Editorial

તમિળનાડુ અને પ.બંગાળમાં AI દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ

By GS TEAM
25 Feb 20263 mins read
તમિળનાડુ અને પ.બંગાળમાં AI દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ

- સીતારામન અને સોનિયા ગાંધીની AI તસ્વીરો

- ઇનસાઇડ સ્ટોરી

- નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં દરેક પક્ષ પાસે સોશ્યલ નેટવર્કની સેના હોય છે

આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI)હવે રાજકીય પક્ષોના પ્રચારમાં પણ પ્રવેશ્યું છે. પ.બંગાળ અને તમિળનાડુમાં વિધનસભાનો જંગ છે.  આ બંને રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે AI ઇમેજનો ઉપયોગ કરીને પોસ્ટર વોર શરૂ થઇ છે. બંને પક્ષોએ નિર્મલા સીતારામન અને સોનિયા ગાંધીની AI ઇમેજનો ઉપયોગ કર્યો છે. કોંગ્રેસે નિર્મલા સીતારામનની થાઇ કેલાવી (ગોડ મધર)તરીકે ચિતર્યા છે. ગામડાના રોડ પર સિતારામનને ગર્વથી ચાલતા બતાવાયા છે અને તેમને જોઇને રોડ પરની ગાયો અને કૂતરાને ભાગતા બતાવાયા છે. તેમના ખભે એક ઘેટું પણ જોવા મળે છે. પોસ્ટરમાં એક વ્યક્તિને એમ કહે તો બતાવાયો છે કે ભાગો તે આપણી તરફ આવી રહી છે.

સામે છેડે ભાજપે પણ વળતો પ્રહાર કર્યો હતો. જેમાં સોનિયા ગાંધીને ધૂળીયા રોડ પર ઝાડુ લઇને બતાવાયા છે. જેમાં તેમની સાથે સંકળાયેલા કેટલાક કૌભાંડો જેવાં કે ટુ -જી, બોફોર્સ, નેશનલ હેરલ્ડ કેસ વગેરે દર્શાવાયા છે. તેમને આજી થાઇ ફેલાવી કહ્યા છે. એટલેકે ઓરીજીનલ ગોડ મધર.

નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં દરેક પક્ષ પાસે સોશ્યલ નેટવર્કની સેના હોય છે.હવે તેમાં AI ટેકનોલોજીનો ઉમેરો થયો છે. પ્રચાર કરવામાં દરેક નવા આઇડિયા  લડાવતા હોય છે. ટૂંકમાં પ્રચારનું મૂળ સ્વરૂપ બદલાતું જાય છે.

AI વિડિયો પ.બંગાળના ચૂંટણીમાં પણ ધૂમ મચાવી રહ્યા છે. ભાજપ બંગાળમાં સંસ્કૃતિના રક્ષકોને હાઇ લાઇટ્સ કરીને બતાવવા માંગે છે કે પ.બંગાળમાં કેવા રત્નો હતા અને અનુકરણીય લોકો હતા તે બતાવવા માંગે છે. તેની સરખામણી સમાજના શાસકો ખાસ કરીને મમતા બેનર્જી સામે કરાય છે.

કહે છે કે પ.બંગાળમાં ભાજપ ચૂંટણી પ્રચાર ઓછો કરે છે અને પ.બંગાળની મૂળ સંસ્કૃતિની લોકોને યાદ અપાવે છે. પ.બંગાળમાં ભાજપની સોશ્યલ મિડીયા ટીમ સામે અનેક પડકારો છે કેમકે મમતાના સમર્થકોની સંખ્યા ઓછી નથી થઇ. પ.બંગાળના લોકોને મમતાનો ફાઇટીંગ સ્પીરીટ ગમે છે પરંતુ તે એન્ટીઇન્કમબન્સીના વમળમાં ફસાઇ ગયા છે. 

સત્યજીત રેની ફિલ્મના પાત્રો પરથી વિડિયો બનાવીને ભાજપ લોકો સમક્ષ એવું બતાવે છે કે આપણે એક સમયે કેટલા સમૃધ્ધ હતા અને આજે કેટલા નીચા સ્તરે પહોંચી ગયા છે. તેની પાછળનું કારણ આપણો મત છે. જો આપણો મત આપણે સમજીને આપીશું તો ફરી સમૃધ્ધ યુગ લાવી શકીશું.

ભાજપનો આઇડિયા સફળ થયેલો દેખાય છે. કેમકે પ.બંગાળના બૌધ્ધિકો વિચારતા થયા છે કે આજે આપણે ક્યાં છીએ અને પહેલાં કેવા હતા. ભાજપનો દાવ કેટલો સફળ થશે તે તો પરિણામના દિવસે ખબર પડશે પરંતુ જેરીતે ભાજપ મમતાનું શાસન પડાવી લેવા ભૂરાંટું થયું છે તે જોતાં એમ લાગે છે કે પ.બંગાળનો ચૂંટણી જંગ વિવિધ વ્યૂહરચનાઓથી ભરેલો જોવા મળશે.

તમિળનાડુમાં નિર્મલા સીતારામનની તસ્વીર જોઇને લોકોને ભાગતા બતાવાયા છે તેની સામે સોનિયા ગાંધીની ફરતે કૌભાંડો દર્શાવાયા છે. AI નો ઉપયોગ ચૂંટણી જંગમાં થઇ રહ્યો છે તે આવકારદાયક છે પરંતુ રાજકીય પક્ષો તેનો ઉપયોગ કરવામાં સંયમ બતાવે તે પણ જરૂરી છે.

રાજકીય પક્ષો માટે પ્રતિસ્પર્ધીની ટીકા અથવા તો તેમના ચારિત્ર પર હુમલો કરવો AIના પગલે આસાન બની જવાનું છે. આ બંને રાજ્યોમાં ખરાખરીના ખેલ છે. હજુ ચૂંટણી જાહેર નથી થઇ તે પહેલાં તો નિર્મલા સીતારામન અને સોનિયા ગાંધીને સામસામે લાવી દીધા છે.