Editorial

આવતી પેઢીને વારસામાં આપીશું આવી યયાતિ સંસ્કૃતિ

By GS TEAM
17 Jul 20258 mins read
આવતી પેઢીને વારસામાં આપીશું આવી યયાતિ સંસ્કૃતિ

- પૃથ્વીના ગ્રહના વિનાશ પછી હવે અંતરિક્ષ આપણો આશરો બનશે ખરું?

- જેફ બેઝોસ

- એક જ ગ્રહ સુધી મર્યાદિત માનવજાતિનું લાંબા ગાળે અસ્તિત્વ જોખમમાં છે. પરંતુ એકવાર આપણે અવકાશમાં ફેલાઈ જઈએ અને સ્વતંત્ર વસાહતોની સ્થાપના કરીએ, પછી આપણું ભવિષ્ય સુરક્ષિત હશે.

પૃથ્વીના આ ગ્રહને માનવજાતે કેવો પ્રદૂષિત અને પાયમાલ કરી નાખ્યો છે! પૃથ્વી પરના માનવીએ રળિયામણી પ્રકૃતિનું સ્વાર્થ કાજે ગળુ દાબી દીધું છે, પ્રાણીઓનો ક્રૂરતાથી વિનાશક સંહાર કર્યો છે, પોતાના આર્થિક મતલબ કાજે પૃથ્વીને પ્રદૂષિત કરવામાં એણે પાછા વળીને જોયું નથી.

રાજા યયાતિએ પોતાના દીકરા પાસેથી જુવાની લીધી અને એને બુઢાપો આપ્યો, એમ આજની દુનિયા એનાં સંસાધનોનો ભરપૂર દુરુપયોગ કરી રહી છે કે આવતીકાલના જગતને એ વિનાશક બોજથી વાંકો વળી ગયેલો બુઢાપો આપશે.

સૌથી વિશેષ તો આપણા ભારે ઉદ્યોગો પર્યાવરણને માટે સૌથી ભયજનક બની રહ્યા છે. વળી, માનવીની આજની જીવનશૈલી પણ એવી છે કે જે એક યા બીજા પ્રકારે પર્યાવરણને હાનિ પહોંચાડે છે. એક અર્થમાં કહીએ તો એની આવી જીવનશૈલીને પરિણામે માનવીના સ્વાસ્થ્ય પર અને એના અસ્તિત્વ પર ઘણું મોટું જોખમ ઊભું થયું છે. અચાનક પૂર આવે, અણધાર્યાં વાવાઝોડાં ફૂંકાય. પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થતો રહે. પશુ-પક્ષી કે પ્રકૃતિએ તો કુદરતી રીતે પૃથ્વી પર જીવવાનું ચાલુ રાખ્યું અને એને પરિણામે એમનું જીવન એ અભિશાપ બન્યું નહીં. આજે માનવીનું જીવન એ પશુ, પક્ષી પ્રકૃતિ અને પર્યાવરણ એ સહુને માટે અભિશાપરૂપ બનતું જાય છે.

આશરે બે લાખ વર્ષ પૂર્વે આ પૃથ્વી પર માનવીએ જીવન શરૂ કર્યું અને એ પછી માનવી સતત પર્યાવરણનો નાશ કરતો આવ્યો છે અને આવી કથળતી પર્યાવરણની સ્થિતિ મનુષ્યજાતિનો વિનાશ નોતરશે. તમે કહેશો કે આજે પર્યાવરણ સંરક્ષણ માટે ઘણી જાગૃતિ જોવા મળે છે, પરંતુ મોટેભાગે એ સૂત્રો અને સેમિનારોમાં જ રહી ગઈ છે. બહુ ઓછા લોકો પર્યાવરણને માટે સક્રિય પ્રયત્ન કરે છે અને એ પણ હકીકત છે કે એમાં સફળતા મેળવતા વર્ષોનાં વર્ષો લાગી જાય છે.

બીજી બાજુ એક એવો પણ ભય સેવાય છે કે કોઈ લઘુ ગ્રહ આ પૃથ્વી સાથે અથડાશે તો શું થશે? તો માનવજાતનો વિનાશ થશે. આથી એ વિચારે છે કે,'પૃથ્વીના ગ્રહને પાર જઈને કોઈ બીજા ગ્રહ પર વસવાટ કરવો, જેથી પૃથ્વી સાથે કોઈ ગ્રહની અથડામણ થાય, તો પણ માનવજાતને બચાવી શકાય.' ખગોળશાસ્ત્રીઓ કહે છે કે, 'માનવી જો કોઈ બીજા ગ્રહ પર હોય તો તે કદાચ લઘુગ્રહ સાથે પૃથ્વીની અથડામણ રોકી શકે. દૂર રહીને આ શક્ય અથડામણ ટાળી પણ શકે.'

આ સંદર્ભમાં ઈેલોન મસ્ક અને જેફ બેઝોસના વિચારો પણ આપણે જોવા જોઈએ. ઈલોન મસ્ક કહે છે કે,'બ્રહ્માંડની કોઈ અણધારી ઘટનાને પરિણામે પૃથ્વી પરની મનુષ્યજાતિ નાશ પામે તો અન્ય ગ્રહો પર વસતી મનુષ્યજાતિ માનવ અસ્તિત્વને ટકાવીને જીવી શકે. કોઈ ભયાવહ સંહારક યુદ્ધ થાય, વિશ્વ આખાને ભરડામાં લે તેવી મહામારી ફેલાય કે પછી પૃથ્વીના ગ્રહને તહસનહસ કરનારી કોઈ ઘટના બને તો જો માણસજાત અંતરિક્ષના કોઈ ગ્રહ પર જીવતી હશે તો તે ટકી જશે.'

જ્યારે બીજી બાજુ જેફ બેઝોસ સૂચવે છે કે, 'આજે પૃથ્વીના પર્યાવરણમાં સૌથી વધારે હાનિ ભારે ઉદ્યોગો કરે છે. આ ભારે ઉદ્યોગોને અંતરિક્ષમાં ખસેડી દેવા અને પૃથ્વી ફક્ત માનવીઓનાં વસવાટ માટે અને હળવા ઉદ્યોગો માટે અનામત રાખવી.'

વળી કેટલાક વિજ્ઞાાનીઓ માને છે કે અંતરિક્ષમાં વસવાને કારણે પર્યાવરણને પ્રદૂષિત કરનારી ઘટનાઓ ઓછી બનશે. આપણી આ પૃથ્વી પર સ્વચ્છ ઉર્જા વધશે અને સૂર્યમંડળનાં સંશોધનો ઉપલબ્ધ થશે. આ વિષયમાં ઇસરોમાં વર્ષો સુધી કાર્ય કરનાર અને 'પૃથ્વીથી અંતરિક્ષ ભણી' જેવા અભ્યાસપૂર્ણ ગ્રંથના લેખક ચિંતન ભટ્ટ એક વિશેષ વાત કહે છે. તેઓ કહે છે કે,'કેટલાક વિજ્ઞાાનીઓ અંતરિક્ષમાં માનવ વસવાટની કલ્પનાને વિજ્ઞાાનકથાથી વિશેષ કશું માનતા નથી.'

આમાં સૌથી પહેલી વાત તો એ છે કે માણસ પોતાના પડોશી મંગળના ગ્રહ પર પહોંચી જાય ખરો, પરંતુ એમાં વસવું હોય તો વિશેષ તૈયારીની જરૂર પડે. ગ્રહમાં પહોંચવું અને ગ્રહમાં વસવું, એ બંને વચ્ચે આભ-જમીનનું અંતર છે! આમાં સૌથી પહેલી બાબત તો એ છે કે પાણી, કાર્બન ડાયોક્સાઈડ અને નાઇટ્રેટની ભાળ મળે પછી જ વસવાનું વિચારી શકાય. વળી, આ પરાયા ગ્રહમાં માનવીને અનુકૂળ તાપમાન સર્જવા જતાં એકસો વર્ષ નીકળી જાય. હજી આટલેથી વાત પૂરી થતી નથી. માનવીને માટે શ્વાસ લેવો એ સૌથી જરૂરી હોય છે, આથી એણે અહીં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ઉત્પન્ન કરવો પડશે. આ સઘળું ભેગું કરતાં આજની ટેકનોલોજીની દૃષ્ટિએ વિચારીએ તો ઓછામાં ઓછા એક લાખ વર્ષ નીકળી જાય. આની પાછળ થનારા ખર્ચની વાત તો ક્યાં કરવી? એવું પણ બને કે મંગળ કે કોઈ અન્ય ગ્રહ પર વસવાટ કરવા જતાં આખીય માનવજાતનો કુબેર ભંડાર ખૂટી જાય.

વળી એક બીજી બાબત પણ મહત્ત્વની છે કે માનવીએ પૃથ્વી પર આ બદલાતા જતા વાતાવરણ સાથે અનુકૂળ સાધીને ઉત્ક્રાંતિ કરી છે. હવે સવાલ એ આવે કે મંગળ કે કોઈ અન્ય ગ્રહ પર વસવાટ કરવા માટે એણે વાતાવરણનું અનુકૂલન સાધવું જરૂરી છે.આ કામ જેવું તેવું નથી અને એટલે જ કોઈ ગ્રહ પર વસવાટ કરવો કે પછી ઉપગ્રહ પર નિવાસસ્થાન બાંધવું અથવા તો બ્રહ્માંડમાં કોઈ સ્થળે વસવાટ કરવો, તેને માટેની યોગ્ય ટેકનોલોજી હજી વિકસી નથી. સૌથી વધુ તો એ છે કે હજી સુધી અંતરિક્ષમાં માનવજીવન હોય કે અન્ય કોઈ પણ પ્રકારનું જીવન હોય એના નક્કર પુરાવા હાથ લાગ્યા નથી. એનો અર્થ એ પણ થાય કે માનવજાત ભલે કોઈ ગ્રહ પર વસવાટ કરવા માટે આતુર હોય, પરંતુ અંતરિક્ષ એનું આતિથ્ય સ્વીકારતું નથી.

આમ, તદ્દન પ્રતિકૂળ પરિસ્થિતિમાં જો બળજબરીથી જીવન વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે જીવન કેટલું લાંબું હશે તે પણ સવાલ છે. ઈલોન મસ્ક આપત્તિ સમયે અંતરિક્ષના વસવાટનો મહિમા કરે છે, તો બીજી બાજુ જેફ બેઝોસ અંતરિક્ષમાં ભારે ઉદ્યોગો સ્થાપીને પૃથ્વીને એના પ્રદૂષણથી મુક્ત કરવાનું વિચારે છે. કેટલાક ખગોળવિદો અને અંતરિક્ષશાસ્ત્રીઓએ અંતરિક્ષમાં વસાહત કરવા માટેની યોજના બનાવી છે. કિંતુ આ અંતરિક્ષ વસાહતને આત્મનિર્ભર બનાવવી એ ઘણી મુશ્કેલ પ્રક્રિયા છે. વિખ્યાત ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિંગે કહ્યું છે કે,' એક જ ગ્રહ સુધી મર્યાદિત માનવજાતિનું લાંબા ગાળે અસ્તિત્વ જોખમમાં છે. હમણાં કે પછી લધુગ્રહની અથડામણ અથવા પરમાણુયુદ્ધ જેવી આફતો આપણને બધાને બરબાદ કરી શકે છે, પરંતુ એકવાર આપણે અવકાશમાં ફેલાઈ જઈએ અને સ્વતંત્ર વસાહતોની સ્થાપના કરીએ, પછી આપણું ભવિષ્ય સુરક્ષિત હશે. પૃથ્વી જેવું સ્થળ સૂર્યમંડળમાં બીજે ક્યાંય નથી, તેથી આપણે બીજા તારા પર જવું પડશે. માનવી આજે સૂર્યમાળાના બીજા ગ્રહ પર પણ નથી ઉતરી શક્યો ત્યાં અન્ય તારા મંડળની ક્યાં વાત કરવી.'

હકીકતમાં પૃથ્વીથી સૌથી નજીકનો તારો આલ્ફા સેંટૌરી પણ ૪.૩૫ પ્રકાશવર્ષ (૧ પ્રકાશવર્ષ = ૯૫૦૦ અબજ કિમી) દૂર છે. પૃથ્વી જેવા વાતાવરણવાળો ગ્રહ હોય તેવો તારો તો જોજનો દૂર હશે. ૨૦ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ પાર્કર સોલર પ્રોબે મેળવેલી ૫,૮૬,૮૦૦ કિમી/કલાકની ગતિ અંતરિક્ષયાને અત્યાર સુધીમાં મેળવેલી મહત્તમ ગતિ છે. આ ગતિથી આલ્ફા સેંટૌરી સુધી પહોંચતાં લગભગ ૨૦૦ વર્ષ નીકળી જાય. ટૂંકમાં અન્ય તારામંડળ પર માનવવસાહતની વ્યવસ્થામાં માનવીની અનેક પેઢીઓ ખપી જશે અને ત્યાં લઈ જતું અંતરિક્ષયાન અથવા તો સ્ટારશિપ પોતે પણ આત્મનિર્ભર અંતરિક્ષવસાહત હોવું જોઈએ, સૈકાઓ સુધી માનવીના જીવનને ટકાવી રાખવાની સુવિધા સાથે તેનો વંશવેલો આગળ વધે તે માટેની પણ બધી જ સગવડ સાથેનું હોવું જોઈએ. આમ, આજે તો આ વાત એક દિવાસ્વપ્ન જેવી લાગે છે.

અંતરિક્ષમાં વસવાટ કરવા માટેનું પહેલું પગથિયું છે પાણી. પાણી વિના કોઈને ય ચાલે નહીં. કદાચ આપણે વિચારીએ કે આ પૃથ્વી પર પાણી કઈ રીતે આવ્યું હશે અને બ્રહ્માંડમાં પાણીની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે? આ બધાનો અભ્યાસ કરીએ, ત્યારે ક્યા ગ્રહમાં પાણીની શક્યતા છે, તે જોવું જોઈએ. કોઈ ગ્રહમાં પાણીનો મહાભંડાર હોઈ શકે એમ કહી શકાય અને ક્યાંક પાણીની વરાળના સગડ પણ મળ્યા છે અને આ બધા દ્વારા વધુમાં વધુ ગ્રહ કે ઉપગ્રહમાં પાણી હોવા અંગેનું અનુમાન થઈ શકે.

ખેર, આજે આપણે અંતરિક્ષમાં સફળતા હાંસલ કરીએ છીએ, ત્યારે આનંદની સાથે કેટલુંક આશ્ચર્યભર્યું ભવિષ્ય આપણી રાહ જુએ છે!

શાયરી

રખા કરો નજદીકિયાં, યહ જિંદગી કા ભરોસા નહીં,

ફિર કહોંગે, ચુપચાપ ચલે ગયે ઔર બતાયા ભી નહીં.

પ્રસંગકથા

ગમખ્વાર અકસ્માતોની વણઝાર 

કહે છે કે એક વાર ચીનનાં પ્રમુખ ભારતની મુલાકાતે આવ્યા અને ભારતના એક નાનકડા રાજ્યનાં પ્રવાસે ગયા. આ પ્રવાસ સમયે એક સામાન્ય પ્રધાનનો ભવ્ય બંગલો જોઈને ચીનનાં પ્રમુખને અતિ આશ્ચર્ય થયું. એમણે પ્રધાનશ્રીને પૂછ્યું, 'આટલી બધી જાહોજલાલી આવી ક્યાંથી? અમને આશ્ચર્ય એ વાતનું થાય છે કે ભારતના નાનકડા રાજ્યના પ્રધાન આવો ભવ્ય મહેલ જેવો બંગલો ધરાવે છે?'

એ પ્રધાને ચીનના પ્રમુખને સામે વહેતી નદી બતાવીને કહ્યું,'સાહેબ! આ નદી પરનો પુલ તમને દેખાય છે?'

ચીનના પ્રમુખે કહ્યું કે, 'હા, પુલ દેખાય છે, પણ હજી એ અડધો થયો લાગે છે, અર્ધો બાકી લાગે છે.'

પ્રધાને નમ્રતાથી કહ્યું કે, 'પ્રમુખશ્રી, એ બાકીના અડધા ભાગમાંથી આ બંગલો તૈયાર કરવામાં આવ્યો છે.'

એ પછી પેલા પ્રધાન વળતી મુલાકાતે ચીન ગયા. પ્રમુખનો આલિશાન મહેલ જેવો વિરાટ બંગલો જોયો અને પૂછ્યું, 'ઓહ, આની પાછળ કેટલો ખર્ચ થયો હશે?'

પ્રમુખે કહ્યું કે, 'એક રાતી પાઈ પણ નહીં.'

પ્રધાનને આશ્ચર્ય થયું. 'તો પછી આ વિશાળ બંગલો થયો કેવી રીતે?'

પ્રમુખે કહ્યું કે, 'સામે નદી દેખાય છેને? એની ઉપર પુલ છે?'

'ના, મને પુલ દેખાતો નથી.'

'તો બસ, આખાય પુલની રકમમાંથી આ બંગલો એટલે કે પ્રમુખનું નિવાસસ્થાન થયું છે.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે, આપણા દેશમાં હવે ભ્રષ્ટાચાર સઘળી સીમા ઓળંગી ગયો છે.

મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ એકાએક તૂટી પડે અને પંદરેક નિર્દોષ લોકો પોતાના પ્રાણ ગુમાવે. પુલો તૂટી પડવાના ગમખ્વાર અકસ્માતની જાણે વણઝાર ચાલી રહી છે. ગામડું હોય કે મહાનગર, પણ બધે રસ્તાને નામે ખાડા જ ઓળંગવાના આવે છે અને હાઇવેની હાલત પણ એવી જ છે. ઘણીવાર તો હાઈ-વે પર દસ કિમીનું અંતર પસાર કરતા એક કલાક લાગે છે. આજે ગુજરાતના૧૮૩ જેટલા રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વળી થાય છે એવું કે અધિકારીના માથે કોઈ જવાબદારી હોતી નથી. દોષનો સઘળો ટોપલો એજન્સીને માથે નાખવામાં આવે છે અને પ્રજા બિચારી પારાવાર પરેશાન થાય છે, પણ જનતા કરે શું?