Editorial

સ્વપ્ન માટેનું સમર્પણ અનોખું સૌંદર્ય ધરાવે છે

By GS TEAM
11 Sep 20258 mins read
સ્વપ્ન માટેનું સમર્પણ અનોખું સૌંદર્ય ધરાવે છે

- પરિશ્રમથી નિર્માણ થયેલાં પરસેવાનાં બિંદુઓ સાચાં મોતીથી પણ વધુ મૂલ્યવાન છે

- એલિસા કાર્સન

- બહુત મિલ જાતા હૈ સુકૂન,મુઝે બંધ આંખોં કી બંદગી મેં,વરના થોડા થોડા પરશાં તો,હર શખ્સ હૈ અપની જિંદગી મેં નેક.

જિંદગી એ સ્વપ્નાંઓનો ખેલ છે. કેટલાક સ્વપ્નાં હકીકત બનતાં હોય છે, તો કેટલાક સ્વપ્નાં આંખમાં ઊગીને મનમાં આથમી જતા હોય છે, પણ ગમે તે હોય, પણ સપના એ જીવનને જુદો જ રંગ, આગવી ધગશ અને નિશ્ચિત ધ્યેય આપે છે. એવી જ રીતે માત્ર ત્રણ વર્ષની વયે એલિસા કાર્સનના મનમાં એવું સ્વપ્ન ઊગ્યું કે મારે અવકાશયાત્રી બનવું છે અને મંગળ પર જવું છે.

એણે એના પિતાને કહ્યું, ''પપ્પા, હું અવકાશયાત્રી બનવા ચાહું છું અને મંગળના ગ્રહ પર જનારાઓમાંની એક બનવા ઇચ્છું છું.'

૨૦૦૧ની ૧૦મી માર્ચે અમેરિકાના લ્યુઇસિયાના હેમન્ડ ગામમાં જન્મેલી એલિસા કાર્સને જેમ નાની ઉંમરે સ્વપ્ન સેવ્યું, એ જ રીતે નાની ઉંમરે એને સાકાર થવા માટેનાં સઘળા પ્રયત્નો આરંભ્યા. એ 'અવકાશયાત્રી' લખે તે પહેલાં મંગળના નકશા બનાવવા લાગી. ત્રણ વર્ષની વયે એણે જોયેલા કાર્ટૂન 'ધ બેકયાર્ડિંગન્સ' એ એનામાં આવો રસ જગાવ્યો. એના દરેક એપિસોડમાં કાલ્પનિક સાહસોની વાત પ્રસ્તુત થતી હતી અને એમાંનો એક એપિસોડ એ મંગળના ગ્રહ પરનું મિશન હતું.

એ એપિસોડનું પોસ્ટર એણે એના બેડરૂમમાં લટકાવી દીધું અને જાણે પોતાનું સ્વપ્ન, દીવાલ પરનું ચિત્ર અને એને સિદ્ધ કરવાના પ્રયાસો વચ્ચે એ જીવવા લાગી. એ સમયે એલિસા કાર્સન એના પિતા બર્ટ કાર્સનને વાંરવાર મંગળ વિશે પ્રશ્નો પૂછતી અને પિતાએ પણ એની જિજ્ઞાાસાને જાણીને એના સ્વપ્નને સાકાર કરવામાં સહયોગ આપ્યો. કાર્સન છ વર્ષની હતી, ત્યારે એ ફૂટબોલ કેવી રીતે રમવું તે શીખવા લાગી અને એ સમયે એણે એના પિતાને પૂછ્યું હતું કે 'શું આ અવકાશ વાસ્તવિક છે ?' અને માત્ર આઠ વર્ષની વયે તો એલિસા કાર્સન અવકાશ માટેની શિબિરમાં જોડાઈ ગઈ અને મનોમન ગાંઠ વાળી કે આ જ મારી દુનિયા છે.

નવ વર્ષની વયે એલિસા કાર્સનને સાન્ડ્રા મેગ્નસને મળવાનું બન્યું. સાન્ડ્રા મેગ્નસ એક મહિલા અવકાશયાત્રી હતી. એ સમયે કાર્સને અનુભવ્યું કે મહિલા અવકાશયાત્રી પણ કોઈ બીજી દુનિયાની વ્યક્તિ જેવી હોતી નથી, પરંતુ આપણા જેવી જ હોય છે અને એનાથી એને લાગ્યું કે હવે એ એનાં મોટાં સ્વપ્નોને જરૂર સિદ્ધ કરી શકશે. એ પછી એક પછી એક કાર્યક્રમોમાં એ જોડાવા લાગી અને વધુ તો એ સિદ્ધ કરવા માગતી હતી કે યુવતીને જો યોગ્ય તક આપવામાં આવે તો એ જરૂર ઊંચા લક્ષ્ય સિદ્ધ કરી શકે છે.

શાળામાં પણ જ્યારે બીજા બાળકો રેતીના કિલ્લાઓ બનાવતા હતા, ત્યારે એલિસા રોકેટ બનાવીને મંગળના ગ્રહ પર ઉતરણ કરવાનો ખેલ ખેલતી હતી. એ સમયે મંગળના ગ્રહના લેન્ડસ્કેપનો પણ અભ્યાસ કરવા લાગી અને કોઈ પૂછતું તો કહેતી કે મારે મંગળ પર જવું છે અને ત્યાં હું પહોંચું ત્યારે મારી પાસે એની સઘળી માહિતી હોવી જોઈએ.

આથી સાત વર્ષની ઉંમરે એણે નાસા સ્પેસ કેમ્પમાં તાલીમ લેવાનું શરૂ કર્યું અને પછી તો અમેરિકા, કેનેડા અને તુર્કી એ ત્રણેય દેશોમાં યોજાયેલા નાસા સ્પેસ કેમ્પમાં એણે હાજરી આપી અને એની શીખવાની ધગશને કારણે નવ વર્ષની કાર્સન સૌથી નાની હોવા છતાં વિદ્યાર્થીઓની નેતા જેવી લાગતી હતી. વિશ્વનાં ત્રણેય નાસા સ્પેસમાં તાલીમ લેનારી એ પ્રથમ વ્યક્તિ બની. અગિયાર વર્ષની ઉંમરે એલિસાએ એક કેમ્પમાં બાળકો સમક્ષ પોતાનું પહેલું જાહેર ભાષણ આપ્યું. એક વર્ષ બાદ નાસા દ્વારા વોશિંગ્ટનમાં મંગળ પરિષદ યોજાઈ હતી. ત્યારે એલિસા કાર્સન એની સૌથી નાની પેનલિસ્ટ બની અને આ અગિયાર વર્ષની છોકરીએ અનુભવી વિજ્ઞાાનીઓ અને અવકાશયાત્રીઓ સાથે વિચારવિમર્શ કરી.

ધીરે ધીરે અવકાશ સમુદાયમાં એનો અવાજ સંભળાવા લાગ્યો. એ પોતે વિજ્ઞાાનીઓ સાથે પરમાર્શ કરવા લાગી અને પછી અવકાશ સંશોધન માટે સમર્પિત એક વ્યક્તિગત બ્રાન્ડ બનાવવાનું શરૂ કર્યું. આજે એના બ્લોગ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને જાહેર મુલાકાતો હજારો સ્વપ્નસેવીઓને પ્રેરણા આપે છે. કેટલાક એને પોતાનું સ્વપ્ન સાચું થઈ શકે છે, તેના પુરાવા રૂપે જુએ છે. તો કેટલાક કહે છે કે અવકાશ ફક્ત ફિલ્મનાં પાત્રો માટે જ નથી એ આપણે માટે પણ છે અને એથી એની જેટલી વહેલી તાલીમ શરૂ કરીએ એટલો લાભ થાય. 

આ અવકાશશિબિરમાં એણે જોયું કે છોકરા અને છોકરીઓ વચ્ચે કોઈ લિંગભેદ રાખવામાં આવતો નહીં અને સહુ સાથે મળીને પ્રયત્ન કરતા. જોકે એ પછી વધુ અભ્યાસ માટે કોલેજમાં ગયા બાદ એને આનો લિંગભેદનો વિશેષ ખ્યાલ આવ્યો. એલિસા કાર્સને કોલેજમાં 'સ્ટેમ' એટલે કે 'સાયન્સ ટેકનોલોજી એન્જીનિયરીંગ અને મેથમેટિક્સ' શીખવતો કોર્સ પસંદ કર્યો. એ સમયે એની કોલેજમાં 'સ્ટેમ'નો વિષય લેનારી એ માત્ર એક મહિલા હતી અને એ વિચારતી હતી કે સ્ત્રીઓ જિજ્ઞાાસુ અને સક્ષમ છે. એ અર્થપૂર્ણ કામ કરી શકે છે, તો શા માટે આ કોર્સથી અળગી રહે છે. જોકે એલિસા કાર્સનને તપાસ કરતા જાણવા મળ્યું કે સામાજિક માન્યતાઓ, ભીતરની પ્રેરણાને સાકાર કરે તેવી પરિસ્થિતિનો અભાવ, જડ શિક્ષણ પ્રણાલી અને મહિલા માર્ગદર્શકો ઓછા હોવાથી 'સ્ટેમ'નો અભ્યાસ કરવાથી છોકરીઓ ડરતી હતી.

૧૮ વર્ષની ઉંમરે કાર્સને પાયલોટનું લાઇસન્ટ મેળવ્યું અને એની તાલીમમાં ઘણી બાબતોનો સમાવેશ થતો હતો. જેમાં પાણીમાં સર્વાઇવલ, જી ફોર્સ તાલીમ, માઇક્રો ગ્રેવિટી ફ્લાઇટ્સ, સ્કૂબા પ્રમાણપત્ર અને ડીકમ્પ્રેશન તાલીમનો સમાવેશ થતો હતો. આ સમયે એ વિચારતી કે એ અવકાશયાત્રી બનશે, મંગળ પર જશે, પછી મંગળના ગ્રહ પરથી પૃથ્વી પર પાછી આવશે અને એ પછી વિદ્યાર્થીઓમાં પ્રેરણા જગાવવા માટે શિક્ષક બનશે, નહીં તો દેશની રાષ્ટ્રપતિ થશે.

૨૦૧૩માં કોર્સને નાસા પાસપોર્ટ પ્રોગ્રામ પૂર્ણ કરનારી પ્રથમ વ્યક્તિ બની. જેમાં એણે નવ રાજ્યોનાં નાસાનાં ચૌદ મુલાકાતી કેન્દ્રોની મુલાકાત લીધી. એને ઘણી પેનલોમાં પેનલીસ્ટ તરીકે નિમંત્રણ આપવામાં આવ્યું. એલિસા કાર્સનને ખ્યાતિ તો ત્યારે મળી કે જ્યારે એ તેર વર્ષની હતી ત્યારે બીબીસી દ્વારા સ્ટીવ હાર્વે ટોક શોમાં 'સૌથી નાની' ઉંમરની મહિલા ગ્રાઉન્ડબ્રેકર તરીકે દર્શાવવામાં આવી હતી અને ૨૦૧૭ની દસ્તાવેજી ફિલ્મ 'ધ માર્સ જનરેશન'માં એની વાત કરવામાં આવી હતી.

એણે 'ધ ઇન્ડિપેન્ડેન્ટ' માટે ૨૦૧૮માં 'સો યુ વોન્ટ ટુ બી એન એસ્ટ્રોનેટ' અને ૨૦૨૨માં 'રેડી ફોર લીસ્ટ ઓફ : બિકમિંગ, એન એસ્ટ્રોટ ઓફ ધ માર્સ જનરેશન' એ વિશે લેખો લખ્યા અને એક પછી એક તાલીમનાં તબક્કાઓ પસાર કરીને એલિસા કાર્સન હવે ૨૦૩૦માં થનારા મંગળ મિશન પર જવા અંગે આતુર છે. એણે અત્યારથી જ આ અવકાશ કાર્યક્રમમાં સામેલ થવા માટેની જરૂરી શારીરિક અને માનસિક સજ્જતા કેળવવાનું શરૂ કરી દીધું છે. એ જાણે છે કે મંગળમાં જતા સમયે કિરણોત્સર્ગ તથા છ મહિનાની મુસાફરી માટે જરૂરી રહેઠાણ અને અન્ય સમસ્યાઓનો ઉકેલ શોધવો જરૂરી છે.

એ હકીકત છે કે પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ મંગળ છે અને મંગળના મહાસાગરની સંકલ્પના મુજબ એક સમયે મંગળની સપાટીનો લગભગ ત્રીજો ભાગ પાણીથી છવાયેલો હોઈ શકે. જોકે આ ધારણા સામે પણ કેટલાંક પ્રશ્નો ઊઠયાં છે. હવે મંગળનું પાણી પ્રવાહી રહ્યું નથી. મોટાભાગનું પાણી હિમખંડ સ્વરૂપે છે. આજે એ બરફ સ્વરૂપે મળે છે. વળી મંગળનું પ્રવાહી પાણી ઝડપથી બાષ્પીભવન પામે છે અથવા તો ઝડપથી થીજી જાય છે. ૨૦૧૮માં ઇટલીની એક સ્પેસ એજન્સીનાં વિજ્ઞાાનીઓએ મંગળના ગ્રહમાં વીસ કિમી.ના વ્યાપવાળુ તળાવ હોવાનો દાવો કર્યો હતો. ખેર, એલિસા કાર્સનના મનમાં મંગળ પરનાં પાણી વિશેની ભારે જિજ્ઞાાસા છે.

બાળપણથી જ મંગળના ગ્રહ પર જનારી પ્રથમ વ્યક્તિ બનવાની એની મહત્ત્વકાંક્ષા જાણીતી છે. હજી મંગળ પરની અવકાશયાત્રા પાંચ વર્ષ પછી છે, પરંતુ એલિસાની અવકાશયાત્રી બનવાની ધૂન અને એના માટેના અથાગ પ્રયત્નોએ સહુનું ધ્યાન ખેંચ્યું છે અને એથી ચોવીસ વર્ષની એલિસાએ સાત વર્ષની ઉંમરે ઓગણીસ અવકાશશિબિરોમાં હાજરી આપી છે. દરેક અવકાશી શિબિરમાં હાજરી આપનાર એક માત્ર વ્યક્તિ એલિસા કાર્સને છવીસ દેશોનો પ્રવાસ કર્યો છે અને અંગ્રેજી, ફ્રેન્ચ, સ્પેનિસ તથા મેન્ડેરીન ભાષા જાણે છે.

૨૦૩૦માં મંગળ પર જવાનું મિશન રાખતી એલિસા આજે તો એના ચાહકોને એટલું જ કહે છે કે મારા ચાહકો એમનાં સપનાંને અનુસરે અને ક્યારેય કોઈ એમના સપનાંઓને છીનવી લે નહીં.

પ્રસંગકથા

બે પગમાં આવી ચોપગાની હિંસા 

અંધેરી નગરી. જેવી નગરી, એવો રાજા. ભારે ધૂની. રોજ નવા નવા તુક્કા લગાવે. સવાર પડે ને કંઈ નવું સૂઝે. બપોર થાય અને વળી કોઈ નવો વિચાર આવે, સૂરજ આથમે એ પહેલાં ઘણા ચિત્ર-વિચિત્ર હુકમ નીકળ્યા હોય.

એક દિવસ એણે ઢંઢેરો પીટાવ્યો. 'મારા સવાલનો જે ચતુર માનવી જવાબ આપશે એને હું ઈનામ આપીશ. જે જવાબ નહીં આપી શકે એનો જાન લઈશ.'

એક ચતુર માણસ. ભારે મનચલો. એ રાજા પાસે પહોંચ્યો, ને કહ્યું, 'પ્રશ્ન પૂછો છો, મહારાજ !' રાજાએ વિચારીને સવાલ કર્યો, 'કહે, હથેળીમાં વાળ કેમ ઊગતા નથી?'

પેલો ચતુર માનવી કહે, 'આપ કોની હથેળીની વાત કરો છો?'

રાજા કહે, 'મારી હથેળી સમજ તો!'

ચતુર કહે, 'દાન દેતાં દેતાં આપની હથેળી ખૂબ ઘસાઈ ગઈ, એટલે વાળ ઊગતા નથી.'

રાજા કહે, 'અને તારી હથેળીમાં?'

ચતુર કહે, 'જેવો આપનાર, એવો લેનાર જોઈએ ને! મારી હથેળીના વાળ દાન લેતાં લેતાં ઘસાઈ ગયા.'

રાજા કહે, 'વારુ ! લોકોની હથેળીમાં કેમ વાળ ઊગતા નથી?'

ચતુર કહે, 'હજૂર ! આપ દાન આપતા હતા, હું લેતો હતો, ને તે જોઈને લોકો હાથ મસળતા હતા, માટે એમની હથેળીમાંથી વાળ ખરી ગયા.'

અંધેરી નગરીના રાજાને જવાબથી આનંદ થયો અને ઈનામ આપ્યું.

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે અંધેરી નગરી જેવી પરિસ્થિતિ પ્રવર્તે છે. દેશની પ્રજા કઈ દિશામાં જઈ રહી છે ? એનો સવાલ જાગે છે. બાળપણની વીડિયો ગેમ્સથી માંડીને ફિલ્મો, ઓટીટી અને બીજાં પ્લેટફોર્મ પર હિંસાનો દાવાનળ ફેલાઈ રહ્યો છે.

'એનિમલ' જેવી હત્યાઓથી ભરેલી ફિલ્મ ભારે સફળતા મેળવે. કોઈ ફિલ્મોમાં તો માણસનાં આંગળા કાપીને ઉછાળવામાં આવે, કોઈનો હાથ ઉતરડી લેવામાં આવે, આવાં બધાં દ્રશ્યો દેશનાં માનસને વધુને વધુ હિંસક બનાવી રહ્યા છે.

આજે માણસ ટેક્નોલોજીના ઘોડા પર સવાર થઈને દોડી રહ્યો છે, પણ સાવ અવળી દિશામાં દોડી રહ્યો છે. આ હિંસાનું પરિણામ આપણે જોઈએ છીએ. પુત્ર પિતાની હત્યા કરે છે અને વિદ્યાર્થી એના સહાધ્યાયીની. પ્રાણીઓની હિંસાનું માનવીમાં અવતરણ થાય છે. એની સાથે ભૂત, પ્રેત, ડાકિણી, નાગિણી જેવી અંધશ્રદ્ધાઓને પોષવામાં આવે છે. લોકપ્રિયતા માટેની દોડ દેશને માટે લોકનાશક તો નહીં બની રહે ને?