Editorial

દિલ્હીની વાત : મહિલા અનામત પછી લોકસભાની બેઠકો 816 થશે

By GS TEAM
25 Mar 20265 mins read
દિલ્હીની વાત : મહિલા અનામત પછી લોકસભાની બેઠકો 816 થશે

નવીદિલ્હી : મહિલા અનામત માટેનો કાયદો સરકારે છેલ્લી લોકસભાની ચૂંટણી પહેલા પસાર કર્યો હતો. હવે એમા સુધારો કરવાની તૈયારી ચાલી રહી છે. ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા આ કાયદો લાગુ કરવાનું નક્કી છે. આ સંબંધે નવું સુધારા બીલ રજુ થઈ શકે છે. જો આવનાર લોકસભાની ચૂંટણીમાં મહિલા અનામત લાગુ કરવામાં આવે તો રાજ્યોમાં બેઠકોનું સમીકરણ બદલાઈ શકે છે. મહિલા અનામત લાગુ કરવામાં આવે તો લોકસભાની બેઠકોની સંખ્યા ૮૧૬ થઈ શકે છે. હમણા લોકસભાની બેઠકોની સંખ્યા ૫૪૩ છે. ૮૧૬ લોકસભાની બેઠકોમાંથી ૨૭૩ બેઠકો મહિલા માટે અનામત રહેશે. જો રાજ્યોની વાત કરીએ તો પહેલાની માફક લોકસભાની સોથી વધુ બેઠક ઉત્તર પ્રદેશમાં હશે. અહીંથી ૧૨૦ સાંસદો ચૂટાઈ શકે છે. બિહારમાં પણ બેઠકોની સંખ્યા ૪૦થી વધીને ૬૦ થઈ શકે છે. મહારાષ્ટ્રમાં આ સંખ્યા વધીને ૭૨ થઈ શકે છે.

યુદ્ધ ખતમ કરવા માટે પાકિસ્તાનની મધ્યસ્થિમાં કેટલું તથ્ય

કેટલાક વિદેશી મીડિયાએ એવા સમાચાર વહેતા કર્યા છે કે, અમેરિકા - ઇરાનનું યુદ્ધ ખતમ કરવા પાકિસ્તાન મધ્યસ્થિ કરી શકે છે. પાકિસ્તાને એવો પ્રસ્તાવ મૂક્યો છે કે, અમેરિકા અને ઇરાનના સિનિયર નેતાઓની બેઠક ઇસ્લામાબાદમાં કરવી જોઈએ. પાકિસ્તાનના પ્રવક્તાએ કહ્યું હતું કે, 'અમે હંમેશા આ પ્રકારની વાતચીતને આમંત્રણ આપવાની ઇચ્છા રાખીએ છીએ.' જોકે પાકિસ્તાનની આ ડંફાસ બાબતે અમેરિકા કે ઇરાન બેમાંથી કોઈએ ટીપ્પણી કરી નથી. પાકિસ્તાનના ઇરાન સાથેના નજીકના સંબંધો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ પાકિસ્તાની નેતાઓના સંબંધો સારા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહીર અંબાદ્રીએ કહ્યા પ્રમાણે જો યુદ્ધ લડી રહેલા પક્ષો પાકિસ્તાનની મધ્યસ્થિ ઇચ્છે તો પાકિસ્તાન મધ્યસ્થિ કરવા તૈયાર છે. કેટલાક એવી શક્યતા વ્યક્ત કરે છે કે અમેરિકાના સિનિયર અધિકારીઓ પાકિસ્તાનમાં ઇરાની અધિકારીઓ સાથે વાતચીત કરી શકે છે.

ભારતે પરમાણુ બોમ્બ ફોડવો હોય તો નિર્ણય કોણ લેશે?

વિશ્વ આખામાં હમણા અશાંતિ છે. ઇરાન સામે અમેરિકા અને ઇઝરાયલ લડી રહ્યા છે. ઇરાન પાસે પણ પરમાણુ શસ્ત્રો છે. બહુ ઓછા લોકો જાણે છે કે પરમાણુ બોમ્બ ફોડવાની સત્તા ખરેખર કોની પાસે હોય છે. ફિલ્મોમાં બતાવવામાં આવે છે એમ કોઈક એક વ્યક્તિ બટન દબાવીને પરમાણુ બોમ્બ ઝીકી શકતું નથી. દુનિયાના નવ દેશોમાંથી ભારત પાસે પણ પરમાણુ શક્તિ છે. એમ મનાય છે કે જો કોઈ દેશ ભારત પર પહેલા પરમાણુ હુમલો કરે તો જ ભારત વળતા પ્રહાર તરીકે આ હથિયારોનો ઉપયોગ કરશે. સામાન્ય રીતે જોઈએ તો ભારતના વડાપ્રધાન એકલે હાથે પરમાણુ હથિયારો વાપરવાનો આદેશ આપી શકતા નથી. આ પાવર 'ન્યુક્લિયર કમાન્ડ ઓથોરીટી' પાસે છે. આ ઓથોરીટીના વડા દેશના વડાપ્રધાન હોય છે. જોકે ફક્ત વડાપ્રધાન નહીં પરંતુ આ ઓથોરીટીના સભ્યો સંયુક્ત રીતે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનું નક્કી કરે છે. જોકે એમ મનાય છે કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તા ભોગવી રહ્યા છે એ જોતા બાકીના સભ્યો આખરી નિર્ણય એમના પર છોડી શકે છે.

રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહીતના નેતાઓને રાહત

રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહીત બીજા કેટલાક રાજકીય નેતાઓ સામે ચાલી રહેલા કેસ પર દિલ્હી હાઇકોર્ટે બ્રેક મારી છે. ફેબુ્રઆરી મહિનાની છઠ્ઠી તારીખે દિલ્હીના જંતરમંતર ખાતે એક વિરોધ પ્રદર્શનમાં આ બધા રાજકારણીઓ ભાગ લઈ રહ્યા હતા. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ ડીએમકેની વિદ્યાર્થીશાખાએ કરેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની કેટલીક નીતિઓ વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું હતું. આ બાબતે ડીએમકેના નેતા પી વિલ્સન, કનીમોઝી અને એ. રાજાને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. એવો આક્ષેપ હતો કે આ વિરોધ પ્રદર્શન દિલ્હી પોલીસની પરવાનગી વગર કરવામાં આવ્યું હતું. જસ્ટીસ અનુપ જયરામ ભંભાનીએ આ કેસ પર સ્ટે આપ્યો છે. તામિલનાડુના ધારાસભ્ય એઝીલારાસનએ કરેલી અરજી સંદર્ભે આ હુકમ કરવામાં આવ્યો હતો.

દિલ્હીની રેસ્ટોરાંઓએ બીલમાં એલપીજી ચાર્જ ઉમેરવાનું શરૂ કર્યું

દેશ આખામાં એલપીજી ગેસની અછતને કારણે કાળા બજાર થઈ રહ્યા છે. આ તકલીફમાંથી દિલ્હી પણ બાકાત નથી. દિલ્હીની રેસ્ટોરાં, હોટલ અને ઢાબાઓએ હવે બીલમાં એલપીજી ચાર્જ ઉમેરવાનું શરૂ કરી દીધું છે. ગ્રાહકો આને કારણે નારાજ છે. એક્સ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આવા બીલોના ફોટોગ્રાફસ વાયરલ થઈ રહ્યા છે. વાનગીઓના કુલ બીલ ઉપર ૧૦ થી ૧૫ ટકા એલપીજી ચાર્જ લગાડવામાં આવે છે. જે આઇટમ ૭૦ રૂપિયાની હોય એના પર ૧૫ રૂપિયા એલપીજી ચાર્જ લગાડવામાં આવે છે. લોકોનું કહેવું છે કે વધતી કીંમતોને કારણે પહેલેથી જ બહારનું ખાવાનું મોંઘું થઈ ગયું છે એમાં હવે એલપીજી દરને કારણે વધારો થયો છે.

આરજીકર દુષ્કર્મ પીડીતાની માતા ભાજપની ટીકીટ પર લડી શકે છે

કોલકત્તાની આરજીકર હોસ્પિટલમાં યુવતી પર થયેલા બળાત્કાર અને હત્યાની ચર્ચા  દેશભરમાં થઈ હતી. પીડીતાની માતાએ પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી ચૂંટણી લડવા માટે ઇચ્છા વ્યક્ત કરી છે. આ બાબતે સામ્યવાદી પક્ષના યુવાન નેતા દીપ્શીતા ઘરએ નારાજગી વ્યક્ત કરી છે. જોકે એમણે કહ્યું છે કે ચૂંટણી સાથે જોડાયેલી એમની લાગણી પીડીત યુવતીના ન્યાય પર અસર કરી શકશે નહીં. ૩૨ વર્ષના દીપ્શીતા કોલકત્તા ઉત્તરની ડમડમ બેઠક પરથી ચૂંટણી લડશે. એમનું જોકે કહેવું હતું કે મહિલાઓ પર જે અત્યાચાર થાય છે એ માટે એમની લડાઈ ચાલુ જ રહેશે. એમના વિધાનસભા ક્ષેત્રમાં એક વર્ષ પહેલા બળાત્કાર અને હત્યાની ઘટના બની હતી. ઘરએ કહ્યું હતું કે યુવતી માટે ન્યાય માંગવાનો અવસર ચૂંટણી છે.

પાકિસ્તાનની કઈ વાતે ચીન ફીદા થયું

ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગએ કહ્યું છે કે, પાકિસ્તાનના સામાજીક વિકાસથી બેજીંગ ખૂબ ખુશ છે. જીનપીંગએ આ ટીપ્પણી પાકિસ્તાન દિવસના અવસરે કરી હતી. એમણે કહ્યું હતું કે પાકિસ્તાનની સરકાર અને પ્રજા લાંબા સમયથી દેશની સ્વતંત્રતા અને રાષ્ટ્રીય ગરીમા મજબૂત કરી રહ્યા છે. પાકિસ્તાને મોટા જોખમો અને પડકારોનો સામનો કરીને દેશનો વિકાસ કર્યો છે. હવે આ વાત ચીનના નેતાઓ સિવાય કોઈ માનવા તૈયાર નથી એ પણ હકીકત છે. જોકે ચીન પાકિસ્તાન સાથે સારા સંબંધ રાખવા માંગતું હોય એની નવાઈ નથી. ચીને પાકિસ્તાનને હંમેશા ભારત કરતા નજીકનું મિત્ર માન્યું છે. ચીન પાકિસ્તાનને દરેક ક્ષેત્રે મદદ પણ કરતું રહે છે. પાકિસ્તાનમાં લોકશાહી નથી એની ચિંતા ચીન કરતું નથી કારણ કે ચીન પણ લોકશાહી દેશ નથી. ઇરાન બાબતે પણ બંને સરખા વિચારો ધરાવે છે.