગવિજેતા સમ્રાટ સિકંદરથી તો આપ વાકેફ જ હશો. એમની આજ્ઞાાનો અનાદર કરશો તો તેઓ ક્રોધે ભરાશે. શહેનશાહ એમના હુકમનો અનાદર કરનારને ફાંસીએ લટકાવે છે.'

મહાત્માએ શાંતિથી વળતો પ્રશ્ન કર્યો, 'અરે ભાઈ ! આ દિગ્વિજયી એટલે શું? શું એ દિવસનું પચાસ સો મણ અનાજ ખાય છે?'

દૂતે કહ્યું, 'ઓહોહો! આટલું બધું અનાજ તે કોઈ ખાઈ શકે ખરું?'

'તો પછી આ જરૂર દસ-પંદર મણ અનાજ તો ખાતો જ હોવો જોઈએ.'

'ના, ના, આટલું અનાજ તે માણસ દિવસમાં ખાય ખરો?'

મહાત્માએ પૂછ્યું, 'તો પછી કેટલું ખાય છે?'

દૂતે કહ્યું, 'બસ, શેર-બશેર. બીજા માણસો ખાય છે એટલું જ.'

મહાત્મા ખડખડાટ હસી પડયા અને બોલ્યા, 'અરે! તારા દિગ્વિજયી બાદશાહ કરતાં તો અમારું વૃક્ષ સારું! તારો સમ્રાટ પેટ ભરવા માટે અનેકોની હત્યા ને હિંસા કરે છે, જ્યારે આ વૃક્ષ કોઈની પણ હિંસા કર્યા વગર પોતાનું પેટ ભરે છે. ભાઈ, તારા સમ્રાટને મારો આ જ સંદેશો આપજે !' 

દૂત સંદેશો લઈને ગયો. શહેનશાહ સિકંદરને બધી વાત કરી. મોટા મોટા રાજાઓના શિર નમાવનાર સિકંદર સંદેશો સાંભળી સ્તબ્ધ થઈ ગયો.

આ વાત અમને એટલા માટે યાદ આવી કે સમૃદ્ધ દેશોની સત્તાલાલસા હવે સઘળી માનવતા અને શાંતિની સીમાને વટાવી ગઈ છે. ઈઝરાયેલે હમાસનાં હુમલાખોરોનો બદલો લેવા માટે આખા ગાઝાને બેહાલ કરી દીધું છે. અમેરિકાએ ઈરાન પર યુદ્ધમાં ઝૂકાવીને જગતમાં ત્રીજા વિશ્વયુદ્ધની પરિસ્થિતિ સર્જી નાખી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે બદલો લેવા નીકળી પડયા હતા. 

આજે દુનિયાની મહાસત્તાઓએ શાંતિ, સુલેહ અને માનવતાને નેવે મૂકીને વ્યાપારના હથિયારથી અન્ય દેશોની પ્રજાનું ગળું દબાવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ સતત ધમકી આપે છે, ને જુદા જુદા રાષ્ટ્રોને ધમકાવે છે. ઈઝરાયેલના વડાપ્રધાન પણ વિરોધીને ભૂખમરાથી, પાણીની અછતથી રિબાવીને મારી નાખવામાં મજા માને છે. સિકંદરની સત્તા ભૂખને ય શરમાવે તેવા નેતાઓ આજે દુનિયાને ભયાવહ પરિસ્થિતિમાં ધકેલી રહ્યા છે.