દિલ્હીની વાત : લોકસભામાં જાદુઇ આંકડાથી એનડીએ કેટલી દુર

નવીદિલ્હી : દેશના રાજકારણમાં આજે પક્ષ બદલવાના અને રાજકીય સોદાબાજી ચરમસીમાએ છે. મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે)થી માંડીને પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ સુધી સાંસદોની તોડફોડ થઈ રહી છે. લોકસભા અને રાજ્યસભામાં એનડીએ પહેલા કરતા મજબૂત બની રહી છે. જોકે સૌથી અગત્યનો સવાલ એ છે કે શું એનડીએ સંસદમાં જાદુઇ આંકડાની નજીક પહોંચી રહ્યો છે, જેનાથી દેશની રાજકીય દિશા બદલાઈ શકે? ૧૭મી એપ્રિલે નરેન્દ્ર મોદીની સરકાર ૧૨ વર્ષમાં પહેલી વખત કોઈ બંધારણીય સુધારાનું બિલ પ્રસાર કરવામાં નિષ્ફળ રહી હતી. આ બિલમાં સાંસદોની સંખ્યા ૫૪૩થી વધારીને ૮૫૦ કરવાની તેમજ નવેસરથી સિમાંકન કરવાની વાત હતી. સિમાંકન માટે વસ્તી ગણતરીનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ પણ હતો. આ બિલ પસાર નહીં થયા પછી ભાજપના નેતાઓએ બીજા પક્ષના સાંસદોને તોડવાનું નક્કી કર્યું હતું. આપના ૭ સાંસદો પછી ટીએમસીના ૨૦ સાંસદો અને શિવસેનાના ૬ સાંસદો તોડવામાં ભાજપને સફળતા મળી હતી. બંધારણ સુધારણા બિલ પાસ કરવા માટે એનડીએને ૩૬૦ મતોની આવશ્યકતા છે. હવે આ આંકડો ૩૧૯ સુધી પહોચી ગયો છે. ઉત્તર પ્રદેશના સમાજવાદી સાંસદોમાંથી ૨૫ જેટલા સાંસદ પક્ષ છોડવા તૈયાર થયા છે. જો આમ થશે તો એનડીએના સાંસદોનો આંકડો ૩૫૦ સુધી પહોંચી જશે.
રામ મંદિરમાં ચોરીનો કિસ્સો રેલો ટ્રસ્ટીઓ સુધી પહોંચ્યો
રામ મંદિરમાં ચઢાવા તરીકે આવતી ભેટની વસ્તુઓ ચોરી થયાના આક્ષેપ પછી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેટીવ ટીમ (એસઆઇટી)ની રચના કરવામાં આવી હતી. આ ટીમે પ્રારંભીક રીપોર્ટ તૈયાર કર્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીની તપાસમાં ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય, સભ્ય ડો. અનિલ મિશ્રા, વ્યવસ્થાપક ગોપાલ રાવ, વ્યવસ્થા સાથે જોડાયેલા રામશંકર યાદવ ટીન્નુ સહિત કુલ ૧૪ વ્યક્તિઓ શંકાના દાયરામાં છે. રીપોર્ટમાં કેટલાક સુધારા પણ સૂચવવામાં આવ્યા છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પુર્નગઠન સાથે શ્રી કાશી વિશ્વનાથ ધામની જેમ સીઇઓની નિમણૂક કરવાની ભલામણ પણ કરવામાં આવી છે. એસઆઇટીએ ૧૫મી જૂનથી તપાસ શરૂ કરી હતી. અત્યાર સુધી ચંપત રાય શંકાના દાયરાથી દુર હતા. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
સરકારના લાડકા તુષાર મહેતાને ફરીથી એસજી બનાવાયા
કેન્દ્ર સરકારે તુષાર મહેતાને દેશના સોલીસીટર જનરલ તરીકે ફરીથી ત્રણ વર્ષ માટે નિમણૂક કરવાની મંજૂરી આપી દીધી છે. આ નિમણૂક ૧ જુલાઈ ૨૦૨૬થી થશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી) એ બહાર પાડેલા પરિપત્ર અનુસાર કેબિનેટ પસંદગી સમિતિએ મહેતાને હોદ્દા પર ચાલુ રાખવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. કેબિનેટ કમીટીએ તુષાર મહેતાને વધુ ત્રણ વર્ષ માટે દેશના સોલીસીટર જનરલ તરીકે નિમણૂકને મંજૂરી આપી દીધી છે. મહેતા ૨૦૧૮ સુધી વધારાના સોલીસીટર જનરલ હતા, પરંતુ ત્યાર પછી એમને સોલીસીટર જનરલ બનાવવામાં આવ્યા હતા. સોલીસીટર જનરલ તરીકે મહેતાએ ૮ વર્ષ પુરા કર્યા છે અને આવતા ત્રણ વર્ષ સુધી તેઓ કાર્યરત રહેશે તો સતત સોલીસીટર જનરલ તરીકે ૧૧ વર્ષ પુરા કરનાર પહેલા સોલીસીટર જનરલ હશે.
ભરત ભુષણ એન્કાઉન્ટર મામલો સુપ્રિમમાં પહોંચ્યો
બિહારના ભોજપુર ખાતે ભરત ભુષણ તિવારીના એન્કાઉન્ટરનો કિસ્સો હવે સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. આ ઘટના બાબતે સીજેઆઇને નામ એક અરજી મોકલવામાં આવી છે જેમાં સીજેઆઇને સુઓ મોટો કરવાની માંગણી થઈ છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ભરત ભુષણનું મૃત્યુ બનાવટી એન્કાઉન્ટરને કારણે થયું હતું. કિસ્સાની સ્વતંત્ર તપાસ કરવાની માંગણી પણ કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટમાં પ્રેક્ટીસ કરતા વકીલ નરેન્દ્ર મિશ્રાએ આ અરજી સીજેઆઇને મોકલી છે. ભરત ભુષણ તિવારી ભોજપુર જિલ્લાના શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હતા. થોડા દિવસો પહેલા એમણે મૂકેલી એક ફેસબુક પોસ્ટને કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા. આ પોસ્ટમાં એમણે સરકારી કામકાજની ટીકા કરી હતી અને એક એન્કાઉન્ટર બાબતે અધિકારીની ટીકા પણ કરી હતી. પોસ્ટ વાયરલ થય પછી પોલીસ એમને ઘરે પહોંચી હતી અને પોલીસના કહેવા પ્રમાણે ભરત ભુષણે પીસ્તોલ કાઢી હતી અને પોલીસે સ્વબચાવમાં ઠાર માર્યો હતો. જોકે સ્થાનિક લોકો પોલીસની આ વાર્તા સાચી માનવા તૈયાર નથી.
'હું ટ્રમ્પની દરેક વાત માનતો નથી'
એક જમાનાના ખાસ મિત્રો અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે આજકાલ ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન સાથે શાંતિ કરાર ઇચ્છે છે, પરંતુ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ ઇરાનને માફ કરી દેવાના મુડમાં નથી. આ બાબતે અમેરિકન સરકારના પ્રવક્તાએ ઇઝરાયલની આકરી ટીકા કરી હતી. વળતા જવાબમાં નેતન્યાહુએ કહ્યું છે કે, લોકો એમ માને છે કે તેઓ અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક બીજા સાથે સમજી વિચારીને કામ કરે છે. જોકે આ વાત સાચી નથી. તેઓ અમેરિકાની દરેક ઇચ્છા પુરી કરી શકે નહીં. નેતન્યાહુનું કહેવું છે કે તેઓ ઇરાનને પરમાણુ હથિયાર મેળવવા દેશે નહીં અને જરૂર હશે ત્યાં સુધી લેબેનોનમાં ઇઝરાયલનું સૈન્ય હાજર રહેશે.
બળવાખોર સાંસદો મહુઆ સામે કેસ કરવાની તૈયારીમાં
તૃણમુલ કોંગ્રેસ છોડીને નેશનાલીસ્ટ સીટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (એનસીપીઆઇ)માં જોડાનાર બળવાખોર સાંસદો લોકસભા સભ્ય મહુઆ મોઇત્રા સામે કેસ કરવાની તૈયારી કરી રહ્યા છે. મહુઆ મોઇત્રાએ બળવાખોર સાંસદો વિરુદ્ધ આક્ષેપ કરતા કહ્યું હતું કે, 'ગદ્દારોએ ૪૦-૪૦ કરોડ રૂપિયામાં સોદો કર્યો છે.' મહુઆએ સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને આ આક્ષેપ કર્યો હતો. આક્ષેપમાં એમ પણ કહેવામાં આવ્યું હતે કે દરેક સાંસદને ૪ કરોડ એડવાન્સ મળ્યા છે બાકીના ૩૬ કરોડ ૩૬ મહિનામાં તબક્કાવાર મળશે. હવે આ સાંસદો મહુઆ મોઇત્રા સામે બદનક્ષીનો કેસ કરવા વિચાર કરી રહ્યા છે. એમનું માનવું છે કે, મહુઆએ જાહેરમાં એમના માટે અપમાનજનક ટીપ્પણી કરી છે.
પ્રિયંકાએ વેંસને 'નાલાયક જમાઈ રાજા' કહ્યા
અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે સ્વિત્ઝરલેન્ડ (બર્ગેનસ્ટોક અને જ્યુરિક)માં હાઇલેવલ મીટીંગ ચાલી રહી છે. દુનિયા માને છે કે આ વાતચીતને કારણે હોર્મૂઝ ખાડી ખુલી જશે. આ બધા વચ્ચે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેંસનો એક વીડિયો બહાર આવ્યો છે. વીડિયોમાં જેડી વેંસ પાકિસ્તાનના ફીલ્ડ માર્શલના ભરપુર વખાણ કરી રહ્યા છે. આ વીડિયો શેર કરીને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા પ્રિયંકા ચર્તુવેદીએ એમને ટોણો માર્યો છે. પ્રિયંકા ચર્તુવેદીએ એમની સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે ઉપપ્રમુખ વેંસ ભારતના 'નાલાયક જમાઈ' સાબિત થઈ રહ્યા છે. વિશ્વ શાંતિ માટે આપણે એમના મિશનને સફળતા ઇચ્છીએ. જોકે વિશ્વ શાંતિની કોશીષ મુશ્કેલ લાગી રહી છે અને અમેરિકા માટે શરમજનક પણ છે.









