Editorial

રાજ્યસભામાં કોંગ્રેસની હારથી મહાગઠબંધનમાં તણાવ

By GS TEAM
22 Jun 20265 mins read
રાજ્યસભામાં કોંગ્રેસની હારથી મહાગઠબંધનમાં તણાવ

નવીદિલ્હી: રાજ્યસભા ચૂંટણી પછી ઝારખંડમાં શાસક ગઠબંધન મુશ્કેલીમાં છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝાની હાર પછી પ્રભારી કે રાજુએ આરજેડી અને ભાકપા - માલે ધારાસભ્યો પર દગો આપવાનો આરોપ મૂક્યો છે. એમણે મુખ્યમંત્રી હેમંત સોરેનને આ બાબતે તપાસ કરવા પણ કહ્યું છે. બીજી તરફ આરજેડીએ કે રાજુને જ ગદ્દાર કહ્યા છે. હવે જેએમએમએ સમીક્ષા કરવાની વાત કરી છે. હાર પછી ઝામુમોએ કહ્યું છે કે, એમના તમામ ધારાસભ્યો એક સાથે રહ્યા હતા અને ગઠબંધનની રણનીતિ પ્રમાણે મતદાન કર્યું હતું. પક્ષના કેન્દ્રીય મહામંત્રી વિનોદ પાંડયએ કહ્યું હતું કે જેએમએમના તમામ ૩૪ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું અને ગઠબંધનના બંને ઉમેદવારો માટે જ મત આપ્યા હતા. એમના કહેવા પ્રમાણે તેઓ પોતે પક્ષના એજન્ટ તરીકે મતદાન પ્રક્રિયા દરમિયાન મતદાન કેન્દ્રમાં હાજર રહ્યા હતા.

રામ મંદિરમાં ચોરીનો વિવાદ : યોગી અને નુપેન્દ્ર આમને સામને

રામ મંદિરમાં ભેટ અને ચઢાવાની ચોરી થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા વચ્ચે મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નુપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે, ધ્યાન રાખવામાં ચૂક થઈ ગઈ છે. એમના કહેવા પ્રમાણે સુરક્ષા માટે મંદિર પરિસરમાં સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. એમણે જોકે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયને ક્લીન ચીટ આપી છે. મિશ્રાના કહેવા પ્રમાણે એમની સૂચના હતી કે મંદિરમાં આવતી ભેટ કે ચઢાવાની ગણતરી કઈ રીતે થશે અને એના માટે પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જુદા જુદા લોકોની જવાબદારી પણ નક્કી છે. બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અલગ વાત કરી રહ્યા છે. યોગીનું કહેવું છે કે મંદિરમાંથી મોટા પાયે ચોરી થઈ હોવાના પુરાવા રજુ કરવા જોઈએ. પુરાવા વગર અયોધ્યાને બદનામ કરનારા તત્વો કોણ છે એવો સવાલ પણ એમણે પૂછયો હતો.

શુભેંદુ સરકાર ભારત - તીબેટ બોર્ડર મજબૂત કરશે

આંતરરાષ્ટ્રીય સરહદને વધુ સુરક્ષીત કરવા માટે બંગાળની નવી ભાજપ સરકારે યોજના બનાવી છે. રાજ્ય મંત્રીમંડળએ સીલીગુડી ખાતે ભારત - તીબેટ સરહદી પોલીસ (આઇટીબીપી)ને ૧૦૦ એકર તેમજ નદીયા અને દક્ષિણ દિનાજપુર જિલ્લામાં બીએસએફને ૬ એકર સરકારી જમીન આપી છે. કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ જમીનનો ઉપયોગ નવી સરહદી ચોકીઓ બનાવવા માટે તેમજ સરહદે વાડબંધી કરવા માટે કરવામાં આવશે. ત્યાર પછી ઘૂસણખોરી અને દાણચોરી જેવી પ્રવૃત્તિ પર બ્રેક લાગશે એમ મનાય છે. આગામી ૪૫ દિવસોની અંદર આંતરરાષ્ટ્રીય સરહદે જ્યાં તારબંધી નથી એવા ક્ષેત્રોમાં કાટાળી તાર લગાડવા માટે ૬૦૦ એકર જમીન સુરક્ષા દળોને આપવામાં આવશે.

શશી થરૂરએ સામ્યવાદી સરકારની પોલ ખોલી

કેરલમની યુડીએફ સરકાર દ્વારા બજેટ રજુ થયાના એક દિવસ પછી કોંગ્રેસ નેતા શશી થરૂરએ વિપક્ષ સીપીઆઇ (એમ)ના નેતૃત્વવાળી એલડીએફ પર શાબ્દીક હુમલા કર્યા હતા. એમનો આરોપ છે કે એલડીએફએ એક સુંદર બજેટના જવાબમાં ફક્ત જૂની અને ઘસાઈ ગયેલા વિચારોની વાતો કરી. સોશ્યલ મીડિયા એક્સ પર થરૂર લખ્યુ હતું કે બજેટ પર સામ્યવાદીઓની પ્રતિક્રિયા  યોગ્ય નહોતી. વિરોધ પક્ષના નેતા વીનારાય વિજયનની ટીપ્પણીઓ બાબતે પણ એમણે નુકતેચીની કરી હતી. સામ્યવાદી મોડલને કારણે રાજ્ય દેવામાં ડુબી ગયું હતું. અગાઉની સરકાર રાજ્ય પર ૫.૦૭ લાખ કરોડ રૂપિયાનું દેવુ છોડીને ગઈ છે. પગાર અને બોનસ આપવા માટે આગલી સરકારે પૈસા ઉધાર લીધા હતા.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું કડવું સત્ય

કેન્દ્ર સરકારના પ્રવક્તાઓ દેશના વિકાસની વાત કરતી વખતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદાહરણ ખાસ આપે છે. વંદે ભારત ટ્રેનોનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા રહે છે. હવે ધીમે ધીમે આ સુપર આધુનિક  ટ્રનની કડવી વાસ્તવિકતા બહાર આવી રહી છે. ઉત્તર પ્રદેશના વારાણસીથી ઝારખંડના રાંચી જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ેટ્રેન બિહારના રોહતાસ જિલ્લામાં ખરાબ થઈ રહી હતી. નવાઇની વાત એ છે કે ડીડીયુ - ગયા રેલવે ટ્રેક પર શિવસાગર રેલવે સ્ટેશન પહેલા પાંચ કલાક સુધી ટ્રેન અટકી ગઈ હતી. એરકન્ડીશન્ડ બંધ હોવાને કારણે ટ્રેનમાં બેઠેલા પ્રવાસીઓ હેરાન થઈ ગયા હતા. એમના માટે ખાવા - પીવાની વ્યવસ્થા પણ નહોતી. ટ્રેનમાં ટેક્નિકલ સમસ્યા કઈ છે એ પણ કોઈને ખબર નહોતી. ત્યાર પછી નવુ એન્જિન લગાડીને ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી.

અભિષેક બેનર્જીનો નવો વિવાદ, સ્પિકરને મળવા ચાર્ટર્ડ પ્લેનમાં ગયા

પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ માટે ખરાબ દિવસો ચાલી રહ્યા છે. ટીએમસી ઇતિહાસના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. સાંસદથી લઈને સંગઠન સુધી પક્ષના નેતાઓ બળવાના મૂડમાં છે. જિલ્લા અને તાલુકાસ્તરે પણ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ ક્યાં તો પક્ષ છોડી રહ્યા છે ક્યાં તો એમની ધરપકડ થઈ રહી છે. પાર્ટી ફંડ પણ સુરક્ષીત છે કે નહીં એની પણ કોઈને ખબર નથી. જેલમાં બંધ કે વિવિધ કેસનો સામનો કરી રહેલા કાર્યકર્તાઓની મદદે પણ કોઈ આવતું નથી. આવા ગંભીર સંકટ વચ્ચે પક્ષના રાષ્ટ્રીીય મહામંત્રી અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની લક્ઝરી લાઇફસ્ટાઇલ ચર્ચામાં છે. તેઓ જ્યારે લોકસભા સ્પિકરને મળવા દિલ્હી ગયા ત્યારે પ્રાઇવેટ જેટમાં ગયા હતા. પક્ષના સિનિયર નેતા અને ધારાસભ્ય કુણાલ ઘોષએ આ બાબતે જાહેરમાં નારાજગી બતાવી છે.

જેડી વેંસની કડકાઈ પર ઇઝરાયલમાં ચર્ચા

અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેંસે અમેરિકા - ઇરાન સમજૂતીની ટીકા કરી રહેલા ઇઝરાયલી કેબિનેટના મંત્રીઓની આકરી ટીકા કરી હતી. વેંસે કહ્યું હતું કે, ઇઝરાયલને અમેરિકા સિવાય કોઈનો સાથ નથી ત્યારે પોતાના સહયોગી દેશની ટીકા કરવી જોઈએ નહીં. નેતન્યાહુ કેબિનેટના કેટલાક સભ્યોએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર વ્યક્તિગત ટીપ્પણી કરી હતી જે એમને પસંદ આવી નથી. વેંસે કહ્યું હતું કે, 'ઇઝરાયલમાં જો કોઈ એમ વિચારતું હોય કે એમની સૌથી મોટી સમસ્યા અમેરિકાના પ્રેમુખ છે તો એમણે પોતાના દેશની પરિસ્થિતિ સમજવી જોઈએ. છેલ્લા વર્ષોમાં કોઈ અમેરિકને ઇઝરાયલની કરેલી આ સૌથી કડવી ટીકા ગણાય છે. ઇઝરાયલના રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે વેંસની ટીકા વધુ પડતી કડક છે. નેતન્યાહુ પણ આ ટીકાથી નારાજ છે.