દિલ્હીની વાત : બિહાર ચૂંટણીની બેઠક વહેંચણી જેડીયુ મોટા ભાઈની ભૂમિકામાં

નવી દિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં દેખાવા ખાતર તો એનડીએ એક હોવાની ઇમેજ બનાવીને મેદાનમાં ઉતરે છે. એનડીએના તમામ પક્ષો એવો દેખાવ કરી રહ્યા છે કે, દરેકને એક બીજા માટે માન છે. જોકે લડવા યોગ્ય બેઠકોની સંખ્યા બાબતે તેમની અંદરની લડાઈ હજી ચાલુ જ છે. જેડીયુ આ વખતે પણ મોટા ભાઈની ભૂમિકામાં છે. જેડીયુ મેસેજ આપવા માટે પણ ભાજપ કરતા વધુ બેઠક લડવા માંગે છે. લોજપા (રા) બાબતે જેડીયુનું સ્ટેન્ડ સાફ છે. એનું માનવું છે કે આ બાબતે જવાબદારી ભાજપની છે. એમ મનાય છે કે, લોજપા (રા)ના રાષ્ટ્રીય પ્રમુખ તેમજ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને એમનો વાણીવિલાસ બંધ કરવા માટે ભાજપ દબાણ લાવે. ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા નંબરે રહેવાનું દુખ જેડીયુથી ભૂલાતું નથી.
ફિલ્મસ્ટાર વિજયે રાજીવ ગાંધીના હત્યારાઓના વખાણ કરતા વિવાદ
અભિનેતામાંથી નેતા બનેલા સુપરસ્ટાર વિજયે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના માસ્ટર માઇન્ડ પ્રભાકરણના વખાણ કરવાથી વિવાદ થયો છે. દેશમાં રહેતા શ્રીલંકાના તમીલો માટે અવાજ ઉઠાવવાનું કહીને એમણે કહ્યું હતું કે, લિબરેશન ટાઇગર્સ ઓફ તમીલ ઇલમના ભૂતપૂર્વ પ્રમુખ પ્રભાકરણ શ્રીલંકાના તમીલો માટે માતા સમાન હતા. તામીલનાડુના તમીલો હંમેશા શ્રીલંકાના તમીલો સાથે લાગણીથી જોડાયેલા રહ્યા છે. વિજય જ્યારે સંબોધન કરી રહ્યા હતા ત્યારે ભીડમાં કેટલાક પ્રભાકરણનો ફોટોગ્રાફ લઈને ઉભા હતા. તમીઝાગા વેતરી કઝગમ (ટીવીકે)ના પ્રમુખ વિજયએ કહ્યું હતું કે, 'વિશ્વભરના તમીલો પ્રભાકરણ જેવા નેતાના મૃત્યુથી દુખી છે. આજે પ્રભાકરણના વિચારો આગળ લઈ જવાની આપણી ફરજ છે.' ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા માટે પ્રભાકરણ જવાબદાર હોવાનું પૂરવાર થઈ ગયું છે. આવા સંજોગોમાં વિજયનું નિવેદન વિવાદાસ્પદ બન્યું છે.
એનડીએના પરિવારનો વિસ્તાર કરવાનું ભાજપનું આયોજન
આવતા વર્ષે તામીલનાડુમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ભાજપ તામીલનાડુમાં એનડીએ ગઠબંધનનો વિસ્તાર કરી રહી છે. નવા પક્ષોને એનડીએમાં જોડવાથી સત્તાધારી ડીએમકેના ગઠબંધનને સીધી ચેલેન્જ થશે. તામીલનાડુમાં પક્ષની પકડ મજબૂત કરવા માટે ભાજપએ 'મીશન મોડ'ની રણનીતિ બનાવી છે. ડીએમકે વિરુદ્ધના મતો વિભાજીત નહીં થાય એ માટે ભાજપ પ્રયત્ન કરે છે. તામીલનાડુની જ્ઞાાતિઓ અને પેટા જ્ઞાાતિઓને પોતાની તરફ કરવા માટે યોજનાઓ બનાવવામાં આવી રહી છે. જો મતોનું વિભાજન થાય તો ડીએમકેને ફાયદો થઈ શકે એમ છે. તામીલનાડુમાં અસંખ્ય નાના પક્ષો છે કે જેઓ ડીએમકેની નીતિનો વિરોધ કરે છે. એઆઇએડીએમકેને સાથે રાખીને આ પક્ષોને એનડીએ સાથે રાખવામાં આવશે.
અલ્હાબાદ હાઇકોર્ટે નેહા સિંહ રાઠોડને આંચકો આપ્યો
ભોજપુરી લોકગાઇકા નેહા સિંહ રાઠોડ સોશ્યલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. દેશ વિદેશની ઘટનાઓ વિશે નેહા સિંહ વારંવાર ટીપ્પણીઓ કરતી રહે છે. નેહા સિંહ વારંવાર મોદી સરકારને સવાલો કરતી રહે છે. નેહા રાઠોડની મુશ્કેલી વધી શકે એવા સમાચાર આવ્યા છે. થોડા દિવસો પહેલા નેહા રાઠોડે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બિહાર ચૂંટણી અને હિન્દુ-મુસ્લિમ રાજનીતિ બાબતની પોસ્ટ સોશ્યલ મીડિયા પર મૂકી હતી. આ પોસ્ટ સંદર્ભે એની સામે એફઆઇઆર દાખલ થઈ છે. આ એફઆઇઆર રદ કરવા માટે નેહા સિંહ રાઠોડ અલ્હાબાદ હાઇકોર્ટ સમક્ષ ગઈ હતી. અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટીસ રાજેશ સિંહ ચૌહાણ અને જસ્ટીસ સૈયદ કમલહસન રીઝવીની બેન્ચે નેહા સિંહ રાઠોડને તપાસ અધિકારી સમક્ષ રજૂ થઈને પોલીસ અહેવાલ દાખલ નહીં થાય ત્યા સુધી તપાસમાં સહકાર આપવાનો હુકમ કર્યો છે. કોર્ટે કહ્યું છે કે પ્રથમ દ્રષ્ટિએ નેહા સિંહ રાઠોડએ ગુનો કર્યો હોય એવું લાગે છે.
વાયનાડમાં પ્રિયંકા ગાંધીની હાજરીથી કોંગ્રેસ કાર્યકર્તાઓ કેમ નારાજ
કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડના ૧૨ દિવસના પ્રવાસે છે. આ પ્રવાસ બાબતે ખૂબ ચર્ચા થઈ છે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા ગાંધી વાડ્રાનો કોઈ કાર્યક્રમ થયો નથી તેમજ સ્થાનિક કોંગ્રેસી આગેવાનો પણ પ્રિયંકા ગાંધી વાડ્રાના વાયનાડ પ્રવાસથી ઉત્તેજીત નથી. થોડા દિવસો માટે કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ પ્રિયંકા ગાંધી સાથે જોડાયા હતા. વાયનાડ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ એનડી અપ્પાચંને કહ્યું હતું કે, 'અમને એમના કાર્યક્રમની જાણકારી નથી. બધુ એમની ઓફિસ દ્વારા નક્કી થાય છે. પ્રિયંકા સ્થાનિક રાજકારણ સાથે જોડાવા માંગતા નથી.' કોંગ્રેસના સૂત્રો સ્વિકાર કરે છે કે સમયની દ્રષ્ટિએ પ્રિયંકા ગાંધી વાડ્રાનો આ પ્રવાસ યોગ્ય નથી કારણ કે રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. વિરોધપક્ષનું લક્ષ્ય સરકાર પર દબાણ લાવવાનું છે. એ વખતે સ્થાનિક કોંગ્રેસી નેતાઓનું ધ્યાન વાયનાડ પર રહે એ યોગ્ય નથી.
રોહિણી આચાર્યનું વિસ્ફોટક નિવેદન, લાલુ કુટુંબમાં ઝઘડા કયારે અટકશે?
બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે આમ છતાં લાલુ પ્રસાદ યાદવના કુટુંબમાં ઝઘડા અટકવાનું નામ નથી લેતા. લાલુ પ્રસાદ યાદવના પુત્રી તેમજ લોકસભાની ચૂંટણી સારણ બેઠક પરથી લડનાર રોહિણી આચાર્યએ સોશ્યલ મીડિયા હેન્ડલ પર આરજેડી સાથે જોડાયેલા નેતાઓને અનફોલો કરી દીધા છે. રાજકીય નીરિક્ષકો માને છે કે રોહિણી આચાર્યએ પોતાના એક્સ એકાઉન્ટસને રાજકારણથી દુર રાખવાનો નિર્ણય લીધો છે. આરજેડીના સાંસદ અને તેજસ્વી યાદવના સલાહકાર સંજય યાદવથી તેજપ્રતાપ યાદવ ખૂબ નારાજ છે અને એમનો વિરોધ કરે છે. એવું મનાય છે કે, રોહિણી આચાર્ય પણ સંજય યાદવથી ખુશ નથી. રોહિણી યાદવએ સોશ્યલ મીડિયા એક્સ પર એક સ્ફોટક પોસ્ટ મૂકી છે. એમણે લખ્યું છે કે, એમને કંઈ નથી જોઈતું, પરંતુ એમના મા-બાપનું સન્માન જ એમના માટે સર્વેસર્વા છે.
'હું જો અનામત માંગુ તો મને શરમ આવવી જોઈએ'
અનામત બાબતે એનસીપી (શરદ પવાર)ના કાર્યકારી પ્રમુખ અને લોકસભાના સાંસદ સુપ્રિયા સુલેએ પોતાનું સ્ટેન્ડ સાફ કર્યું છે. મહારાષ્ટ્રમાં અનામત બાબતે મરાઠાઓ માટે ઓબીસીનું સ્ટેટસ માંગવાના વિષય પર તેઓ બોલી રહ્યા હતા. એમને જ્યારે આ બાબતે સવાલ કરવામાં આવ્યો ત્યારે સુપ્રિયાએ કહ્યું હતું કે, તેઓ આર્થિક પરિસ્થિતિને આધારે અનામતની તરફેણમાં છે. સુપ્રિયાના કહેવા પ્રમાણે અનામત એમના માટે જ હોવું જોઈએ કે જેમને ખરેખર એની જરૂર હોય. હું અનામતની માંગ નહીં કરું કારણ કે મારા માતા-પિતા શિક્ષીત છે, હું શિક્ષીત છું, અને મારા બાળકો પણ શિક્ષીત છે. હું જો અનામત માંગુ તો મને શરમ આવવી જોઈએ. જેમની પાસે શિક્ષણ નહોતું એવી વ્યક્તિઓ માટે અનામત જરૂરી છે.









