Editorial

દુનિયાની સૌથી મૂલ્યવાન સંપત્તિ એવા સંતોષનો હું માલિક છું

By GS TEAM
18 Sep 20258 mins read
દુનિયાની સૌથી મૂલ્યવાન સંપત્તિ એવા સંતોષનો હું માલિક છું

- કદરૂપા દેખાવના માનવીએ જગતને નવી સુંદરતા આપી  

- ચાર્લ્સ સ્ટેઇનપેટ્ઝ: ઇલેક્ટ્રિક એન્જિનીયરીંગની અજાયબી

- શાયરી યૂં હી નહીં આતી, ખૂબસૂરતી યે રંગોલી મેં, હર રંગ કો મિલકર એક હોના પડતા હૈ.

જર્મનીમાં બોસ્લો નામના શહેરમાં એક ગરીબ ખેડૂત વસતો હતો. ખેતી કરે, પણ આવક ઓછી, ધરતીમાંથી અનાજ ઉગાડે, પણ ખુદ ભૂખ્યો રહે. માંડ માંડ કુટુંબનું પૂરું કરે. જિંદગી આખી આજીવિકાની મથામણમાં વીતતી હતી. આવી કફોડી સ્થિતિમાં ગ્રહણ ટાણે સાપ નીકળે તેમ એને ત્યાં એક બેડોળ અને અપંગ બાળકનો જન્મ થયો. 

જન્મથી જ આ બાળકની પીઠ પર ખૂંધ નીકળી હતી. શરીરના બધાં અવયવો પણ સાવ કદરૂપાં. આવો બેડોળ અને લગભગ અપંગ દીકરો જન્મેલો જોઈ વૃદ્ધ, ગરીબ બાપ બહુ દુ:ખી થઈ ગયો. વિચારવા લાગ્યો કે આ બાળક બિચારો મોટો થઈને ક૨શે શું? કમાશે કઈ રીતે? અરે, જીવશે કઈ રીતે? 

પિતા ગરીબ હતા પણ ભીતરમાં ભારે હિંમત ધરાવતા હતા. જીવનની મુશ્કેલીથી મૂંઝાઈને હારી ખાનારા ન હતા. એમનામાં જીવનની વિપત્તિ સામે ઝઝૂમવાનું ખમીર હતું. પરિસ્થિતિને સ્વીકારીને પલાંઠી મારીને બેસી રહેવામાં એ માનતા નહતા. એમણે વિચાર્યું કે હવે કરવું શું? બાળકનું જીવન ઘડવું કઈ રીતે? એની ખોડ-ખાંપણ ઢાંકવા માટે અને સ્વાવલંબી જીવન જીવવા માટે એને વધુને વધુ અભ્યાસ કરાવી જ્ઞાાન તેજે ઝળહળતો બનાવું. ભગવાને ભલે એને બેડોળ અંગવાળો બનાવ્યો, પણ ભણશે તો આવી અપંગ દશામાં પણ જાતે રોટલો રળી લેશે. 

બાળક મોટો થતો ગયો, તેમ તેમ એના પિતાએ એના અભ્યાસ પાછળ વધુને વધુ કાળજી લેવા માંડી. ગરીબ હોવા છતાં ભણાવવામાં પાછું વાળીને જોયું નહીં. વિકલાંગ હંમેશાં વિશેષ શક્તિશાળી હોય છે. ભગવાન આવાં બાળકોને વિશિષ્ટ બુદ્ધિશક્તિ આપીને એમની ખોડને ઢાંકી દે છે અને મર્યાદાને પાર જવાની શક્તિ આપે છે. આ બેડોળ બાળક ભણવામાં અત્યંત હોશિયાર નીવડયો. શિક્ષકો એને પ્રેમથી ભણાવે. દીકરાની હોશિયારી જોઈ પિતા તો રાજીરાજી થઈ ગયા. 

જોતજોતામાં બાળકે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને વિજ્ઞાાનનો અભ્યાસ કરવા શહેરની કોલેજમાં પ્રવેશ મેળવ્યો. આ બેડોળ અને અપંગ વિદ્યાર્થીએ પોતાની તેજસ્વી બુદ્ધિથી અધ્યાપકોને પણ આશ્ચર્યમાં નાખી દીધા. ગણિત અને ભૌતિક વિજ્ઞાાનના વિષયોમાં એની તેજસ્વિતા ઝળહળવા લાગી. એની પંગુતા ભૂલાઈ ગઈ અને પાણીદાર વિદ્વત્તાની પ્રશંસા થવા લાગી.  

બરાબર આ સમયે અમેરિકાના એક સમર્થ વિજ્ઞાાની થોમસ આલ્વા એડિસને એક પછી એક નવાં સંશોધનો કરીને જગતને આશ્વર્યમાં ડૂબાડી દીધું. આ એડિસને વિદ્યુત અંગે કરેલી શોધોએ એને અમેરિકામાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં ખ્યાતિ અપાવી હતી. થોમસ આલ્વા એડિસને વ્યાપક જનસમૂહને ઉપયોગમાં આવે તેવી વિદ્યુતનો ઉપયોગ કરતી વિવિધ પ્રયુક્તિઓ વિકસાવવાનો હતો. એણે વીજળીના દીવાની શોધ પાછળ ધ્યાન કેન્દ્રિત કર્યું અને કાચના બલ્બમાં પ્રથમ પ્લેટિનમ તારમાંથી વીજળી પસાર કરીને પ્રકાશ મેળવ્યો. પછી સંશોધનોની પરંપરા આપી. ૧૮૭૯ની ૨૧મી ઓક્ટોબરે આ મહાન વિજ્ઞાાનીએ વીજળીના દીવાનો સૌપ્રથમ નિદર્શન કર્યું. ચાલીસ કલાક સુધી આ દીવાએ પ્રકાશ આપ્યો અને વિદ્યુતપ્રદીપન યુગનો પ્રારંભ થયો. એણે સ્વયં ઇલેક્ટ્રિક લાઇટ કંપનીની સ્થાપના કરી. 

આ અપંગ અને બેડોળ જર્મન વિદ્યાર્થીને પણ વિદ્યુતને અનુષાંગિક શોધમાં અત્યંત રસ હતો. જ્યારથી એણે મહાન વિજ્ઞાાની એડિસનનું નામ સાંભળ્યું, ત્યારથી એને અમેરિકા જઈ એડિસન પાસે અભ્યાસ કરવાનું મન થઈ ગયું. પણ અમેરિકા જવું શી રીતે? ક્યાં જર્મની અને ક્યાં અમેરિકા! પોતે અપંગ અને બેડોળ હતો અને બુદ્ધિ સિવાય પાસે બીજું કશું નહોતું... પણ એનામાં જ્ઞાાન મેળવવાની ખરેખરી લગની લાગી હતી, સાથે એને કોઈ મુશ્કેલી મોટી લાગતી નહોતી. આજ સુધી મુશ્કેલીનાં અઘરાં પગથિયાં ચડીને જ પ્રગતિ કરી હતી. દરેક મુશ્કેલી એને માટે સફળતાનો પડકાર બનતી હતી. આ અપંગ વિદ્યાર્થીએ અમેરિકા જવાનો દ્રઢ નિશ્ચય કર્યો અને એક દિવસ એ અમેરિકા જવા નીકળ્યો પણ ખરો! 

એને પંથ અપાર આફતો પડી હતી. એણે અનેક કષ્ટ વેઠયાં, પણ જ્ઞાાન મેળવવા માટે ઉત્સાહી આ જર્મન વિદ્યાર્થીએ બધાં કષ્ટો હસતાં હસતાં વેઠી લીધા. એના દિલમાં તો એક જ વાતનું રટણ હતું કે ક્યારે અમેરિકા પહોંચું અને ક્યારે એ મહાન વિજ્ઞાાનીને જોઉં! એની વિદ્યા અને સંશોધનવૃત્તિ પાસેથી પ્રેરણા લઉં! એમાંય વળી આવા મહાન વિજ્ઞાાનીના વિદ્યાર્થી બનવાનું મળે, તો જીવનનું પરમ સદ્ભાગ્ય! જર્મન યુવાનના દિલમાં અપાર તાલાવેલી હતી. ક્યારે વિજ્ઞાાનના આદર્શને મળું અને ક્યારે જીવનની ઇચ્છા પૂર્ણ કરું. 

વિધિના પણ કેવા ખેલ? એ મુસીબતો વેઠતો-વેઠતો આખરે અમેરિકાના કિનારે પહોંચ્યો. ફાટેલાં અને ગંદા કપડાં પહેરેલા આ અપંગ, બેડોળ અને મુફલિસ જર્મન વિદ્યાર્થીને અમેરિકાના અમલદારોએ અમેરિકામાં પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો. પર્વતનું શિખર સામે હોય અને છતાં પહોંચી ન શકાય તેવી સ્થિતિ થઈ. એણે ઘણી આજીજી કરી. પોતાની જીવનની ૫૨મ ઇચ્છાની વાત કરી. એણે જર્મનીના એક પ્રસિદ્ધ વૈજ્ઞાાનિકનો એડિસનના મુખ્ય એન્જિનીયર ૫૨નો ઓળખાણપત્ર બતાવ્યો, ગદ્ગદ્ કંઠે ઘણી કાકલુદી કરી, પણ અમલદારોએ એની એક વાત ન માની. એની આંખમાં આંસુ આવી ગયાં. 

 સદ્દનસીબે એની કરુણ હાલત જોઈને એની જ સાથે પ્રવાસ કરતા એક માયાળુ અમેરિકનને દયા આવી. આ દયાળુ અમેરિકને બંદર પરના અમલદારોને ખૂબ સમજાવ્યા. અમલદારો આખરે પીગળ્યા અને આ અપંગ વિદ્યાર્થીને અમેરિકામાં પ્રવેશ કરવાની પરવાનગી મળી. 

આ અપંગ અને કદરૂપો વિદ્યાર્થી અમેરિકા પહોંચ્યો. વિજ્ઞાાનનાં નવાં દ્વાર ખૂલતાં હતાં. વળી અમેરિકામાં સંશોધનની અપાર અનુકૂળતા સાંપડી. આ બાળક એટલે મહાન વૈજ્ઞાાનિક ચાર્લ્સ સ્ટેઇનપેટ્ઝ! તેમણે વિદ્યુત-વિજ્ઞાાનમાં, ખાસ કરીને ઓલ્ટરનેટિવ કરંટ (એસી) સિસ્ટમ્સ અને ઇલેક્ટ્રિક મોટરની  રચના સંબંધિત  અદભુત શોધો કરીને માનવજાતનું મહાકલ્યાણ કર્યું. 

ચાર્લ્સે અમેરિકામાં પગ તો મૂક્યો, પણ એની મુશ્કેલીઓનો અંત ન આવ્યો. વિજ્ઞાાનના ક્ષેત્રમાં પ્રગતિ કરવા પ્રયોગશાળા જોઈએ. સંશોધન માટે ખર્ચ કરવો પડે, જ્યારે આની પાસે તો પોતાનું ય માંડ પૂરું થતું હતું, ત્યાં બીજું વિચારે કઈ રીતે? 

આખરે એ એક કારખાનામાં મામુલી પગારે મજૂરી કરવા રહ્યો. મોટા ભાગનો સમય મજૂરી કરવામાં જતો, છતાં અભ્યાસની એની ધગશ જરા પણ ઓછી ન થઈ. કારખાનામાં કાળી મજૂરી કરી ઘેર આવી એ થોમસ આલ્વા એડિસને કરેલી શોધોનો અભ્યાસ કરતો. વિચાર કરતો કે આ મહાન વિજ્ઞાાનીએ આટલી બધી વિફળતા મળવા છતાં પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા અને સિદ્ધિ મેળવીને જ જંપ્યો. 

ધીમે ધીમે કારખાનાના માલિકને ચાર્લ્સની બુદ્ધિ જાણ થતી ગઈ. એનો ઉત્સાહ અને એના ખમીરને પારખ્યાં. જોયું કે આ યુવકને તક મળે તો નવી દુનિયાનું સર્જન કરી શકે તેમ છે. માલિકનું નામ હતું ઇકમેયર. એણે દીર્ઘ દ્રષ્ટિ દોડાવી અને ચાર્લ્સની બુદ્ધિનો ઉપયોગ કરવાનું વિચાર્યું. કારખાનાના કામના કલાકોમાં જ એણે ચાર્લ્સને પ્રયોગો કરવાની છૂટ આપી. પ્રયોગો પાછળ જે કંઈ ખર્ચ થયું, એ પણ એણે આપવાનું સ્વીકાર્યું. 

પોતાની આ દૂરંદેશીના કારણે કારખાનાના માલિકને થોડા જ દિવસમાં અપાર લાભ થયો. જીવનમાં ચાર્લ્સે કેટલીય તડકી-છાંયડી જોઈ. ક્યારેય ઘોર નિરાશા આવી, તો ક્યારેક કાળા આકાશમાં વીજળી ચમકે તેમ આનંદનો નવો ચમત્કાર થયો. પણ એણે રાત-દિવસ થાક્યા વિના પ્રયોગો કરવા માંડયા. વિજ્ઞાાનના જગતમાં એની શોધોની ખ્યાતિ પ્રસરાવા લાગી. હવે તો જાણીતા વૈજ્ઞાાનિકો પણ એની શોધોમાં રસ લેવા લાગ્યા. 

બરાબર આ સમયે અમેરિકાના મોટા મોટા ઉદ્યોગપતિઓએ કરોડો રૂપિયાના ખર્ચે વીજળીના યંત્રો તૈયાર કરવાનું એક જંગી કારખાનું નાખ્યું. ચાર્લ્સ નાના કારખાનામાં કામ કરતો હતો, પણ એના કારખાનાના માલિકને આ નવા જંગી કારખાનાનો ઉપરી બનાવ્યો. આમ કરવા પાછળનું કારણ એ કે ચાર્લ્સ સ્ટીનમેઝ આ નવી કંપનીનો મુખ્ય ઇન્જિનીયર બની શકે. 

ચાર્લ્સને હવે ખરેખર પોતાની કુશાગ્ર બુદ્ધિ બતાવવાની સોનેરી તક મળી ગઈ. થોડાં જ વર્ષોમાં એણે પોતાના પ્રયોગો દ્વારા વિદ્યુત વિજ્ઞાાનના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી દીધું. આખી દુનિયા એની શોધો જોઈ દંગ થઈ ગઈ. આજનો વૈજ્ઞાાનિક વીજળી અંગે જે કોઈ નવી-નવી શોધો કરે છે, એ બધી એડિસન અને ચાર્લ્સે કરેલી શોધોને જ આભારી છે. ચાર્લ્સ કીર્તિના સર્વોચ્ચ શિખરે પહોંચ્યો અને ધનના તો એની આગળ ઢગલા થયા, છતાં એના જીવનની સાદાઈમાં, એના નમ્ર અને સરળ સ્વભાવમાં જરા જેટલો પણ ફેર ન પડયો. એણે પોતાના શરૂઆતના જીવનમાં અનેક કષ્ટો વેઠયા હતા. ભારે નિરાશાઓ પણ સહન કરી હતી, છતાં એનો સ્વભાવ તો એવો ને એવો આનંદી અને ઉદાર રહ્યો હતો. ગમે તેવી મુશ્કેલીઓને હસી કાઢતો અને હંમેશાં કહેતો, 'હું ઈશ્વરની કૃપાથી દુનિયાની સૌથી મૂલ્યવાન સંપત્તિ સંતોષ ધનનો માલિક છું. આથી જીવનની નાની મોટી ચડતી-પડતી મને ક્યારેય પણ મારા માર્ગેથી મને ચળાવી શકતી નથી.'

વિજ્ઞાાનના જગતને નવી શોધો આપનાર આ કદરૂપા દેખાવના માનવીએ જગતને નવી સુંદરતા આપી! પોતાની શારીરિક મર્યાદાને પાર કરીને એ સિદ્ધિના શિખરે પહોંચ્યો.

પ્રસંગકથા

પ્રજા હસે, તો રાજ તપે

મોરબીના મહારાજા શ્રી ભગવતસિંહજી. સાદા પોશાકમાં ફરે. નગરના દુ:ખદર્દ જાણે. રસ્તે ચાલતા એક ખટારો કીચડમાં ફસાઈ ગયેલો જોયો. ખટારાવાળો ઘણું ઘણું મથે, પણ કેમેય કરીને ખટારો બહાર ન નીકળે. ખટારાવાળાએ બૂમ પાડી, 'અરે, ઓ ભાઈ! જરા અહીં આવો તો! આ ખટારો કાઢવામાં મદદ કરશો તો તમારો ઘણો ઉપકાર.'

સાદા પોશાકમાં રહેલા મહારાજા એની પાસે આવ્યા. ખટારાને બહાર કાઢવા ભારે જોરથી ધક્કો લગાવવા માંડયો. ઘણી મહેનતને અંતે ખટારો કાદવમાંથી બહાર કાઢયો. જોશભેર ધક્કો મારતા મહારાજાની ટોપી નીચે પડી ગઈ. એની નીચેનો મુગટ જોઈને ખટારાવાળો તો શરમિંદો બની ગયો. મનમાં વિચારવા લાગ્યો કે અરે! આવા મોટા મોરબીના મહારાજા પાસે મેં આવું કામ કરાવ્યું? હવે મારું આવી બન્યું. મારાં સોએ વર્ષ પૂરાં થઈ ગયાં. મહારાજા નક્કી એને એની ભૂલ માટે ફાંસી આપશે. 

ખટારાવાળો તરત દોડીને મહારાજાના પગમાં પડયો. ભારે આજીજીપૂર્વક માફી માગતાં કહ્યું, 'હજૂર, મને માફ કરો. હું તમને ઓળખી શક્યો નહીં. તમારા વેશપરિવર્તનને લીધે તમને જાણી શક્યો નહીં. મહારાજ મારાથી ઘણો મોટો અપરાધ થઈ ગયો છે. મને માફ કરો. માફ કરો!'

મોરબીના મહારાજા કહે, 'અરે ભાઈ! તારું કામ તે રાજનું કામ, અને રાજા થઈને રાજનું કામ તો મારે કરવું પડે ને!'

આમ બોલીને મોરબીના મહારાજા હસતા હસતા ચાલ્યા ગયા. 

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે રાજકર્તા એ પ્રજાનો પ્રેમાળ સેવક છે અને એ હકીકત છે કે જે રાજકારણી લોકસેવા કરે છે, એને લોકો પોતાના હૃદયમાં સદાને માટે સ્થાન આપે છે. આજે ક્યાંક એવી પરિસ્થિતિ છે કે જ્યાં રાજકારણી પોતાને ઊંચા આસને બેઠેલો રાજવી માને છે અને પ્રજાને નીચી નજરે જુએ છે. પ્રજા આવા રાજકારણીને લાંબો સમય સાંખી લેતી નથી. પ્રજાનો આક્રોશ જ્યારે જાગે છે, ત્યારે ભલભલાં રાજસિંહાસનો ઉથલી પડે છે. રાજકારણમાં આવનારે સેવાની ભાવનાથી આવવું જોઈએ. જોકે આજ ઘણે સ્થળે અવળી ગંગા જોવા મળે છે. રાજકારણી સેવાનાં બદલે મેવાનો વધારે વિચાર કરતા હોય છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ પોતાને પ્રથમ સેવક ગણાવ્યા છે. એ સેવાભાવનાનો વિસ્તાર એ જ આજના સમયની માંગ છે.