દિલ્હીની વાત : બિહારની હારને કારણે કોંગ્રેસને રાજ્યસભામાં પણ નુકશાન

નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર પછી કોંગ્રેસની મુશ્કેલી વધી ગઈ છે. ૨૦૨૬ના વર્ષમાં રાજ્યસભાની ચૂંટણી થશે ત્યારે પણ પક્ષને નુકશાન થઈ શકે છે. રાજ્ય સભાની ૭૨ બેઠકો પર એપ્રિલ, જૂન અને નવેમ્બર ૨૦૨૬માં ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસનું પ્રદર્શન રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં સારૂ રહ્યું નથી. આની અસર ઇન્ડિયા ગઠબંધન પર પણ પડી છે. ઇન્ડિયા ગઠબંધનના બીજા પક્ષો પર કોંગ્રેસનો પ્રભાવ ઘટી ગયો છે. ૨૦૨૬માં થનાર રાજ્યસભાની ચૂંટણીમાં સીધો ફાયદો એનડીએ સાથે જોડાયેલા પક્ષોને થશે. આ ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન બધી બેઠકો ગુમાવી શકે એમ છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જૂન ખડગેની રાજ્યસભાના સાંસદ તરીકેની મુદત પણ ૨૬મી જૂને પૂરી થઈ રહી છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે જેને કારણે પક્ષને એક મોકો મળી શકે છે પરંતુ જે રાજ્યોમાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન રહ્યું છે ત્યા એને મુશ્કેલી થશે.
અલ-ફલાહ યુનિવર્સિટી દેશ માટે કઈ રીતે જોખમી બની
લાલ કિલ્લા બોમ્બ બ્લાસ્ટ પછી બદનામ થઈ ગયેલી અલ-ફલાહ યુનિવર્સિટીએ પોતાના લઘુમતી દરજ્જાનો ખુબ દુરઉપયોગ કર્યો હતો. લઘુમતી મંત્રાલય અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નીકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ) તરફથી અલ-ફલાહ યુનિવર્સિટીને સ્કોલરશીપની મોટી રકમ મળતી રહી હતી. યુનિવર્સિટીએ કેન્દ્ર સરકારની તમામ યોજનાઓનો લાભ પણ લીધો હતો. જ્યારે પણ એમને કોઈ તકલીફ આવતી ત્યારે રાષ્ટ્રીય લઘુમતી શૈક્ષણીક સંસ્થા આયોગ (એનસીએમઇઆઇ) યુનિવર્સિટીના બચાવમાં કુદી પડતી હતી. તપાસ સંસ્થાને મળેલી જાણકારી પ્રમાણે અલ-ફલાહ પાસે યુજીસીની કલમ ૧૨ (બી)નો હક હતો નહી. જેથી એને કેન્દ્રીય ગ્રાન્ટ મળી શકે નહીં. આમ છતાં વિવિધ સરકારી યોજનાઓનો ભરપુર ફાયદો યુનિવર્સિટીએ ઉઠાવ્યો હતો. ૨૦૧૬ના વર્ષમાં અલ-ફલાહએ લઘુમતી મંત્રાલય પાસેથી ૧૦ કરોડ રૂપિયા મેળવ્યા હતા જ્યારે ૨૦૧૫માં એને ૬ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી.
મેડિકલ કોલેજમાં એડમીશન સંદર્ભે આરએસએસના સંગઠનો આક્રમક
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા સંગઠનોએ આરોપ મુક્યો છે કે જમ્મુ-કાશ્મીરના કતરા ખાતે આવેલી શ્રી માતા વૈષ્ણોદેવી ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ એક્સલન્સીના પહેલા બેચમાં જેમને એડમીશન આપવામાં આવ્યું છે એમાંથી ૯૦ ટકા કાશ્મીરી મુસલમાન છે. આ કારણે એમનું એડમીશન રદ કરવું જોઈએ. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન કતરા ઇન્સ્ટીટયુટની બહાર કરવામાં આવ્યું હતું. દેખાવકારોએ વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના ચિફ એક્ઝીક્યુટીવ ઓફિસરનું પૂતળુ પણ સળગાવ્યું હતું. વિરોધ કરનારાઓનું માનવું છે કે વૈષ્ણોદેવી મંદિર દ્વારા અપાયેલા દાનથી આ ઇન્સ્ટીટયુટ બની છે જેમાં મુસ્લિમોનો દબદબો રહ્યો છે. હિન્દુઓને એડમીશન આપવામાં આવતું નથી. કાયદાકીય રીતે આ ખોટુ છે કારણ કે વૈષ્ણોદેવી મેડિકલ ઇન્સ્ટીટયુટને માઇનોરીટી ઇન્સ્ટીટયુટનો દરજ્જો આપવામાં આવ્યો નથી.
સપા નેતાએ બાહુબલી બ્રીજભૂષણ સિંહને ચેલેન્જ આપી
ઉત્તર પ્રદેશના બલરામપુર ખાતે આયોજીત સુહેલદેવ સન્માન સ્વાભીમાન પાર્ટીની મહારેલીના મચ પરથી સમાજવાદી પાર્ટીના નેતા રમાકાંત દુબેએ ભૂતપૂર્વ બાહુબલી સાંસદ બ્રીજભૂષણ શરણ સિંહનું નામ આપ્યા વગર એમને ચેલેન્જ કરી છે. 'દાદાગીરી હતી, દાદાગીરી રહેશે.'ના સૂત્ર સંદર્ભે વળતો જવાબ આપતા રમાકાંત દુબેએ બ્રીજભૂષણ સિંહને અપક્ષ તરીકે ચૂંટણી લડવાની ચેલેન્જ ફેંકી છે. આ ચેલેન્જનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રેલીમાં એમણે કહ્યું હતું કે, 'તમે લોકોએ મીડિયામાં બહુ સાંભળ્યું હશે કે દાદાગીરી છે, દાદાગીરી રહેશે. અરે દાદાગીરીવાળાઓ દલાલ ! જ્યારે સમાજવાદી પાર્ટી સરકારમાં હતી ત્યારે તો તુ ભાજપ છોડીને સપામાં જોડાઈ ગયો હતો. એ વખતે તારી ઇજ્જત સમાજવાદીઓએ બચાવી હતી.'
શિવકુમારએ દિલ્હીમાં ડેરા તંબુ તાણ્યા, કર્ણાટકમાં ફરીથી 'નાટક'
છેલ્લા કેટલાક મહિનાઓથી કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડી શિવકુમાર એવા ઇશારા કરતા રહે છે કે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના દિવસો પુરા થયા છે અને હવે તેઓ કર્ણાટકના મુખ્યમંત્રી બનશે. સિદ્ધારમૈયા અને શિવકુમારના ટેકેદારો એક-બીજા સામે તલવાર કાઢીને બેઠા છે. એક દિવસ પહેલા જે ડી શિવકુમારના ૧૦ ટેકેદારો દિલ્હી જઇને કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓને મળ્યા હતા. એવું કહેવાય છે કે વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા પછી હાઇકમાન્ડે સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમાર વચ્ચે ૨.૫ - ૨.૫ વર્ષની ફોર્મ્યુલા આપી હતી. હવે જ્યારે સિદ્ધારમૈયાના અઢી વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે શિવકુમાર મુખ્યમંત્રીપદ પર બેસવા માટે તલપાપડ થઈ રહ્યા છે. જોકે સિદ્ધારમૈયા રાજીનામુ આપવાના મૂડમાં નથી. શિવકુમારના ટેકેદારોએ કોંગ્રેસ હાઇકમાન્ડ પર દબાણ લાવવાનું શરૂ કરી દીધું છે.
તેજસ્વી કૌટુંબિક ઝઘડામાં, રાહુલ ગાયબ, પીકેને મળી ગયું ખુલ્લું મેદાન
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુમ થઈ ગયા છે. આરજેડીના નેતા તેજસ્વી યાદવ કૌટુંબિક ઝઘડામાં ફસાયા છે. લાલુ પ્રસાદ યાદવના કુટુંબમાં બે ફાડચા થઈ ગયા છે. તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી ચૂંટણીમાં મળેલી હાર પછી અલોપ થઈ ગયા છે ત્યારે એનડીએના વિરોધી તરીકે પ્રશાંત કિશોરને ખુલ્લું મેદાન મળ્યું છે. પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીએ પણ ચૂંટણીમાં કઈ ઉકાળ્યું નથી. જોકે આમ છતાં પ્રશાંત કિશોરને હારની કળ જલ્દી વળી છે અને તેઓ ફરીથી લડાયક મૂડમાં દેખાઈ રહ્યા છે. પત્રકારો સમક્ષ પ્રશાંત કિશોરે કબુલ કર્યું છે કે એમના પક્ષનો દેખાવ સારો રહ્યો નથી, પરંતુ આમ છતાં તેઓ રાજકીય રીતે સક્રિય જ રહેશે. પ્રશાંત કિશોરે કહ્યું છે કે એનડીએ સરકાર પોતાની જાહેરાત પ્રમાણે ૧.૫ કરોડ મહિલાઓને ૨-૨ લાખ રૂપિયા આપશે તો તેઓ રાજકારણ છોડી દેશે... ત્યા સુધી કે બિહાર પણ છોડી દેશે.
એસઆઇઆર સંદર્ભે બંગાળમાં તણાવ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશકુમારને પત્ર લખીને આક્ષેપ કર્યો છે કે, રાજ્યમાં ચાલી રહેલી એસઆઇઆરની પ્રક્રિયા અયોગ્ય રીતે અને જબરદસ્તીથી થઈ રહી છે. આ પ્રક્રિયાને કારણે નાગરીકો અને અધિકારીઓ જોખમમાં મુકાઈ શકે એમ છે. એસઆઇઆરની પ્રક્રિયા ચિંતાજનક અને ભયજનક સ્થિતિએ પહોંચી ગઈ છે. પરિસ્થિતિ ખરાબ થઈ રહી હોવાથી એસઆઇઆરની પ્રક્રિયા રોકી દેવામાં આવે. મમતાનું કહેવું છે કે એસઆઇઆરની પ્રક્રિયા માટે એમણે વારંવાર ચિંતા વ્યક્ત કરી છે. આ પ્રક્રિયા લોકોની ઉપર જબરદસ્તીથી ઠોકી બેસાડવામાં આવી છે. બંગાળના કેટલાક લોકો માની રહ્યા છે કે એસઆઇઆરની પ્રક્રિયામાં ગંભીર ખામી છે અને જરૂરી દસ્તાવેજો માટે કોઈ સ્પષ્ટતા નથી.









