Editorial

બિહારમાં વિપક્ષ ઓછા એટલે સરકારની જવાબદારી વધી

By GS TEAM
19 Nov 20253 mins read
બિહારમાં વિપક્ષ ઓછા એટલે સરકારની જવાબદારી વધી

- ઉત્તર પ્રદેશ-બિહાર એટલે રામ-સીતા

- ઇનસાઇડ સ્ટોરી

- સંપૂર્ણ બહુમતી સાથેની સરકાર રચાઇ છે ત્યારે લોકોની અપેક્ષા પણ વધે તે સ્વભાવિક છે

બિહારમાં એનડીએને મળેલી જીતથી ભાજપમાં ખુશાલી છે તો સામે છેડે આખો વિપક્ષ ડિપ્રેશનમાં ડૂબી ગયો છે. એનડીએના સુનામીમાં વિપક્ષ ઉજ્જડ બની ગયો છે. ભાજપ માટે હવે અનેક પડકારો ઉભા થયા છે. લોકોએ જ્યારે ભરપેટ મત આપ્યા છે ત્યારે એનડીએની જવાબદારી પણ રાજ્ય માટે વધે છે. મહિલાઓએ જ્યારે એનડીએને ખોબલે ખોબલેે મત આપ્યા છે ત્યારે તેમને આપેલા પ્રોમીસ પણ પાળવા પડશે. બિહાર રોજગારી અને ગુંડાગીરીની સમસ્યાથી પીડાઇ રહ્યું છે. 

બિહારમાં કોઇ પણ હિસાબે નવા ઉદ્યોગ ખેંચી લાવવા પડશે. ઉદ્યોગોને સવલતો અને સલામતી મળે તો તે બિહારમાં આવી શકે છે. બિહારમાં જ્યારે પ્રચારના છેલ્લા દિવસોમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાને એન્ટ્રી મારી ત્યારે તેમને આવકારવા ૨૧ બુલડોઝરો તૈનાત રખાયા હતા. તેમણે ભાષણમાં કહ્યું હતું કે ગુંડાગીરીથી ડરવાની જરૂર નથી. જો એનડીએ સરકાર આવશે તો જેમ ઉત્તર પ્રદેશમાં ગુંડાઓને બોચીમાંથી પકડીને ભગાડયા હતા એમ બિહારમાં કરીશું. તેમને સાંભળવા આવેલા લોકો આ સાંભળીને ખુશ થઇ ગયા હતા.

યોગી જાહેરમાં કહેતા હતા કે જો રાજ્યમાં ઉદ્યોગો વિકસાવવા હોય તો ગુંડાઓનું નેટવર્ક અને તેમનું પીઠબળ બનીને ફરતા રાજકારણીઓને હાથમાંથી સત્તા લઇ લેવી જોઇએ.  એવા રાજકારણીઓને ચૂંટીને સત્તાપર ના બેસાડવા જોઇએ. યોગીની વાતોનો વિડિયો ઉત્તરપ્રદેશમાં ધૂમ મચાવતો હતો. તેમણે આડકતરી રીતે તેજસ્વી યાદવને સાણસામાં લીધા હતા. રાષ્ટ્રીય જનતાદળના કાર્યકરોની કુંડળી ગુંડાગીરી સાથે સંકળાયેલી હોવાનું મનાય છે.  

બિહારમાં એનડીએના ભવ્ય વિજય પછી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને બિહારનો સંબંધ રામ-સીતા જેવો છે. તેમણે કહ્યું હતું કે બિહારની પ્રજાએ ડબલ એન્જીનની સરકાર પર ભરોસો મુક્યો છે. કેમકે રાજ્યમાં સ્થિર સરકાર આવે તો વિકાસની આડે કોઇ વિરોધ  ઉભો ના થઇ શકે. બિહારમાં નિતીશની સરકાર છેેલ્લા પંદર વર્ષથી છે પરંતુ તે સતત રાષ્ટ્રીય જનતાદળના વિરોધથી ત્રસ્ત હતી. પરંતુ હવે એનડીએ સરકારના તમામ રાજકીય વિરોધીઓનો સફાયો થયો છે. 

સરકારમાં રાજકીય વિરોધ કરનારાની સંખ્યા ઓછી હોઇ એનડીએ સરકારની જવાબદારી વધી જાય છે. જ્યારે ૨૪૩ માંથી ૨૦૨ બેઠકો સત્તાધારી પક્ષ પાસે હોય તો વિપક્ષની તીતૂડી વાગી શકે નહીં કે વિપક્ષી ઉહાપોહની કોઇ કિંમત ના રહે એટલેજ સર્વેસર્વા બનતા સત્તાધારી પક્ષની પ્રજા પ્રત્યેની જવાબદારી વધે છે.

યોગી આદિત્યનાથે બિહારમાં ૩૦ સભાઓ કરી હતી અને એક રોડશો કર્યો હતો. ૧૦ દિવસના તેમના પ્રચાર અભિયાનમાં તેમણે આરજેડી અને કોંગ્રેસના જંગલરાજને મુદ્દો બનાવ્યો હતો.

યોગી આદિત્યનાથને સાંભળવા ભીડ ઉમટતી હતી. હવે જ્યારે એનડીએની સંપૂર્ણ બહુમતી સાથેની સરકાર રચાઇ છે ત્યારે લોકોની અપેક્ષા પણ વધે તે સ્વભાવિક છે. ઉત્તરપ્રદેશમાં જેમ ગુંડાઓને ભગાડાયા એમ બિહારમાં પણ કરાય એવું લોકો ઇચ્છે છે.

લોકોને બિહારમાં રોજગારી જોઇએ છે એટલે બિહારમાં નવા ઉદ્યોગો સ્થપાય અને સ્થાનિક સ્તરે રોજગારીના કામો ઉભા થાય તેમ કરવું પડશે.

રાજકીય સમીક્ષકો માને છે કે બિહારમાં લોકસભાની ૪૦ બેઠકો છે. ભાજપની નજર આ ૪૦ બેઠકો પર છે. આ ૪૦માંથી પોતાના ફાળે વધુને વધુ બેઠકો આવે તેવા પ્રયાસ ભાજપ કરશે એમ લાગી રહ્યું છે.