Editorial

ચિંતાને વારંવાર આલિંગન આપતા નથી ને ?

By GS TEAM
18 Jun 20268 mins read
ચિંતાને વારંવાર આલિંગન આપતા નથી ને ?

- ગરીબની ચિંતા ખિસ્સા પર હોય છે અને અમીરની એના હૃદય પર 

- વૉશિંગ્ટન કાર્વર

- મૈને તરાશા આજ તક, જિસે હીરા સમજકર,

મેરી તકદીર દેખિયે, વો પથ્થર નિકલ ગયા.

- નચિંત થઈને લિયો ટૉલ્સટૉય સહુને કહેતાં, 'શરીર આવતી કાલે પડી જશે એમ માની બની શકે એટલા સારા કામ આજે જ કરી લેવા જોઈએ.' આવી ભાવનાને કારણે ટૉલ્સટૉયને ક્યારેય ચિંતાઓ પજવી શકી નથી

જીવનમાં સૌથી વધુ પ્રાપ્તિ થતી હોય તો તે ચિંતાની છે! ધનપ્રાપ્તિ, જ્ઞાનપ્રાપ્તિ કે સુખપ્રાપ્તિ કે પછી કોઈ પણ પ્રકારની જીવનમાં 'પ્રાપ્તિ' થતી હોય, છતાં સૌથી મોખરે તો ચિંતાપ્રાપ્તિ હોય છે. ચિંતામુક્ત જીવન વિશે વ્યાખ્યાન આપો, તો આખો સભાખંડ છલોછલ છલકાઈ ઊઠે અને એને વિશે ગ્રંથ લખો, તો એ બેસ્ટ સેલર બની જાય! ચિંતા એ માત્ર આ યુગની દેન નથી, દરેક યુગમાં દરેક માનવીના માથે એક યા બીજી ચિંતા સવાર થતી રહી છે. જમાનો બદલાય, તેમ ચિંતાનો વેશ બદલાય, પણ એક યા બીજા રૂપે ચિંતા તો ઠરીઠામ હોય જ! ચિંતાને ભલે તમે ચિતા સમાન ગણતા હો, પણ જીવતો માણસ વારંવાર આ મનમાં સળગતી ચિતામાં ઝંપલાવતો હોય છે. પશુઓ જેમ ખોરાક વાગોળે છે, એનાથીય વધારે માનવી પોતાની ચિંતાને સતત વાગોળતો હોય છે.

આથી જ્યારે રશિયાના પ્રસિદ્ધ નવલકથાકાર અને નવલિકાકાર મૅક્સિમ ગૉર્કીએ અમેરિકાનાં પ્રસિદ્ધ જોવાલાયક સ્થળોની મુલાકાત લીધી, ત્યારે ભોમિયાએ એમને જનમનરંજનને માટે ઊભા કરેલા જુદા જુદા પાર્ક, વર્લ્ડ કે મનોરંજન પીરસતા ગૃહો બતાવ્યા. અપાર સમૃદ્ધિમાં આળોટતા અમેરિકાની વિદાય લેતાં કોઈએ ગૉર્કીએ પૂછ્યું, 'અમેરિકામાં આટલાં બધાં મનોરંજનનાં સ્થળો અને સાધનો જોયા પછી તમને એમ લાગતું હશે કે આ દેશની પ્રજા કેટલી બધી સુખી અને આનંદી છે, ખરું ને!'

મૅક્સિમ ગૉર્કીએ વળતો ઉત્તર આપ્યો, 'જે દેશની પ્રજાને મનોરંજન મેળવવા માટે આટલાં બધાં સ્થળો બનાવવાં પડે, કેટલાંય સાધનો રાખવાં પડે અને જાતજાતના કાર્યક્રમો યોજવા પડે, એ દેશની પ્રજા હકીકતમાં કેટલી બધી દુઃખી અને ચિંતિત હોવી જોઈએ, તેનો હું વિચાર કરું છું.'

ચિંતાના પ્રમાણનો વિચાર કરીએ તો ગરીબો પાસે ચિંતાને પચાવીને જીવવાની વધુ શક્તિ હોય છે. અમીરોને હંમેશાં ચિંતાનો આફરો ચડેલો હોય છે. દેશનો ગરીબમાં ગરીબ માણસ સાંજે ભજન-ભક્તિ કરતો હોય, મિત્રો સાથે ભેગા મળીને ટોળ-ટપ્પાં લગાવતો હોય કે પછી કુટુંબ સાથે લૂખું-સૂકું ભોજન કરતો હોય, પણ એ સમયે તો એ એની ચિંતાથી સર્વથા મુક્ત હોય છે. ગરીબની ચિંતા એના ખિસ્સામાં હોય છે, અમીરની ચિંતા એના હૃદય પર હોય છે.

ગરીબ પોતાની ચિંતામાં બીજાને બહુ ભાગીદાર બનાવતો નથી. શ્રીમંતને પોતાની ચિંતા બીજાને વહેંચવાની બહુ ઇચ્છા હોય છે. એને સમૃદ્ધિની સિદ્ધિ મેળવવા માટે ચિંતાનું આવરણ ઓઢ્યું હોય છે. 'પ્રાપ્ત થયું છે' તેના સંતોષને બદલે 'શું પ્રાપ્ત કરવું છે?' તેનો અસંતોષ તેને ઘેરી વળે છે અને સમય જતાં એ એનું સ્વપ્ન કહો તો સ્વપ્ન, ધ્યેય કહો તો ધ્યેય અને મહેચ્છા કહો તો મહેચ્છા, એ એના જીવનમાં ચિંતા અને સ્ટ્રેસનું રૂપ ધારણ કરે છે.

અમેરિકાના ચાર વખત પ્રમુખ બનનાર ફ્રેન્કલિન રૂઝવેલ્ટના પત્ની એલિનોરને જાહેરજીવનમાં સક્રિય ભાગ ભજવવાની તીવ્ર ઇચ્છા હતી, પરંતુ એમને સતત એવી ચિંતા સતાવતી રહેતી કે લોકો એમની ટીકા કરશે તો શું? જો પોતે કશું કરી શકશે કે નહીં તો શું થશે? એવા વિચારથી અને એવી ચિંતાથી એ સતત ગભરાતા રહેતા હતા. આવે સમયે એક દિવસ થિયોડોર રૂઝવેલ્ટની બહેને એલિનોરની આંખમાં આંખ પરોવીને કહ્યું, 'આવી ફિકર છોડી દે. જે કામ તને તારા હૃદયથી યોગ્ય લાગતું હોય તે નિર્ભય બનીને કર. બીજા લોકો શું કહેશે, તેની પરવા કરવાની લેશમાત્ર જરૂર નથી. આપણે સાચા હોઈએ, પછી ગભરાવાનું શું? જેઓ તારી ટીકા કરે છે, એમની પ્રકૃતિને તારે ઓળખી લેવી જોઈએ. તું કામ કરીશ તો પણ એ તારા માથે છાણાં થાપશે અને તું કામ નહીં કરે તો પણ તારા પર સતત ટીકાનો વરસાદ વરસાવતા રહેશે એટલે તારે જે કામ કરવું હોય તે એક વખત દિલથી નક્કી કર અને પછી એ કામમાં ડૂબી જા.'

એલિનોર રૂઝવેલ્ટે ફૈબાની આ સલાહ સ્વીકારી અને એનું પરિણામ એ આવ્યું કે તેઓ અમેરિકાના જાહેરજીવનમાં ખ્યાતનામ મહિલા બન્યા. માનવ-અધિકારોની ઝુંબેશ જગાવી. બેકારી દૂર કરવા અને ગરીબોના આવાસની કામગીરીમાં પ્રવૃત્તિશીલ રહ્યા. કટારલેખન અને ગ્રંથલેખન કર્યું. યુનોમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કર્યું અને વિશ્વમાં સમાન અને ભેદભાવવિહીન અધિકારોનું યુનોની સામાન્ય સભાએ જે ઘોષણાપત્ર મંજૂર કર્યું, તેમાં પણ એલિનોરના પ્રયાસો મહત્ત્વપૂર્ણ બની રહ્યા. સમગ્ર વિશ્વને અનુલક્ષીને કરેલાં માનવકલ્યામના પ્રયાસોને કારણે તેઓ લોકોનો અપ્રતિમ સ્નેહ અને આદર પામ્યા. આમ એક શરમાળ છોકરી ખોટી ટીકાઓની ચિંતા કે પરવા કર્યા વિના વિશ્વ-રાજકારણની સમર્થ નારીશક્તિ બની.

મોટેભાગે વિસ્મરણને બદલે સ્મરણ એ ચિંતાની જીવાદોરી હોય છે. જો તમે ચિંતાનું સમૂળગું વિસ્મરણ કરી દો, તો આપોઆપ એ જીવનમાંથી અલોપ થઈ જશે. અમેરિકામાં અશ્વેતોની કારમી ગુલામીને વખતે વૉશિંગ્ટન કાર્વરે ખંત અને પરિશ્રમથી અભ્યાસ કરીને અધ્યાપકની નોકરી મેળવી ત્યારે એક અશ્વેતને માટે આ ઘણી મોટી સિદ્ધિ હતી. એણે વૈજ્ઞાનિક દ્રષ્ટિ રાખીને કરેલા પ્રયોગોને પરિણામે એ સમયે મગફળીનું ઉત્પાદન વધારી દીધું અને રંગ, રસાયણ, દવાઓ અને કપડાં જેવી સેંકડો વસ્તુઓ બનાવીને જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરે હબસીઓ માટે એક ઋષિ સમાન કાર્ય કર્યું.

વોશિંગ્ટન કાર્વરે પોતાની આખી જિંદગીની બચતને થાપણ રૂપે બેંકમાં મૂકી હતી, પણ બેંક ફડચામાં જતાં ચાલીસ હજાર ડૉલરની સઘળી બચત રાતોરાત ગુમાવી બેઠા. આની જાણ થતાં એમના એક સ્નેહીએ નિરાશાભર્યા સૂરે એમ કહ્યું, 'ઓહ! તમે તો રાતોરાત દેવાળિયા બની ગયા છો.'

'શું કહો છો? મેં પણ આવું કંઈક સાંભળ્યું છે.' આટલું કહી જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર પોતાના સંશોધનકાર્યમાં ડૂબી ગયા. એમણે આ વાતને પોતાના મનમાંથી રૂખસદ આપી દીધી હતી અને વિશેષ તો એમની જાતને નવાં નવાં સંશોધનોમાં ડુબાડી દીધી હતી. પોતાની જાતને પોતાના કાર્યમાં ઓગાળી દેનાર વ્યક્તિને ચિંતા કશું કરી શકતી નથી.

લાલબહાદુર શાસ્ત્રીને રાષ્ટ્રની સેવાના સમયે પારાવાર આર્થિક ભીંસ હોવા છતાં એ બાબતોએ ક્યારેય એમના મન પર ચિંતાનું રૂપ લીધું નહોતું. આલ્બર્ટ આઈન્સ્ટાઈન કે થોમલ આલ્વા એડિસન જેવા વિજ્ઞાનીઓનાં જીવન જોઈએ તો ખ્યાલ આવે કે એમને એમનાં સંશોધનોને માટે મબલખ સમય હતો, પરંતુ ચિંતા કરવા માટે એક ક્ષણ પણ નહોતી.

આવું જ રશિયાના પ્રસિદ્ધ નવલકથાકાર, નાટકકાર અને ચિંતક લિયો ટૉલ્સટૉયના જીવનમાં જોવા મળે છે. એમણે એમના 'ધ પાવર ઑફ ડાર્કનેસ' અને 'ધ ફ્રૂટ્સ ઑફ એનલાઈટનમેન્ટ' જેવાં નાટકોમાં સરકારી અમલદારોની ભારે ટીકા કરી. આ નાટકો અંગે રશિયાનો સરમુખત્યાર ઝાર ખુદ ખૂબ ક્રોધે ભરાયો, પરંતુ લિયો ટૉલ્સટૉયની પ્રતિષ્ઠા એટલી બધી હતી કે રાજા જેવો રાજા પણ કંઈ કરી શક્યો નહીં. આ સમયે નચિંત થઈને લિયો ટૉલ્સટૉય સહુને કહેતાં, 'શરીર આવતી કાલે પડી જશે એમ માની બની શકે એટલા સારા કામ આજે જ કરી લેવા જોઈએ.' આવી ભાવનાને કારણે ટૉલ્સટૉયને ક્યારેય ચિંતાઓ પજવી શકી નથી.

કેટલીય વાર સામાન્ય બાબતથી વ્યક્તિ અકળાઈ જતી હોય છે. ખાસ કરીને કોઈને સમય આપ્યો હોય અને નિર્ધારિત સમયે ન આવે તો એના મનમાં ભારે ગુસ્સો આવતો હોય છે. એક વાર આલ્બર્ટ આઈન્સ્ટાઈને બર્લિન શહેરમાં પોટ્સ ડેમ પુલ પાસે આવેલી વેધશાળામાં મિત્રની સાથે જવાનું નક્કી કર્યું. પુલના આગળના છેડે મળવાનું નક્કી કર્યું, પરંતુ એમનો મિત્ર બર્લિન શહેરથી અજાણ્યો હોવાથી એને જગા શોધવામાં વિલંબ થયો અને આ મહાન વિજ્ઞાનીને રાહ જોવી પડી.

સામાન્ય રીતે વ્યક્તિનો આ સમય ચિંતા કે અકળામણમાં પસાર થાય, પરંતુ આઈન્સ્ટાઈને તો નિરાંતે રાહ જોઈ અને મિત્ર આવ્યો, ત્યારે એણે ભારોભાર દિલગીરી વ્યક્ત કરી. એના જવાબમાં આઈન્સ્ટાઈને કહ્યું કે, 'મારા અભ્યાસ ખંડમાં બેસીને મારા વિજ્ઞાનના કોયડા પર વિચાર કરતો હોઉં છું એ જ રીતે પુલના છેડે ઊભો રહીને હું એ કોયડાઓ વિશે વિચાર કરી શકું છું. તેથી મારો સમય બગડયો છે એવી કોઈ ચિંતા કરવાની રહેતી નથી.'

વ્યક્તિ ચિંતાનો શિકાર બનતી નથી, પરંતુ ચિંતા ગાફેલ વ્યક્તિનો શિકાર કરે છે. એક વાર વ્યક્તિના આળસુ, પ્રમાદી કે કામ વિનાના ચિત્તમાં ચિંતા પ્રવેશે, પછી એ એના પર પોતાનો કબજો જમાવી દે છે. પછી એના જીવનમાં સ્થાયીભાવ રૂપે ચિંતા હશે. ડાયાબિટીસનો દર્દી પોતાના રોગ વિશે સતત સભાન હોય છે. કોઈ લગ્ન-સમારંભમાં મઘમઘતી મીઠાઈ જુએ અને મોંમાંથી પાણી છૂટે છતાં એ લાચારીભર્યા સ્વરે એમ કહેશે કે 'ડાયાબિટીસ છે, માટે ખાઈ શકતો નથી.'

આ તો ઠીક, પરંતુ એ સાંજે કોઈ બગીચામાં લટાર મારવા નીકળ્યા હોય અને સામેથી કોઈ મિત્ર પૂછે કે 'તમે કેમ છો?' અને એના ઉત્તર રૂપે કહે, 'ડાયાબિટીસ હમણાં કાબૂમાં રહેતો નથી.' એ મિત્રએ ડાયાબિટીસનું પ્રમાણ જાણવા માટે ખબર પૂછી નથી, માત્ર આ તો એમની ઔપચારિક રજૂઆત હતી પણ એ રીતભાત પણ એને માટે રોગની ચિંતાનું પ્રગટીકરણ બની રહે છે. આપણે પણ આપણી આવી ચિંતાઓ આ પ્રકારે અભિવ્યક્ત કરીને એને વારંવાર આલિંગન તો કરતા નથી ને?

પ્રસંગકથા

વિલંબ એ જ કાર્યવાહી

એક નવા વિસ્તારમાં ડૉક્ટર રહેવા આવ્યા. બધા રહીશોમાં આનંદ ફેલાઈ ગયો. બધા માનવા લાગ્યા કે ડૉક્ટર પડોશમાં વસવા આવ્યા છે એટલે અર્ધી રાત્રે કામમાં આવશે. ખરી મુશ્કેલી વખતે તરત મદદ મળશે.

એમાં ય ડૉક્ટરના પડોશીને તો ભારે મજા આવી ગઈ. એ તો રોજ દવા લેવા જાય. ડૉક્ટર દવા આપે. પડોશી ન તો ડૉક્ટરની ફી આપે કે ન તો દવાના પૈસા આપે.

આમ કરતાં કરતાં એક વર્ષ પસાર થઈ ગયું. પડોશી હોવાથી ડૉક્ટરને માગતા પણ સંકોચ થાય. એમને કહેવું કઈ રીતે?

આખરે એક દિવસ અકળાઈને ડૉક્ટરે પડોશીને પત્ર લખ્યો. એમાં લખ્યું કે તમારું બિલ એક વર્ષનું થઈ ગયું છે, સાથે વર્ષનું બિલ પણ મોકલ્યું.

પડોશીએ ડૉક્ટરનો પત્ર વાંચીને તરત જ એની પાછળ જવાબ લખી દીધો અને એ જવાબ સાથે બિલ પાછું મોકલ્યું.

પડોશીનો જવાબ હતો, 'બિલની વર્ષગાંઠ પ્રસંગે મારી લાખ લાખ વધાઈ. ભગવાન હજાર વર્ષ સુધી જીવિત રાખે.'

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે જેમ ડૉક્ટરનું બિલ ચુકવવાને બદલે પડોશીએ એ બિલને વર્ષગાંઠની શુભેચ્છાઓ પાઠવે છે, એ જ રીતે કેટલીક ઘટનાઓની વર્ષગાંઠો વીતી જવા છતાં એમાં કોઈ કાર્યવાહી થતી નથી. આપણે જાણીએ છીએ કે આતંકવાદ એ માત્ર એક વ્યક્તિનો પ્રાણ હરતું નથી, પરંતુ આખા પરિવારને પારાવાર પીડા ઉપજાવે છે. સરકારે પહેલગામની આતંકવાદી ઘટના સમયે પીડિતોને સહાય કરવાની ઘોષણા કરી હતી, પણ હજી પીડિત પરિવારો સુધી એ પહોંચી નથી. આમ જુઓ તો એ પર્યટન સ્થળ હોવા છતાં ત્યાં પર્યાપ્ત સુરક્ષા કેમ નહોતી, તેનો કોઈ જવાબ મળતો નથી.

આવું જ અમદાવાદમાં થયેલા વિમાની અકસ્માત અંગે બન્યું છે. આખુંય વર્ષ વીતી ગયું છતાં હજી અકસ્માતનું કારણ હાથ લાગ્યું નથી. આવી ગંભીર ઘટનાઓ અંગે આપણે કેટલા ગંભીર છીએ તે વિચારવું જોઈએ કે પછી આપણા તંત્રોમાં 'વિલંબ એ જ કાર્યવાહી છે' એમ માનાય છે.