Editorial

લુગુઆન અને ફેંગુઆનના દેશ ચીનમાં એક લટાર

By GS TEAM
24 Jul 20258 mins read
લુગુઆન અને ફેંગુઆનના દેશ ચીનમાં એક લટાર

- રસોઈની અણઆવડતને કારણે કન્ફ્યૂશિયસે એની પત્નીને છૂટાછેડા આપ્યા 

- કન્ફ્યૂશિયસ

અમેરિકા કે બ્રિટન, કેનેડા કે કેન્યા, બેલ્જિયમ કે હોંગકોંગ એ બધા જ દેશોમાં, લંડન કે મલેશિયા આ સઘળા દેશોના પ્રવાસમાં ચીન એ મારે માટે સૌથી મોટી ઉત્સુકતાનું કેન્દ્ર બની રહ્યું હતું. દરેક દેશને એક ચહેરો હોય છે. હું ચીનનો ચહેરો શોધતો હતો. કેટલીય જાસૂસી ફિલ્મોમાં ચીનની જાસૂસી જોવા મળતી અને ઝેન, કન્ફ્યૂશિયસ કે બૌદ્ધ ધર્મની કેટલીક પ્રાણાલીઓમાં ચીનની છાયા જોવા મળતી.

બીજી બાજુ ગ્રંથો, સામાયિકો, અખબારો અને વર્તમાનપત્રોમાં આ દેશ વિશે તદ્દન વિરોધાભાસી લેખો આવતા. કોઈ ચીનના લોકોને મહેનતકશ પ્રજા તરીકે બિરદાવતા હતા, તો કોઈ ચીન પર મજૂરો પાસે કાળી મજૂરી કરાવીને શોષણ કરવાનો આરોપ મૂકતા હોય છે. કોઈને ચીનની પ્રાચીન સંસ્કૃતિ ગમતી હોય છે, તો કોઈને અર્વાચીન ચીનની સરમુખત્યારશાહી તદ્દન નાપસંદ હતી. ચીનના સરમુખત્યારશાહી રાજકારણની ગતિવિધિને પારખવી ઘણી મુશ્કેલ હોય છે. ક્યાંય વિરોધ પક્ષ કે વિરોધી અવાજ નજરે પડતો નથી. એમ કહેવાય છે કે અહીં ભારતની જેમ વિરોધપક્ષની પાટલીઓ હોતી નથી, પણ કબર હોય છે! જાણવું હતું કે ખરેખર ચીન કેવો દેશ છે?

એ જોવા-સમજવાની અતિ ઉત્સુકતાને કારણે જ પચીસેક વર્ષ પૂર્વે નાનકડા હોંગકોંગ ટાપુની સીમા પરથી વિરાટકાય ડ્રેગન જેવા ચીનમાં પ્રવેશ્યો, ત્યારે વળી સાવ વિરોધી અનુભવ થયો. જાણે સાંકડી, ગીચ, માનવીઓ અને માલસામાનથી ખીચોખીચ રોનકદાર દુકાનોની હારમાળા ધરાવતી 'સ્ટ્રીટ'માંથી એકાએક ખુલ્લા, વિશાળ અને દૂર દૂર સુધી પ્રસરેલા કોઈ પ્રાચીન મહેલમાં પ્રવેશ્યો. હોંગકોંગની ધાંધલ-ધમાલને બદલે ચીનમાં પ્રમાદ અને નિરાંત જોવા મળ્યા. હોંગકોંગ જાણે સૂટ-બૂટ પહેરીને, એક હાથ ટાઈ પર અને બીજા હાથમાં બ્રીફકેસ લઈને દોડતાં ઓફિસર જેવું લાગ્યું, જ્યારે ચીનમાં મોજથી બેસીને ક્યાંક ખાતો, ક્યાંક મસ્તીથી આંટા લગાવતો, થોડો લઘરવઘર, પુરાણા પહેરવેશવાળા માણસ પણ જોવા મળ્યા.

હોંગકોંગનો ચપોચપ બોલાતો 'માર્કેટ' શબ્દ અહીં 'શિચાંગ'માં બદલાઈ ગયો. 'હોટલ' ચીની ભાષાના 'લુગુઆન' અને રેસ્ટોરન્ટ 'ફંગુઆન'માં ફેરવાઈ જાય. આ 'લુગુઆન' અને 'ફંગુઆન' એ માટે યાદ આવ્યા કે રસોઈ અને વાનગીની બાબતમાં ચીનીઓની ટક્કર લે એવી ભાગ્યે જ વિશ્વમાં કોઈ પ્રજા હશે. ચીની ભાષામાં રસોઈ અને ભોજનની આસપાસ રચાયેલા પૂરા નવ હજાર શબ્દોનો વિપુલ શબ્દ ભંડાર છે.

પ્રજાનું સ્વાસ્થ્ય અને દેશની સંસ્કૃતિનો વિનાશ કરવાનું કારગત માધ્યમ અને એની ભોજનશૈલી બની શકે. આપણી ભોજનશૈલીમાં આવેલા પરિવર્તને માનવીના સ્વાસ્થ્યની કેવી દુર્દશા કરી નાખી છે. એમ કહેવાય છે કે આજના જગતમાં નીતિશાસ્ત્ર કરતાં પણ આહારશાસ્ત્ર મહત્ત્વનું છે. તમારી થાળીમાં રોટલો, ખીચડી, કઢી કે શાકને બદલે પીઝા, પાસ્તા, બર્ગર અને સેન્ડવીચ પીરસવામાં આવે, ત્યારે પ્રજાના સ્વાસ્થ્ય પર એક છૂપું આક્રમણ થતું હોય છે. વ્યક્તિની પાચનક્રિયા જેનાથી ટેવાઈ હોય અને પચવામાં સરળ હોય એવી પોતાના પ્રદેશની પ્રાકૃતિક વાનગીને બદલે કોઈ સ્વાદિષ્ટ પણ પાચનક્રિયા મંદ પાડતી અને પેટની બીમારી જગાડે તેવી વાનગીનો મહિમા કરવામાં આવે છે.

આને પરિણામે સમય જતાં પ્રજાના શારીરિક સ્વાસ્થ્યની સાથોસાથ એના માનસિક સ્વાસ્થ્ય પર પણ એની દૂષિત અસર પડે છે. ચીનની પ્રજા પોતાની ભોજનશૈલીની બાબતમાં ચુસ્ત હોવાનું સાંભળ્યું હતું. એક જમાનામાં તો ચીનમાં ડોક્ટર કરતા પણ રસોઈયાની વધુ ઇજ્જત હતી! 'મેડિકલ ડોક્ટર' કરતાં 'કૂક ડોક્ટર' તરીકે આદરપાત્ર રસોઈયો વધુ પ્રતિષ્ઠિત હતો. આને કારણે ચીનમાં કોઈ બીમાર પડે તો ક્યારેય રસોઈ કે વાનગીને અથવા તો ભોજનપ્રિયતા કે અતિ ભોજનને મહેણું મારવામાં આવતું નહીં. એ ચીની કહેવત ખૂબ જાણીતી છે કે 'કોઈ માણસ બીમાર પડે તો એ ગામના મેડિકલ ડોક્ટરને સજા થવી જોઈએ.'

ચીનનો ભોજનનો શોખ એ માત્ર ખોરાકના સ્વાદ સુધી જ સીમિત નથી. વાનગીનો રંગ અને એનું દળ પણ જોવામાં આવે છે. વાનગીનો આકાર અને એની ગોઠવણી પણ રસોઈકલાનું આવશ્યક અંગ ગણાય છે. વાનગીના સ્વાદ, રંગ, આકાર અને દળની એટલી બધી મહત્તા છે કે એના પરથી એ વાનગી આરોગવા માટે અમુક જ રેસ્ટોરન્ટમાં ગ્રાહકો જવાનો આગ્રહ સેવે છે. અમુક વાનગી અત્યંત નરમ હોવાને કારણે અથવા તો મુખમાં મૂકતાં જ ઓગળી જાય તેવી હોવાને લીધે એ રેસ્ટોરન્ટમાં પડાપડી જોવા મળતી હતી.

ભોજનનો શોખ એ ચીનાઓની અસ્મિતા અને પરંપરા બંને ગણાય. ભારતમાં ગૌતમ બુદ્ધ થયા બરાબર એ જ સમયે ચીનમાં કન્ફ્યુશિયસ થયા. ઇ.સ. ૫૫૧ એ ડહાપણના ભંડાર ગણાતા કન્ફ્યુશિયસનું જન્મ વર્ષ. ચીન, કોરિયા, જાપાન અને બધા દેશોની સંસ્કૃતિ પર ભગવાન બુદ્ધની માફક મધ્યમ માર્ગની હિમાયત કરનારા કન્ફ્યુશિયસનો ગાઢ પ્રભાવ પડયો. કન્ફ્યુશિયસ ભોજનના ભારે શોખીન હતા. ઓગણીસમા વર્ષે એમનાં લગ્ન થયાં. રાજ્યમાં વિવિધ નોકરીઓ કરી. એ પછી શિક્ષક બન્યા. પંદર વર્ષ એકાંતમાં ઊંડું ચિંતન કર્યા બાદ તેર વર્ષ સુધી ઠેર ઠેર પરિભ્રમણ કરીને કન્ફ્યુશિયસે નિયમપાલન, શિષ્ટાચાર, પિતૃપૂજા અને સદાચારનો આગ્રહ સેવ્યો. વ્યક્તિને નીતિમાન અને સમાજને વ્યવસ્થિત કરવાનું મહાન કાર્ય કર્યું. કિંતુ આ કન્ફ્યુશિયસે પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા હતા. એના કારણમાં એણે જણાવ્યું હતું કે એમની પત્નીને રસોઈ કરતાં બરાબર આવડતી નથી. આવી છે ભોજનની મહત્તા!

એક સમયે ચીનના જુદા જુદા રાજ્યના ગવર્નરો દેશની રાજધાનીની મુલાકાતે આવતા ત્યારે પોતાની સાથે રસાલામાં રસોઈયાને અચૂક સાથે લાવતા હતા. રસોઈની બાબતમાં પુરુષપ્રધાન સંસ્કૃતિવાળો આ દેશ કશી બાંધછોડ કરવામાં માનતો નથી.

આજે આરોગ્યના ઉપાસકો સમતોલ આહારની હિમાયત કરે છે. ચીની પ્રજા વર્ષોથી 'સમતોલ ભોજન'માં માને છે. મદ્રાસી એકલા ચોખાથી ચલાવી લે. ઇડલી, ઢોંસા કે ઉત્તપમથી એના ભોજનનું પૂર્ણવિરામ આવે, પરંતુ ચીનાઓ એમના ખોરાકમાં ચોખા અને ઘઉંનું બરાબર સમતોલન સાચવે છે. આ માંસાહારી પ્રજા એના ખોરાકમાં શાકભાજીનો પણ એટલો જ આગ્રહ રાખે છે. હવે ચીનમાં પશ્ચિમનો પવન ફૂંકાવા લાગ્યો છે. ચીનાઓને સૌથી મોટી દહેશત એમની વાનગીઓનાં વૈવિધ્યના નાશની છે.

આપણે જાણીએ છીએ કે અમેરિકા ડાંગરના બીજની 'વિશ્વ બેંક' ઊભી કરીને વિશ્વમાં સર્વત્ર સમાન સ્વાદવાળા ચોખા આપવાના પેતરા રચે છે, ત્યારે આપણને ભવિષ્યમાં થનારા બાસમતી ચોખાના સ્વાદના વિરહની હાલ કશી ચિંતા નથી, પરંતુ ચીનાઓ એમની આ ભોજન સંસ્કૃતિને જાળવવા માટે ઘણા કટિબદ્ધ છે. આથી જ ચીની ભાષામાં એક કહેવત છે- 'ચીનમાં મોતી કે નીલમ એ કીમતી નથી. ખરા મૂલ્યવાન તો પાંચ ધાન્ય છે.' આ પાંચ ધાન્ય એટલે ચોખા ઘઉં, જુવાર, બાજરી, જવ અને સોયાબીન. આ પાંચે ધાન્યને ખેતીપ્રધાન ચીન કીમતી માને તે પણ સ્વાભાવિક છે, કારણ કે ચીનના મોટાભાગનાં ચિત્રોમાં ખેતી કરતાં કે ભોજન કરતો ચીની માનવી જ જોવા મળશે ! છેલ્લાં ચાર હજાર વર્ષથી ચીનમાં ખેતી ચાલે છે. સિત્તેર ટકા ચીનની વસ્તીનો આધાર ખેતી છે એથી જ જગતના સૌથી પ્રાચીન 'જગત તાત' (ખેડૂત) ધરાવતા હોવાનું ગૌરવ આ ચીનાઓ ધરાવે છે.

ચીનના શહેરોમાં પશ્ચિમી રેસ્ટોરન્ટ કઈ રીતે આવી તેની ઘણી રસમય કથાઓ મળે છે. એમાં પણ હાથમાં મોટું છાલીયું લઈને ખાતો ચીનો હોટલમાં ટેબલ પર પ્લેટ મૂકીને જમતો થયો એની કેટલીય રમૂજી કથાઓ ચીનની રાજધાની બેજિંગમાં પ્રચલિત છે.

ચીનના પ્રવાસમાં ઠેર ઠેર વિરાટકાય કારખાનાંઓ ઉભા થતા જોવા મળ્યા. એકબાજુ જૂના, પુરાણા સામાન્ય મકાનો અને બીજી બાજુ વિરાટ કારખાનાઓ. ચીન પાસે સંસ્કૃતિના સહઅસ્તિત્વની જબરી કુશળતા છે. સામાન્ય ચીની બુદ્ધમાં શ્રદ્ધા રાખે છે અને ભૌતિક લાભો આપતા ચમત્કારોમાં વિશ્વાસ રાખે છે! એ કન્ફ્યુશિયસને માને છે, તો બીજી બાજુ તાઓ ધર્મને પણ સ્વીકારે છે. આ બે ધર્મો ઓછા હોય, તેમ બૌદ્ધ ધર્મના સ્વર્ગના દેવતા તરીકે અમિતાભ અને કરુણાની દેવી કુઅનઇનની ઉપાસના કરે છે. બૌદ્ધ ધર્મના તંત્રવાદ અને વહેમો પ્રચલિત છે. તો ધ્યાનને નજરમાં રાખીને ચાલતો 'ઝેન સંપ્રદાય' પણ એટલો જ જાણીતો છે.

શાયરી

સારે ઇત્રોં કી ખુશબૂ, આજ ફિકી પડ ગઈ,

મિટ્ટી મેં બારિશ કી બૂંદેં, જો ચંદ પડ ગઈ.

પ્રસંગકથા

ક્યાં છે મારો વહાલો દેશ?

ઇંગ્લેન્ડના સર જ્હોન્સ, ઘણા લાંબા સમય સુધી આફ્રિકામાં રહ્યા. એક સીદી નોકર એમને ત્યાં કામ કરે. ભારે મહેનતુ, મેમસાહેબનો એટલો જ વિશ્વાસુ.

અશ્વેતોની ગુલામીનો એ સમય હતો. સર જ્હોન્સ ઇંગ્લેન્ડ પાછા ફર્યા ત્યારે સીદી નોકરને પોતાની સાથે લઈ ગયા.

સીદી નોકર પોતાના દેશને ઝંખતો હતો. અહીં તહીં આંખો ફેરવે, વિચાર કરે કે આ આટલી મોટી વિશાળ નગરીમાં મારા દેશનું કોઈ દેખાતું નથી.

ધીરે ધીરે એની બેચેની વધતી ગઈ. એવામાં એક દિવસ સીદી ઉદાસ ચહેરે બગીચામાં ફરતા હતા, ત્યારે એની નજર ખજૂરીના ઝાડ પર પડી. જેવું એ ઝાડ જોયું કે સીધો એ તરફ દોડયો અને વૃક્ષને પડીને એ રડવા લાગ્યો. આંખમાંથી આંસુનો ધોધ વહે. સીદી ખજૂરીને ભેટતા-ભેટતા બોલ્યો, 'અરે ! મારા દેશની પ્યારી ખજૂરી! તું પણ અહીં મારી જેમ ભૂલી પડી છે કે શું?'

જ્હોન્સ સાહેબ અને એમનાં પત્ની ત્યાં દોડી આવ્યાં. મનમાં વિચારે કે આને થયું શું? એકાએક એ દોડયો શા માટે? ખજૂરીને બાઝી પડીને એ આટલું બધું રડે છે કેમ?

સર જ્હોન્સે પોતાના સીદી નોકરને સ્નેહથી પૂછ્યું, 'અરે ભાઈ, તને શું થયું? શા માટે રડે છે?'

સીદી કહે, 'સાહેબ, ખજૂરી એ તો મારા વતનનું વૃક્ષ. એને જોતાં વતનની પ્યારી યાદ આવી ગઈ. લાંબે સમય કોઈ દેશવાસીને મળ્યો હોઉં એટલો મને આનંદ થયો. સાહેબ, મને મારો દેશ યાદ આવે છે, ત્યાં જવાની મને રજા આપો.'

જ્હોન્સ સાહેબ કહે,'પણ તારા દેશમાં જઈને તું કરીશ શું?'

સીદી કહે, 'સાહેબ, ગમે તેમ તોય એ મારો વહાલો દેશ ! અહીંની સગવડ કરતાં ત્યાંની અગવડ મને વધુ ગમશે. મને મારા દેશમાં જવા દો.' 

સર જ્હોન્સ સીદી નોકરની દેશભક્તિ પર પ્રસન્ન થયા. સારી એવી રકમ આપી એને સ્વદેશ પાછો મોકલ્યો.

આ વાત અમને માટે યાદ આવી કે, આજે દેશને સૌથી વધુ જરૂર રાષ્ટ્રભક્તિની છે. એક બાજુ નાત-જાતના વાડાઓમાં દેશ વિખરાયેલો છે, તો બીજી બાજુ ભાષાના વિવાદોથી ખરડાયેલો છે. વળી, દેશની અંદર જ દેશનાં દુશ્મનો વસે છે અને પડોશી દેશો ચીન, પાકિસ્તાન એ સતત આતંકવાદ ફેલાવવાને માટે ટાંપીને બેઠા છે. આવે સમયે મતપેટીઓને જોઈ રાષ્ટ્ર વેચવા નીકળનારાઓ સામે સાવધ થવાની જરૂર છે. દરેક વાતનો વિરોધ કરતા રહીને પ્રજાને પરેશાન કરનારાઓ સામે અવાજ ઉઠાવવાની જરૂર છે. જો ભીતરમાં જ વિખરાયેલાં રહીશું તો આપણી સ્વતંત્રતા સદાય ખતરામાં જ રહેશે. જો પ્રજાના દિલમાં દેશભક્તિનો દીવો ઝળહળે છે, એ પ્રજાની આઝાદી કોઈ મિટાવી શકતું નથી!