Editorial

ચોમાસુ સત્ર ઓપરેશન સિંદૂરમાં તો શિયાળુ સત્ર બિહારમાં અટવાશે

By GS TEAM
12 Nov 20253 mins read
ચોમાસુ સત્ર ઓપરેશન સિંદૂરમાં તો શિયાળુ સત્ર બિહારમાં અટવાશે

- સંસદનું શિયાળુ સત્ર ડિસેમ્બર 1 થી 19

- ઇનસાઇડ સ્ટોરી

- લોકોને પ્રશ્નો પૂછતા સાંસદો ગમે છે નહીંકે દરેક મુદ્દે ઉહાપોહ કરીને ગૃને ખોરવી નાખવાનો પ્રયાસ કરનારા

સંસદનું શિયાળુ સત્ર ડિસેમ્બર ૧થી ૧૯ સુધી યોજાવાની જાહેરાત કરાઇ છે. આ સત્ર તોફાની બની રહેવાના સંકેત એટલા માટે છે કે સત્રની શરૂઆત પહેલાં બિહારમાં નવી રાજ્ય સરકારે શપથ લઇ લીધા હશે. બિહારમાં વિરોધ પક્ષનું ગઠબંધન જીતશે તો પણ ઉહાપોહ કરશે અને હારશે તે પણ વોટ ચોરી જેવા મુદ્દા આગળ ધરીને ઉહાપોહ કરશે. બિહારના પરિણામો ૧૪મી તારીખે છે.

એમ લાગે છેકે વિપક્ષ સંસદ નહીં ચાલવા દે તે વાત સરાકરને કોઠે પડી ગઇ છે. સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠક થાય છે જેમાં સંસદીય બાબતોના પ્રધાન દરેકને શાંતિથી સંસદ ચાલવા દેવાની અપીલ કરે છે, દરેક પક્ષ તે બાબતે ખાતરી આપે છે પરંતુ તે શેઠની શિખામણ ઝાંપા સુધી જેવું બને છે. સંસદસત્રના પહેલા દિવસથી દરેક પક્ષો સામસામી આક્ષેપબાજી માટે તૈયાર બેઠા હોય છે. 

અહીં મહત્વ એ બાબતનું છે કે વિપક્ષોના ઉહાપોહ વચ્ચે પણ સરકાર તેનું કામ ચાલુ રાખે છે અને બીલો પાસ કરતી રહી છે. છેલ્લું સત્ર ૨૧ જુલાઇએ શરૂ થયું હતું અને તે એક મહિના સુધી ચાલ્યું હતું. તેમાં અનેક વાર વોકઆઉટ, અનેક અવરોધો,ગૃહમૂલતવી રહેવાની ઘટનાઓ બની હોવા છતાં લોકસભામાં ૧૨ બીલ અને રાજ્યસભામાં ૧૫ બીલો પસાર કરવામાં સરકારને સફળતા મળી હતી. કેટલાંક બીલો પસાર કરાયાં હતા તો ક્ટલાક બીલ ચર્ચા માટે દાખલ કરાયા હતા.

ગયા સત્રમાં નેશનલ સ્પોર્ટ ગવર્નેસ બીલ-૨૦૨૫,નેશનલ એન્ટી ડોપીંગ (એમેન્ડમેન્ટ) બીલ-૨૦૨૫,ઇન્કમટેક્ષ બીલ-૨૦૨૫, ટેક્સેશન લો બીલ-૨૦૨૫,કોન્સટીટયુશન (૧૩૦મું એમેન્ડમેન્ટ) બીલ વગેરેનો સમાવેશ થાય છે.

તેમજ ગંભીર ગુના હેઠળ ટોચના હોદ્દેદારો જેવાં કે વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યપ્રધાનને હોદ્દા પરથી દુર કરવા કે ધરપકડ કરવી જેવા મુદ્દાઓ પર કાયદાનું માળખું તૈયાર કરવા પર પણ આગામી સત્રમાં ચર્ચા થશે.

ગયા સત્રમાં પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઇન ગેમીંગ બીલ પાસ કર્યું હતું જેના પગલે અનેક રાજકીય અને કોર્પોરેટ વિવાદો ઉભા થયા હતા. જ્યારે ચોમાસુ સત્ર પુરૃં થયું ત્યારે સંસદીય બાબતોના પ્રધાને કહ્યું હતું કે સત્ર સફળ રહ્યું હતું. ગૃહને ખોરવી નાખવાના વિપક્ષોના પ્રયાસને સફળતા મળી નહોતી. કેટલાક બિલો પર ચર્ચા ના થાય તે માટે વિપક્ષે ઉહાપોહ શરૂ કર્યો હતો પરંતુ સત્તાધારી પક્ષે બીલો પાસ કરવાની પ્રોસેસ ચાલુ રાખી હતી.

ઓપરેશન સિંદૂર અને સર પરની ચર્ચા દરમ્યાન થયેલા વિરોધના પગલે ગૃહમાં વારંવાર અવરોધ ઉભા થયા હતા. વિપક્ષેાએ ઉઠાવેલા વાંધા અને વિરોધના કારણે ગૃહ વારંવાર મૂલતવી રાખવું પડયું હતું. જેના કારણે ગૃહના ૮૪ કલાક વેડફાયા હતા. ગયા સત્રમાં જેટલું કામ થયું છે તેનાથી વધારે વિરોધ જોવા મળ્યો હતો.

સંસદ સત્ર લોકોની નજરમાં ઉહાપોહ કરવાનું અને કામગીરીને ખોરવી નાખવાનું એક સેન્ટર સમાન છે. વિપક્ષોને એ ખ્યાલ નથી આવતો કે મહત્વના બીલો પર તેમનો શું ઓપિનીયન છે તે કહેવાનો ચાન્સ તે ગુમાવી રહ્યા છે. 

કોઇ બીલ પર પોતાના પક્ષનો કે તેમનો વ્યક્તિગત ઓપિનીયન શું છે તે લોકો સુધી પહોંચવો જરૂરી છે પરંતુ આ લોકોે સત્તાધારી પક્ષનો વિરોધ કરવામાં એટલા વ્યસ્ત રહે છે કે તેમના ફાળે આવેલું પ્રજાનું કામ ભૂલી જાય છે.

લોકોને પ્રશ્નો પૂછતા સાંસદો ગમે છે નહીંકે દરેક મુદ્દે ઉહાપોહ કરીને ગૃહને ખોરવી નાખવાનો પ્રયાસ કરનારા ચોમાસુ સત્ર ઓપરેશન સિંદુરની ચર્ચામાં અટવાયું હતું એમ બિહારની ચૂંટણીના પરિણામો આગામી શિયાળુ સત્ર પર પ્રભાવી રહેશે તે નક્કી છે.