Editorial

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપનો 'ધાર્મિક દાવ'

By GS TEAM
24 Mar 20265 mins read
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપનો 'ધાર્મિક દાવ'

નવીદિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપએ ચૂંટણીની રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે. ભાજપે ચૂંટણી માટે ઘણા સન્યાસી, મહંતો અને પૂજારીઓને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપનું લક્ષ્ય ઉમેદવારોના આધ્યાત્મિક પ્રભાવનો ફાયદો લઈને ટીએમસીને પછાડવાનો છે. ઉત્તર પ્રદેશમાં જે રીતે યોગી આદિત્યનાથની લોકપ્રિયતા અકબંધ રહી છે એને આધારે પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ ઇમેજ ઉભી કરવા માંગે છે. ભાજપે પશ્ચિમ બંગાળના જુદા જુદા મઠો અને મંદિરો સાથે જોડાયેલા જાણીતા ચહેરાઓને મોકો આપ્યો છે. હિન્દુઓ જેમને મહારાજ તરીકે ઓળખે છે એમને ભાજપે વિધાનસભાની ટિકિટો આપી છે. આવી વ્યક્તિઓ લાંબા સમયથી નેતૃત્વની સાથે સામાજીક અને સાંસ્કૃતિક કામગીરી પણ કરી રહી છે. કાલીગંજ બેઠક પરથી ભાજપે ૪૨ વર્ષના સન્યાસી ઉત્પલ મહારાજને ટીકીટ આપી છે. ઉલુબેરિયા દક્ષીણ બેઠક પરથી ભાજપ સન્યાસી સ્વામી મંગલાનંદ પુરીને ચૂંટણી લડાવશે.

'અત્યાચાર અને ડરના પડછાયામાં વિકસીત ભારત શક્ય નથી'

સુપ્રિમ કોર્ટના સિનિયર જસ્ટીસ ઉજ્જ્વલ ભૂયીયાએ એક અગત્યની વાત કહી છે. સમાજના ભાઇચારા બાબતે એમણે બેધડક થઈને કહ્યું છે. એમણે કહ્યું હતું કે, ૨૦૪૭ સુધીમાં વિકસીત ભારતનું સપનું ફક્ત નારાબાજીથી પૂરુ નહીં થાય. ભૂયીયાએ કહ્યું હતું કે, અસહમત થનારાઓના અવાજો દબાવવા, આડેધડ ધરપકડો કરવી, આ લક્ષ્યમા સૌથી મોટો અવરોધ છે. જસ્ટીસ ભૂયીયાએ આતંકવાદ વિરોધી કાયદા (યુએપીએ)ના વધતા ઉપયોગ બાબતે પણ ચિંતા જાહેર કરી હતી. એમણે કહ્યું હતું કે ૨૦૧૯ થી ૨૦૨૩ સુધીમાં હજારો લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે પકડાયેલામાંથી માંડ પાંચ ટકા દોષિત સાબિત થયા છે. એમણે કહ્યું હતું કે, 'સજાની ટકાવારીનો આટલો ઓછો દર શું બતાવે છે? કાયદાનો આ દુરઉપયોગ નથી તો બીજુ શું છે?'

ઉધારના પાણી પર જીવી રહ્યું છે દિલ્હી

ઉનાળો શરૂ થયો એ પહેલા જ દિલ્હીમાં એક પછી એક કુવા, તળાવો સુકાવા માંડયા હતા. જોકે સત્તાધિશોએ આ બાબતે ધ્યાન આપ્યું નહોતું. પાણીના સંગ્રહ કરતા વપરાશ બે ગણો વધારે છે. જમીનની નીચેના પાણીના સ્રોેત ઓછા થઈ રહ્યા છે. દિલ્હી પાણી માટે સૌથી વધુ યમુના નદી પર આધાર રાખે છે. આ નદી પર ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, યુપી અને હરિયાણાની તરસ છીપાવવાની જવાબદારી પણ છે. રાજધાનીના વઝીરાબાદ અને ચંદ્રાવલમાં યમુનાનું પાણી મળે છે. યમુનાનું પાણી દિલ્હીના લોકો માટે પીવાનો એક માત્ર સ્રોત છે. ગંગા નદીનું પાણી ગંગા નહેર દ્વારા દિલ્હી લાવવામાં આવે છે. જેનાથી સોનિયા વિહાર અને ભાગીરથી વોટર વર્કસ ભરવામાં આવે છે. ભાખડા સ્ટોરેજથી જે પાણી આવે છે એનું હૈદરપુર, દ્વારકા અને નાગલોઈના માધ્યમમાં શુદ્ધ થયા પછી વિતરણ થાય છે. આ વર્ષે આ બધા જ સ્રોત સુકાઈ રહ્યા છે.

હોર્મૂઝ ખાડીના પાણીની નીચે ખતરનાક સુરંગ

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જાપાને જાહેરાત કરી છે કે, એ હોર્મૂઝની ખાડીમાં કોમર્શિયલ જહાજોને સરળતાથી પસાર કરી શકે એ માટે ઇરાન દ્વારા પાણીની નીચે મૂકવામાં આવેલી લેવલ માઇન્સ દુર કરવા મદદ કરશે. જાપાનના વિદેશ મંત્રી તોશીમીત્સુ મોતેગીના કહેવા પ્રમાણે જો આ વિસ્તારમાં સીઝફાયર થાય તો જાપાન પોતાના 'માઇનસ્વીપર' જહાજોની મદદથી સમુદ્ર નીચેની સુરંગો સાફ કરી શકે છે. જોકે અમેરિકાના નાટો સાથીઓએ ઇરાન વિરુદ્ધ કોઈપણ પ્રકારના નૌસેનીક ઓપરેશનમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો છે. માઇનસ્વીપર એવા ખાસ જહાજો હોય છે જે સમુદ્રની નીચે પાથરવામાં આવેલી સુરંગને નિષ્ક્રીય કરી શકે છે. જાપાનની 'મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સ' (જેએમએસડીએફ) વિશ્વમાં શ્રેષ્ઠ ગણાય છે. માઇનસ્વીપર જહાજો સમુદ્રી વિસ્તારમાં એક ખાસ રૂટ પર સમગ્ર રસ્તો સુરક્ષીત બનાવી શકે છે.

સતારા જિલ્લા પરીષદ ચૂંટણી પછી મહાયુતિમાં મતભેદ

મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં હમણા જ થયેલી જિલ્લા પરીષદ પ્રમુખની ચૂંટણીને કારણે મહાયુતિમાં મતભેદ ઉભા કર્યો છે. આ ચૂંટણીમાં ભાજપના પ્રિય શિંદે પ્રમુખ પદની ચૂંટણી જીતી ગયા હતા. શિવસેના (એકનાથ શિંદે) અને એનસીપી (અજીત પવાર) પાસે વધુ સંખ્યા હોવા છતાં ભાજપે જીત મેળવી છે. આ ચૂંટણીમાં ભાજપે ગઠબંધનના કેટલાક સભ્યોને પોતાની તરફ કરી લીધા હતા જેને કારણે ગઠબંધનમાં નારાજગી દેખાઈ રહી છે. આ બાબતે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદેએ કહ્યું હતું કે, સતારા જિલ્લા પરીષદના કેટલાક ચૂંટાયેલા સભ્યો સામે પોલીસે જે કાર્યવાહી કરી હતી એ લોકશાહીની હત્યા સમાન હતું. શિંદેએ આરોપ મૂક્યો હતો કે સ્થાનિક અધિકારીઓએ ચૂંટણીના પરિણામો બદલવા માટે સત્તાનો દુરઉપયોગ કર્યો હતો. જોકે સમય પારખીને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કહેવું પડયું હતું કે તેઓ આ બાબતે તપાસ કરશે અને તપાસના રીપોર્ટ પછી કાર્યવાહી પણ કરવામાં આવશે.

શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ અશોક ખરાત મામલે સરકારની ઝાટકણી કાઢી

શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ પોતાના મુખપત્ર સામનામાં વર્તમાન રાજકારણ વિશે લખ્યું છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ મહારાષ્ટ્ર સરકારની આકરી ટીકા કરી છે. પોતાને 'શાહી જ્યોતિષી' કહેનાર અશોક ખરાત વિવાદને કારણે રાજ્યના રાજકારણમાં વિવાદ થયો છે. પક્ષે કહ્યું હતું કે, ખરાતને મહિલાઓનું શોષણ તેમજ છેતરપીંડી કરવાના આરોપ હેઠળ પકડવામાં આવ્યો છે. આ કિસ્સાએ મોટા મંત્રીઓ અને અધિકારીઓને ઉઘાડા કરી દીધા છે. આ મંત્રીઓ અને અધિકારીઓ રાજકીય લાભ માટે બાબાના દરબારમાં કુરનીશ બજાવવા જતા હતા. મહારાષ્ટ્રનું રાજકારણ હવે પ્રગતિશીલ વિચારોને બદલે અંધવિશ્વાસ પર ચાલે છે. સત્તાની આ મુસાફરી ગૌહટ્ટીથી શરૂ થઈને ખરાત બાબાના આશ્રમના ઉબરા સુધી પહોંચી ગઈ છે. રાજ્ય માટે આ ફેરફાર બહુ ખતરનાક છે.

મમતા બેનર્જી શા માટે ચિંતીત છે

હૈદ્રાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીના પક્ષ એઆઇએમઆઇએમએ પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે હુમાયુ કબીરના પક્ષ આમ જનતા ઉન્નયન પાર્ટી (એજેયુપી) સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી છે. હુમાયુ કબીર તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગયા વર્ષે ટીએમસીએ કબીરને પક્ષમાંથી હાંકી કાઢયા હતા. ત્યાર પછી હુમાયુ કબીરે નવો પક્ષ બનાવવાનો નિર્ણય કર્યો હતો. હુમાયુ કબીરનો પ્રભાવ પશ્ચિમ બંગાળના મુસ્લિમો પર ખાસ્સો છે. હુમાયુ કબીરનો પક્ષ વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડવાનો છે. હુમાયુએ ૧૫ બેઠકો પર તો પોતાના ઉમેદવારોના નામ જાહેર પણ કરી દીધા છે. હુમાયુ કબીર ખુદ રેજીનગર બેઠક પરથી ચૂંટણી લડશે. અસદુદ્દીન ઓવૈસીએ હુમાયુ કબીર સાથે હાથ મેળવવાથી તૃણમુલ કોંગ્રેસના મુસ્લિમ મતો વિભાજીત થઈ જશે એમ મનાય છે.