ભારતરત્ન લેવા માટે દિલ્હી આવી શકું તેમ નથી...

- ગુજરાતના વિજ્ઞાનીઓનાં સ્વપ્નાં અધૂરાં કેમ રહે છે?
- ખુશિયોં કે નગર કા પતા જબ મિલા, ઉમ્રને લિખ દી એક તનહાઈ મુઝ મેં.
જગત આખું વિજ્ઞાન અને ટેકનેલોજીનાં નવાં નવાં સંશોધનો તરફ તીવ્ર વેગથી ગતિ કરી રહ્યું છે, ત્યારે આપણી પાસે આપણા વિજ્ઞાનીઓનાં કેટલાં ચરિત્રો છે? એ સાચું છે કે પ્રયોગશાળામાં જીવન વિતાવનાર અથવા તો પોતાના સંશોધનોમાં ડૂબી જનાર વિજ્ઞાનીની વ્યક્તિગત વિગતો ઓછી મળે છે, તેમ છતાં એમનાં સંશોધનો, એમનાં ચરિત્રોમાં રહેલી વિદ્યાનિષ્ઠા અને સિદ્ધાંતો માટેની ફકીરીથી આપણો સમાજ સાવ અજાણ છે.
આજે આપણી પાસે ડો. પંકજ જોશી, ડો. જે. જે. રાવલ અને બીજા કેટલાંય વિજ્ઞાનીઓ છે, પરંતુ એમને વિશે ભાગ્યે જ વિસ્તૃત જાણકારી મળે છે. એમનાં સ્વપ્નો સાકાર કરવા માટે સમાજ બહુ ઓછું કરી શક્યો છે. આનું સ્મરણ એ માટે થયું કે આવતી કાલે 'વંદે માતરમ્'ના ૧૫૦ વર્ષની સાથોસાથ આ દેશને ગૌરવ અપાવનાર એના પ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા સી. વી. રામનની જન્મતિથિ છે.
સી. વી. રામનને પ્રકાશ વિજ્ઞાનના ઊંડાણમાં જઈ તેના વ્યાપ સાથે સંશોધન કરતા 'રામન-ઘટના' માટે ૧૯૩૦નો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એ પહેલા ભારતીય વિજ્ઞાની હતા કે જેમને આ વૈશ્વિક ગૌરવ પ્રાપ્ત થયું. એક મૂલ્યનિષ્ઠ વ્યક્તિ તરીકે સી. વી. રામનને જીવનમાં ઘણા પડકારોનો સામનો કરવો પડયો. સમગ્ર ભારતમાં સંશોધનક્ષેત્રે જ્યોતિર્ધર એવા સી. વી. રામને સ્વયં બેંગ્લોરમાં 'રામન રિસર્ચ ઇન્સ્ટિટયૂટ'નું સર્જન કર્યું. આ સંસ્થામાં અનેક સંશોધનો કર્યાં. આ ઇન્સ્ટિટયૂટ એ એમનું સ્વર્ગ હતું.
સર સી. વી. રામને ધ્વનિ વિજ્ઞાન, રંગો, ફૂલો અને હીરાઓનો વિશેષ સંશોધનાત્મક અભ્યાસ કર્યો હતો. એમનો પ્રકૃતિ-પ્રેમ પણ અજોડ હતો. એ પ્રયોગશાળામાં કામ કરતા હોય, મોજથી લટાર મારતા હોય કે પછી પાછળની બેંચ પર બેઠા હોય, પણ તમામ સમયે બહાર રહેલા બગીચાનું અવલોકન કરતા હોય. પોતે જે છોડ રોપ્યા હોય તે કેટલાં ઊગ્યા, તેની બરાબર સંભાળ રાખતા અને ઊંચાં અને ગૌરવાન્વિત વૃક્ષોને એ એને સતત જોઈ રહેતા. ગંભીર બીમારીનાં સમયે પણ એ પ્રકૃતિને સદૈવ સાથે રાખવા ઇચ્છતા.
અંતિમ સમયે રામન ઇન્સ્ટિટયૂટના કેમ્પસ પરના મકાનમાં એમને રાખવામાં આવ્યા. ગંભીર સ્થિતિ હોવાથી બહારના ઉદ્યાનમાં પોતે રોપેલા છોડ કે ઊગેલાં વૃક્ષો પાસે જઈને આનંદની પ્રાપ્તિ કરી શકે તેમ નહોતા, આ સમયે એમને ભારે નિરાશા થઈ. એમણે કહ્યું કે, 'જો મારે અહીંથી જ અંતિમ વિદાય લેવાની હોત તો મેં મારા ઘરની બારીઓ સાવ નીચે રાખી હોત.' પહેલાં તો એમના સ્વજનોને એમની વાત સમજાઈ નહીં, પણ પછી ખ્યાલ આવતા એમનો પલંગ અધ્ધર કરવામાં આવ્યો.
સી. વી. રામનનું સ્વપ્ન હતું કે એમની સંસ્થા બધી શાખાઓ માટે જ્ઞાનનું મોટું કેન્દ્ર બની રહે. દેશ-વિદેશનાં નામી વિજ્ઞાનો આ સંસ્થા પ્રત્યે આકર્ષાય અને આ સંસ્થા એ ઉચ્ચતર જ્ઞાનનાં વિકાસ માટેનું માધ્યમ બને. તેઓ કહેતા કે, 'મેં સરકારની સહાય લીધી નથી, પણ સાથે સાથે જાણું છું કે મારા ઉત્તરાધિકારીને ફંડની ઘણી જરૂ૨ પડશે, આથી સંસ્થાના સંચાલન માટે અને જ્ઞાનનાં કેન્દ્ર તરીકે વિકસાવવા માટે મારી બધી મિલકત આ ઇન્સ્ટિટયુટને અર્પણ કરું છું. જોકે સાથોસાથ મારા ઉત્તરાધિકારી પર એવી કોઈ શરત લાદતો નથી કે ભવિષ્યમાં એમણે સરકારની સહાય લેવી નહીં.'
આ રીતે આ મહાન વૈજ્ઞાનિક મૂલ્યના ભોગે સમાધાન કરનારા નહોતા. એને પરિણામે એમને ઘણું સહન કરવાનું પણ આવ્યું. એ સ્વભાવે, સંસ્કારે અને દેખાવે તદ્દન ભારતીય હતા. તેમનું દ્રષ્ટિબિંદુ પણ રાષ્ટ્રીય હતું. એક વાર તેઓ એમના સાથીઓ અને વિદ્યાર્થીઓ સાથે છહહચ ચહગ ારી ણૈહય જીૈચસ ફિલ્મ જોવા ગયા. આ ફિલ્મનાં પ્રારંભે એશિયાવાસીઓને સાવ ગરીબ હાલતમાં ફટેહાલ જીવતા બતાવવામાં આવ્યા હતા. વળી, એની સાથોસાથ ઘઉંવર્ણા એશિયન લોકોની મજાક કરવામાં આવી હતી. એશિયન પ્રજાનો આવો તેજોવધ થતો જોઈને રામન તરત ઊભા થઈને બહાર નીકળી ગયા અને ગુસ્સામાં બોલ્યા, 'મારા લોકોને આવી હીન રીતે આલેખવામાં આવતા હોય અને એમને ઉતારી પાડતાં દ્રશ્યો રજૂ ક૨વામાં આવતા હોય એવું ચલચિત્ર હું જોવા માગતો નથી' અને એ ગુસ્સાભેર થિયેટ૨માંથી બહાર નીકળી ગયા.
સર સી. વી. રામનમાં વતન માટે પ્રેમ હતો. એમના પર ગાંધીજીનો ઘણો પ્રભાવ હતો. રામનમાં સ્વાશ્રયી, સ્વદેશી અને સ્વ-નિર્ભરતાના ગુણો સહજપણે વિકસ્યા હતા. આને પરિણામે મહાત્મા ગાંધીજીની સ્મૃતિમાં એમણે એમની સંસ્થામાં 'ગાંધી મેમોરિયલ વ્યાખ્યાન'નો પ્રારંભ કર્યો અને પ્રત્યેક વર્ષે બીજી ઓક્ટોબરે તેઓ સ્વયં વ્યાખ્યાન આપતા હતા અને લોકોને સરળ ભાષામાં વિજ્ઞાનનો મહિમા સમજાવતા હતા. એની સાથોસાથ ગાંધીજીની ભાવનાઓને જીવનમાં ઉજાગર કરવાનો સંદેશ પણ આપતા હતા.
સી. વી. રામન હોય, વિક્રમ સારાભાઈ હોય કે પછી ડો. અબ્દુલ કલામ હોય, એ સહુએ આ દેશનાં બાળકોને વિજ્ઞાનઅભિમુખ બનાવવા માટે અગાધ પ્રયત્નો કર્યાં. અમદાવાદમાં કમ્યુનિટી સાયન્સ સેન્ટરની સ્થાપના થઈ. એનું ઉદઘાટન સી. વી. રામનનાં હસ્તે થયું. આ સંસ્થાનો ઉદ્દેશ બાળકો, વિદ્યાર્થીઓ અને યુવાનો માટે વિજ્ઞાનનાં રોમાંચક અનુભવો ક૨વા અને તલસ્પર્શી અભ્યાસ અને સંશોધનનો હતો. જેણે વિજ્ઞાનનો વિધિસર અભ્યાસ કર્યો નથી અથવા કર્યો હોય તેવા નાગરિકોને વિજ્ઞાનના કાર્યક્રમોમાં ભાગ લેવા અવકાશ આપવો અને એ સમયે એના ઉદ્દઘાટન સમારોહમાં સી. વી. રામને ઉરઅ ારી જીંઅ ૈજ મ્નેી એ વિષય ૫૨ અવિસ્મરણીય વ્યાખ્યાન આપ્યું હતું અને કહ્યું હતું કે, 'વિજ્ઞાનની સફરમાં સાથ હોય છે જિજ્ઞાસાનો. આપણા આંખ અને કાન ખુલ્લા રાખવાથી વૈજ્ઞાનિક અભિરુચિ કેળવાય છે. આ પ્રકૃતિ એ રોમાંચક અને વિશાળ પ્રયોગશાળા છે. એની ભીતર જવાનો પ્રયાસ કરવો જોઈએ, એવો પ્રયાસ કરશો તો કેવી અદ્ભુત દુનિયામાં રહીએ છીએ એનો ખ્યાલ આવશે.' જે પળે તમે પ્રશ્ન કરો કે આકાશ શા માટે વાદળી છે? વૃક્ષ-વનસ્પતિનાં પર્ણો લીલાં કેમ છે? માણસ કે પ્રાણીનાં લોહીનો રંગ લાલ શા માટે છે? આવા પ્રશ્નો થતાંની સાથે જ તમે વિજ્ઞાનની સમસ્યાઓ સમજવા ઊંડે ઊંડે સરકતા જાવ છો અને એ પછી સી. વી. રામને શ્રોતાઓને પ્રકાશથી પ્રકૃતિ સુધી લઈ ગયા અને ખૂબ મોટું વિચારભાથું આપ્યું.
આવા સી. વી. રામનનું હૃદય કેટલું કોમળ હતું કે એક વાર એક વ્યાખ્યાન દરમિયાન કુપોષિત અવસ્થાથી પીડાતા બાળકોનું ચિત્ર જોઈને તેઓ ખુદ રડી પડયા હતા. બાળકોમાં એમને ભારતનું ભાવિ નજરે પડતું. એમના એ વર્ષો પૂર્વેનાં શબ્દો યાદ કરીએઃ 'આ બાળકો જ આપણી ખરી શક્તિ છે. જો આ બાળકો- યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવે અને એમનાં મનમાં સાહસવૃત્તિ જગાડવામાં આવે તો ભારત જાગી જશે અને આપણે સમગ્ર વિશ્વનાં વિજેતા બનીશું.'
તેઓ સમય મળ્યે શાળાનાં બાળકોને, વિદ્યાર્થીઓને અને યુવાનોને મળતા, નાની-નાની વાર્તાઓ કહેતા અને એમનામાં સ્વાર્પણ અને ઉત્સાહનો ભાવ જગાડવા માટે પ્રયાસ કરતા હતા. સી. વી. રામનને ૧૯૨૯ની ત્રીજી જૂને 'સર'નો ખિતાબ આપવામાં આવ્યો અને આ સમયે એમણે કહ્યું કે, 'સાચા વૈજ્ઞાનિકને માટે આવી કોઈ ઉપાધિની જરૂર નથી. સાચો વૈજ્ઞાનિક તો હંમેશા કામ કરવામાં આનંદ માને છે. કાર્યની સફળતા એ જ એનો મુખ્ય ઉદ્દેશ છે, સન્માન એ તો ગૌણ છે.'
આ પછી સન્માનની હારમાળા ચાલી. 'રામન-પ્રભાવ' માટે સી. વી. રામનને ૧૦ ડિસેમ્બર ૧૦૩૦ના દિવસે સ્ટોકહોમમાં નોબેલ પ્રાઇઝ મળ્યું. એ પછી ઇંગ્લેન્ડ, ફ્રાંસ જેવાં દેશોએ એમને માનદ્ ઉપાધિ આપી, પરંતુ આવા ભવ્ય સન્માન છતાં સી. વી. રામનની નમ્રતા સહેજે ઓછી થઈ નહીં. એમણે કહ્યું, 'હું વિજ્ઞાનની શોધ કરવાનો આરંભ કરું છું, હજી તો અપરંપાર શોધો કરવાની બાકી છે.'
સી. વી. રામનને 'ભારત રત્ન'નો ખિતાબ મળ્યો, પરંતુ એમણે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને પ્રત્યુત્તર પાઠવ્યો કે, 'હું અત્યારે સંશોધન-શિક્ષણનાં કામમાં અત્યંત વ્યસ્ત છું. યુનિવર્સિટીના નિયમાનુસાર, મારા વિદ્યાર્થીની ડોક્ટરેટની થિસીસ જાન્યુઆરીના અંત સુધીમાં યુનિવર્સિટીને આપવી અનિવાર્ય છે. હું સમજું છું કે મારી વિદ્યાર્થી પ્રત્યેની ફરજ પહેલાં અને ત્યાર બાદ જ અંગત બાબતો કે લાભ. આવા સંજોગોમાં હું બેંગ્લોર છોડીને દિલ્હી આવી શકું તેમ નથી. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મારા સંજોગોને અનુલક્ષી આપ મારા પ્રત્યે ઉદાર બનશો.'
આમ, સી. વી. રામનને રાષ્ટ્રપતિના નિયંત્રણ અને ભારત-રત્નના સન્માન કરતાં વિદ્યાર્થીઓ પ્રત્યેનું કર્તવ્ય વધારે મહત્ત્વનું હતું. એ સમયે માયસોર સરકારના એક સામાન્ય કર્મચારી દ્વારા સી. વી. રામનને ભારત રત્નનો સર્વોચ્ચ ખિતાબ આપવામાં આવ્યો, ત્યારે તાળીઓનાં ગડગડાટ નહોતાં, તસવીરોનાં ઝબકારા નહોતાં, પ્રચંડ હર્ષનાદો નહોતાં કે અભિનંદન આપનારાઓની ભીડ નહોતી, કિંતુ નિરવ શાંતિના વાતાવરણમાં એમણે આ એવોર્ડનો સ્વીકાર કર્યો.
જીવનભર વિજ્ઞાનનાં પ્રસારને માટે ઝઝૂમના૨ા સી. વી. રામનને કેટલાય અન્યાયોનો સામનો કરવો પડયો. એમનો ઘણી વાર તેજોવધ થયો, પરંતુ આ વિજ્ઞાનીએ સઘળું સહન કરીને સદૈવ વિજ્ઞાનની એકનિષ્ઠ આરાધના કરી.








