સરમુખત્યારનું સ્મરણ કરતા દેશની પ્રજા આજે ય શરમ અનુભવે છે

- રાત્રે લાઇટ ચાલુ રાખીને પ્રજાકલ્યાણ માટે ઓગણીસ કલાકનાં જાગરણનો ડોળ કરતો
- મુસોલિની
- હમ જો ચલે તો રહગુજર નહીં થા, તુમ જો આયે તો મંઝિલ મિલ ગયી.
ઇટલીના ઐતિહાસિક મહાનગર રોમમાં પ્રવેશ કર્યો, ત્યારે લક્ષ્ય તો એક જ હતું અને તે વેટિકનમાં ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ જ્હોન પોલ(દ્વિતીય) સાથે મુલાકાતનું. રોમના હવાઈમથકે એરપોર્ટના અધિકારીએ રોમમાં અમારા આગમનનું કારણ પૂછયું, ત્યારે અમે જૈન ધર્મના કેટલાક અગ્રણીઓનું આ મંડળ છે એવી ઓળખ આપી, પરંતુ એમને જૈન ધર્મની કશી ખબર નહોતી. આખરે એમ કહ્યું કે હિંદુ ધર્મ જેવો આ એક ધર્મ છે, ત્યારે પાસપોર્ટની ચકાસણી કરનારને શાતા વળી અને અમને સહુને પ્રવેશવાની પરવાનગી મળી.
જીવનમાં પણ આવું જ બનતું હોય છે ને? આપણે કોઈ નાની બાબતને અતિ મહત્ત્વની માનીએ છીએ અને હકીકતમાં ભાગ્યે જ અન્યને એની જાણ હોય! ગમે તેટલી પ્રાપ્તિ કે સિદ્ધિ પછી નમ્રતાની આવશ્યકતા એ એનાથી જ સમજાય. અમે સહુ રોમનગરીમાં ઉતર્યા અને પછી થોડો સમય હોવાથી મનમાં એમ થયું કે ચાલો ને, આ મહાનગર રોમની ગતિવિધિ જાણીએ.
આમ તો મનમાં અંગ્રેજ ઇતિહાસકાર એડવર્ડ ગિબને લખેલું, 'The History of the Decline and Fall of the Roman Empire' કે જે 'ડિક્લાઈન એન્ડ ફોલ ઓફ ધ રોમન એમ્પાયર'ના ટૂંકા નામે પ્રસિદ્ધ છે. એ સાત વોલ્યુમના મહાગ્રંથમાંથી ઇટલી આવતા પૂર્વે પસાર થવાનું બન્યું હતું અને ત્યારે રોમન સામ્રાજ્ય, પ્રારંભિક ખ્રિસ્તી ધર્મનો ઇતિહાસ, રોમન રાજ્યની ધર્મપરાયણતા અને પછી ચંગીઝ ખાન અને બીજાં આક્રમણોને કારણે પ્રાચીન રોમનો થયેલો વિનાશ એની થોડી ઝાંખી મેળવી હતી. એક આખીય સંસ્કૃતિ કઈ રીતે ભૂંસાઈ ગઈ, એનું આલેખન આ વિસ્તૃત ઇતિહાસ ગ્રંથમાંથી મળે છે.
મનમાં એ પુસ્તકનું ૨ટણ ચાલતું હતું, ત્યાં જ ઇટલીની મારી સફરના બુઝર્ગ સાથી આલ્ડો રીઝો આવી પહોંચ્યા. મેં મારા મનમાં ચાલતી વાત કરી, ત્યારે તેઓ બોલી ઊઠયા, 'આ ભૂતકાળની વાત નથી, બલ્કે આ વર્તમાનની પણ હકીકત છે. આ ભવ્યોજ્જવલ સંસ્કૃતિ છે, પણ તેનું રખોપું કરનારા આજે તો નિમ્ન-ક્ષુદ્ર માટીપગા માનવીઓ! ઇટલીના વર્તમાન સમયના રોમન એમ્પાયરની આ એક હૃદયવિદારક ટ્રેજેડી છે.'
વર્તમાન ઇટલીના રાજપુરુષ ગણાયેલા અને એંસી વર્ષ સુધી એની પાર્લામેન્ટના સભ્ય તરીકે કાર્ય કરનારા એવા ગુલીઓ આંદ્રેઆરીની વાત કરતા એમણે કહ્યું કે, 'વિશ્વયુદ્ધ પછી આ દેશના સૌથી કાબેલ અને શક્તિશાળી ગુલીઓ આંદ્રેઆરીની છબી પણ આવી જ હતી. ઇટલીના આ ૪૧મા વડાપ્રધાને સાત-સાત સ૨કા૨ોના સમયે પ્રધાનમંત્રીપદ ભોગવ્યું હતું, પરંતુ ઇટલીના માફિયાઓ સાથે એમના સંપર્કને લીધે, હત્યાને કારણે અને મુક્ત અવાજ ઉઠાવનારા પત્રકારની હત્યાને કારણે એમના પર ગંભીર આક્ષેપો થયા હતા.
આલ્ડો રીઝોનો ચહેરો એકદમ બદલાઈ ગયો. એની ચકળવકળ થતી આંખોમાં રાજપુરુષોની પ્રજાછલનાની પ્રપંચલીલા માટેનો આક્રોશ જોવા મળ્યો. એનો લાલચોળ ચહેરો, પહોળી આંખ, ઊંચે ચડેલી ભ્રમણો અને મુખ પરની સખ્તાઈ રાજકારણીઓ પ્રત્યેના પ્રચંડ આક્રોશને પ્રગટ કરતા હતા અને પછી વ્યથાની ધાર પર વેદનાના શબ્દો ઘસતો હોય એમ આલ્કો રીઝોએ કહ્યું, 'સત્તા અને જોહુકમીનો કીડો ચોવીસ કલાક સતત સળવળતો હોય, પોતાના પ્રભાવની ધાક જમાવવાની વૃત્તિ સતત હૈયામાં ડંખ મારતી હોય અને એકચક્રી શાસનની દુષ્ટ વૃત્તિ દિલમાં હળાહળ વિષની પેઠે વ્યાપેલી હોય, એવો રાજકારણી એમના મુખ પર પ્રજાકલ્યાણની મોટી- ખોટી વાતોનું મહોરું પહેરે, જીભ પરથી સૂત્રો અને વચનોની મીઠી લ્હાણ વરસાવે અને પ્રજાપ્રેમનું નાટક કરવા છાશવારે છાપામાં સેવાભાવી તસવીરો અને અતિ નમ્ર નિવેદનો છપાવે એવા રાજકારણીનું દમન અત્યાચારી કરતાં અધિક હોય છે. એનાથી ત્રાહિમામ્ ત્રાહિમામ્ થયેલી પ્રજાનો છુટકારો કોઈ જુલ્મી શાસકના સકંજામાંથી મળતી મુક્તિ કરતાં વધુ મુશ્કેલ હોય છે! કારણ કે પહેલાં એનો પ્રપંચ ખુલ્લો પાડવો પડે, પછી જ એને પરાભવ આપી શકાય.'
વયોવૃદ્ધ માનવીના આ આઘાતના શબ્દોમાં પ્રજાની થયેલી પાયમાલીનાં અશ્રુ ટપકતાં હતાં. મહાન રાષ્ટ્રની લગામ મામૂલી માનવીઓના હાથમાં આવે, તો પ્રજાની કેવી બેહાલી થાય! તેની વેદના આ સાચા દિલ ઇટાલિયનના મનમાં ધરબાયેલી જોવા મળી! પણ સૌથી વધુ તો સરમુખત્યારો કે માફિયાપ્રેરિત રાજપુરુષો સામે પ્રજાએ રાખેલી ખામોશી અને ધારણ કરેલું મૌન આજે એક બુટ્ટા ઇટાલિયનને ગુનાની ભાવનાથી પીડા આપી રહ્યું હતું.
ઇટલીના પ્રજાજીવનમાં ભ્રષ્ટાચાર અને માફિયાઓના વર્ચસ્વ સામે સામાન્ય જનસમૂહ રોષનો લાવારસ ભભૂકતો જોવા મળ્યો. પ્રજાપ્રેમનું દંભી નાટક ખેલનારા રાજકારણીઓ તરફ પારાવાર નફરત અને ઘૃણાનો ભાવ પ્રવર્તતો હતો.
પ્રજાપ્રેમનો ફરેબી સ્વાંગ રચીને સત્તાલાલસાનો ખેલ ખેલનાર તરીકે આલ્ડો રીઝોએ જ્યારે વિશ્વયુદ્ધ વેળાના બેનિટો મુસોલિનીની વાત કરી ત્યારે એની એક આંખમાં ભારોભાર આક્રોશ અને બીજી આંખમાં એટલી જ વેદના હતી. એક દંભી રાજપુરુષ દેશના ભવ્ય ગૌરવને કેવું ધરાશાયી કરી શકે છે અને એના નાટકીયાવેડાથી દેશને કેવા સ્વપ્નપ્રદેશોમાં નાચતો ઝૂમતો રાખે છે!
આલ્ડો રીઝોને અફસોસ એ વાતનો હતો કે વિશ્વ યુદ્ધ સમયે વિન્સ્ટન ચર્ચિલને યાદ કરીને બ્રિટન યોગ્ય રીતે ગૌરવશાળી બને છે. યુદ્ધ સમયે ફ્રાંસને પોલાદી નેતૃત્વ આપનાર રાષ્ટ્રપ્રમુખ ચાર્લ્સ દ'ગોલને કાજે ફ્રેંચ લોકો ઉચિત ગૌરવ અનુભવે છે ત્યારે વિશ્વયુદ્ધમાં મુસોલિની કામગીરીનું સ્મરણ કરતાં, ઇટલીની પ્રજા ખુદ શરમ અનુભવે છે.
આલ્ડો રીઝોએ કહ્યું કે મુસોલિની કુશળ રાજકારણી કરતાં ચાલબાજ અભિનેતા હતો. કોઈ નિપુણ અદાકાર પોતાની અદા, 'ઇમેજ' અને પ્રભાવ જાળવવા અથાગ પ્રયત્ન કરે એટલો જ પ્રયાસ મુસોલિનીએ રાષ્ટ્રનેતા તરીકેની પોતાની પ્રતિભા ઉપસાવવા કર્યો, પ્રજાપ્રેમનું નાટક ખેલતા ખેલતા એ સરમુખત્યાર બની ગયો. ભલે પ્રજાને એ વિદૂષક લાગતો હોય! પોતાને યુરોપનો સૌથી મહાન અને સશક્ત રાજપુરુષ ઠેરવવા માટે એણે પ્રજાની આંખે એક્ટિંગ કે આડંબરથી પાટા બાંધવાની કોશિશ કરી.
આત્મપ્રશંસા કાજે પ્રચારતંત્રોને ખબરદાર-સાબદા કર્યા અને પ્રજાને ભોળવવાના ભાત-ભાતના બનાવટી નુસ્ખાઓ મુસોલિનીના ફળદ્રુપ ભેજાએ ઉપજાવી કાઢયા. મુસોલિનીની મૌલિકતા પ્રગટ થવા લાગી. એકલે હાથે રાતોની રાતો ઉજાગરા વેઠીને ઇટલીની પ્રજાના દુ:ખદર્દ દૂર કરનાર, એને માટે બેચેન રહેનાર કોઈ હોય તો તે મુસોલિની અને મુસોલિની જ! બીજો કોઈ જ નહીં! આ માટે એના કઠપૂતળી જેવાં પ્રચારતંત્રોએ જાહેર કર્યું કે મુસોલિની ઇટલીની ચિંતામાં પૂરું ઊંઘતા નથી. અરે! ચોવીસ કલાકમાંથી સત્તર-સત્તર કલાક તો રાજકાજના કામની પાછળ ગાળે છે. ધન્ય છે આવા પ્રજાકલ્યાણ કાજે ઊંઘ હરામ કરનારા મહાન નેતાને!
હકીકત એ હતી કે મુસોલિનીને લાંબી ઊંઘની જરૂર પડતી. ઓછામાં ઓછા નવ કલાક તો નિદ્રામાં ગાળવા જ પડે! તો પછી ૧૯ કલાકના જાગરણનો મેળ કઈ રીતે બેસાડવો? આથી લાઈટ ચાલુ રાખીને કામ કરતા હોવાનો ડોળ કરીને ૧૯ કલાક જાગરણનું (લાઈટનાં!) વચનપાલન કરતા હતા. સરમુખત્યાર મુસોલિનીના વર્તન અને વાણીના દંભની એક પછી એક ઘટનાઓ નજર સમક્ષ ખુલવા લાગી. જેની હવે પછી વાત કરીશું.
પ્રસંગકથા
ગરીબો માટે હાજર છે ગળચટાં ભાષણો અને મધમીઠાં સૂત્રો
સાકંભરી નગરીમાં ધનાશાહ નામે ગૃહસ્થ રહેતો હતો.
નામ ધનાશાહ પણ ધનનો સાવ અભાવ. ભારે ગરીબીમાં દિવસ પસાર કરે. એની પત્ની રેંટિયો કાંતે, સૂતર કાઢે.
ધનાશાહ ગામમાં જાય, સૂતરનાં કપડાં વણાવી વેચવા જાય.
માંડ માંડ ગુજરાન ચાલે, એવામાં શિયાળો આવતો હતો. શિયાળામાં ધનાશાહે પોતાને માટે સૂતર કંતાવી ચોફાળ વણાવ્યો.
એવામાં સાકંભરી નગરીમાં કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્ય પધાર્યા. આખી નગરી એમને વંદના કરવા માટે એકત્રિત થઈ.
શ્રી હેમચંદ્રાચાર્યની નજરે સહુ સમાન, રાય હોય કે રંક પણ સહુના ઉપર સરખી હેતભરી નજર રાખે. હેમચંદ્રાચાર્ય ધનાશાહને ઘેર આવ્યા. ધનાશાહ વિચારવા લાગ્યો કે એનું કેટલું મોટું સદ્ભાગ્ય કે આવા મહાપુરુષ ગોચરી માટે એને ઘેર પધાર્યા.
આનંદથી ઘેલા બનેલા ધનાશાહે સૂઝતો આહાર વહોરાવ્યો. પછી પેલી ચોફાળ તૈયાર કરી હતી તે પણ વહોરાવી દીધી.
થોડા દિવસે હેમચંદ્રાચાર્ય પાટણમાં આવ્યા. મહારાજા કુમારપાળે ભવ્ય સ્વાગતનું આયોજન કર્યું જે ગુરુ એના જીવન રક્ષક અને જીવનદર્શક હોય, એના સ્વાગતમાં કઈ ખામી રાખે ખરો? ભવ્ય સામૈયામાં મહારાજા કુમારપાળ ખુદ સામેલ થયા. પાટણમાં આનંદ આનંદ પ્રવર્તી રહ્યો. પ્રજાએ અભૂતપૂર્વ આદર આપ્યો.
કુમારપાળના મનમાં એક વાત ખૂંચ્યા કરે. બધું જ ભવ્ય હતું, પણ શ્રી હેમચંદ્રાચાર્યના શરીર પરની ચોફાળ જોઈને કુમારપાળને કંઈનું કંઈ થઈ જતું હતું. સામૈયું પૂરું થયા બાદ કુમારપાળે પોતાના ગુરુને કહ્યું, 'ગુરુદેવ, આપના ચરણમાં મારું સર્વસ્વ સમર્પિત કરવા તૈયાર છું, ત્યારે તમે આવા જાડા ચોફાળ જેવા કપડાં પહેરો છો તે જોઈ મને ભારે શરમ-સંકોચ થાય છે.'
કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્યે કહ્યું, 'અમને સાધુઓને શું? સાદું કે જીર્ણ વસ્ત્ર હોય, તો પણ શોભે, પરંતુ શરમ તો તમને આવવી જોઈએ કે તમારા રાજમાં આવી ગરીબ હાલતમાં લોકો રહે કે જેમને માંડ માંડ કપડાં મળે છે.'
મહારાજા કુમારપાળ વિચારમાં પડી ગયા. એ દિવસે એમણે નક્કી કર્યું કે રાજના આવી ગરીબ હાલતમાં લોકો રહે છે કે જેમને માંડ માંડ કપડાં મળે છે.
મહારાજા કુમારપાળ વિચારમાં પડી ગયા. એ દિવસે એમણે નક્કી કર્યું કે રાજમાં ગરીબ લોકો માટે પ્રતિવર્ષ એક કરોડ સોનામહોર ખર્ચીશ.
...આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે એક જગાએ બત્રીસ પકવાન થાય છે અને બીજી જગાએ બે ટંક ભોજન પણ મળતું નથી. ક્યાંક કીમતી વસ્ત્રોથી કબાટ ભરાયેલા હોય છે, તો ક્યાંક અંગ ઢાંકવા માટે પૂરતાં વસ્ત્રો પણ નથી.
શહે૨ની ચમકદમકમાં લોકો અંજાય છે, પરંતુ ગામડાંની કારમી હકીકત જોતા નથી. ધર્મ અને રાજકારણમાં ભાષણો ઘણાં થાય છે, ભવ્ય ઉદ્ઘાટનો અને ભવ્યાતિભવ્ય મહોત્સવો યોજાય છે, પ્રજાનાં આંસુ લુછવા માટેનાં સૂત્રો જોરશો૨થી ઉચ્ચારાય છે, પરંતુ હકીકતમાં આ બધું સૂત્રોમાં રહે છે, દેશની દુ:ખી અને દીન પ્રજાનું પ્રતિબિંબ ધર્મના ઉત્સવોમાં કે રાજકારણનાં અગ્રણીઓમાં ભાગ્યે જ જોવા મળે છે.









