Editorial

રાજકારણમાં કોણ દોસ્ત અને કોણ શત્રુ ? સહુ સ્વાર્થનાં સગાં ...

By GS TEAM
9 Oct 20257 mins read
રાજકારણમાં કોણ દોસ્ત અને કોણ શત્રુ ? સહુ સ્વાર્થનાં સગાં ...

- જેમને માટે જીવનભર જંગ ખેડયો, એમની આ નાદાની 

- જામનગરના રાજવી રણજીતસિંહ 

- બદલેગા મેરા વક્ત ભી અય દોસ્ત એક દિન, યહ એતબાર દિલ કો કરાતા ચલા ગયા.

દોસ્તીના દાવા અજબ હોય છે. ક્યાં બિકાનેર અને ક્યાં જામનગર! પણ બિકાનેરના રાજા સર ગંગાસિંહ ને જામનગરના રાજવી રણજીતસિંહ વચ્ચે હેત-પ્રીતની ગંગા બે કાંઠે છલોછલ વહેતી હતી! એ દોસ્તીના કાયમી સ્મારક માટે જામનગરને પાદર એક સરોવર રચાઈ રહ્યું હતું! દોસ્તીની દુનિયામાં દિલના અંતર હોતા નથી. દિલના દરિયાને પોતાના રાજમાં સાકાર કરવું હતું. જામનગરનું એ સરોવર માત્ર સરોવર નહોતું. સાગર હતું! એના પર દોસ્તીનો અમિટ સેતુબંધ રચવાનો હતો. ત્રણ તરફ ટેકરીઓ પાળ બનીને ખડી હતી. એક તરફ વેગથી આવતી નદીઓ સરોવરમાં પ્રવેશીને સાગર સરજતી હતી.

નગરનો રાજવી જામ રણજીતસિંહ વાંભ-વાંભ ઉછળતાં પાણી જોઈને અતિ આનંદિત થતો. વાહ! આ સરોવર પોતાના પ્યારા મિત્રની પ્રેરક યાદ બની રહેશે! મારા મિત્ર બિકાનેરના રાજવીનું નામ છે ગંગાસિંહ અને આ સરોવરને પણ નામાભિધાન મળશે ગંગાસાગર!

હરએક જળલહરી સાથે પોતાનાં મિત્રોનાં હૈયાં નૃત્ય કરશે. આમાં શણગારેલી નાની નૌકાઓમાં જ્યારે અમે બંને મિત્રો સાથે પ્રવાસ ખેડીશું, આકાશમાંથી ચંદ્ર ચાંદની વરસાવતો હશે, હાલારની ધરતી હવામાં સુધા પ્રસરાવતી હશે, ત્યારે કેવી મોજ આવશે!

જામ રણજીતસિંહના દિલમાં અવનવા ભાવની લહરીઓ ઉછળતી હતી. દોસ્તીનાં સપનાંને ધરતી પર ઉતારવાં હતાં. એમણે વિચાર્યું કે માનુની કરતાં મિત્રના સાથને મેં સદા મહાન માન્યો છે! માનુનીની મોહિની મને વરી નથી. મિત્રની મોહિની મને સદા ડોલાવી ગઈ છે!

નવાનગરનો રાજા જામ રણજીતસિંહ આ ટેકરીઓ ખૂંદતો. આને માટે એ દેશી અને પરદેશી ઈજનેરોને સલાહ આપતો. કારભારીને પૈસા આપવામાં કસર ન કરવા કહેતા! આ સરોવરની પાળ તો મારે મોતીબાંધી કરવી છે, ને સુવર્ણની હેલે પાણી ભરતી નગરીની નવેલીઓને નીરખવી છે! આ આજુબાજુની ધરતી કેવી હરિયાળી બની જશે! અમારી દોસ્તીથી અમારાં અંતર જેવાં હરિયાળાં છે એવી.

પણ ભાવનાના આનંદને કર્તવ્યનો બોજ કચડી નાખે છે! જામનગરના રાજવી જામ રણજીતસિંહ બેરિસ્ટર હતા. ઈગ્લેન્ડના લાંબા સમયના નિવાસી હતા. ત્યાંના રાજકર્તાઓના પરિચિત હતા. તેઓ ક્રિકેટના ખેલના બેતાજ બાદશાહ ગણાતા હતા. દુનિયા આખી એમની બેટિંગ-છટા પર આફરીન હતી.

અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારથી રાજાને માથે પનોતી બેઠી હતી. સિંહ નબળો પડે, ત્યારે શિયાળિયાં પૂંછ ખેંચે, એમ આ દેશી રાજાઓની પૂંછડી વારંવાર અંગ્રેજ અમલદારો ખેંચે! કોઈ રાજાને ધમકી આપે, કોઈને ગાદી પરથી ઉતારી દે. પટાવાળો શેઠને સલામ ન કરે તો જેમ પરેશાન થાય, એમ ગોરા સાહેબોની સલામીમાં ચૂક પડી કે કમબખ્તી બેસી જાય!

આ સામે રાજાઓના મિત્ર બનીને જામ રાજા ઊભા હતા. ક્યાંક તલવારનું કામ કરે છે, ક્યાંક ઢાલનું! રાજવી સંસ્થા એને પોતાના અગ્રણી બનાવે છે, કાશ્મીરથી લઈને હૈદ્રાબાદ નિઝામ સુધી એની માળા જપાય છે. એને દ્વારે અલ્વરરાજ આવે છે, પટિયાલા નરેશ આવે છે. સહુ પોતાનાં દુ:ખડાં ગાય છે! જામ રણજીતનું ભેજું બેરિસ્ટરનું છે ને હૈયું મિત્રનું છે! એમના મિત્ર રાજા છે અને મિત્રરાજાઓ માટે એ ઊંઘ, આરામ કે તંદુરસ્તીની ખેવના રાખતા નથી!

ઈગ્લેન્ડમાં વસતા પ્રધાનો અને ભારતમાં વસતા વોઈસરોય આદિ સાથે એમને સારો સંબંધ હતો. રાજાના એ મિત્ર હતા, એમ અંગ્રેજોના પણ મિત્ર હતા. પ્રજાસંઘની બેઠકમાં છેલ્લે છેલ્લે ઉપપ્રમુખનો તાજ એમના માથે મૂકવામાં આવ્યો હતો. આની ઉમેદવારીમાં ફ્રાન્સ, જાપાન, જર્મની, ઈટાલીને જાપાનનાં મહારાજ્યોને બીૅજાં અનેક નાનાં રાજ્યો હતા. એમાં જામ રણજીતને બહુમતીએ બહુમાન આપ્યું. આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનું પદ તેમણે હાંસલ કર્યું, છતાં કરોળિયો ગમે તેટલી મહેનત લઈ જાળ ગૂંથે, પણ આખરે એ જાળ ભેદાય છે! કરોળિયાનો ભ્રમ ભેદાય છે. આવી સ્થિતિ જામ રણજીતસિંહની થઈ. હિંદમાં શ્વેતપત્ર (વ્હાઈટ પેપર) આવ્યું. એમાં ભારતની રાજસંસ્થા માટે ફેડરેશનની યોજના હતી!

ફેડરેશન એટલે રાજવી સત્તાની છિન્નભિન્નતા! જામ રણજીતે રાજવી સંસ્થાનો આમાં અધ:પાત અને તિરસ્કાર જોયો, અને ભારતના રાજવીઓને પોતાની આલબેલ પહોંચાડી! જાગો, નહિ તો મોતનો ઘંટ બજે છે! રાજાઓ ખબરદાર થઈ ગયા, વંશપરંપરાની ગાદી અને સોનાનાં સિંહાસનના મોભા માટે ગમે તે કરવા તત્પર થઈ ગયા. રસ્તાઓ શોધવા લાગ્યા. પરસ્પરને મળવા લાગ્યા. ચર્ચા-વિચારણા થવા લાગી. જામ રણજીતે તેઓની આગેવાની લીધી!

ભારતના અખિલ નરેન્દ્ર મંડળને ગુપ્ત સંદેશા મોકલ્યા : પણ આ અંગ્રેજ શાસન હતું. અહીં અંગ્રેજ જાસૂસો હતા. જાસૂસો હવા પરથી વાતાવરણ પકડી લેતા. તેઓએ રિપોર્ટ મોકલ્યો: 'સિપાઈનો બળવો જૂની વાત છે. પ્રજાનો બળવો જોયેલી-જાણેલી બીના છે , પણ રાજાઓ બંડખોર બની રહ્યા છે. એ મંડળીના આગેવાન છે જામ સાહેબ!'

જાસૂસો જાણતા હતા કે જામ રણજીતસિંહ વાઈસરોયના જિગરી મિત્ર હતા, પણ અંગ્રેજને ફરજ પહેલી હતી, સ્નેહ પછી!

નરેન્દ્ર મંડળની બેઠક મળી! આજ ગરમાગરમ ચર્ચા યુદ્ધ છેડાવાનું હતું. તલવારના ધણીઓ તલવાર પારકાને આપી બેઠા હતા. માત્ર કલમ અને જબાનમાં એમનું શહૂર હતું. વાઈસરોય પ્રમુખપદે બિરાજ્યા હતા.

જામસાહેબ હૈયાની જ્વાળાઓ બહાર કાઢવા ઊભા થયા. એક રાજાને શોભે તેવા શબ્દોમાં, સ્વાભિમાની નરેન્દ્રને છાજે તે છટામાં તેમણે ભાષણ કર્યું ને છેલ્લે અંતરની વરાળ ઠાલવતાં કહ્યું, 'રાજાઓ કઠપૂતળીઓ બની જશે. રાજ એમનું રહેશે, પણ રાજ બીજા ચલાવશે. સવારી એમની નીકળશે, પણ રાજસવારી પર સવાર તો અંગ્રેજ હકૂમત હશે. રાજાઓ કોઈના નચાવ્યા નાચશે.'

વાઈસરોયે આ શબ્દોમાં આગ જોઈ. તેમણે જામ સાહેબને વક્તવ્ય બંધ કરી બેસી જવા ફરમાવ્યું! એક વાર બેલ વાગ્યો. જામ બોલતા થોભ્યા, પણ બેસી ન ગયા. આ એમનું હડહડતું અપમાન હતું.

બીજીવાર બેલ વાગ્યો, એમાં અંગ્રેજ નોકરશાહીની બેશરમી હતી. જામ સાહેબે રાજાઓ સામે જોયું. પોતાના મિત્ર બિકાનેરના રાજવી સામે જોયું ને કહ્યું : 'કોઈક કંઈક તો બોલો!' અંગ્રેજ સિંહનો સત્તા-તાપ અસહ્ય હતો. એ તાપ પાસે બધા રાજાઓના મુખકમલ મુરઝાઈ ગયાં! બલ્કે બિકાનેર ને પતિયાળા તો જાણે ગોરાનો પક્ષ લઈ રહ્યા.

ત્રીજી વાર બેલ વાગી! એ કાળ ઘંટડી હતી! જામ રણજીત પોતાની જગાએ બેસી ગયા! એ બેઠા એ બેઠા! છેલ્લી વાર એ બોલ્યા, 'રાજકારણમાં કોણ દોસ્ત, કોણ મિત્ર! સહુ સ્વાર્થનાં સગાં! સત્તાના તાબેદાર!'

જામ રાજવી સીધા પોતાના સલૂન પર ગયા. તમામ મુલાકાતો બંધ કરી દીધી. કેશવજીભાઈ કામદારને ચોકીએ બેસાડયા. જેઓના માટે જીવનભર જંગ ખેલ્યો, તેઓની આ નાદાની! શું દોસ્તીનો દાવો ફક્ત જીભની મીઠી ચળ હતી!

જામ સાહેબને કાળજે ઘેરી ચોટ વાગી. સમજદાર ઘાયલ થાય, ત્યારે એની પાટાપિંડી મુશ્કેલ બને છે. સલૂન જામનગર ભણી વિદાય થયું. મુલાકાતીઓએ ઘણી માથાકૂટ કરી. પણ નિષ્ફળ ગઈ! જામ ન મળ્યા તે ન મળ્યા! જીવનને જળ રણમાં ઠલવાયાં! સૂર્ય એકદમ અસ્તાચળ ભણી ઢળ્યો.

રાજધાનીમાં આવીને પણ રાજવી એકાંતવાસ સેવી રહ્યા. ડૉ. થોમસની બહેન-એની બહેન ફક્ત રાજવીની સુશ્રુષામાં રહી. ન જોઈએ મારે કાંઈ! દૂર હટો તો ઓ સ્વાર્થીઓ!

એક દિવસ રાજકોટથી એ.જી.જી. (એજન્ટ ટુ ધ ગર્વમેન્ટ જનરલ) આવ્યો. ગોરા સાથે જામ સાહેબ મસલતો કરી લીધી. એ આખરી મસલતો હતી.

પોતે આજીવન અપરિણીત હતા. સિંહાસનના ઉત્તરાધિકારીની એમાં ભલામણો હશે! પછી અંતેવાસીઓને કહ્યું, 'એક કામ કરજો. પેલો ગંગાસાગરનું નામ મિટાવી દેજો!

'હજૂર! ત્યાં તો દરિયો હાલક-ડોલક થઈ રહ્યો છે. પ્રજાને પાણીનું સુખ મળ્યું છે.'

'પ્રજા! પ્રજા! પ્રજા!' જામ ત્રણ વાર બોલ્યા, ને પછી કહ્યું, 'વારૂ! તેનું નામ રણજીત સાગર રાખજો. ગંગાસાગર કહે તેને મીઠાના કોરડા મારજો.'

'જેવી હજૂરની આજ્ઞા.'

ગંગાસાગર રણજીતસાગર બની ગયું! દોસ્તીના જખમ દિલમાંથી ગયા નહોતા. અંગ્રેજોના દેશ ઈગ્લેન્ડને પોતાની ક્રિકેટના મેદાનની કામયાબીથી ડોલાવનાર જામ રણજીતસિંહ પોતાના દેશના રાજાઓની ઊંઘ ઉડાડી શકતા નહીં. વેદનાના બોજથી હૈયું ભારે હતું. એમણે કહ્યું, 'હું નહિ જીવું. તમે ચિંતા કરશો નહિ.' 

ને આ બનાવ પછી એક અઠવાડિયામાં તો જામરાજવી ચિરનિદ્રામાં પોઢી ગયા! રાજકારણમાં હંમેશાં આવું બનતું આવ્યું છે. આપણા દેશને અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પનો આવો અનુભવ નથી!

પ્રસંગકથા

સ્વદેશીનું સન્માન કરીએ

મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાની જેલમાં હતા, ત્યારે તેઓ દેશી ચંપલ કેમ બનાવવા તે શીખ્યા હતા. એ પછી દેશની આઝાદીના આંદોલન સમયે ગ્રામોદ્યોગ સંઘની વસાહત-મગનવાડીમાં કોંગ્રેસ કારોબારીની એક મહત્ત્વની બેઠક રાખવામાં આવી હતી. કોંગ્રેસના અગ્રણી નેતાઓ જેવા કે, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ.રાજેન્દ્ર પ્રસાદ, આચાર્ય કૃપલાની તેમજ બીજા કાર્યકરો આ સભાને માટે આવ્યા હતા.

તેઓ ગાંધીજીના ઓરડામાં પ્રવેશ્યા તો એમણે જોયું કે ગાંધીજી શહેરના મોચીભાઈઓને ચંપલ બનાવવાનું શીખવતા હતા. આ શહેરી મોચીભાઈઓને દેશી ચંપલ બનાવતા આવડતું નહોતું, એટલે ગાંધીજી એમને એક શિક્ષકની માફક શીખવતા હતા અને સમજાવતા હતા કે આ રીતે આડી પટ્ટી લેવી, ટાંકા નજીક લેવા, પગની એડીનું દબાણ આવે, ત્યાં ચામડાના ટુકડા મૂકવા અને આમ કરવાથી ટકાઉ દેશી ચંપલ બને.

ગાંધીજી તો પૂરેપૂરા શિક્ષક. એમણે ચંપલ બનાવ્યા પછી ફરી સાંધા ઉકેલી નાખ્યા અને કારીગરો પાસે ટાંકા લેવડાવીને એમને દેશી ચંપલ બનાવતા બરાબર સમજાવ્યું.

આ કામમાં ઘણો સમય વીતી ગયો. આથી બેઠકમાં આવેલા સરદાર પટેલની હિંમત ખૂટી. એમણે બાપુને કહ્યું, 'બાપુ, હવે અમારો કેટલો સમય આ ભાઈઓને આપશો?'

ગાંધીજીએ હસીને જવાબ આપ્યો, 'અરે, એમના પર દ્વેષ શા માટે કરો છો? એ તો ક્યારેક જ આવે છે. તમે ચંપલ પહેરો છો ખરા, પરંતુ એ ચંપલ ટકાઉ કેવી રીતે બનાવવા તે જોવું હોય તો અહીં જુઓ.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે ભારતવિરોધી દેશો સાથે મળીને ભારતને આર્થિક રીતે ભીંસમાં લેવાનો પ્રયત્ન કરે છે. અમેરિકાએ ટેરિફ વોરનું શસ્ત્ર ઉગામ્યું છે અને બીજા ભારતવિરોધી દેશો પણ એમાં આડકતરી રીતે સામેલ થયા છે. આવે સમયે આપણા દેશે આત્મનિર્ભર બનીને સ્વદેશી અપનાવવાની જરૂર છે.

ગાંધીજીએ કાર્ય આજે સૌને માટે પ્રેરણારૂપ છે. સ્વદેશી એ દેશની શાન છે અને સાથે એની તાકાત પણ અને આથી આપણી જીવન જરૂરિયાતની ચીજોમાં સ્વદેશીનો આગ્રહ રાખીએ એટલું જ નહીં, કિંતુ એનું સન્માન કરીએ.