નવીદિલ્હી : છેવટે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી થઈ ગઈ છે. ટ્રમ્પ અને મોદીએ ફરીથી જાહેરમાં એકબીજાને મિત્ર કહેવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા એક વર્ષથી બંને દેશો વચ્ચે વ્યાપારીક તંગદીલી ઉભી થઈ હતી. હવે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ભારત પર લાદેલો ૫૦ ટકા ટેરીફ ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર રોકવાની ક્રેડીટ ટ્રમ્પે લીધી ત્યારે મોદી મૌન રહ્યા હતા. અમેરિકાએ ટેરીફ વધાર્યો ત્યારે પણ મોદીએ કોઈ પ્રતિઉત્તર આપ્યો નહોતો. ટીકાકારો કહી રહ્યા છે કે, અમેરિકાએ ટેરીફ ઘટાડીને ભારત પર કોઈ ઉપકાર કર્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીના પ્રેમને કારણે કે મોદીની દોસ્તીને કારણે સમાધાન કર્યું નથી, પરંતુ ચારે તરફથી ઘેરાયા હોવાથી એમણે વચલો રસ્તો કાઢયો છે. ટ્રમ્પના અંગત સલાહકારોએ એમને સલાહ આપી હતી કે, ભારતને જો સતત નારાજ કરવામાં આવશે તો વૈશ્વિકસ્તરે અમેરિકાને નુકસાન થઈ શકે એમ છે. આ ટેરીફના ઘટાડાથી ભારતને ખરેખર વ્યાપારીક રીતે કેટલો ફાયદો થશે એ તો જ્યારે ગણતરી કરવામાં આવશે ત્યારે જ ખબર પડશે.
એમએમ નરવણેનું પુસ્તક અને સૈન્ય સાથે વિવાદ
ભારતના ભૂતપૂર્વ આર્મિ ચીફ ઓફ સ્ટાફ અને જનરલ એમએમ નરવણેનું પ્રકાશિત નહી થયેલું પુસ્તક ચર્ચામાં છે. આ પુસ્તકમાં કહેવામાં આવેલી કેટલીક વાતો રાહુલ ગાંધીએ લોકસભામાં ઉઠાવી. સામે પક્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ વળતા જવાબો આપ્યા. ભૂતકાળમાં લોકસભાના સ્પિકરે કોઈપણ છાપાના કટીંગ, મેગેઝીન કે બીજા દસ્તાવેજો રેકોર્ડ પર નહીં હોય એ વિશે ગૃહમાં ચર્ચા કરવાની મનાઈ ફરમાવી હતી. નરવણેએ 'ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટીની' નામનું પુસ્તક લખ્યું હતું, પરંતુ પ્રકાશિત થયું નથી, કારણ કે સેનાના કાયદા પ્રમાણે સેનાના કોઈપણ અધિકારી નિવૃત્ત થયા પછી પણ સેનાને કેન્દ્રમાં રાખીને કોઈ પુસ્તક લખે તો એમણે મંત્રાલય પાસેથી પરવાનગી લેવી પડે છે. ભૂતકાળમાં પણ આ પ્રકારના વિવાદ થયા છે. ભારતના પહેલા આર્મિ ચીફ જનરલ કે એમ કરીયપ્પાને પણ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ સામે ઘણા વાધા હતા. નેહરૂને ચિંતા હતી કે નિવૃત્તી પછી તેઓ રાજકારણમાં ઝંપલાવશે એટલે એમને ઓસ્ટ્રેલિયાના હાઇ કમિશનર બનાવી દીધા હતા.
સુનેત્રા પવારને ઉપમુખ્યમંત્રી બનાવનાર કોણ
અજીત પવારના આકસ્મિક મૃત્યુ પછી મહારાષ્ટ્રના રાજકારણમાં એકાએક વેક્યુમ ઉભુ થયું હતું. એનસીપી (અજીત પવાર) અને એનસીપી (શરદ પવાર)ના જોડાણની વાતો થવા માંડી હતી. જો આ જોડાણ થાય તો શરદ પવાર એનડીએને ટેકો આપે કે નહીં એ નક્કી નહોતું. કોઈપણ રીતે એનસીપી (અજીત પવાર)ના ધારાસભ્યો એક સાથે રહે એ જરૂરી હતું. એમને એક તાંતણે બાંધી શકે એવો કોઈ નેતા વિધાનસભામાં નહોતો. એમ કહેવાય છે કે, ભાજપના ટોચના એક નેતાએ અજીત પવારના પત્ની સુનેત્રા પવારને અજીત પવારના સ્થાને બેસાડી દઈ ધારાસભ્યોને બાંધી રાખવાનું આયોજન કર્યું હતું. સુનેત્રા પવાર જો અજીત પવારનું સ્થાન લઈ લે તો અજીત પવારને વફાદાર ધારાસભ્યો શરદ પવારના જૂથમાં જાય નહીં. એ ચિંતા એમને હતી. સુનેત્રા પવાર પણ કાચા ખેલાડી નથી. તેઓ પણ રાજકીય કુટુંબમાંથી આવે છે. તેઓ જાણે છે કે કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં સત્તા પર ભાજપ છે અને કેન્દ્ર સરકાર સાથે બગાડવામાં કોઈ ફાયદો નથી.
પાક.નું અવનવું, મોંઘવારી છતાં મરિયમને શણગારવા ચાર કરોડનું બજેટ
ગરીબી અને કંગાળિયત સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝ માટે ત્યાની સરકારે ચાર કરોડ રૂપિયાનું ફંડ જાહેર કર્યું છે જેને કારણે મોટો વિવાદ થયો છે. આ ફંડ ફક્ત એમના મેકઅપ માટેનો ખર્ચ છે. આટલું જ નહીં પાકિસ્તાન સરકારે મરિયમ નવાઝની સાથે સૂચના અને પ્રસારણ મંત્રી આઝમ જાહીર બુખારી માટે પણ મેકઅપ અને પ્રેઝન્ટેશનનો ખર્ચો જાહેર કર્યો છે. અગાઉ મરિયમ નવાઝની સરકારી મોટરનું ટાયર બદલવા માટે એક કરોડ પાકિસ્તાની રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. લોકોનું કહેવું છે કે પાકિસ્તાનમાં સામાન્ય માણસને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ મળતી નથી. ભારે મોઘવારી છે. આવા સમયે કરોડો રૂપિયાનું બજેટ કોઈના મેકઅપ માટે ફાળવવામાં આવે એ ગુનાહીત છે.
'બંધારણ નથી માનતા તો ભારત છોડી દો'
સુપ્રિમ કોર્ટે વોટ્સએપની પ્રાઇવસી પોલીસી બાબતે મેટાને સખત ચેતવણી આપી છે. સીજેઆઇ સુર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું હતું કે, ટેક્નીકલ કંપનીઓ ભારતમાં રહીને નાગરીકોના પ્રાઇવસી હક સાથે રમત રમી શકે નહીં. કોર્ટે ત્યા સુધી કહી દીધું હતું કે જો કંપનીઓ ભારતના બંધારણને નહીં માનતી હોય તો એમણે દેશ છોડી દેવો જોઈએ. મેટા અને વોટ્સએપએ એનસીએલએટીના ચૂકાદાને સુપ્રિમ કોર્ટમાં ચેલેન્જ કર્યો હતો. કોમ્પીટીશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ ૨૦૨૧ના વર્ષમાં વોટ્સએપને પ્રાઇવસી પોલીસીના ભંગ બદલ ૨૧૩.૧૪ કરોડ રૂપિયાનો દંડ કર્યો હતો. મામલાની ગંભીરતા જોઈને સુપ્રિમ કોર્ટે ઇલેક્ટ્રોનિક અને સૂચના મંત્રાલયને કેસમાં પક્ષકાર બનાવવાનો હુકમ કર્યો છે. કોર્ટે કંપનીઓને ચેતવણી આપી છે કે, તેઓ ડેટા શેર નહી કરે અને આ બાબતની ખાતરી પણ આપે. નહીં તો કોર્ટ હુકમ કરશે.
પીએમ અંગે વિવાદીત ટીપ્પણીથી કર્ણાટક વિધાનસભામાં બબાલ
કર્ણાટક વિધાન પરિષદમાં જોરદાર બબાલ થઈ હતી. કોંગ્રેસના એમએલસી નઝીર અહમદએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કહેવાતી અપમાનજનક ટીપ્પણીઓ કર્યા પછી હંગામો થયો હતો. પરિષદમાં ચર્ચા વખતે અહમદે અપમાનજનક ટીપ્પણી કરી હતી જેને કારણે વિરોધ પક્ષ ભાજપએ બીનશરતી માફીની માંગણી કરી હતી. ભાજપના સભ્યો પરિષદમાં વેલ સુધી ધસી ગયા હતા અને અહમદ વિરુદ્ધ સૂત્રો પોકાર્યા હતા. અધ્યક્ષ બસવરાજ હોરટ્ટીએ અહમદની બીનશરતી માફી માંગવા કહ્યું હતું. કોંગ્રેસ એમએલસીએ પોતાના બચાવમાં કહ્યું હતું કે એમણે ટીપ્પણી એટલા માટે કરી હતી કે જ્યારે મહાત્મા ગાંધીને વિશ્વ ગુરુ તરીકે પૂંજવામાં આવે છે ત્યારે મોદીને વિશ્વ ગુરુ કહેવા યોગ્ય નથી.
બિહારમાં હજી પણ બાહુબલી નેતાઓનો દબદબો
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રચાર દરમિયાન એક ઉમેદવારના ટેકેદારની જાહેરમાં હત્યા થઈ હતી. આ હત્યાના આરોપી અનંતસિંહે બિહારના બજેટ સત્ર દરમિયાન ધારાસભ્ય તરીકે સોંગદ લીધા હતા. નિતિશકુમારના શાસનમાં બિહારમાં ગુંડાગીરી ખતમ થઈ હોવાની વાતો થાય છે, પરંતુ જે રીતે અનંતસિંહ ગૃહમા આવ્યા એ જોતા લાગે છે કે હજી પણ બિહારમાં બાહુબલી નેતાઓનો દબદબો અકબંધ છે. અનંતસિંહ વિધાનસભામાં આવ્યા ત્યારે એમની સાથે એમના ટેકેદારોની મોટી ફોજ હતી અને સેંકડો મોટરના કાફલા સાથે તેઓ આવ્યા હતા. ધારાસભ્ય બન્યા પછી અનંતસિંહ સોંગદ લઈ શક્યા નહોતા. તેઓ ગૃહમાં ગયા અને મુખ્યમંત્રી નિતિશકુમારના પગે પડી આશિર્વાદ લીધા. તેઓ દાદાની જેમ ચાલતા ચાલતા બહાર ઉભેલી એમ્બ્યુલન્સમાં બેઠા અને ફોટોગ્રાફરો તેમજ વિડિયો ગ્રાફરો સામે હાથ હલાવ્યા હતા.


