Editorial

દુષ્ટોનું દમન અને સાધુઓનું પરિત્રાણ કરનારા શ્રીકૃષ્ણ

By GS TEAM
7 Aug 20258 mins read
દુષ્ટોનું દમન અને સાધુઓનું પરિત્રાણ કરનારા શ્રીકૃષ્ણ

- દીકરાને કહેજો કે યાચનાથી નહીં, આવડત અને પરાક્રમથી પદ મેળવે

- શાયરી

અચ્છા સુનને પર લોગ હંમેશાં શક કરતે હૈ,

મગર બૂરા સુનને પર તુરંત યકીન કરતે હૈ.

યુગપુરુષ શ્રીકૃષ્ણના હૈયામાં જરાય જંપ નહોતો, કારણ કે દુનિયાના આ બાગમાં ફૂલછોડ ને મેવાદાર વૃક્ષોનો અભાવ વધતો જતો હતો; ને એનું સ્થાન કાંટાળાં વૃક્ષો ને ઝાડી-ઝાંખરાં લઇ રહ્યાં હતાં. સૂકા ભેગું લીલું બળે તો જગતને ધર્મ, ન્યાય અને માનવતા પરથી વિશ્વાસ ટળી જાય તેવી સ્થિતિ હતી.

વિરાટનગરમાં ભારત વિખ્યાત સુંદરી દ્રૌપદીનો સ્વયંવર રચાયો હતો. સુંદરી, સુવર્ણ અને સત્તા  એ ત્રણની પાછળ તો આખો જમાનો દીવાનો હતો. આ વખતે કાપડીના વેશમાં આવેલા એક બ્રાહ્મણે સ્વયંવરની શરત પૂરી કરી દ્રૌપદીને મેળવી; રાજા-મહારાજાઓ નિષ્ફળ થયા !

યુગપુરુષ શ્રીકૃષ્ણ એ બ્રાહ્મણ પાસે ગયા. બ્રાહ્મણ યુવાન તેઓના ચરણમાં નમ્યો ને બોલ્યો, 'હસ્તિનાપુર અમારું નગર. કુરુ એ અમારું કુળ. પાંડુ અને ધૃતરાષ્ટ્ર એ કુળના બે સગા ભાઈ. ધૃતરાષ્ટ્રના સો પુત્રો તે કૌરવો. પાંડુના પાંચ પુત્રો તે પાંડવો. એ પાંચ પાંડવોમાં વચેટ હું અર્જુન!'

'ઓહોહો! તમે કુંતી ફોઇના પુત્રો છો ? વારુ, લોકો તો કહે છે કે વારણાવતના લાક્ષાગૃહમાં તમે બળી ગયા હતા!' શ્રીકૃષ્ણે પૂછ્યું.

'વડીલ! એ લાક્ષાગૃહ બિચારું અમને શું બાળે? પણ હવે અમારાં દિલ ખુદ લાક્ષાગૃહ બની બેઠાં છે!'

'શાંતિ રાખો. ધીરજના ફળ મીઠાં છે. એકએક પગથિયે આગળ ચડો. મહારાજ ધૃતરાષ્ટ્ર પાસે તમે તમારો ભાગ માગો,' શ્રીકૃષ્ણે સલાહ આપી.

હસ્તિનાપુરના રાજવી ધૃતરાષ્ટ્ર વિચક્ષણ પુરુષ હતા. તેઓએ જોયું કે કીડો ફૂલની સંગતથી દેવના મસ્તકે ચડયો છે. જંગલમાં રોઝ જેવા રઝળતા આ પાંચ ભાઈઓને ભારત-સુંદરી કૃષ્ણા મળી, સાથે દ્વારકાપતિ શ્રીકૃષ્ણનો સાથ મળ્યો અને દેશ પંચાલ સાથે લોહીસંબંધ બંધાયો: હવે બહુ ના-હા કરવામાં સાર નથી.

એમણે ભાઈઓને ભાગ વહેંચી દીધો. વહેંચણીમાં અસમાનતા રહે એ સ્વાભાવિક હતી. આ તો મોસાળ જમણ હતું, ને મા પીરસણે હતી, પછી તો બાકી જ શું રહે ? ધૃતરાષ્ટ્રે ન્યાય તોળ્યો: સો કૌરવોને સો ભાગ મળવા ઘટે, પાંચ પાંડવોને પાંચ ભાગ મળે. અને રાજ્યના બે ભાગ નહીં, પણ એકસો પાંચ ભાગ કરીને એમણે વહેંચી આપ્યા. ખાંડવપ્રસ્થનો અને યમુના નદીના પશ્ચિમ તરફનો વેરાન પ્રદેશ પાંડવોને ભાગમાં આપતાં રાજવી ધૃતરાષ્ટ્રે કહ્યું, 'પાંડવોને અરણ્યનો ડર નથી; એ તો જંગલમાં મંગલ કરે એવા છે.'

યુગપુરુષ શ્રીકૃષ્ણની આ પાંચ પાંડવો તરફ ચાંપતી નજર હતી. એમને થયું: યાદવો સાથે પાંડવો લોહીના સંબંધથી બંધાય તો એમનું પડખું વિશેષ મજબૂત બને. શ્રીકૃષ્ણ ખૂબીથી પોતાની બહેન સુભદ્રાનાં લગ્ન મહારથી અર્જુન સાથે કરાવી દીધાં. થોડો ખળભળાટ મચ્યો, પણ પંચાલ તથા યાદવોનું બળ આખરે પાંડવોને વર્યું.

શ્રીકૃષ્ણે ઉત્સાહમાં આવીને કહ્યું: 'જાઓ, દેશોદેશ જીતો ને ચક્રવર્તીપદ હાંસલ કરો.'

અર્જુન ઉત્તરમાં વિજયયાત્રાએ નીકળ્યો. ભીમ દક્ષિણમાં. નકુલ પૂર્વમાં ને સહદેવ પશ્ચિમમાં નીકળી પડયો. ઠેર ઠેર યુદ્ધ આપી એમણે વિજય હાંસલ કર્યો. મૂંઝાયા ત્યાં મહારાત્રિને મહામુસદ્દી શ્રીકૃષ્ણની સલાહ લીધી. હવે એમણે ચક્રવર્તીપદ પ્રાપ્ત કરતાં પહેલાં કરવો પડતો રાજસૂય યજ્ઞા આરંભ્યો. આ યજ્ઞામાં ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, દુર્યોધન તથા તેના ભાઈઓને નિમંત્રણ પાઠવ્યા. કોઇ રાજીથી, કોઇ ક-રાજીથી અને કોઈ કુતૂહલથી યજ્ઞામાં ભાગ લેવા આવ્યા.

આ વખતે યજ્ઞામાં અગ્રપૂજા કોની કરવી, તેનો પ્રશ્ન જાગ્યો. પાંડવોનો તથા ભીષ્મ પિતામહનો મત શ્રીકૃષ્ણ માટે હતો. પાંડવોને રૂડો પ્રતાપ એમનો હતો. આ વખતે ચેદિ દેશના રાજા શિશુપાળે શ્રીકૃષ્ણને બેફામ ગાળો દીધી; એ ન બોલવાનું બોલ્યો. તે જ પળે શ્રીકૃષ્ણનું સુદર્શન નામનું અપ્રતિમ ચક્ર તેના ગળા પર ફરી વળ્યું. જમ જેવો જરાસંઘ અને પ્રતાપી શિશુપાલ વાતવાતમાં મોતને ઘાટ ઊતરી ગયા. બધા શેહ ખાઈ ગયા. ઘણાએ મનમાં વેરની ગાંઠ વાળી. પ્રગટ રીતે વેર કરવા જતાં જરાસંઘને શિશુપાલ જેવા જીવના ગયા, તો બીજાનું શું ગજું ?

પછી પાંડવોને ફસાવવા એક નવો પાસો નંખાયો: પ્રતિકૂળ નહિ, પણ અનુકૂળ ઉપસર્ગ યોજવામાં આવ્યો. યુધિષ્ઠિરને હસ્તિનાપુરમાંથી પાસાની રમત રમવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું. આવા નિમંત્રણનો અસ્વીકાર એ જમાનામાં કાયરતા લેખાતો. યુધિષ્ઠિર પાસા રમ્યા, ને હોડમાં રાજપાટ, ધનદોલત ને દ્રૌપદી સુદ્ધાં હારી ગયા. પાંડવોને વનવાસ ભોગવવો પડયો.

આ વખતે દ્વારકાથી શ્રીકૃષ્ણ તથા અર્જુનની પત્ની સુભદ્રા પોતાના પુત્ર અભિમન્યુ સાથે આવ્યા; વૃદ્ધ રાજા દ્રુપદ પણ આવ્યા; વિરાટના રાજા પણ આવ્યા. સહુએ મળીને કહ્યું: 'રાજ મેળવવા પ્રયત્ન કરો. પુરુષાર્થીને પૃથ્વી મળતી રહી છે. અમે મદદ કરીશું.'

યુદ્ધની તૈયારીઓ શરૂ થઇ. આ વખતે અર્જુન અને દુર્યોધન શ્રીકૃષ્ણ પાસે મદદ માગવા ગયા. અર્જુને શ્રીકૃષ્ણને પસંદ કર્યા; દુર્યોધને ગોપસેના સ્વીકારી. બલરામને આ યુદ્ધ પસંદ નહોતું. તેઓ તટસ્થ રહ્યા ને યાત્રાએ ઊપડી ગયા. બંને પક્ષ તરફથી સૈન્ય એકત્ર થવા લાગ્યાં. કૌરવો બલવાન ને વગદાર હતાઃ મદદમાં નવ રાજાઓ ને અગિયાર અક્ષૌહિણી જેટલી જંગી સેના ખડી હતી. પાંડવો સત્યનિષ્ઠ હતા. તેઓના લશ્કરમાં જરાસંઘનો દૌહિત્ર અને શિશુપાલના પુત્ર સાથે સાત રાજાઓ હતા, ને સાત અક્ષૌહિણી સેના હતી.

વિગ્રહના નિયમ મુજબ ધૃતરાષ્ટ્રે શાંતિદૂત તરીકે સંજયને મોકલ્યા. પાંડવોએ કહ્યું: 'ધૃતરાષ્ટ્ર અમારા વડીલ છે. દુર્યોધને કરેલાં અપમાન અમે ભૂલી જઇશું. પાંચ ભાઈને ફક્ત રહેવા-ખાવા એકએક ગામ આપો. સાથે સાથે એ પણ કહેજો કે વિગ્રહ કે શાન્તિ બંને માટે અમે તૈયાર છીએ.' દુર્યોધને કહેવરાવ્યું: 'સંગ્રામ વિના સોયના નાકા જેટલી પણ ધરતી નહિ મળે.' 

પાંડવો તરફથી શ્રીકૃષ્ણ વિષ્ટિકાર તરીકે હસ્તિનાપુર ગયા. પણ તેમની વાત કાને ધરવામાં આવી નહિ. બલ્કે તેઓને પકડી લેવાનો વિચાર કર્યો. શ્રીકૃષ્ણે વૃદ્ધ ધૃતરાષ્ટ્રને કહ્યું: 'તમારા દીકરાઓને સમજાવો.'

ધૃતરાષ્ટ્ર લાચારીથી બોલ્યા, 'મારા દીકરાઓ આગળ મારું કંઇ ચાલતું નથી.' અંતમાં શ્રીકૃષ્ણ વિદુરજીને ત્યાં રહેતાં માતા કુંતાને મળ્યા ને પુત્રો માટે સંદેશો માંગ્યો. તેઓએ કહ્યું, 'મારા દીકરાઓને એટલું કહેજો: હવે ભીખ માગશો નહિ. પરાક્રમથી પોતાનું પદ મેળવજો.' આખરે કુરુક્ષેત્રનું યુદ્ધ ફાટી નિકળ્યું. દિલ્હીની વાયવ્ય દિશામાં આવેલા કુરુક્ષેત્ર નામના વિશાળ મેદાનમાં બંને સૈન્યો સામસામાં આવી ખડાં થયાં.  કૌરવોના સેનાપતિ ભીષ્મ પિતામહ હતા, પાંડવોનો સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન હતો. છેલ્લી વખતે અર્જુન ને ભલા યુધિષ્ઠિર સગાંઓના સ્નેહભાવને યાદ કરી ઢીલા પડી ગયા, પણ શ્રીકૃષ્ણે કહ્યું: 'ભાવના અને કર્તવ્ય જુદી વસ્તુ છે. કર્તવ્ય હમેશાં ભાવનાથી ચડિયાતું હોય છે. કર્તવ્ય બજાવો !'

યુધિષ્ઠિરે પ્રતિપક્ષી ભીષ્મ, દ્રૌણ, શલ્ય ને કૃપાચાર્યના આશીર્વાદ લઇ રણમેદાનમાં ઝુકાવ્યું. અઢાર દિવસના યુદ્ધમાં ભીષ્મ, દ્રૌણ પછી મહારથી કર્ણ સેનાપતિપદે આવ્યો. શલ્ય રાજા સારથિ બન્યો. શલ્ય કુળાભિમાની હતો; કર્ણને એ વારંવાર હલકાં વચનો સંભળાવતો. જ્ઞાનતંતુના યુદ્ધમાં કર્ણ ખૂબ નંખાઈ ગયો. એવામાં રથનું પૈડું કાદવમાં ખૂંપી ગયું. શ્રીકૃષ્ણે અર્જુનને તકનો લાભ લેવા કહ્યું.

કર્ણે કહ્યું: 'આ અધર્મ યુદ્ધ કહેવાય. મને પૈડું કાઢી લેવા દે.' શ્રીકૃષ્ણે કહ્યું, 'દ્રૌપદીનાં ચીર ખેંચાતાં હતાં ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો ?'

મહારથી કર્ણ હણાયો ને સેનામાં નાસભાગ થઇ. સામે આવેલા દુઃશાસનને ચીરીને ભીમે એની છાતીનું લોહી પીધું. હવે નાસી છૂટેલા દુર્યોધનને ભીમે પડકાર્યો. એ તળાવમાં છુપાઈ બેઠો હતો. એ બોલ્યો: 'હું થાક્યો છું. પૃથ્વી તારી છે.' 'હું કંઇ બક્ષિસ લેવા આવ્યો નથી. કાયર, બહાર નીકળ ! દ્વંદ્વયુદ્ધ આપ!' યુધિષ્ઠિરને દુર્યોધનની દશા પર દયા આવી. એના તમામ ભાઈ કપાઈ ગયા હતા. એ થાકેલો હતો. દયાભાવથી ધર્મરાજ બોલ્યા:'દુર્યોધન ! અમારાથી ગમે તેની સાથે યુદ્ધ કર ! જીતીશ તો તમામ રાજ તારું !'

ભીમના હૃદયમાં તેર વર્ષ જૂનું વેર છુપાયેલું બેઠું હતું. દુર્યોધને નિર્લજ્જ બનીને દ્રૌપદીને બતાવેલી જાંઘને ભાંગવાનું એણે પણ લીધું હતું. લડાઈ શરૂ થઇ. ભીમે દુર્યોધનની જાંઘ પર આકરો ઘા કર્યો. દુર્યોધન નીચે પડયો. યુધિષ્ઠિર ને બલરામ નારાજ થયા, બોલ્યા, 'ભીમ નિયમ વિરુદ્ધ વર્ત્યો છે.'

કૃષ્ણે કહ્યું: 'આ જાંઘ અપવિત્ર છે. ભીમે એને યોગ્ય દંડ દીધો છે. એણે ત્યાં દ્રૌપદીને બેસાડવાની ઇચ્છા જાહેર કરી હતી ! અને વળી હવે કલિયુગ શરૂ થયો છે. નીતિ-ન્યાયનું માળખું નવેસરથી વિચારવું જોઇશે, સંગ્રામની શરતો નવેસરથી ચર્ચવી પડશે. માત્ર જડ નિયમ તરફ જ નહિ, પુણ્ય આશય તરફ પણ જોવું પડશે.' દુષ્ટોનું દમન ને સાધુઓના પરિત્રાણ માટેના આ યુદ્ધમાંથી વિદાય લેતાં યુગપુરુષ શ્રીકૃષ્ણે પાંડવોને સંદેશ આપ્યો: 'ન્યાયથી અને પરાક્રમથી ધરીને ધારી શકો ત્યાં સુધી ધારજો, પછી હિમાલયની ગુફા શોધજો !'

પ્રસંગકથા

મોજડી સીધી કરનારની રાહ 

અંગ્રેજોની બેસતી બાદશાહી અક રાજના નવાબ. નવાબના પાટનગરને કબજે કરવામાં આવ્યું. પછી રાજમહેલ પર હલ્લો કર્યો. તોપો ગર્જવા લાગી. સહુ પહેલા ચોકીદારો ભાગ્યા. પછી સેનાપતિ ને દિવાન પણ ભાગ્યા. અંગ્રેજ સિપાહીઓ આગળ વધ્યા. બધી જગ્યાઓ ખાલી હતી. તમામ લોકો ભાગી ગયા હતા. અંગ્રેજોએ જનાનખાનાનો કબજો લીધો, ને ત્યાં જોયું તો નવાબ ઊભેલા, અડીખમ ઊભેલા. અંગ્રેજોને લાગ્યું કે નવાબના રાજમાં ફક્ત નવાબ જ બહાદુર છે. બાકીના બધા બીકણ છે. 

તેઓએ નવાબ સાથે હાથ મિલાવતાં પૂછ્યું, 'આપના બધા નોકરો ભાગી ગયાં, સૈનિકો અને સેનાપતિ પણ નાસી ગયા, ને આપ ખડા રહ્યાં, એ ખરેખર મગરૂબીની વાત છે. શું આપને અંગ્રેજોની કાળઝાળ તોપોનો ડર નથી?'

'જરૂર છે, હું પણ નાસી જવા તૈયાર ઊભો હતો, પણ મારા પગની આ મોજડી ઊંધી થઇ ગઈ હતી. કોઇ નોકર આવીને એને સીધી કરે, એટલે પહેરીને પલાયન થવાની તૈયારીમાં જ હતો. હજૂર ! અંગ્રેજ તોપથી કોણ ન ડરે ?' અંગ્રેજો નવાબના શહૂરને પામી ગયો.

...આ વાત અમને એટલા માટે યાદ આવી કે પાટનગરમાં વસતા સહુ કોઈ અંગ્રેજોનાં ભયથી ભાગી ગયા, પરંતુ નવાબ એમને એમ ઊભા રહ્યા, કારણ કે કોઇ નોકરી આવીને એમની મોજડી સીધી કરે પછી એ પલાયન થવાની તૈયારી કરી શકે. એ જ રીતે આજે આપણા તંત્રો એમનું કાર્ય કરવા માટે મોજડી સીધી કરનારની રાહ જોઈને ઊભા રહે છે. ભારતનાં મુખ્ય ન્યાયમૂર્તિ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ સરકાર અને કોર્ટ બંનેને ભારે નારાજગી સાથે કહ્યું કે, 'આ બંને ક્ષેત્રોમાં ભારે તુમારશાહી પ્રવર્તે છે અને જો એ દૂર નહિ થાય તો પ્રજાનાં પ્રશ્નો દૂર નહિ થાય. ખુરશી જનતાની સેવા માટે છે. ઘમંડ કે અહંકાર માટે નહિ અને ખુરશી જો માથા પર ચડી જાય તો એ સેવા નહીં, પણ પાપ બની જાય તેમ છે.'

અમલદારો અને ન્યાયતંત્રએ મુખ્ય ન્યાયાધીશની આ વાત સમજવા જેવી છે, કારણ એટલું જ કે લોકતંત્રમાં અદાલત અને સરકારનો ચહેરો સામાન્ય માનવી ભણી રહેવો જોઇએ. બાકી વિલંબ, તુમારશાહી અને અમલદારશાહી એ તો આજે પ્રજાની આંતરડી કકળાવી રહ્યા છે.