મારું લગ્ન, મારો સન્યાસ ને મારું મૃત્યુ ત્રણે ભેગા થઈ ગયા છે

- હજારો માનવીઓનાં કર્તવ્યોનો ચુકાદો આપનાર ન્યાયાધીશને પોતાના કાર્યનો ચુકાદો આપવો પડયો
- દયારામ ગિડુમલ
અનેક આશ્ચર્યોથી ભરપૂર એવી એક જીવન કિતાબ આજે ખોલીએ. એક એવું આશ્ચર્ય કે જેનો તાળો મેળવવો આજે મુશ્કેલ પડે. વાત એવી બની હતી કે રાજકુમારો પણ જેના હાથની માગણી કરતા હતા, શ્રીમંત યુવાનો જેના માટે પડાપડી કરતા હતા, એ એક શિક્ષિત સુંદર નાગરકન્યાએ પચીસ વર્ષની ભરયુવાન અવસ્થાએ એક સત્તાવન વર્ષના પુરુષ સાથે લગ્ન કર્યાં.
ભૂકંપ જેવો ખળભળાટ આખા વાતાવરણમાં વ્યાપી ગયો. લગ્ન કરનાર ગૃહસ્થ સિંધી સમાજનાં માનવંતા સજ્જન હતા અને કન્યા ગુજરાતી હતી. એથીય અદકુ આશ્ચર્ય એ કે લગ્ન કરનાર ગૃહસ્થની પત્ની યશોદા હયાત હતી અને એને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ હતી. કન્યા પ્રતિષ્ઠિત નાગર બ્રાહ્મણ કુટુંબની હતી અને લગ્ન કરનાર ન્યાયાધીશ, કવિ, વિદ્વાન અને સમાજસુધારક હતા. એથીયે વધુ સિંધી હિંદુ સમાજમાં એ ગોડફાધર ગણાતા હતા.
બીજા પક્ષે, કન્યાના પિતા ગુજરાતના નામાંકિત પુરુષ અને કવિ હતા. મદદનીશ ન્યાયાધીશનો ઉચ્ચ હોદ્દો ભોગવતા હતા. લગ્ન કરનાર પુરુષ અંગ્રેજ શાસનના સમયમાં સિંધના જુડિશિયલ મિશનનો હોદ્દો ધરાવતા હતા અને એમને હાઈકોર્ટના ન્યાયધીશનો હોદ્દો આપવાની અંગ્રેજ સ૨કારે તૈયારી બતાવી હતી, પરંતુ એમણે એ હોદ્દો સ્વીકા૨વાનો ઇન્કાર કર્યો હતો. એમનો ન્યાય વખણાતો હતો, એમની ફિલોસોફી અદ્ભુત હતી. પ્રારંભિક શિક્ષણ સિંધના હૈદરાબાદમાં લીધા પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં એમણે અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ સિવિલ સર્વિસમાં જોડાયા. તેઓ આઘ્યાત્મિક પુરુષ હોવાથી ઋષિ તરીકે ઓળખાતા હતા.
આ પ્રેમકહાણીનો પ્રારંભ અમદાવાદમાં ન્યાયાધીશ તરીકે આવ્યા, ત્યારે થયો. એમણે કરાંચીમાં એક કૉલેજની સ્થાપના કરી હતી. નારીશિક્ષણના ભારે હિમાયતી હતા અને એરેબિક, પર્શિયન અને સંસ્કૃત ભાષાનાં વિદ્વાન તરીકે જાણીતા હતા. આવા ન્યાયાધીશ અમદાવાદમાં આવ્યા, ત્યારે આ નાગર કુટુંબમાં ઉતર્યા અને સમય જતાં લીંબુ અને પાણીની જેમ આ સિંધી ગૃહસ્થ અને ગુજરાતી કુટુંબ ઓતપ્રોત થઈ ગયું. માયાની મીઠી મૂડી લઈને એ ગૃહસ્થ બદલી થતાં બીજે ચાલ્યા ગયા. પણ અંત૨માં એક કુમારિકાની પવિત્ર તસવીર સાથે લેતા ગયા. કોઈ તસવીર અમર હોય છે.
બે દિલોનો એ સ્નેહભાવ હતો. એક મુગ્ધ દિલ હતું. એક સેવાભાવી હૃદય હતું. વિધાતા પ્રેમીઓનું મિલન ભાગ્યે જ કરાવે છે અને કોઈવાર એ મિલન કરાવે છે ત્યારે એ મિલન જાદુઈ હોય છે. વિદ્વાન, ધર્મપ્રેમી, ફિલસૂફ, ન્યાયાધીશ ધીરે ધીરે પોતાના કાર્યમાંથી ફારેગ થતા હતા. સરકારી પેન્શન મળ્યું. કાયદાની કોર્ટમાંથી મુક્તિ મળી પણ કર્તવ્ય તો તેમને કંઈ ને કંઈ કરવા પ્રેરતુ હતું. એમણે મુંબઈમાં 'સેવાસદન' નામની સંસ્થા સ્થાપી. મુંબઈના બહેરામજી મલબારીએ સાથ આપ્યો. પોતાના જીવનનો ઉત્તરાર્ધ આ કાર્યમાં તેઓ પૂરો કરવા માગતા હતા. એ ન્યાયાધીશને ભારતવર્ષના અનેક મહાન પુરુષો સાથે પિછાન હતી. પૂ. ગાંધીજી એમાંના એક હતા. એમાં મૌલાના આઝાદ હતા અને પ્રખર તેજસ્વી જૈન સાધુ આ. વિજયધર્મસૂરિ પણ હતા.
માણસને કિસ્મતની દોરી ખેંચતી હોય છે. મુંબઈમાં આવેલ પરા બાંદરાની સડક પર સંઘ્યાનું સેવન કરતા આ ગૃહસ્થની ફરી પેલી કન્યા સાથે મુલાકાત થઈ. જૂની પિછાને કુશળ સમાચાર પૂછચા. કન્યા સાહિત્ય, સંગીત, ચિત્રકામ અને ભરતકામની નિષ્ણાત હતી. આ બાળાએ પેલા સદ્ગૃહસ્થના સેવાસદનનાં અધૂરાં ચિત્રમાં રંગો પૂર્યા, બલ્કે એણે સંપૂર્ણ કર્યું.
'તમે સેવાસદનના પુણ્યકાર્યમાં સાથી બનશો?' આમંત્રણ આપ્યું.
ચિતારાના રંગો જેવી સુંદર અને ઉદ્યાનના પુષ્પસમી તાજગીવાળી કન્યાએ એમની વાત તો કહી, એ પણ કોઈ સ્વપ્નસૃષ્ટિમાં વિહરતી પરીકન્યા હતી. ત્યાં તો કન્યાનાં માતાએ જ એ ગૃહસ્થને નિમંત્રણ આપ્યું. મહેમાન કરીને રાખ્યા. ફરી માયાની વેલ ફળી લચી ગઈ અને એના પ્રેમનાં પુષ્પ પાંગર્યા.
આ શિક્ષિત સૌંદર્યવતી નાગરકન્યાએ સેવાસદનને અપનાવી લીધું. લગ્નની ઉંમર થઈ હતી. સારામાં સારો વર અને મોટામાં મોટું ઘર મળે તેવી પૂરી શક્યતા હતી. પણ કન્યા એ કોઈમાં ન લોભાણી, એને લોભાવી ગયું સેવાસદન. સેવાસદનને એણે રૂપ આપ્યું. રંગ આપ્યો, કંઠ આપ્યો, નિયમિત અને સતત કાર્ય કરનારી એની સેવિકા બની ગઈ. સંગીતના વર્ગો એ ચલાવવા લાગી. એ ભરતકામ શીખવવા લાગી. એણે આ સેવાઓમાં લહેર જતા યૌવનને ખાળી લીધું. ભાઈબહેનની જોડી બનીને કાર્ય ધપાવ્યું.
ભાવિ કોઈ જાણતું નહોતું. પેલા ગૃહસ્થ સિંધી, અંગ્રેજી, હિંદી, પંજાબી, ગુજરાતી, સંસ્કૃત, ફારસી, અરબી, ફ્રેંચ, હિબ્રુ વગેરે ભાષાઓ જાણતા હતા. પણ પ્રેમની ભાષાથી અજ્ઞાાન હતા.
પ્રેમની ભાષા મૌન છે. એ મૌનતામાંથી પ્રેમ જાગતો હતો. અનેક ગ્રંથો એમણે લખ્યા હતા. અનેક કિતાબો એમણે વાંચી હતી, પણ એક ન વાંચેલી કિતાબ એમની સામે આવીને ખડી થઈ ગઈ. દેશના અને સમાજના અનેક પ્રશ્નો એમણે વિચાર્યા હતા. અનેક સંસ્થાઓ પોતે સ્થાપી હતી. અનેક દુ:ખિયારી સ્ત્રીઓના આંસુ 'સેવાસદન' જેવી સંસ્થાઓ કાઢીને એ લૂછતાં હતાં. પણ એક આંસુનો ઇતિહાસ એમને માટે સર્જાતો હતો, એની કોઈને ભાળ નહોતી. હજારો કિસ્સાઓના યોગ્યાયોગ્યની છણાવટ એણે કરી હતી. હજારો માનવીઓના કર્તવ્યના ચુકાદા વડા ન્યાયાધીશ તરીકે ન્યાય સિંહાસને બેસીને આપ્યા હતા. આજ પોતાના કાર્યનો પોતાને ચુકાદો આપવો પડશે તે સમજાયું!
આ મહાન ફિલસૂફ હંમેશા દરેક ઝઘડાની બાબતમાં કહેતા કે કેવળ માયાળુ થવાની કળાની જરૂર છે. શોક અને દુ:ખપૂર્ણ દુનિયાને સુખી બનાવવા એ એક જ કળાની જરૂ૨ છે. 'સેવાસદન'ના આત્મા બનીને કામ કરતાં બે જીવોમાં એક દિવસ અવિભક્ત થવાનો ચાહ જાગ્યો ને સંસારે જેના પર હજારો લાનત વરસાવી એ લગ્નગ્રંથિથી બંને જોડાયા. ઘી અને અગ્નિ પાસે ન સ્થાપવાં. એ સ્થાપ્યાં ને ઘી ગરમ થઈ ગયું. સત્તાવન વર્ષના પુરુષનું પચીસ વર્ષની ચારિત્ર્યવાન કન્યા સાથેનાં લગ્નના આ સમાચારે દેશભરમાં ભયંકર હાહાકાર વરતાવી મૂક્યો. વર્તમાનપત્રોએ ખૂબ લખ્યું, એની વિદ્વત્તાને કલંક આપ્યું. એના ઇન્સાફ જ્ઞાાનને ધુત્કાર્યો. એને સમાજ વચ્ચેથી હડધૂત કર્યો.
એ લગ્ન ખાનગી હતું. એક દિવસ પુરુષે કન્યાનાં મા-બાપ પાસે એ પ્રગટ કર્યું. કોઈ આત્માનું સખ્ય અને પ્રાણના પોકારે આ આત્માઓને એક કર્યા છે એમ કન્યાના વિદ્વાન કવિ પિતાએ સ્વીકાર્યું. બધેથી તિરસ્કૃત એવા એ પુરુષને પોતાના બાંદરાના બ્લ્યુ બંગલામાં નિવાસ આપ્યો.
એ વિદ્વાન પુરુષ પોતાના એક મિત્રને પત્ર લખતા લખે છે, 'મારા ધ્યાનની પ્રક્રિયા કરતી વખતે મને એ ક્રિયામાં અપૂર્ણતા માલુમ પડી. મેં પ્રથમ પ્રકાશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, ત્યાર પછી સીતા, સાવિત્રી, અદિતિ, ગંગા, યમુના અને સરસ્વતીના આલંબનો લીધાં. એમાંનવા કોઈને પણ હું અંગત ઓળખતો નહોતો. પણ જ્યારથી એનું અવલંબન લીધું ત્યારથી મને લાગ્યું કે મારા ઘ્યાનબળમાં વધારો થયો છે. એ પણ મારું આલંબન રાખી પરમાત્માનું ધ્યાન કર્યા કરે છે.'
પ્રેમપંથના આ બે પ્રવાસી આત્માઓને દુનિયાની જ્વાળાઓ દઝાડી ગઈ. આક્ષેપોની જડી એમના પર વરસાવી. એવું ય કહેવાયું કે એક અન્ય વ્યક્તિથી સગર્ભા બનેલી કન્યાને રક્ષણ આપવા એમણે લગ્ન કર્યાં હતાં. એમણે સમાજ છોડી દીધો. કુટુંબ તજી દીધું. જાહેરજીવનમાં જવું આવવું છોડી દીધું. બાંદરાના બ્લ્યુ બંગલાનું એ કમ્પાઉન્ડ એની દુનિયા બની ગઈ. પતિ-પત્ની ભર્યા જગતમાં એકલવાયાં બનીને જીવ્યાં. એક પુત્ર પણ થયો.
ન્યાયાધીશે સ્વહસ્તે પોતાનો ન્યાય ચુકવ્યો. એ દેશમાં રહીને દેશનિકાલ થયા. એકવાર ઈ.સ. ૧૯૨૧માં ગાંધીજી આ પુરુષને મળવા બાંદરામાં આવ્યા. એમની સાથે મૌલાના આઝાદ હતા. ગાંધીજીએ મુલાકાત માટે કહેણ મોકલ્યું. અંદરથી કહેણ આવ્યું, 'મળવા માટે લાચાર છું.' ગાંધીજીએ પુછાવરાવ્યું, 'શા માટે?' જવાબ મળ્યો, 'હું સામાજિક રીતે મૃત્યુ પામ્યો છું. ઈશ્વર જ મારો મિત્ર રહ્યો છે અને એ પ્રેમસ્વરૂપ છે.' સ્વયં ગાંધીજીને પાછા ફરવું પડયું.
એક દિવસ એક જૈન સાધુ ત્યાં જઈ પહોંચ્યા. એમણે મળવાનો ખૂબ આગ્રહ પકડી રાખ્યો. જવાબ મળ્યો, 'મારું લગ્ન, મારો સંન્યાસ અને મારું મૃત્યુ ત્રણે ભેગા થઈ ગયાં છે. મારું આ લગ્ન દુનિયાને મન મારું સામાજિક મૃત્યુ છે. મેં જે રીતે મારા પ્રેમપાત્રનો સ્વીકાર કર્યો છે, એ રીતે સંન્યાસીની જેમ આ સામાજિક મૃત્યુનો પણ સ્વીકાર કર્યો છે.'
મુલાકાત ન મળી તે ન જ મળી.
આત્મશાસિત આ પુરુષ જીવનની છેલ્લી પળ સુધી ઘરમાં જ રહ્યો. એણે જગતને મુખ ન બતાવ્યું. જગતે એનું મુખ ન જોયું. આખરે કાળનો દયામય પંજો આવ્યો. ચાર વર્ષની અંદર પતિ-પત્ની અને પુત્રનો માળો ઉજ્જડ થઈ ગયો.
અનામી પ્રભુનું નામ લેતા પવિત્ર ગ્રંથસાહેબ પઢતા ૧૯૨૭ની સાતમી ડિસેમ્બરે યા અંતરનો સાધુ ને જગતને મન અસાધુ પુરુષ અવસાન પામ્યો. એ પુરુષનું નામ શ્રી દયારામ ગિડુમલ. હિંદના પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી ને સૂફી વિદ્વાન.
એ કન્યાનું નામ ઉર્મિલા. ગુજરાતના વિખ્યાત કવિ નરસિંહરાવનું સંતાન. સ્વ. નરસિંહરાવે દયારામના મૃત્યુ વખતે એક કાવ્ય રચ્યું-
મંગલ મંદિર તારું દયામય,
મંગલ મંદિર તારું દયામય
સંત ભગત જન કાજ
નિરંતર દ્વાર રહે જ ઉઘાડું
દીન ભગત જો ઊભો આજે,
પૂછે પદ હમારું
મંગલ મંદિર તારું દયામય....
પ્રસંગકથા
સામાન્ય નાગરિકની અસામાન્ય વેદના
દેશનો સામાન્ય નાગરિક એક સભામાં ગયો. ઉપદેશકે હાથ ઊંચો કરીને ધીરગંભીર અવાજે જાણે અદ્દશ્યને જોતો હોય તેમ ઊંચી આંગળી કરીને જનમેદનીને કહ્યું, 'મારું જીવન એ જગતના લોકોના કલ્યાણ માટે છે. મને તો મોક્ષપ્રાપ્તિ સહજ છે, પરંતુ શિષ્યો અને અનુયાયીઓને મોક્ષ સાંપડે, તે માટે સત્સંગ અને ભજન કરું છું. પ્રજાના મનની ગરીબી મારે દૂર કરવી છે.'
એવામાં ઠાઠમાઠ સાથે નેતાની પધરામણી થઈ. નેતાએ સભામાં આવીને કહ્યું, 'મારા જીવનનું એક જ લક્ષ્ય છે. હું દેશને ખાતર જીવું છું. રાત-દિવસ લોકસેવા કરું છું. ભલે આજે હું પ્રધાન હોઉં, પણ મુખ્યપ્રધાન થવાની સહેજે ઇચ્છા નથી. મારે તો પ્રજાસેવક બનીને ગરીબોની વચ્ચે રહેવું છે.'
સામાન્ય નાગરિક આ સાંભળીને પ્રસન્ન થયો. ત્યાં સભામાં હાઈકોર્ટના માનવંતા ન્યાયમૂર્તિ પધાર્યા. એમણે એમની ઠાવકી અદામાં કહ્યું, 'અમારું કામ તો તમને ન્યાય આપવાનું છે. એને માટે અમે એકેએક કેસ તલસ્પર્શી રીતે તપાસીએ છીએ. વખત ગમે તેટલો લાગે. ભલે ઘણો વિલંબ થતો હોય, પણ અમારો હેતુ તો તમને યોગ્ય ન્યાય આપવાનો છે.'
સામાન્ય નાગરિકને ન્યાયમૂર્તિની વાત સાંભળી સહેજ વિનોદ થયો, પણ ત્યાં તો નામાંકિત ડૉક્ટરો આવ્યા અને એમણે કહ્યું, 'દર્દીની સેવા એ જ અમારો જીવનમંત્ર છે. જેટલાં વધારે દર્દીઓ આવે એટલી દર્દીઓની સેવા કરવાની વધુ તક મળશે. અમે દરિદ્ર નારાયણની નહીં, પણ દર્દી નારાયણની સેવાનું ભગી૨થ કામ દેશના સામાન્ય લોકોને માટે કરી રહ્યા છીએ.'
નાગરિકે સભામાં સહુનાં ભાષણો સાંભળ્યાં અને વિચાર કર્યો કે, હું શું કરું છું? ત્યારે એને લાગ્યું કે હું તો આ બધાની કિંમત ચૂકવું છું. ઉપદેશક દાનરાશિ લે છે, નેતા કર ઝીંકે છે, ન્યાયમૂર્તિનો ન્યાય મળે, ત્યારે સ્થિતિ અને પરિસ્થિતિ બદલાઈ ગયા હોય છે અને ડૉક્ટરો નાણાં પડાવવામાં ક્યાંય કોઈ કસર રાખતા નથી.
આ વાત અમને એટલા માટે યાદ આવી કે આ દેશમાં સામાન્ય ગરીબ નાગરિકોનો ભોગ લેવાઈ રહ્યો છે. કોઈ ધર્મના નામે, તો કોઈ દેશસેવાનાં નામે, કોઈ કોર્ટકચેરી કે ડૉક્ટરની સા૨વા૨ને નામે એનું શોષણ થાય છે. આપણી બેંકોને જ જુઓને! પ્રજાને માટેની બેંકો હવે ખુદ કોર્પોરેટ બની ગઈ છે અને એ ગ્રાહક પાસેથી દરેક રીતે પૈસા ઉઘરાવવાનો પ્રયત્ન કરે છે. બેંક ફડચામાં જાય, એમાં ગોટાળા થાય કે એમાં સંગઠિત ભ્રષ્ટાચાર ચાલતો હોય છે. દેશના ગરીબ ખેડૂતોની આત્મહત્યાનું મૂળ બેંકોની અસંવેદનશીલતા છે. ગાંધીજીએ આર્થિક વિકેન્દ્રીકરણની વાત કરી હતી. આજે આપણે ફરી એ સ્થિતિ પર આવીને ઊભા રહી ગયા છીએ.








