Editorial

મહાગઠબંધનમાં મુખ્યમંત્રીના ચહેરા માટેનો વિવાદ સમાપ્ત

By GS TEAM
23 Jun 20255 mins read
મહાગઠબંધનમાં મુખ્યમંત્રીના ચહેરા માટેનો વિવાદ સમાપ્ત

નવીદિલ્હી: લાલુ પ્રસાદ યાદવએ આરજેડીની રાજ્ય પરીષદ બેઠકનું ઉદ્ઘાટન કર્યું છે. એમણે પક્ષના કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે રાહ જોવાની કોઈ જરૂર નથી. ગરીબો માટે કામ કરનારને જ ટીકીટ આપવામાં આવશે. તેજસ્વી યાદવ રાત-દીવસ કામ કરી રહ્યા છે. કોઈ કંઈ પણ કહે મુખ્યમંત્રી પદના એક માત્ર દાવેદાર તેજસ્વી છે. એનડીએ સરકારને દુર કરીને કોઈપણ પરિસ્થિતિમાં તેજસ્વીએ મુખ્યમંત્રી બનવું જોઈએ. ગરીબ, લઘુમતિ, અનુસૂચિત જાતિ, તેમજ અતિ પછાતને પણ સત્તામાં ભાગીદારી આપવી જોઈએ. લાલુની આ વાત સાંભળીને કોંગ્રેસના નેતાઓ વિચારમાં પડી ગયા છે. સાથીપક્ષ કોંગ્રેસને વિશ્વાસમાં લીધા વગર લાલુ પ્રસાદએ મુખ્યમંત્રીપદનો ચહેરો કોણ હશે એ કહી દીધું છે. કોંગ્રેસનું માનવું છે કે, લાલુ પ્રસાદ ગઠબંધનનો ધર્મ નિભાવી રહ્યા નથી.

લોરેન્સ બિશ્નોઇની ગેંગમાં મોટી તીરાડ, ગેંગવોરની શક્યતા

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની ગેંગ હવે તૂટી રહી છે. છેલ્લા ૧૦ વર્ષથી લોરેન્સ બિશ્નોઇની ગેંગ પોલીસ માટે માથાનો દુખાવો બની ગઈ હતી. લોરેન્સ બિશ્નોઇ જોકે એક દશકથી જેલમાં છે પરંતુ જેલમાંથી ગેંગ ઓપરેટ કરે છે. એના શૂટરો વિદેશમાં સંતાયા છે. લોરેન્સની ગેંગ સૌથી શક્તિશાળી ગણાય છે. જોકે હવે આ ગેંગ તૂટવા માંડી છે. લોરેન્સની ગેંગના મોટા ભાગના બદમાશોને પોલીસે પકડયા છે જ્યારે કેટલાક ફરાર થઈ ગયા છે. એક જમાનામાં લોરેન્સના ખાસ ગણાતા માણસો હવે લોરેન્સની વિરુદ્ધ થઈ ગયા છે. હમણા રાજસ્થાનના શ્રીગંગાનગર ખાતે થયેલા એક ફાયરીંગ પછી લોરેન્સ બિશ્નોઇની ગેંગ તૂટી રહી હોવાની માહિતી બહાર આવી રહી છે.

અફવાઓ વચ્ચે રાહુલ- અખિલેશની દોસ્તી અકબંધ

ઉત્તર પ્રદેશના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી એવું ચર્ચાય રહ્યું હતું કે સમાજવાદી પક્ષ અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો બગડી ગયા છે. બંને પક્ષના સ્થાનિક નેતાઓ એક બીજા સામે સતત નિવેદનો કરતા હતા. આ ખેંચાખેચી વચ્ચે રાહુલ ગાંધીના જન્મ દિવસે અખિલેશ યાદવએ એમને અભિનંદન આપ્યા હતા. રાહુલ ગાંધીએ આ અભિનંદનનો જવાબ આપ્યા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, 'અખિલેશજી, તમારી શુભકામનાઓ માટે દીલથી આભાર. ઉત્તર પ્રદેશની જનતા ખાસ કરીને પીડીએનો અવાજ અમે રસ્તાથી માંડીને સંસદ સુધી મજબૂતીથી ઉઠાવીએ છીએ. આપણે એજ રીતે સાથે મળીને આપણો અવાજ ઉઠાવતા રહીશું.' કોંગ્રેસના શક્તિશાળી સાંસદ ઇમરાન મસુદે ઉત્તર પ્રદેશમાં યોજાનાર ૨૦૨૭ની ચૂંટણી સંદર્ભે એવી શંકા વ્યક્ત કરી હતી કે કોંગ્રેસ સાથે ગઠબંધન મુશ્કેલ છે. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

હત્યાના આરોપીઓ સોનમ અને રાજના એક બીજા પર આરોપો

રાજા રઘુવંશી હત્યા કેસના આરોપીઓ સોનમ રઘુવંશી અને રાજ કુસ્વાહા પોલીસ કસ્ટડીમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે આ બંને આરોપીઓ અને કહેવાતા પ્રેમીઓ હત્યા માટે એક બીજાને જવાબદાર ગણાવી રહ્યા છે. બંનેના નિવેદનોમાં વિરોધાભાષ દેખાય છે અને બંને એક બીજાને માસ્ટર માઇન્ડ ગણાવવાની કોશિષ કરે છે. સોનમના કહેવા પ્રમાણે સમગ્ર હત્યાકાંડનો માસ્ટર માઇન્ડ રાજ છે. રાજે જ પહેલી વખત રાજાની હત્યા કરવાની વાત કરી હતી. રાજે એને આ કાવતરામાં સામેલ થવા માટે ઉશ્કેરી હતી. એણે તો ફક્ત રાજના દબાણને કારણે હત્યા સમયએ સ્થળ પર હાજર રહેવું પડયું હતું. બીજી તરફ રાજ કુસ્વાહાએ હત્યાકાંડના માસ્ટર માઇન્ડ તરીકે સોનમનું નામ આપ્યું છે. એના કહેવા પ્રમાણે સોનમે જ રાજાની હત્યા કરવા માટે યોજના બનાવી હતી.

આંબેડકરના 'અપમાન' મુદ્દે લાલુની મુશ્કેલી વધી

બાબા સાહેબ આંબેડકરના 'અપમાન' બાબતે આરજેડીના ચીફ લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલી વધી શકે છે. આ બાબતે હવે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (એનસીએચસી)એ બિહાર સરકારને નોટીસ મોકલીને ૧૫ દિવસની અંદર લાલુ સામે કાર્યવાહી કરીને રીપોર્ટઆપવા કહ્યું છે. આ પહેલા પણ આયોગએ લાલુ પ્રસાદ યાદવને નોટીસ મોકલીને ૧૫ દિવસની અંદર જવાબ આપવા કહ્યું હતું. જો લાલુનો જવાબ યોગ્ય નહીં લાગે તો એમની સામે એફઆઇઆર પણ દાખલ થઈ શકે છે. વિરોધી પક્ષો પણ માફી માગવા માટે લાલુ પર દબાણ વધારી રહ્યા છે. લાલુને મોકલેલી નોટીસમાં લખવામાં આવ્યું છે કે, 'તમારા જન્મ દિવસે વાયરલ થયેલા એક વીડિયોમાં તમે અને એક કાર્યકર બાબા સાહેબ આંબેડકરના ફોટાનું અપમાન કરતા દેખાવ છો.'

રાહુલ ગાંધી નવા ઘરમાં શિફ્ટ થયા

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી એમના નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે. તેઓ હવે ૫, સુનહરી બાગ રોડ ખાતે આવેલા સરકારી બંગલામાં રહેશે. ગયા વર્ષે જ્યારે એમની નિમણૂક લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે થઈ હતી ત્યારે તેમને ટાઇપ ૮ શ્રેણીમાં આ મકાન ફાળવવામાં આવ્યું હતું. ફક્ત સિનિયર નેતાઓને જ આ પ્રકારનું આવાસ ફાળવવામાં આવે છે. સુરક્ષાની રીતે પૂરતી તપાસ કર્યા પછી રાહુલ આ ઘરમાં શિફ્ટ થયા છે. રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધીએ ઘરનું ઇન્ટીરિયર બનાવ્યું છે. રાહુલ ગાંધીનો કેટલોક અંગત સ્ટાફ પણ આ બંગલાના આઉટ હાઉસમાં રહેશે.

તમે સામાન્ય માણસનો ભરોસો તોડયો ઃ સુપ્રિમ કોર્ટ

ભ્રષ્ટાચારી અધિકારીઓને ફરીથી ફરજ પર હાજર થવાની પરવાનગી આપવી જોઇએ કે નહીં એ બાબતે સુપ્રિમ કોર્ટે કડક ટીપ્પણી કરી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, ભ્રષ્ટાચારના કેસમાં સરકારી અધિકારીને જ્યાં સુધી નિર્દોષ જાહેર નહીં કરવામાં આવે ત્યાં સુધી એને ફરીથી ફરજ પર હાજર થવાની પરવાનગી આપવી જોઈએ નહીં. જસ્ટીસ સંદીપ મહેતા અને જસ્ટીસ પ્રસંન્ના બી વરાલએની બેન્ચે કહ્યું છે કે, જો ભ્રષ્ટ અધિકારીઓને ફરીથી ફરજ પર હાજર થવાની પરવાનગી આપવામાં આવે તો સામાન્ય માણસનો ભરોસો તૂટી શકે છે. ભ્રષ્ટાચારને કેસમાં ગુનેગાર ઠરેલા એક રેલવે ઇન્સ્પેક્ટરની અરજી પર સુપ્રિમ કોર્ટ સુનાવણી કરી રહી હતી. સુપ્રિમ કોર્ટે અરજી કરતાઓને પણ પૂછયું કે તમે સામાન્ય માણસનો ભરોસો તોડયો છે તો તમને ફરીથી ફરજ પર હાજર શા માટે કરવા?

સોનિયા ગાંધીને ગાઝા યુદ્ધ વિશે ભારતની ચૂપકીદીની ચિંતા

ગાઝા કટોકટી વિશે કોંગ્રેસના કાયમી અભિગમને સ્પષ્ટ કરતા કોંગ્રેસ સંસદીય પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક લેખમાં ગાઝામાં યુદ્ધ તેમજ ઈરાન સાથે વધતા તણાવ વિશે ભારતની ચૂપકીદી બાબતે ચિંતા વ્યક્ત કરી છે. તેણે લખ્યું છે કે હજી પણ ભારતે પોતાનું મંતવ્ય વ્યક્ત કરવું જોઈએ. સોનિયાએ લખ્યું છે કે આ ચૂપકીદી ભારતના પરંપરાગત નૈતિક તેમજ રાજદ્વારી અભિગમથી વિપરીત છે. સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં પ્રિયંકા વાઢરાએ સોનિયા ગાંધીના લેખને શેર કર્યો છે. પ્રિયંકાએ પોસ્ટમાં લખ્યું છે કે ભારતની ચૂપકીદી તેના મૂલ્યોની શરણાગતિ દર્શાવે છે. ભારતે જવાબદારી દેખાડીને તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરવો જોઈએ. 

કેરળની હાઈ પ્રોફાઈલ પેટા ચૂંટણી વચ્ચે લાગણીભરી પળ

૧૯ જૂને યોજાયેલી નિલંબરની પેટા-ચૂંટણીના હાઈ વોલ્ટેજ પ્રચાર અભિયાન ડ્રામા વચ્ચે કેરળમાં આ અઠવાડિયે રાજકીય મતભેદો વચ્ચે મિત્રતાની ઉષ્માભરી પળે સૌના હૃદય જીતી લીધા હતા. એલડીએફ ઉમેદવાર એમ.સ્વરાજ તેમનો પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમની નજર ભૂતપૂર્વ થ્રિસ્સુર સાંસદ ટી.એન.પ્રથપન પર પડી જેઓ એક ચાલતી કારમાંથી તેમના તરફ હાથ કરી રહ્યા હતા. એક પણ પળ ગુમાવ્યા વિના સ્વરાજ તેમના તરફ ગયા અને બંને જણા એકબીજા સાથે હાથ મિલાવતા અને ચર્ચા કરતા દેખાયા. આ દ્રશ્ય જોઈને લોકો એકત્ર થયા ત્યારે પ્રથપને કહ્યું કે હું સ્વરાજના વિજયની કામના તો નથી કરી શકતો પણ હું એટલું કહી શકું કે કોંગ્રેસી ઉમેદવારનો વિજય થશે. સ્વરાજ સાથે હું ફરી ચૂંટણી પછી મુલાકાત કરીશ.

- ઈન્દર સાહની