એક તીવ્ર આવેગભરી ક્ષણે કરુણ અંજામ

- કેટલીક વ્યક્તિઓ જીવનમાં જાણે મરણનું વરણ કરીને જીવતી હોય છે
- કેવિન બ્રિગ્સ
- આપણા દેશના સંદર્ભમાં આપઘાત અંગે વિચારીએ તો આવી સિત્તેર ટકા ઘટનાઓ તો વ્યક્તિ એકલતા, હતાશા કે લાચારીને કારણે બનતી હોય છે, એમાં પણ આત્મહત્યા કરનારા સવિશેષ લોકો અઢારથી ત્રીસ વર્ષની વયના હોય છે
- હજારો લોગ શામિલ હૈ સફર કી ભીડ મેં ફિર ભી,
મગર ક્યા બાત હૈ હંસકર હમીં કો આજમાતે હૈ.
૧૯૩૭માં અમેરિકામાં ગોલ્ડન ગેટ બ્રિજ ખુલ્લો મુકાયો, ત્યારે આ બ્રિજના બાંધકામના મુખ્ય ઇજનેર જોસફ સ્ટ્રોસે એમ કહ્યું કે આ બ્રિજ એ પૂર્ણપણે 'સ્યુસાઇડ-પ્રૂફ' છે અને એના પરથી આત્મઘાત કરવો એ શક્ય નથી અને પ્રેક્ટિકલ પણ નથી, પરંતુ હકીકત એ છે કે આજ સુધીમાં આ બ્રિજ પરથી બે હજારથી વધુ લોકોએ કૂદકો મારીને આપઘાત કર્યો છે.
કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલના અધિકારી કેવિન બ્રિગ્સનો આ સંદર્ભમાં વિશાળ અનુભવ છે. એક વ્યક્તિ આપઘાત કરવા જઈ રહી હતી, ત્યારે એણે અટકાવ્યો. એકાદ કલાક એની સાથે મીઠી વાત કરી, એણે પણ ત્રણેક વાર કેવિન સાથે હૂંફાળું હસ્તધૂનન કર્યું અને છેલ્લે હાથ મિલાવતાં બોલી, 'કેવિન! મને માફ કરજે, પણ મારે જવું પડશે' અને આટલું બોલીને એણે આ બ્રિજની નીચે નદીના ઊંડા પાણીમાં કૂદકો માર્યો.
મોટાભાગની આપઘાત કરનારી વ્યક્તિઓનું એવું વલણ હોય છે કે તેઓ એ ક્ષણે બીજી વ્યક્તિને સહેજ પણ દુઃખ પહોંચાડવા માગતી નથી. તેઓ પોતાનામાં જ પોતાની વેદનાને સમેટીને જીવનનો અંત આણવા ચાહે છે.
આપઘાત કરનારી વ્યક્તિ સાથે કેવું વલણ અજમાવવું જોઈએ? કેટલાક લોકો એની પાસે આવીને એને સમજાવતા હોય છે કે 'તું આવું પગલું ભરીશ, તો તારા કુટુંબની કેવી દશા થશે?'
'તારા મિત્રોને કેવું લાગશે?'
'જે લોકો તને ચાહે છે, તેમને કેટલો ઊંડો આઘાત પહોંચશે?'
'તું આવું કરીશ તો લોકો તારા વિશે શું કહેશે, એની તને ખબર છે?'
હકીકત એ છે કે આવી રીતે આપઘાત ઇચ્છુકને સલાહ આપવાને બદલે પહેલાં એમને સાંભળવા જોઈએ. એ બોલતો હોય, ત્યારે કોઈ દલીલ કરવી જોઈએ નહીં, એની સામે કોઈ આરોપ કરવા જોઈએ નહીં અથવા તો 'તું આવું કરીશ તો બીજાઓને શું થશે' એની વાત કરવી જોઈએ નહીં. પહેલાં તો એની વાતો બરાબર 'કાન માંડીને' સાંભળતા રહેવી જોઈએ અને પછી જ્યારે 'ટર્નિંગ પોઇન્ટ' આવતો લાગે, ત્યારે વાતનો દોર હાથમાં લેવો જોઈએ.
એને અટકાવવાને બદલે એમ કહેવું જોઈએ કે આવા પ્રસંગોએ અને આવા સંજોગોમાં તારી જેમ બીજાઓએ પણ આપઘાત કરવાનો વિચાર કર્યો હતો, પરંતુ એમણે એ પરિસ્થિતિનો એ પછી પડકાર ઝીલીને આવો ઉકેલ શોધ્યો હતો. કદાચ અન્યના જીવનની આવી સત્યઘટના સાંભળી આત્મહત્યા કરવા ઇચ્છનારી વ્યક્તિ જીવનની સકારાત્મકની બીજી બાજુ વિશે વિચા૨વા લાગે છે. એની લાચારી કે મુશ્કેલીઓ જોઈને એને એવી પણ વ્યક્તિઓની વાત કરવી જોઈએ કે જેમણે આવી લાચારીઓ કે મુશ્કેલીઓથી અકળાઈને આપઘાત કરવાનો વિચાર કર્યો હતો, પરંતુ એ ક્ષણિક વિચારને એમણે બાજુએ હટાવીને એમણે પોતાનો પુરુષાર્થ ચાલુ રાખ્યો અને ઘણી મોટી સિદ્ધિ મેળવી હતી. ઉદાહરણોનું પુસ્તક પ્રગટ કરવું જોઈએ.
પોલીસ અધિકારી કેવિન બ્રિગ્સનો વ્યાપક અનુભવોમાં એક મહત્ત્વની વાત એ છે કે ગોલ્ડન ગેટ બ્રિજ પરથી આત્મહત્યાનો પ્રયત્ન કરનારાઓમાંથી જે લોકોને એ બચાવી શક્યો, પછી એમની સાથે એણે વાત કરી. એ બધાએ સ્વીકાર્યું કે એ ક્ષણે એમનાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ અને તેઓ ખરેખર તો જીવવા ચાહે છે, પરિણામે પોતાના લાંબા અનુભવના તારણ રૂપે બ્રિગ્સ માને છે કે આત્મહત્યા એ અટકાવી શકાય તેવી છે, એને માટે પ્રયત્ન જોઈએ અને આશા પણ.
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એક દિવ્યાંગ મહિલા આગવી રીતે આપઘાત કેન્દ્ર ચલાવે છે. એના ઘરમાં એની પાસે ત્રણ-ચાર ટેલિફોન પડયા હોય છે. અખબારો અને ટેલિવિઝન પર વિનામૂલ્યે એનો ફોન નંબર દર્શાવતા હોય છે. એ સ્ત્રી પર કોઈ યુવાનનો ફોન આવે કે હું પ્રેમમાં નિષ્ફળ જવાને કારણે આપઘાત કરવા માગું છું, તો પહેલાં એ સ્ત્રી એને કહે છે કે એકવાર તારા જેવી જ સ્થિતિ મારી થઈ હતી અથવા હાલ એમાંથી પસાર થઈ રહી છું. થોડી લાંબી વાત કરીને વ્યક્તિની એ ક્ષણને શાંત પાડે. પછી ધીરે ધીરે એની સાથે વાતચીત દ્વારા લાગણીનો તંતુ જોડે છે અને અંતે એને સાંજે ડિનર પર આવવાનું નિમંત્રણ આપે છે. એને ગમતી વાનગી પૂછે અને એ વાનગી પોતે જાતે બનાવે. આપણે ત્યાં પણ આવા સેવાભાવી માનવીઓ અને સંસ્થાઓ છે.
હકીકત એ છે કે આપઘાત ક્ષણનો સવાલ હોવાથી એ ક્ષણ નીકળી ગયા પછી આપઘાત-ઉત્સુક વ્યક્તિનો આવેગ ઓછો થઈ જતો હોય છે. એ વ્યક્તિ સાંજે ડિનર પર જાય, ત્યારે એની સમસ્યા લઈને જતો હોય છે અને હવે એનું મન પણ સામેની વ્યક્તિની સલાહ અને સંવેદનાને સ્વીકારવા તૈયાર હોય છે. આ રીતે આ મહિલાએ અનેક લોકોને આપઘાતના માર્ગેથી પાછા વાળ્યા છે.
આપઘાત એ એક તીવ્ર, આવેગભરી ક્ષણની ઘટના છે, ઘોર નિરાશા, સતત પીડાદાયી માનસિક અસંતુલન, સ્નેહભર્યા સંબંધોમાં પડેલી પ્રેમભંગની મોટી તિરાડ કે પછી જીવનની કોઈ મજબૂરીને કા૨ણે વ્યક્તિ આપઘાત કરવા પ્રેરાતી હોય છે. ક્યારેક એ આર્થિક ભીડથી ગૂંગળાઈને આપઘાત કરે છે, તો ક્યારેક પોતાની કે 'ખાનદાન'ની સામાજિક પ્રતિષ્ઠા બચાવવા માટે આપઘાત કરે છે.
સમાજમાં જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે, ત્યારે ચોતરફ એક પ્રકારની અરેરાટી, અજંપો અને આઘાત જોવા મળે છે. આપઘાત કરવાનાં કારણોની માફક એના ઘણા પ્રકારો છે. કોઈ વાહન નીચે પડતું મૂકે, કોઈ સર્જક અર્નેસ્ટ હેમિંગ્વેની માફક પોતાની જ બંદૂકની ગોળી પોતાના માથા પર મૂકીને ફોડે, કોઈ ઝેર પીએ કે કોઈ ઊંડા પાણીમાં ઝંપલાવે. વળી એવું પણ જોવા મળે છે કે વ્યક્તિ એક વાર આપઘાત કરવાનો પ્રયત્ન કરે અને જો એમાં સફળતા સાંપડે નહીં તો ફરી વાર કરે તેવું ક્યારેક બનતું હોય છે.
સામાન્ય માન્યતા એવી છે કે યુવતીઓ કે સ્ત્રીઓમાં યુવાનો કે પુરુષોના પ્રમાણમાં આપઘાતની ઘટનાઓ વધારે બનતી હોય છે, પરંતુ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં આપઘાતની ઘટનાઓ ખૂબ વધી ગઈ છે, જે ચિંતાજનક છે. સામાન્ય રીતે આપઘાત કરનારી વ્યક્તિ એકલવાયું જીવન જીવતી હોય છે. વૃદ્ધાવસ્થાના રોગોથી ખૂબ સંતાપ પામેલી હોય છે. કૌટુંબિક કલહને કારણે પરેશાન હોય અથવા તો એણે છૂટાછેડા લીધેલા હોય એવું બનતું હોય છે, પરંતુ આપણા દેશમાં નોંધપાત્ર બાબત એ છે કે આવી વ્યક્તિઓ કરતાં પરિણીત અને સંતાન ધરાવતી વ્યક્તિઓ વધુ આપઘાત કરે છે.
માત્ર એવું જ નથી કે આ જીવનથી પરેશાન થઈને વ્યક્તિ આપઘાતના માર્ગે જતી હોય છે, એને ધર્મગુરુએ કહ્યું હોય કે પ્રલય આવવાની ઘડીઓ ગણાઈ રહી છે, અથવા તો આ દુઃખમય, પીડાગ્રસ્ત અને પારાવાર મુશ્કેલીઓથી ભરેલા, તદ્દન અર્થહીન ઐહિક જીવન કરતાં પારલૌકિક જીવન વધુ ઉમદા છે, ત્યારે આવી પરલૌકિક મુગ્ધતા અને આકર્ષણ એને પોતાનું વર્તમાન જીવન નષ્ટ કરવા માટે ઉત્સાહિત કરે છે અને પછી એ આત્મહત્યા કરે છે.
થોડા સમયમાં જ પ્રલય આવવાનો છે એમ માનીને ધર્મગુરુએ પોતાના અનુયાયીઓ સાથે સામૂહિક આત્મહત્યા કરી હોય એવી ઘટના પણ ઇતિહાસમાં બની છે. આનો સીધોસાદો અર્થ એ કે વ્યક્તિને એક ભય જાગે અને ભયને કારણે સામૂહિક આત્મહત્યામાં સામેલ થતો હોય છે.
પોતાની જાતને મારનારા આતંકવાદીઓના આત્મઘાતી હુમલાથી આપણે વાકેફ છીએ. જે આતંકવાદીઓ પોતાના શરીર પર બોમ્બ બાંધીને હુમલો કરે છે, તેઓ પોતાના મોતને નિશ્ચિત લઈને ચાલતા હોય છે. આત્મઘાત એ જ એનું અંતિમ હોય છે. આજે વિશ્વભરમાં આતંકવાદની વકરતી જતી સમસ્યા એ આવા આપઘાતને વધુ પ્રોત્સાહન આપતી રહી છે. આવી વ્યક્તિના મનમાં એક ઝનૂન પેદા કરવામાં આવે, એની અણસમજનો લાભ લેવામાં આવે, એના મૃત્યુને શહાદત તરીકે નવાજવામાં આવશે એમ મનમાં ઠસાવે. વળી આવી રીતે આત્મઘાત કર્યા પછી મરનારી વ્યક્તિ સ્વર્ગમાં મળનારી સુખોભરી દુનિયાનાં સ્વપ્ન એના મનમાં સજાવે છે. આજે વિશ્વમાં આવી ઘટનાઓ વિશેષ બને છે.
આપણા દેશના સંદર્ભમાં આપઘાત અંગે વિચારીએ તો આવી સિત્તેર ટકા ઘટનાઓ તો વ્યક્તિ એકલતા, હતાશા કે લાચારીને કારણે બનતી હોય છે, એમાં પણ આત્મહત્યા કરનારા સવિશેષ લોકો અઢારથી ત્રીસ વર્ષની વયના હોય છે. આ બાબત આપણા સમાજની યુવાનો પ્રત્યેની અસંવેદનશીલતા અને યુવાવર્ગની અસહિષ્ણુતાની સૂચક છે. આ સંદર્ભમાં ભવિષ્યમાં વધુ વિચારણા કરવાની જરૂ૨ છે.
પ્રસંગકથા
કર્તવ્યપાલનની ઉપેક્ષા એટલે વ્યક્તિનો દેશદ્રોહ
ફ્રાંસની રાજધાની પેરિસમાં એક વાર મોટું રમખાણ થયું. ઠેર ઠેર તોફાનો ફાટી નીકળ્યાં. પથ્થરોનો વરસાદ વરસ્યો. દુકાનોને આગ ચાંપવામાં આવી.
મેથ્યુ ડેન્જલ૨ નામનો એક પત્રકાર. એની ચારે તરફ પથ્થરો વીંઝાય, ગોળીબારના અવાજો થાય, તોફાનનું વિવરણ લખતો પત્રકાર ખુદ તોફાનમાં ઘેરાઈ ગયો.
બંદુકની એક ગોળી આવી અને મેથ્યુને વીંધીને ચાલી ગઈ. મેથ્યુ જમીન પર ઢળી પડયો. થોડા સમયે એક ડોક્ટર આવ્યા. એમણે મેથ્યુને કહ્યું,
'અરે મેથ્યુ! તમે આરામ કરો.'
પત્રકારોએ કહ્યું, 'આરામ પછી પહેલા કામ. હું પત્રકાર છું, મારી ફરજ છે અહેવાલ લખવાની. તમે મહેરબાની કરીને મારી પેન લો અને પાનાની નીચે લખો.
સાંજે છ અને વીસ મિનિટે ગોળીબાર થવાથી ત્રણ ઘાયલ અને એકનું મૃત્યુ.'
ડૉક્ટરે પૂછયું, 'મૃત્યુ પામ્યું કોણ?'
જવાબ મળ્યો, 'હું.'
આટલું બોલતાં જ પત્રકારના પ્રાણ નીકળી ગયા.
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે કર્તવ્યપાલન એ દરેક વ્યક્તિનો ધર્મ છે જે એમાંથી ચૂકે છે, તે પોતાનો અને રાષ્ટ્રનો દ્રોહ કરે છે.
પણ હકીકતમાં આજે દેશમાં કેટલીક કચેરીઓ અને કેટલાક તંત્રોમાં 'આરામ હરામ હૈ'ને બદલે 'આરામ હમારા હૈ'નું સૂત્ર પ્રચલિત બન્યું છે. પોતાના કર્તવ્યપાલનની બાબતમાં બધાં ક્ષેત્રોમાં ઘોર ઉદાસીનતા જોવા મળે છે. ક્યાંક આળસ અને ઉપેક્ષાનો ભાવ સેવીને પોતાની જવાબદારી પાછી ઠેલવામાં આવે છે, તો ક્યાંક કામ કરી આપવા માટે લાંચ-રુશ્વત લેવાય છે અને ભ્રષ્ટાચારની જુદી જુદી રીતરસમો અજમાવાય છે.
આજે દેશ વિરોધી એવા પડોશી દેશોથી ઘેરાયેલો છે. અમેરિકાની ધમકીઓ સામે અણનમ અડગ ઊભો રહ્યો છે. સ્વદેશી તાકાતથી જંગ જીતવા કોશિશ કરે છે, ત્યારે દરેક વ્યક્તિએ પોતાનું કર્તવ્યપાલન કરવું જોઈએ. એની ઉપેક્ષા કે એમાં થતી ચૂક એ વ્યક્તિને માટે નુકસાનકા૨ક તો છે જ અને સાથોસાથ એ વ્યક્તિએ કરેલો દેશદ્રોહ છે.








