Editorial

તમારે 'હીરો' બનવું હોય તો... .

By GS TEAM
10 Jul 20257 mins read
તમારે 'હીરો' બનવું હોય તો...                                .

- ચીન, તાઈવાન, જાપાન અને અમેરિકાને ઘેલું લગાડનાર સુપ્રીમ માસ્ટર 

- સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ

- કૈસી ચાહત રહી હોગી ઈન બારિશ કી બુંદોં કી, 

વર્ના કૌન ગિરતા હૈ આસમાં સે યે જમીં પર. 

- વૈજ્ઞાનિક કારણોસર અને કરુણાને ખાતર પણ શાકાહારી બનવું જોઈએ. જો દુનિયાને બચાવવી હોય તો શાકાહારી થયા વિના બીજો કોઈ ઇલાજ નથી.

વિશ્વભરમાં માંસાહારી પ્રજા તરીકે ચીનની પ્રજા પ્રસિદ્ધ છે. સર્પ અને ઉંદરની વાનગી ચીનાઓની પ્રિય વાનગી કહેવાય. કોરોના મહામારીના સર્જન પાછળ ચીનની વેટ-માર્કેટ (જીવતાં પ્રાણીઓનું બજા૨) કારણભૂત છે, એમ માનવામાં આવે છે. 

આવી ચીનની પ્રજાનો એક સમુદાય આજે વિયેટનામની યુવાન બૌદ્ધ ભિક્ષુણી સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈને પોતાનાં આરાધ્ય દેવી તરીકે સ્વીકારે છે. વિયેટનામથી માંડીને ચીન, જાપાન, તાઈવાન અને છેક અમેરિકા સુધી વિશ્વના અનેક દેશોમાં શિક્ષિત એવી સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈના અનુયાયીઓ નજરે પડે છે. આધ્યાત્મિક 'જ્ઞાનપ્રાપ્તિ'ની શોધ માટે લગ્ન પછી બે વર્ષ બાદ પતિની સંમતિ સાથે ચિંગ હાઈએ લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂક્યું. સંસારત્યાગ કરીને સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ હિમાલયમાં એકાંતવાસમાં રહ્યાં અને ત્યાંથી 'ક્યુન ચીન' નામની સાધનાપદ્ધતિ દ્વારા એમણે અનેક વ્યક્તિઓને આત્મસાક્ષાત્કાર અને તત્કાળ 'જ્ઞાન'ની પ્રાપ્તિ કરાવી. 

આવા સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ સાથે દક્ષિણ આફ્રિકાના રળિયામણા કેપટાઉન શહે૨માં મુલાકાત થઈ. અહીં યોજાયેલી વિશ્વધર્મપરિષદમાં સૌથી વિશાળ સંખ્યામાં સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈના અનુયાયીઓ ઉપસ્થિત હતા. સુપ્રીમ માસ્ટરના પ્રવચનની કેસેટ, પુસ્તકો અને પેલેટથી આખી વિશ્વધર્મ પરિષદ છવાઈ ગઈ હતી.

આ યુવાન બૌદ્ધ ભિક્ષુણીને સાંભળવા માટે વિશાળ જનમેદની ઊભરાતી હતી. સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ સદૈવ પ્રશ્નોત્તરીથી પોતાના વિચાર પ્રગટ કરે છે. એ પ્રશ્નો ભૌતિકજીવનને લગતા હોય કે આધ્યાત્મિકતાને લગતા હોય. મજાની વાત એ છે કે કોઈ પણ દેશમાં અને કોઈ પણ સમયે એમના ઉત્તરો સમાન હોય છે. 

ચિંગ હાઈના ધર્મવિચારમાં પાંચ પાયાના નિયમો હોય છે અને તે છે- (૧)કોઈ પણ જીવની હિંસા ન કરવી, એનાથી દૂર રહેવું, (૨)અસત્ય બોલવું નહીં, (૩)કોઈ પણ વસ્તુ તમને આપવામાં આવે નહીં ત્યાં સુધી સ્વીકારવી નહીં, (૪)જાતીય દુવર્તનથી દૂર રહેવું, (૫)કેફી પદાર્થના ઉપયોગથી દૂર રહેવું. 

આ પાંચ સિદ્ધાંતો સ્વીકારે તે જ આમાં સામેલ થઈ શકે. આ યુવાન અને અત્યંત વિશાળ સમુદાય ધરાવતાં ભિક્ષુણીને જ્યારે એમ કહ્યું કે એમના પ્રથમ ચાર આચરણના નિયમો અંગે હજારો વર્ષ પહેલાં જૈન ધર્મએ અહિંસા, સત્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્યની વાત ઊંડાણપૂર્વક કરી છે, ત્યારે એમના આશ્ચર્યનો પાર ન રહ્યો. 

આ પછી સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈએ પોતાના આંતરિક અનુભવની વાત કરતાં કહ્યું, 'હું શાકાહારી છું, કારણ કે મારી અંદર રહેલા ભગવાન તેવું ઇચ્છે છે. આપણે આપણાં કાર્ય, વાણી અને વિચારમાં શુદ્ધ રહીએ તો બધાં જ દૈવી તત્ત્વો આપણને સાથ આપશે. એ ક્ષણે સમગ્ર બ્રહ્માંડ આપણું હશે અને આપણે માટે એવું સિંહાસન હશે, જેનાથી આપણે રાજ્ય કરી શકીશું.'

સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈની 'ક્યુન યીન'ની પદ્ધતિની દીક્ષા માટે આજીવન શાકાહારી બનનારને પ્રાણીઓના સ્રોતમાંથી બનતાં ઉત્પાદનો અને ઈંડા સહિત અન્ય પદાર્થો લેવાનો નિષેધ છે. સૌથી વિશેષ મહત્ત્વ એમના આચરણના પ્રથમ નિયમને આપે છે, જેમાં ચેતના ધરાવતા જીવની હિંસામાંથી દૂર રહેવાનું સૂચવે છે. 'વિગન'માં માનનારાઓ ડેરીનાં ઉત્પાદનો ઉપયોગમાં લેતા નથી, પરંતુ 'ક્યુન યીન' પદ્ધતિમાં છોડ દ્વારા ઉત્પન્ન થતી ચીજો અને ડેરીનાં ઉત્પાદનો આહા૨માં લેવાની છૂટ છે. 

આ પદ્ધતિમાં કહેવામાં આવ્યું કે કોઈ બીજા સજીવ જીવને ઈજા પહોંચાડવી નહીં કે એને મારવું નહીં એ સજીવ જીવને માટે તો લાભદાયી છે, પરંતુ આ પદ્ધતિ એમ કહે છે કે બીજા જીવને હાનિ પહોંચાડવી નહીં. તે એ વ્યક્તિને માટે પણ લાભદાયી છે. આવું શા માટે? તો 'ક્યુન યીન' પદ્ધતિ કહે છે કે આની પાછળ કર્મનો સિદ્ધાંત છે. જેવું તમે વાવશો તેવું તમે લણશો. તમે કોઈ જીવની હિંસા કરો અથવા તો માંસાહારની ઇચ્છા તૃપ્ત કરવા તમે બીજા જીવની હિંસા કરાવો ત્યારે તમે કર્મ બાંધો છો. આ બાંધેલા કર્મનું ફળ તમારે ભોગવવું જ પડશે. 

આ ધ્યાન પ્રણાલીમાં એમ કહ્યું છે કે શાકાહાર એ એક બક્ષિસ છે, જે વ્યક્તિ પોતાની જાતને આપી શકે છે. આને કારણે વ્યક્તિને સ્વસ્થતાનો અનુભવ થાય છે. એના જીવનની ગુણવત્તા સુધરે છે અને એના પર કર્મના બંધનનો ભાર હળવો થાય છે. આના પરિણામે આપણે નવા સૂક્ષ્મ સ્વર્ગીય એવા અંતર અનુભવના એક વર્તુળમાં પ્રવેશીએ છીએ અને તે માટે તમારે બહુ નજીવી કિંમત ચૂકવવી પડે છે. 

સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ એવા લોકોની પણ વાત કરે છે કે જેઓ એમ માને છે કે માંસાહારનો વિરોધ આધ્યાત્મિક કારણોસર થાય છે. એ સિવાય એનો વિરોધ શક્ય નથી. ત્યારે સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ કહે છે કે શાકાહાર એ માત્ર આધ્યાત્મિકતા માટે આવશ્યક છે તેવું નથી, પણ માનવીની સામાન્ય બુદ્ધિ અને સમજના મૂળમાં પણ તે છે.

વ્યક્તિગત તંદુરસ્તી, પૌષ્ટિક આહાર, જીવ-વિજ્ઞાન, પર્યાવરણ, નીતિમત્તા, પ્રાણીઓની પીડા અને વિશ્વની ભૂખ - એ બધા સાથે શાકાહાર નિસબત ધરાવે છે. 

વિશેષ બાબત તો એ બની કે જૈનદર્શનની આત્મદર્શનની ભાવના પણ આ યુવાન બૌદ્ધ ભિક્ષુણીનાં પ્રવચનોમાં પ્રગટતી હતી. એમણે કહ્યું કે આપણે બધા અર્ધમાનવ છીએ. આવો અર્ધમાનવ અહમ્થી કાર્ય કરે છે. ભય અને પ્રલોભનથી કાર્ય કરે છે. આનાકાનીથી જીવે છે. આપણે પાપ અને ગુણને જુદા તારવીએ છીએ. આપણે આપણી મર્યાદાના કારણે પીડાઈએ છીએ. જે આપણે કરવું જોઈએ તે ઈશ્વરે કરવું જોઈએ તેમ માનીએ છીએ. ખરેખર તો ઈશ્વર આપણી ભીતરમાં છે. આપણે એને સીમાબદ્ધ કરી દઈએ છીએ. આપણને સ્વયં આનંદ માણવો ગમે છે, પરંતુ મુશ્કેલી એ છે કે આનંદ કઈ રીતે માણી શકાય તે આવડતું નથી. બીજાને આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે કહ્યા કરીએ છીએ, પણ આપણી જાતને શું કરવું જોઈએ તે પૂછતા નથી. 

એક અનોખી બાબત એ બની કે સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈએ શાકાહાર વિશે માત્ર આધ્યાત્મિક નહીં, પણ સામાન્ય બુદ્ધિને સ્પર્શે એવી અને વિશ્વકલ્યાણને અનુલક્ષે તેવી ઘણી માર્મિક ચર્ચાઓ કરી. 

બૌદ્ધ ધર્મ પાળતા દેશોમાં તેજસ્વી અને યુવાન બૌદ્ધ ભિક્ષુણી ચિંગ હાઈ એમની ઉચ્ચ આધ્યાત્મિક શક્તિને કારણે 'સુપ્રીમ માસ્ટર' તરીકે બિરુદ પામ્યાં છે.

સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈના હજારો અનુયાયીઓ એમની આધ્યાત્મિકતા અને વિજ્ઞાનના જ્ઞાનથી સમૃદ્ધ એવી આત્મસાક્ષાત્કારની અનુભવવાણી એકચિત્તે સાંભળે છે અને શિષ્ય કે અનુયાયીઓ બનાવવામાં ન માનતાં ચિંગ હાઈના ઉત્કૃષ્ટ વિચારોને અનુસરવામાં આનંદ અને ગૌરવ અનુભવે છે. 

સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈની ધ્યાનપદ્ધતિ 'ક્યુન યીન'ને અનુસ૨ના૨ને સૌથી પહેલું વ્રત શાકાહારનું લેવાનું હોય છે. તેઓ કહે છે કે શાકાહાર એક એવી મહાન બક્ષિસ છે કે જે વ્યક્તિ પોતાની જાતને અર્પીને સ્વયં કાજે સ્વસ્થતા અને ધન્યતાનો અનુભવ કરી શકે છે. માત્ર બૌદ્ધ ધર્મની કરુણા કે આધ્યાત્મિક ભાવનાને કારણે જ સુપ્રીમ માસ્ટર શાકાહારને અનિવાર્ય ગણતાં નથી. શાકાહારની અનિવાર્યતા વિશે આધુનિક યુગમાં નવજાગૃતિ લાવનારી સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈએ કેટલીય તાર્કિક અને વૈજ્ઞાનિક માહિતીથી પોતાના આ સિદ્ધાંતને સમર્થન આપ્યું. સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈએ શાકાહાર વિશે કરેલી કેટલીક દલીલો અને રજૂઆત જોઈએ. તે તમને તાજ્જુબ ક૨શે! 

ચાર પ્રકારે આપણે શાકાહારી બનવું જોઈએ. આપણી તંદુરસ્તી જળવાય, વિશ્વની આર્થિક સમતુલા ટકે અને ભૂખમરો જાય, વૈજ્ઞાનિક કારણોસર પણ આપણે શાકાહારી થવું જોઈએ, કરુણાને ખાતર પણ શાકાહારી બનવું જોઈએ, આથી જો દુનિયાને બચાવવી હોય તો શાકાહારી થયા વિના બીજો કોઈ ઇલાજ નથી.

એક તેજસ્વી, દ્દઢ વિચાર અને ઊંડી આધ્યાત્મિક નિસબત ધરાવતાં માસ્ટર ચિંગ હાઈના વિચારોમાં ભારતીય અને વિશેષે જૈન ધર્મની અહિંસા અને શાકાહારની ભાવનાનું મનો૨મ પ્રતિબિંબ જોવા મળ્યું! જીવનનો આ ચમત્કાર જ કહેવાય ને! તાઈવાન-વિયેતનામ અને ચીન જેવા દેશોમાં આગવો પ્રભાવ ધરાવતાં માસ્ટર ચિંગ હાઈ ભારતની એક વ્યક્તિને ભાવપૂર્વક મળે, એની ભાવનાઓ પ્રગટ કરે અને તેય છેક દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં! આવી ઘટનાઓ જીવનમાં કેવો ઉત્સાહ અને ઉમંગ પ્રેરે છે!

પ્રસંગકથા

વર્તમાન સમયમાં ખેલાતું ખીસ્સાનું મહાભારત 

એક વેપારી અને એનો પુત્ર બંને ફોટો પડાવવા ગયા. 

ફોટોગ્રાફરે સરસ આયોજન કર્યું. પાછળ કોઈ કુદરતી દ્રશ્યનો દેખાવ મૂક્યો. 

પિતા આગળ ઊભા રહ્યા. પુત્ર પાછળ ઊભો રહ્યો. તસવીરકારે વડીલને કહ્યું, 'જરા આપના ખભા પર આપના પુત્રનો હાથ હોય તેમ ઊભા રહો.'

પેલા જુવાનને પણ એ રીતે પિતાના ખભે હાથ મૂકવાની સૂચના આપી. 

પિતાએ પૂછયું, 'અરે! આવું કેમ કરો છો?' 

તસવીરકાર બોલ્યો, 'જુઓ, મારે વાસ્તવિક તસવીર બનાવવી છે. આપના ખભા પર પુત્રનો હાથ હોય, એનાથી આ તસવીરમાં એક સાચો સ્નેહભાવ જોવા મળશે.'

પિતાએ કહ્યું, 'તસવી૨માં જો વાસ્તવિકતા લાવવી હોય અને ભાવ લાવવો હોય તો પુત્રનો હાથ મારા ખભા પર નહીં, પણ મારા ખીસ્સામાં રાખો.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે, આજે ધનની પાછળની આંધળી દોટને કારણે માનવીની માનવતા ઘસાવા લાગી છે. પત્ની, પરિવાર કે જગત સાથેના એના સંબંધો સંપત્તિ આધારિત બની ગયા છે. 

સંપત્તિ કાજે ભાઈ-ભાઈ વચ્ચે મહાભારત ખેલાય છે, રામ અને ભરતની ભાવનાએ જીવનમાંથી વિદાય લીધી છે. પિતાની સામે પુત્ર બાખડે છે અને સંપત્તિ એ જ સઘળા માનવસંબંધોનો આધાર બની ગઈ છે. મહાભારત કાળમાં જમીનના ટુકડાને માટે કુરુક્ષેત્રનું યુદ્ધ ખેલાયું હતું. આજેય જમીનના ટુકડાઓ માટે પોતાના સ્વજનોની હત્યા કરતાં માનવી અચકાતો નથી. માનવીય ભાવનાઓ અને આદર્શો વિસરાઈ રહ્યાં છે અને એથીયે વધુ જીવનની મસ્તી ખોવાઈ ગઈ છે. માનવ-માનવનાં હૃદયના પ્રેમના નહીં, બલ્કે એના ખીસ્સાનો મહિમા વધ્યો છે.