Editorial

કોંગ્રેસના ઉમેદવારોની યાદી જોઈને રાહુલ ગાંધી ભડક્યા

By GS TEAM
21 Mar 20265 mins read
કોંગ્રેસના ઉમેદવારોની યાદી જોઈને રાહુલ ગાંધી ભડક્યા

નવીદિલ્હી: કેરળ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ૩૭ ઉમેદવારોના નામ નક્કી થયા છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં ૧૪૦ બેઠકોમાંથી ૯૨ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. આ સમગ્ર પ્રક્રિયામાં રાહુલ ગાંધી અને મહામંત્રી કેસી વેણુગોપાલની ભૂમિકા અગત્યની રહી હતી. ટીકીટની વહેંચણી બાબતે દિલ્હીમાં ભારે માથાકૂટ થઈ હતી. મોડી રાત સુધી ચાલેલી મીટીંગો પછી ઉમેદવારોની અંતીમ યાદી નક્કી થઈ હતી. કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જૂન ખડગેના ઘરે એક બેઠક થઈ હતી. આ બેઠક રાત્રે ૧૦.૩૦ વાગ્યે શરૂ થઈને સવાર સુધી ચાલી હતી. એમ જાણવા મળ્યું છે કે રાહુલ ગાંધી ઉમેદવારોની યાદીથી ખુશ નહોતા. એમનું માનવું હતું કે, ઉમેદવારો નક્કી કરવાની જવાબદારી ફક્ત કેરળ કોંગ્રેસને આપવી જોઈએ નહીં. રાજ્ય કોંગ્રેસના નેતાઓના ભરોસે નહીં, પરંતુ જાતીગત સમીકરણ, ચૂંટણીના પ્રદર્શન અને જમીની ફેડબેકને આધારે ઉમેદવારો નક્કી થવા જોઈએ.

તેલ સંકટ વચ્ચે ભારત માટે ખુશખબરી

હોર્મૂઝ ખાડીમાંથી ભાગ્યે જ કોઈ ઓઇલ ટેન્કર પસાર થઈ શકે છે. હોર્મૂઝ ખાડી મારફતે દુનિયાના ઘણા દેશોમાં ઓઇલ, ગેસ અને બીજા જહાજો માટે ઇરાને નાકાબંધી કરી છે. જોકે હવે ભારત માટે એક રાહતના સમાચાર આવ્યા છે. આવનાર દિવસોમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ લગાડેલા બે એલપીજી ટેન્કર હોર્મૂઝ ખાડી મારફતે પસાર થશે. આ પહેલા પણ ઇરાન સાથેની સમજૂતીને કારણે ભારતના બે જહાજો હોર્મૂઝ ખાડીમાંથી નીકળીને ભારત આવ્યા હતા. અલ જઝીરાએ એના અહેવાલમાં કહ્યું છે કે, ભારતના ફલેગવાળા બે એલપીજી ટેન્કરો હમણા તો ખાડી વિસ્તારના દરિયામાં લંગર નાખીને ઉભા છે. ભારતના વિદેશમંત્રી જયશંકર ઇરાનના સત્તાધિશો સાથે સતત સંપર્કમાં છે. એમ લાગે છે કે ઇરાન ભારત પ્રત્યે કુણુ પડયું છે. ટૂંક સમયમાં બાકીના બે જહાજોને પણ હોર્મૂઝ ખાડીમાંથી પસાર થવાની પરવાનગી મળશે.

'મી લોર્ડ' માની ગયા

૮મા ધોરણના પુસ્તકમાં ન્યાયતંત્રમા ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિશે એક ચેપ્ટર પ્રકાશિત થયું હતું. સુપ્રિમ કોર્ટે કડક વલણ અપનાવીને એનસીઇઆરટીના પુસ્તકોને બજારમાંથી પરત ખેંચી લઈ વિવાદીત ચેપ્ટર હટાવીને નવું ચેપ્ટર ઉમેરવા માટે જાણકારોની એક સમીતી બનાવી હતી. કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને જાણકારી આપી છે કે, એનસીઇઆરટીના પુસ્તકોમાંથી ન્યાયપાલિકા પર લખાયેલા ચેપ્ટરને ફરીથી રી ડ્રાફ્ટ કરવા માટે એક વિશેષ સમીતી બનાવવામાં આવી છે. આ સમીતીમાં સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટીસ ઇન્દુ મલ્હોત્રા, ભૂતપૂર્વ જસ્ટીસ અનિરૂદ્ધ બોઝ અને ભૂતપૂર્વ એટોર્ની જનરલ કે કે વેણુગોપાલનો સમાવેશ થયો હતો. સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રિમ કોર્ટને જણાવ્યું હતું કે, 'અમે નવુ ચેપ્ટર તૈયાર કરવા માટે સમીતી બનાવી છે. સમીતીમાં વિદ્વાન ન્યાયાધીશોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.' આ આશ્વાસન પછી સુપ્રિમ કોર્ટે વિવાદીત ચેપ્ટર બાબતે પર કાર્યવાહી બંધ કરી છે.

જીએસટી અધિકારીની જામીન અરજી લખનૌ હાઇકોર્ટે ફગાવી દીધી

અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચે સીજીએસટી વિભાગના આઇઆરએસ અધિકારી પ્રભા ભંડારીને રાહત આપવાનો ઇન્કાર કર્યો છે. દોઢ કરોડ રૂપિયાની લાંચ માગવાનો કેસ સમગ્ર ઉત્તર પ્રદેશમાં ચર્ચાસ્પદ બન્યો હતો. આ કેસમાં ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર પ્રભા ભંડારીની ધરપકડ કરવામાં આવી હતી. પ્રભા ભંડારીએ જામીન માટે અરજી કરી હતી. જોકે કોર્ટને લાગ્યું હતું કે, અધિકારી સામેના ઇલેક્ટ્રોનિક પુરાવા ગંભીર છે. ન્યાયમૂર્તિ રાજીવ સિંહની સિંગલ બેન્ચે કહ્યું હતું કે, ભ્રષ્ટાચારના આટલા ગંભીર કેસમાં ઉદારતા બતાવવામાં નહીં આવે. જામીન અરજી રદ કરવાનું સૌથી મોટું કારણે ડીજીટલ પુરાવા બન્યા હતા. આ પુરાવા સીબીઆઇએ રજુ કર્યા હતા. ખાસ કરીને એક વોટ્સએપ કોલ રેકોર્ડીંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ રેકોડર્ડીંગમાં પ્રભા ભંડારી બીજા અધિકારીને લાંચના પૈસામાંથી જમીન ખરીદવાનું સૂચન કરે છે.

આરોપી કઈ રીતે સુરક્ષા માંગી શકે

મુસ્લિમ દુકાનદારનો બચાવ કરવા માટે ચર્ચામાં આવેલા મોહમદ દીપકકુમારને ઉત્તરા ખંડ હાઇકોર્ટે ઠપકો આપ્યો છે. એમણે કરેલી અરજીને કાયદાનો દુરઉપયોગ ગણાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે, 'જે વ્યક્તિ આરોપી છે એ જ સુરક્ષા માટે માંગણી કરે છે અને પોલીસ વિરુદ્ધ તપાસ કરવાની માંગ કરી રહ્યો છે. તમારી સામે ગંભીર આરોપો છે. તમે આ કેસમાં સનસનાટી ઉભી કરવા માંગો છો.' દીપકે એમની સામે કોઈ ફરિયાદ રદ કરવા માટે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી. સુનાવણી દરમિયાન ઉત્તરાખંડ હાઇકોર્ટના જસ્ટિસ રાકેશ થાપલિયાલની બેન્ચે પોલીસ સામે તપાસ કરવાની માંગણી પર પણ સવાલ કર્યો હતો. એમણે મોહમદ દીપકકુમારને કહ્યું હતું કે, 'કાયદાની પ્રક્રિયાનો આ દુરઉપયોગ છે. પોલીસ અધિકારી સક્ષમ છે એમના પર ભરોસો રાખો. તમે તો ખુદ આરોપી છો.'

અમેરિકા ભારતના ગેરકાયદે વસાહતીઓને મફત ટિકિટ, રૂ.૨.૫ લાખ આપશે

અમેરિકાએ થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે, અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઘુસણખોરો જો ભારત પાછા જવા તૈયાર હોય તો તેમને ૨.૫ લાખ રૂપિયા અને વિમાનની ટિકિટ મફતમાં આપવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સીક્યુરીટીની વેબસાઇટ પર આ માહિતી મૂકવામાં આવી છે. જે લોકો સીબીટી હોમ મોબાઇલ એપ દ્વારા મરજીથી અમેરિકા છોડવા માટે રજીસ્ટ્રેશન કરાવશે તેમને આ લાભ મળશે. આ કાર્યક્રમ લોકોના સમયનો પણ ખ્યાલ રાખશે. પરત ફરનાર એમના કામ, અભ્યાસ, વ્યક્તિગત કામની પતાવટ તથા યોગ્ય અને કાયદાકીય રીતે પોતાની ઘરવાપસીનું આયોજન કરવાની સગવડ મેળવી શકશે. દેશ ન છોડવા બદલ અગાઉ કોઈ નાગરીકને દંડ થયો હશે તો તેને માફ કરવામાં આવશે. 

પશ્ચિમ બંગાળ લોકસભાની ચૂંટણી માટે સામ્યવાદીઓની રણનીતિ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને હવે ફક્ત ૧ મહિનાનો સમય બાકી રહ્યો છે. 

તૃણમુલ કોંગ્રેસ અને ભાજપએ ચૂંટણીની તૈયારી ઘણા સમય પહેલા શરૂ કરી દીધી હતી.

ચૂંટણીને કારણે વિવિધ પક્ષો એકબીજા પર આરોપ - પ્રત્યારોપ પણ કરી રહ્યા છે. 

હવે સીપીઆઇ(એમ) ફરીથી યુવાનોને આકર્ષવાની કોશિષ કરે છે. બેકારોને નોકરી આપવાનું વચન સામ્યવાદીઓ આપી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી સીપીઆઇ(એમ)ના યુવાન ટેકેદારો હતાશ થઈને પક્ષ છોડી રહ્યા હતા. આ યુવાનોને ફરીથી પક્ષમાં આકર્ષવા માટે સામ્યવાદીઓ પ્રયત્ન કરી રહ્યા છે. 

પક્ષના કેન્દ્રીય સમીતીના સભ્ય સામીક લાહરીએ કહ્યું છે કે, પક્ષ આ વખતે યુવાન ઉમેદવારોને વધુ તક આપે ઉપરાંત યુવાન કાર્યકરોને મેદાન પર ઉતારશે. 

રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઘણું વધ્યું છે. લગભગ ૧.૨૫ કરોડ લોકો નોકરી નહીં મળવાથી રાજ્ય છોડી ચૂક્યા છે. ડાબેરીઓએ રાજ્ય માટે એક વૈકલ્પિક રોજગાર નીતિ તૈયાર કરી છે.

 પક્ષ પોતાના ચૂંટણી ઢંઢેરામાં જલદીથી આ વાત પ્રજા સમક્ષ મૂકશે. પક્ષના ઉમેદવારો ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે. સીપીઆઇ(એમ)એ વિધાનસભાની ૨૯૪ બેઠકોમાંથી ૨૨૪ બેઠકો ઉપર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.