મેં મારી જાતને પ્રધાનપદેથી ડિસમિસ કરી દીધી છે !

- રેલવેપ્રધાન સર્કિટ હાઉસને બદલે રેલવેના ડબ્બામાં રહેવું પસંદ કરતા !
- બીજી ઓક્ટોબર, 1869ના દિવસે પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયો અને એ જ ગાંધીમાર્ગે ચાલનારા શ્રી લાલબહાદુર શાસ્ત્રીનો બીજી ઓક્ટોબર ૧૯૦૪ના રોજ મુગલસરાયમાં જન્મ થયો
- વક્ત સબ કો મિલતા હૈ, અપની જિંદગી બદલને કે લિયે,
મગર જિંદગી દોબારા નહીં મિલતી, વક્ત બદલને કે લિયે.
- એક એવો વિરલ સંયોગ છે કે એક મહાપુરુષ અને બીજા એમના પગલે ચાલનાર અનુયાયી બંનેનો જન્મદિવસ છે. બીજી ઓક્ટોબર, 1869ના દિવસે પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયો અને એ જ ગાંધીમાર્ગે ચાલનારા શ્રી લાલબહાદુર શાસ્ત્રીનો બીજી ઓક્ટોબર 1904ના રોજ મુગલસરાયમાં જન્મ થયો.
લોકનેતા તરીકે લાલબહાદુર શાસ્ત્રીના જીવનના લગભગ અજાણ્યા રહેલા પ્રસંગો આજના લોકસેવકો માટે પ્રેરણાદાયી છે. લાલબહાદુર શાસ્ત્રી ભારતના ગૃહપ્રધાન બન્યા, પણ દિલ્હીમાં કોઈ એમને ઘર આપવા તૈયાર નહીં. આમ તો રાજકારરણમાં પ્રભાવ ધરાવનાર સામાન્ય નેતાને પણ આવી મુશ્કેલી ન પડે, પણ લાલબહાદુરની છાપ એવી હતી કે એ એટલા સંનિષ્ઠ નેતા હતા કે જેમના હોદ્દાનો પડોશીઓને કોઈ 'લાભ' ન મળે. વિચાર કરો કે ભારત સરકારના ગૃહપ્રધાનને દિલ્હીમાં ઘર વગર વસવું પડયું હોય.
આ સમયે લાલબહાદુરે પંડિત જવાહરલાલ નહેરુના નિવાસસ્થાન 'તીનમૂર્તિ'માં પોતાના ડેરા-તંબુ નાખ્યા અને દેશના ગૃહપ્રધાનની પારકા ઘરમાં કઈ સ્થિતિ હતી તે જુઓ. દેશસેવાના કાર્યમાં લાલબહાદુરનો ભોજનનો સમય કે આરામનો સમય નક્કી નહીં. આથી 'તીનમૂર્તિ'ના નોકરો શાસ્ત્રીના ઓરડામાં ભોજન ઢાંકી જાય. લાલબહાદુરને પોતાને સમય મળે ત્યારે જમે. ઘણીવાર નોકરો બીજે દિવસે એમ ને એમ ઢાંકેલી થાળી જુએ. કામને આડે લાલબહાદુર જમવાનું પણ ભૂલી જાય ! લાલબહાદુર સૂએ પણ આ ઓરડામાં જ. ચાર પાંચ હાથા વિનાની ખુરશીઓ એ એમની પથારી. લાઈનમાં ગોઠવીને ઉપર લંબાવે, વહેલી પડે સવાર ! ચૂંટણીના દિવસો નજીક આવવા લાગ્યા, જમવા માટે આવવા-જવામાં કાર્યકરોનો સમય બગડતો હોવાથી બધાની જમવાની વ્યવસ્થા 'તીનમૂર્તિ'બંગલામાં જ કરવામાં આવી.
એક વાર લાલબહાદુરને ભોજનમાં માખણ અને ઘી આપવામાં આવ્યાં. લાલબહાદુરે પૂછ્યું, 'શું માખણ અને ઘી બધા કાર્યકર્તાઓને આપવામાં આવ્યા છે ?'
સંચાલકે કહ્યું, 'ના, આ તો ખાસ આપના માટે વ્યવસ્થા કરવામાં આવી છે.'
લાલબહાદુરે માખણ અને ઘીનો અસ્વીકાર કરતાં કહ્યું, 'આ બરોબર નથી. કાર્યકરો અને મારી વચ્ચે કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં.'
લાલબહાદુરના જાહેરજીવનની એક સૌથી મોટી ઘટના ૧૯૫૬ના નવેમ્બરમાં બની. એ સમયે લાલબહાદુર શાસ્ત્રી ભારત સરકારના રેલવે અને વાહનવ્યવહાર ખાતાના મંત્રી તરીકે કાર્યરત હતા. એમને માથે ઘણી કપરી જવાબદારીઓ હતી. રેલવેમાં બાર લાખ કર્મચારીઓ કાર્ય કરતા હતા અને રેલવે એ દેશના વાહવવ્યવહારનું એક અગત્યનું સાધન હતું. યોજનાઓ, ઉદ્યોગો અને અર્થકારણ માટે પણ રેલવેની ઘણી જરૂર હતી. આવે સમય રેલવેપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ રેલવેમાંથી ફર્લ્ટક્લાસ કાઢી નાખ્યો, સેકન્ડ ક્લાસને ફર્સ્ટક્લાસમાં ફેરવી નાખ્યો. એ સમયે રેલવેમાં ચાર 'ક્લાસ' હતા એના બદલે એમણે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ - એમ ત્રણ ક્લાસ કર્યા. એમની ઇચ્છા તો માત્ર બે જ વર્ગ કરવાની હતી ! વળી ત્રીજા વર્ગના મુસાફરો માટે રિઝર્વ બેઠકોની વ્યવસ્થા કરી. ત્રીજા વર્ગના ડબ્બામાં પંખા નખાવ્યા. રાત્રિના મુસાફરી દરમિયાન સૂવા માટેની સીટ આપી. ટ્રેનની ડાઈનિંગ કારમાં જમવાની સગવડ આપી.
ભારતના રેલવે પ્રધાન તરીકેનો કાંટાળો તાજ એમને શિરે પહેરાવવામાં આવ્યો હતો. એ સમયે રેલવે પ્રધાન પ્રવાસે નીકળે ત્યારે સઘળી સલૂન સાથેનો પૂરેપૂરી સાહ્યબીવાળો ખાસ ડબ્બો હોય. વાઈસરૉયના સલૂનથી થોડું જ ઊતરતું હોય ! પણ લાલબહાદુરે આવું ઠાઠમાઠવાળું સલૂન છોડી દીધું, તેઓ હંમેશાં બીજા વર્ગના ડબ્બામાં થોડો ફેરફાર કરીને એમાં જ મુસાફરી કરતા.
વળી અગાઉના રેલવેપ્રધાનો પ્રવાસ દરમિયાન સરકીટ હાઉસમાં ઉતરે. આમાં એમના માટે બધી વ્યવસ્થા હોય, પણ લાલબહાદુર રેલવેના ડબ્બામાં જ રહેવું પસંદ કરતા. ત્યાં જ આરામ કરતા, ત્યાં જ સહુને મળતા ને ત્યા ંજ સઘળાં કામ કરતા. રેલવે પ્રધાન તો રેલવેના ડબ્બામાં જ હોય ને ! એમની આવી સાદાઈ જોઈ સહુને લાલબહાદુર પોતીકા સ્વજન જેવા લાગતા. દેશના વિભાજન બાદ રેલવેનું વિશાળ તંત્ર ધીરે ધીરે વ્યવસ્થિત થતું હતું. એન્જિનો, વેગનો, પાટાઓ વગેરે ઘણાં જૂનાં થઈ ગયાં હોવાથી એને બદલવાં જરૂરી હતાં. બીજી બાજુ ઘણી નવી માગણીઓ સામે પહોંચી વળવું રેલવે વિભાગ માટે મુશ્કેલ હતું. અછતગ્રસ્ત વિસ્તારોમાં અન્ન મોકલવાનું અને ઉદ્યોગો માટે કોલસો લાવવાનું તો કોઈ પણ સંજોગોમાં અનિવાર્ય હતું.
આવી પરિસ્થિતિમાં રેલવેના અકસ્માતો ખૂબ વધી ગયા. ટ્રેનો અનિયમિત રીતે ચાલવા લાગી. માલને લઈ જવા માટેના વેગનો મળવાં મુશ્કેલ બન્યાં. આથી રેલવે અકસ્માતોની પરંપરા વધી. ૧૯૫૬ના ઑગસ્ટ માસમાં મહેબૂબનગર પાસે ગમખ્વાર અકસ્માતમાં એકસો ને બાર માણસો મરી ગયા. લાલબહાદૂરને આનાથી ભારે આંચકો લાગ્યો.
એમણે કોઈ કર્મચારી પર દોષનો ટોપલો નાખ્યો નહીં. કોઈ અધિકારી પર મોટી ચૂક થયાનો આરોપ લગાવ્યો નહીં, તપાસ સમિતિ નીમીને પરિસ્થિતિ પર ઠંડું પાણી ઢોળ્યું નહીં, કોઈ કમિશનની રચના કરીને એ ગમખ્વાર ઘટનાને દૂર હડસેલી નહીં. એમણે તત્કાળ રેલવે વિભાગના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું, પણ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તે સ્વીકાર્યું નહીં.
ફરી ત્રણ મહિના બાદ વળી એક કારમો અકસ્માત થયો. દક્ષિણ ભારતના અરિયાલૂર ખાતે એકસો ને ચૌદ માણસોએ પોતાના જાન ગુમાવ્યા. લાલબહાદુરે ફરી રાજીનામું ધર્યું. વધારામાં વડાપ્રધાનને એ પણ જણાવ્યું કે હવે તેઓ વધુ સમય આ પદ પર રહેવા તૈયાર નથી. લાલબહાદુરનું રાજીનામું સ્વીકારાયું. આવા પ્રધાન એ પછી આપણા દેશે દીઠા નથી, જે બીજાની ભૂલ માટે પોતાને દોષિત માનીને સ્વયં સજા ભોગવે.'
એકવાર એમના મિત્રે લાલબહાદુરને પૂછ્યું, 'એ બતાવો કે ભૂલ કોઈ કર્મચારીની હતી અને એનો અપરાધ તમે શા માટે પોતાના માથે લઈ લીધો ? તમે તો જાતે જ તમારી જાતને 'ડીસમિસ' કરી.'
લાલબહાદુર હસ્યા અને જવાબ આપ્યો, 'હા, આ 'ડીસમિસ' શબ્દ સાચો છે. ખરેખર મેં મારી જાતને પ્રધાનપદેથી ડીસમિસ કરી દીધી છે. મને એવું લાગે છે કે મારા કાર્યમાં કોઈ ખામી હોય તો જ આવું બને અને મને મહાત્મા ગાંધીજીની એક વાત યાદ આવે છે.'
એમના મિત્રે પૂછ્યું, 'કઈ ?'
'ગાંધીજીએ એકવાર કહ્યું હતું કે પ્રધાનોએ ખુરશીને જકડીને નહીં બેસવું જોઈએ. પરંતુ એવી હલવાશથી બેસવું ઘટે કે એના પરથી ઊઠતાં સહેજે અચકાવું ન પડે. વળી ભૂલ કોઈ કરતું અને દંડ ગાંધી બાપુ પોતે ભોગવતા હતા. તો તમે જ કહો, મેં નવું શું કર્યું છે ? આ તો એ રાહબરે બતાવેલા માર્ગ પર જ હું ચાલ્યો છું.'
લાલબહાદુરની આ નિ:સ્વાર્થ વૃત્તિ જોઈ એમના મિત્રનું મસ્તક માનથી ઝૂકી ગયું.
પં. જવાહરલાલ નહેરુ પર આ સમયે લાલબહાદુરનું રાજીનામું નહીં સ્વીકારવા માટે એટલા બધા પત્રો ને તાર આવ્યા કે તેઓ બોલી ઊઠયા, 'લાલબહાદુર કેટલા બધા લોકપ્રિય છે !'
નહેરુએ લોકસભામાં લાલબહાદુર શાસ્ત્રીના રાજીનામાની જાહેરાત કરી. પં. નહેરુએ લાલબહાદુરના કાર્યને ભવ્ય અંજલિ આપી. તેમણે કહ્યું, 'મારું એ સદ્ભાગ્ય છે કે માત્ર સરકારમાંજ નહીં, પણ કોંગ્રેસમાં મને એમના જેવો સાથી ને મિત્ર મળ્યો છે. તેઓ ઉચ્ચવ્યક્તિત્વવાળા, વફાદાર, ધ્યેયને વરેલા, જાગૃત આત્માવાળા અને સખત પરિશ્રમી છે. કોઈ પણ કાર્યમાં આનાથી વધારે સારો સાથી કે મિત્ર મેળવવાની કોઈ ઇચ્છા ન રાખે. અને તેઓ જાગૃત આત્મા હોવાથી જ એમને સોંપાયેલા કાર્યમાં સહેજ પણ ખામી આવતાં તેઓ અત્યંત દુ:ખ અનુભવે છે. મને એમના માટે અત્યંત આદર છે. ભવિષ્યમાં એમને એક યા બીજી રીતે આપણા સાથી બનાવીશું અને તેમની સાથે મળીને કામ કરીશું.'
રાજીનામું આપ્યા પછી લાલબહાદુર શાસ્ત્રી લોકસભામાંથી બહાર નીકળ્યા, ત્યારે રેલવેપ્રધાનની મોટર હાજર હતી, પરંતુ એમણે એમાં બેસવાનો ઇન્કાર કર્યો અને બસમાં બેસીને ઘેર પહોંચ્યા.
પ્રસંગકથા
પુતિન અને નેતન્યાહુ કરતાં તો વૃક્ષ સારું !
ગ્રીસનો શહેનશાહ સિકંદર જગતવિજેતા બનવા માટે વિશાળ સેના લઈને ગ્રીસથી નીકળ્યો. એક પછી એક દેશ પર વિજય મેળવીને એ ભારતની ધરતી પર આવ્યો. એને ખબર મળી કે, 'ભારતની ગંગા નદીના કિનારે એક મહાન મહાત્મા બિરાજે છે.'
શહેનશાહ સિકંદરને આ મહાત્માના દર્શનની ઈચ્છા જાગી. પોતાના ખાસ દૂતને બોલાવીને એ મહાત્માને માનભેર પોતાની પાસે લાવવાની આજ્ઞાા કરી.
સાધુ-મહાત્માની શોધમાં દૂત ઘણું ફર્યો, છેવતે ગંગાના ઘાટ પર ઘણું ફર્યા પછી એને મહાત્મા મળ્યા. એણે મહાત્માને સવિનય નિવેદન કર્યું, 'દિગ્વિજયી શહેનશાહ સિકંદર નજીકના શહેરમાં પધાર્યા છે અને તેમણે આપને મળવા બોલાવ્યા છે. જગવિજેતા સમ્રાટ સિકંદરથી તો આપ વાકેફ જ હશો. એમની આજ્ઞાાનો અનાદર કરશો તો તેઓ ક્રોધે ભરાશે. શહેનશાહ એમના હુકમનો અનાદર કરનારને ફાંસીએ લટકાવે છે.'
મહાત્માએ શાંતિથી વળતો પ્રશ્ન કર્યો, 'અરે ભાઈ, આ દિગ્વિજયી એટલે શું ? શું એ દિવસનું પચાસ સો મણ અનાજ ખાય છે ?'
દૂતે કહ્યું, 'ઓહ ! હો ! હો ! આટલું બધું અનાજ તે કોઈ ખાઈ શકે ખરું ?'
'તો પછી એ જરૂર દસ-પંદર મણ અનાજ તો ખાતો જ હોવો જોઈએ.'
'ના, ના. આટલું અનાજ તે માણસ દિવસમાં ખાય ખરો ?'
દૂતે કહ્યું, 'બસ, શેર-બશેર બીજા માણસો ખાય છે એટલું જ.'
મહાત્મા ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા.
'અરે, તારા દિગ્વિજયી બાદશાહ કરતાં તો અમારું વૃક્ષ સારું ! એ કોઈની પણ હિંસા કર્યા વગર પોતાનું પેટ ભરે છે અને ભાઈ તારા સમ્રાટને મારો આ જ સંદેશો આપજે !'
દૂત સંદેશો લઈને ગયો. શહેનશાહ સિકંદરને બધી વાત કરી.
મોટા-મોટા રાજાઓના શિર નમાવનાર સિકંદર આ સંદેશો સાંભળી મહાત્મા આગળ શિર ઝુકાવી બેઠો.
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે જગતને સિકંદરનું શિર ઝુકાવે તેવા માનવીની જરૂર છે. જગતના કેટલાક દેશોએ તો સત્તા-લાલસાની સીમા ઓળંગી દીધી છે. ઇઝરાયેલ ગાઝા પર સતત બોંબમારો કરીને ગાઝાના વિસ્તાર પર પોતાનું પ્રભુત્વ જમાવવા માગે છે, તો રશિયા યુક્રેન પર અંધાધૂંધી મિસાઈલ્સનો મારો ચલાવીને એનો સર્વનાશ કરવા માગે છે. એની પાછળની એની ઇચ્છા યુક્રેન પર પોતાની સત્તાનો દોર જમાવવાની છે.
આખી દુનિયાને રફેદફે કરી નાખવા ઇચ્છતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલાને ગળી જવા માટે આતુર છે, તો બીજી બાજુ ચીનનો ડોળો વર્ષોથી તાઈવાન પર છે.
આ શક્તિશાળી દેશોની સત્તાલાલસા માનવસંહાર સર્જે છે અને એનાં યુદ્ધો અનેક નિર્દોષ બાળકો અને સ્ત્રીઓને બેહાલ કરી મૂકે છે. યુદ્ધની આગથી બચવા માટે એ બધા જીવ લઈને અહીંતહીં નાસે છે. આંધળી સત્તાલાલસા સામે સિકંદરની આંખ ઉઘાડનાર પેલા મહાત્મા જેવો કોઈ આજે વિરલો જગતને મળશે ખરો ? હિંસા દ્વારા આત્મઘાત કરવા નીકળેલી માનવજાતની સાન ઠેકાણે લાવે !








