દેશની સ્વતંત્રતા એ જ મારા માટે સર્વસ્વ

- કારાવાસની કાળી કોટડી એ મારે માટે મુક્તિનું મંગલગાન છે
- લાલબહાદુર શાસ્ત્રી
એ જમાનો હતો કે જ્યારે જુવાનો દેશને માટે કુરબાન થવા આતુર હતા. મહાત્મા ગાંધીજીના એક અવાજે યુવાનો ઘર, પરિવાર અને નોકરી છોડીને આઝાદી કાજે આહલેક જગાવતા નીકળી પડતા હતા. ગાંધીજીએ મીઠા પર વેરાનો સત્યાગ્રહ કર્યો. મીઠું ગરીબ અને અમીર સહુને માટે જરૂરી. આથી એક સામાન્ય બાબત સરકારની હકૂમતને પ્રચંડ પડકારરૂપ બની ગઈ.
આ આઝાદીની આગ અલાહાબાદ શહેરમાં જુવાન લાલબહાદુરને સ્પર્શી ગઈ અને એમણે અલાહાબાદમાં કાયદાભંગની ચળવળ ચલાવી. કહ્યું કે ભલે સરકાર મનમાન્યા કાયદા કરે, આપણે કાયદા તોડવા, ભલે સરકાર આકરી સજાઓ કરે, આપણે એ સજાઓ હસતા મુખે સહન કરવી, પણ આ સરકારની જોહૂકમીને કોઈ પણ ભોગે કબૂલ કરવી નથી. સ્વતંત્રતા કાજે સર્વસ્વ કુરબાન.
લાલબહાદુરે અલાહાબાદની નજીકના એક ગામડામાં સભા ભરી. એમણે કહ્યું, 'આ સરકાર પૈસા રળવા અહીં આવી છે. એ આપણી પાસેથી કર લે છે, કર લઈને આપણને કનડે છે. આપણા ધનનો ઉપયોગ પરદેશી સરકાર આપણને ચૂસવા માટે અને આપણને ગુલામ રાખવા માટે કરે છે.આવી સરકારને કર ન આપી શકાય.'
યુવાન લાલબહાદુરે જોયું કે એની સભામાં કેટલાક સરકારી અધિકારીઓ ગુપ્તવેશે બેઠા હતા. નજીકમાં પોલીસની ફોજ ઉભી હતી. પોતાની ઘરપકડ થવાની છે એ નક્કી હોવા છતાં લાલબહાદુરે ઠંડે કલેજે પરદેશી રાજયની ટીકાઓ ચાલુ રાખીને જનતાને કાયદાનો ભંગ કરવા હાકલ કરી. પોતાના હાથે એક પાઈ પણ આ પરદેશી સરકારને આપશો નહીં, એમ કહ્યું.
લાલબહાદુરે ભાષણ પૂરું કર્યું. બહાર નીકળ્યા કે પોલીસ અમલદારો તૈયાર જ હતા. તેમની ઘરપકડ કરવામાં આવી અને એમને અલાહાબાદ લાવવામાં આવ્યા. એમના પર રાજદ્રોહનો અને જનતાને ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો.
કેસ ચાલ્યો. અઢી વર્ષની સજા થઈ. ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાની એક જેલમાં એમને લઈ જવામાં આવ્યા.
જુદા જુદા જિલ્લાના કેદીઓને આ જેલની જુદી જુદી બરાકોમાં રાખવામાં આવતા. જેલની કોઈ બરાકમાં કાનપુર જિલ્લાના કેદીઓ હોય, તો કોઈ બરાકમાં ઇટાવા જિલ્લાના કેદી હોય, તો વળી કોઈ બરાકમાં ઉન્નાવ જિલ્લાના કેદીઓને પૂરેલા હોય. કોઈએ દેશ ખાતર સાચા દિલથી જેલ સ્વીકારી હોય, કોઈએ કશો લાભ મેળવવાની આશાએ જેલ સ્વીકારી હોય, તો કોઈ કશુંય સમજ્યા વિના, લડતમાં ભાગ લઈને અહીં આવી પડયા હોય.
જેલમાં ઘર જેવી સગવડ ક્યાંથી મળે? દેશભક્તિ સિવાયના ઇરાદે આવેલા લોકોને અહીં ક્યાંથી ફાવે ? આવા કેદીઓ નાનીનાની વાતોમાં ઝઘડા ઊભા કરે. ઇટાવા જિલ્લાના એ વખતના કેદીઓને ઝઘડાખોરી, મસ્તી અને તોફાનમાં કોઈ ચડે નહીં.
આવે સમયે જેલની કાળી કોટડીમાં એક નવા સમાચાર આવ્યા. આવતીકાલે આ જેલમાં 'મોટા નેતા' આવે છે. એ મોટા નેતાનું નામ છે લાલબહાદુર શાસ્ત્રી. આ સમાચારથી આખી જેલમાં થોડીવાર સન્નાટો છવાઈ ગયો. બધા જુવાનિયા બરાબર શિસ્તપૂર્વક રહેવા લાગ્યા. બધા જ મોટા નેતાથી ડરે. મોટા નેતાની 'કૃપા' મેળવવા હંમેશા પ્રયત્નશીલ રહે.
કેટલાય કેદીઓએ આ મોટા નેતા લાલબહાદુરને જોયા પણ ન હતા. તેઓ વિચારવા લાગ્યા કે જરૂર કોઈ ઊંચો, તગડો, હટ્ટોકટ્ટો આદમી હશે. એનું નામ જ જુઓને! લાલ અને વળી બહાદુર!
બીજે દિવસે બધા કેદીઓ નવા નેતાને વધાવવા હારબંધ ઊભા રહ્યા. લાલબહાદુર જેલમાં આવ્યા. એમને જોઈને યુવાન કેદીઓ તો ડઘાઈ ગયા. શું આ ટચુકડો માણસ લાલબહાદુર હશે? નેતા તો કેવો હોય? એના પ્રભાવમાં સહુ આવી જાય, ત્યારે આ તો સીધો, સાદો અને સરળ આદમી છે. આ નેતાએ આવીને પોતાનું કામ પોતાની જાતે જ કરવા માંડયું. બધાને આશ્ચર્ય થયું કે આ નેતા તે કેવો? પોતાનું કામ તે વળી જાતે કરાતું હશે? ન કોઈને ખખડાવે છે કે ન કોઈને ધમકાવે. નથી કોઈને હુકમ કરતો કે નથી લાબું-લચ ભાષણ આપતો. અજબ જેવી વાત છે.
જેલમાં કેદીઓનાં કપડાં ધોવા ધોબી આવે, પણ આ મોટા નેતા સ્વાવલંબી હતા. બીજાને ભારરૂપ શા માટે થવું? નવા નેતા લાલબહાદુર સ્નાન કરીને જાતે જ કપડાં ધોઈ નાખે. પોતાને મળતો સારો ખોરાક બચાવીને એ ગરીબ કેદીઓને આપી દે.
આજ સુધી બધા કેદીઓ જેલના અધિકારીઓની ખુશામત કરતા. જેને વધુ ખુશામત આવડે, તેને વધુ બીડી પીવા મળે. પણ નવા નેતાને જોઈ કેદીઓ આવું કરતાં અટકી ગયા. લાલબહાદુર પોતાને મળતી સવલતોમાં સંતોષ માનતા, કોઈ વસ્તુ મોડી મળે અથવા ન પણ મળે તો ગુસ્સે થતાં નહીં.
એક વાર જેલની અંદર મોટી ધમાલ થઈ. વારંવાર જેલ અધિકારીઓને ફરિયાદ કરવા છતાં સારું અનાજ મળતું નહીં, આથી એક દિવસ બધા કેદીઓ ખૂબ ખીજાયા. કોઈએ ખાધું નહીં. બધા થાળી પછાડી ઊભા થઈ ગયા. જોરજોરથી જેલના નોકરોને તતડાવવા લાગ્યા. આવતી કાલથી ભૂખ-હડતાલ પર ઊતરવાનો નિર્ણય જાહેર કર્યો.
નવા નેતા લાલબહાદુરે જોયું કે આ આંખની અંધી અને કાનની બહેરી સરકાર સામે ભૂખ-હડતાલ પર ઊતરવાથી કંઈ વળશે નહીં. એણે પોતાના સાથીઓને શાંત પાડયા અને જેલરને બોલાવ્યો. થોડીવારમાં એક ઊંચો કદાવર અંગ્રેજ આવ્યો. એના હાથમાં લાકડી ને માથે હેટ હતી. રૂઆબ બાર ખાંડીનો હતો. લાલબહાદુરે નજીક આવીને એને નમસ્કાર કર્યા. પેલો ગોરો તો એમ માનતો હતો કે એ જેવો ત્યાં જશે એવી ભારે હો-હા થશે, પણ અહીં તો નમસ્કાર, સાવ શાંતિ! લાલબહાદુરે અંગ્રેજ ઉપરીને પાસે બેસાડયા અને કેદીઓની મુશ્કેલીઓ સમજાવી.
અંગ્રેજ જેલર પીગળી ગયો. એ લાલબહાદુરનો મિત્ર બની ગયો. એણે બધી વાતો શાંતિથી સાંભળી. સારા અનાજની વ્યવસ્થા કરવા એ કબૂલ થયો. બીજા દિવસથી કેદીઓને સારું અનાજ મળવા લાગ્યું. જેલમાં તો અનાજ લાવવાનું અને રસોઈ પર દેખરેખ રાખવાનું કામ કેદીઓ જાતે કરતા. આ માટે દરેકનો વારો નક્કી કરવામાં આવતો. લાલબહાદુર જાતે અનાજ લાવતા, ઘણા ધ્યાનથી અને ચીવટથી અનાજ સાફ કરતા અને પોતાના સાથીઓને સારું અનાજ મળે તેની ચિંતા રાખતા.
જેલમાં બે કેદીઓ વચ્ચે ઘાસતેલની એક ચીમની મળતી. રાત્રે કેદીઓ આનો વારાફરતી ઉપયોગ કરતા. લાલબહાદુર પોતાની ચીમની આખી રાત માટે પોતાના સાથીને આપી દેતા, પોતાના માટે એરંડિયાનો દીવો રાખતા. આ દીવાની નજીક બેસી એમણે કેટલાંય પુસ્તકો વાંચી નાખ્યાં. બીજાને જે જોઈએ, એ પોતાને ના જોઈએ, એ એમનું સૂત્ર.
લાલબહાદુરના આવા વર્તને ઉન્નાવ જિલ્લાની જેલના કેદીઓને બદલી દીધા. એક વાર જ્યાં ઝઘડા ચાલતા, ત્યાં હવે શાંતિથી અભ્યાસ, ચર્ચાને રમતગમતો થવા લાગી. જેલ તે કંઈ વિદ્યાપીઠ કહેવાય? પણ યુવાન લાલબહાદુરે જેલને વિદ્યાપીઠ બનાવી. આ જેલની વિદ્યાપીઠમાં લાલબહાદુરે જગતના સાહિત્ય અને જગતના વિચારપ્રવાહ સાથે પરિચય કેળવ્યો.
લાલબહાદુરે કેન્ટ અને હેગલ જેા વિખ્યાત ચિંતકોનાં પુસ્તકો અહીં રહીને વાંચ્યા. રાજકારણના સમર્થ વિદ્વાન હેરોલ્ડ લાસ્કીનો અભ્યાસ અહીં કર્યો. બટ્રાન્ડ રસેલ અને આલ્ડસ હકસલે જેવા વિચારકોના વિચારો અહીં જાણ્યા. કાર્લ માર્ક્સ અને લેનિનનાં પુસ્તકો વાંચી સામ્યવાદનું જ્ઞાાન અહીં મેળવ્યું. ગાંધીજી, જવાહરલાલ, રવીન્દ્રનાથ અને ટોલ્સટોયના વિચારોનું મનન એમણે અહીં કર્યું. એક વાર એકી બેઠકે ટોલ્સટોયની મહાન નવલકથા 'એના કેરેનિયા' વાંચી કાઢી.
લાલબહાદુરે મેડમ ક્યુરીના જીવનચરિત્રોનો હિંદીમાં અનુવાદ કર્યો. ૧૯૪૨ની 'હિંદ છોડો' ચળવળનો ઇતિહાસ લખવો શરૂ કર્યો, પણ એ પૂરો થઈ શક્યો નહીં. આજે એની ત્રણસો પાનની અધૂરી હિંદી હસ્તપ્રત પડેલી છે. કોઈ નવરાશની વેળાએ તે પૂરી કરવા ચાહતા હતા, પણ નવરાશ છેલ્લે સુધી ન જ મળી.
લાલબહાદુર માટે જેલ મન અને બુદ્ધિને કેળવણી આપતી વિદ્યાપીઠ બની. તેઓ જેલજીવનનો શક્ય એટલો સારો ઉપયોગ કરવા માગતા. લાલબહાદુર રમતના પણ શોખીન. રમત માટે પણ સમય નક્કી જ. તેઓને બેડમિંગ્ટન વિશેષ ગમે. તક મળે ત્યારે લાલબહાદુર ફૂટબોલ પણ રમતા.
૧૯૩૦થી માંડીને ૧૯૪૫ સુધી લાલબહાદુરને વારંવાર કારાવાસમાં જવાનું બન્યું. ૧૯૩૦ પછીની આઝાદીની એકેએક ચળવળમાં લાલબહાદુરે ભાગ લીધો અને દરેકમાં છેવટે જેલમાં જવાનું બન્યું.
એકંદરે લાલબહાદુર શાસ્ત્રીને સાત વખત જેલમાં જવું પડયું હતું અને પોતાની જિંદગીના મહત્ત્વના યુવાનીનાં નવ વર્ષ એમણે કારાવાસની કોટડીમાં ગાળ્યાં હતાં. એનો એમને અફસોસ નહોતો. ગૌરવ હતું !
શાયરી
તુમ હસીન રાત કી બાત કરતી હો, હમ ગમ કી રાતસે બાઝ નહીં આતે,
તુમ મદહોશ ચાંદની કો દેખતે હો, હમ ગરીબોં કે ઘર વો નહીં આતી.
પ્રસંગકથા
રાષ્ટ્રનિર્માણમાં પાછા ન પડીએ
થોડા સમય પહેલાની વાત છે. અરબસ્તાનમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો.
માણસની ચામડી તતડી જાય, આખો દિવસ શરીર ખંજવાળ્યા કરે, શરીર પર ચાઠાં પડી જાય, ભડભડતી આગ જેવી લાય બળે.
દેશના આરોગ્યખાતાએ તપાસ આરંભી. પાણીની ચકાસણી કરી, અંતે જાણ થઈ કે ખાદ્યતેલમાં અખાદ્ય તેલની ભેળસેળ થવાથી આ વિચિત્ર રોગ ફેલાયો છે.
ગુનેગારની તપાસ ચાલી. છૂપી પોલીસે ચાંપતી દેખરેખ નીચે કામ શરૂ કર્યું. આગેવાન રાજવીએ કહ્યું હતું,
'આકાશ પાતાળ એક કરો, પણ ગુનેગારને શોધી કાઢો. માનવજીવન સાથે આવા ચેડાં કરનારને સહેજે છટકવા ન મળે એની પૂરી તકેદારી રાખો.'
થોડે દિવસે શહેરના બાર અગ્રગણ્ય વેપારીઓની ઘરપકડ થઈ. અદાલતમાં એમની સામે કેસ ચાલ્યો. ક્રુડ ઓઈલને ગંધમુક્ત અને રંગમુક્ત કરીને ખાદ્યતેલમાં આ વેપારીઓ ભેળવતા હતા.
બાર વેપારીઓને ફાંસીની સજા ફરમાવવામાં આવી, સરકારે જરાય રહેમ બતાવ્યા વિના બારેયને ફાંસીને માંચડે લટકાવી દીધાં.
પણ બીજે દિવસે તેલના તેરમાં વેપારીએ આત્મહત્યા કરી. આત્મહત્યા કરતાં અગાઉ એક ચિઠ્ઠી લખીને મૂકી ગયો હતો, એમાં એણે લખ્યું હતું.
'હું પણ પેલા બાર વેપારીઓ સાથે ખાદ્યતેલમાં ભેળસેળ કરવાના પાપમાં સામેલ હતો, પરંતુ સંજોગવસાત્ હું પોલીસના સકંજામાં સપડાયો નહીં, જે પાપ બીજા વેપારીઓએ કર્યું હતું, એ જ મેં કર્યું છે. મારા સાથીદારોને ફાંસીને માંચડે ચડાતા જોઈ મારું અંતર કોરાવા લાગ્યું. જીવન ભારરૂપ જણાવા લાગ્યું. લોકોના જીવન સાથે ભયંકર રમત ખેલવા માટે મારે મારા પાપની સજા ભોગવવી જ જોઈએ, આથી મેં આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો અને પાપના પ્રાયશ્ચિત્તરૂપે આત્મહત્યા કરી રહ્યો છું.
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે દેશમાં ચોતરફ રાષ્ટ્રભક્તિની લહેર ઉઠી છે. રાષ્ટ્રના ગૌરવનું સઘળે ગાન થઈ રહ્યું છે, શિક્ષણ હોય કે સમાજ, એમાં રાષ્ટ્રભક્તિને મહત્ત્વ આપવામાં આવે છે, પણ સાથોસાથ એ રાષ્ટ્રગૌરવનાં પાયામાં રહેલી પ્રમાણિકતા અને નાગરિક ધર્મને આપણે ભૂલી ગયા છીએ.
રાષ્ટ્રભક્તિનો આપણે જયઘોષ કરીએ, પણ સાચો અવાજ તો ત્યારે જ સંભળાય કે જ્યારે રાજકીય વહીવટ અને પ્રજાજીવનમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થયો હોય. દરેક વ્યક્તિ નાગરિક તરીકેની ફરજ બરાબર સમજતા અને બજાવતા હોય. હેલ્મેટ કે સીટ બેલ્ટ પહેરવા નહીં, વિરુધ્ધ દિશામાં વાહન ચલાવવું નહીં જેવા સામાન્ય નિયમોનો ઘોર અનાદર થઈ રહ્યો છે. લોન અને લાંચ સાથે ગાઢ સંબંધ બંધાઈ ગયો છે. આવી પરિસ્થિતિમાં ભલે રાષ્ટ્રભક્તિનાં ગીતો ગાઈએ, પણ રાષ્ટ્રનિર્માણમાં પાછા પડી જઈશું!
અમેરિકાની જોહુકમી અને પડોશી દેશોની દુશ્મનાવટનો આપણે હિંમતભેર સામનો કરી રહ્યા છીએ, પણ સાથોસાથ પ્રજાએ પણ પ્રામાણિકતા અને પુરુષાર્થથી દેશના ખમીરને ઉજળું રાખવાનું છે, તે ન ભૂલીએ.








