દિલ્હીની વાત : રાજસ્થાનના બળવાખોર કોંગ્રેસ નેતાઓની ઘર વાપસી

નવીદિલ્હી : રાજસ્થાન કોંગ્રેસમાં ફરીથી 'ઘર વાપસી'ની ચર્ચા થઈ રહી છે. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કે બળવાખોરીને કારણે પક્ષમાંથી દુર કરાયેલા નેતાઓ ફરીથી પક્ષ સાથે જોડાવા આતુર છે. નોંધવા જેવી વાત એ છે કે, આવી પ્રવૃત્તિ પશ્ચિમ રાજસ્થાનમાં જોવા મળી રહી છે. પશ્ચિમ રાજસ્થાનને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. નેતાઓને ફરીથી કોંગ્રેસમાં લેવા માટે પક્ષની વિચારધારા સાથે સંમતી હોવી જરૂરી છે. પક્ષ સામે બળવાખોરી કરનાર કેટલાક નેતાઓ તો ફરીથી પક્ષમાં જોડાઈ પણ ગયા છે. ભૂતપૂર્વ મંત્રી વિરેન્દ્ર બેનીવાલ, બાડમેરના ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ ફતેહ ખાન, ઓમ બિશ્નોઇ, સુનિલ પરીહાર અને કામાથી અપક્ષ ચૂટાઈ આવેલા મુખ્તારનો કોંગ્રેસ પ્રવેશ થઈ ગયો છે.
મોસાદની 'બ્લેક વીડો' જાસુસ ચર્ચામાં
ઇરાનની રાજધાની તહેરાનથી આવેલા સમાચારએ બધાને ચોંકાવી દીધા છે. કઈ રીતે ઇઝરાયલની જાસુસી સંસ્થા મોસાદએ એક મહિલા એજન્ટની મદદથી મોટુ ઓપરેશન પાર પાડયું છે એની ચર્ચા વિશ્વ આખામાં થઈ રહી છે. આ એજન્ટનું નામ કૈથરીન પેરેજ શેકેડ છે. મૂળ ફ્રાન્સની આ સુંદર અને તેજ મહિલાને બે વર્ષ પહેલા ઇરાન મોકલવામાં આવી હતી. મુસ્લિમ ધર્મ પ્રત્યે આકર્ષણ હોવાનું કહીને કૈથરીન ઇરાની સમાજમા મળી ગઈ હતી. એણે શિયા ઇસ્લામ ધર્મ પણ અંગીકાર કરી લીધો હતો. ધીમે ધીમે એ ઇરાનના ટોચના અધિકારીઓની ખાસ બની ગઈ હતી. કૈથરીને ધાર્મિક શિક્ષણના બહાને અધિકારીઓની પત્નીઓ સાથે પણ મિત્રતા કેળવી હતી. ઇરાનથી સંવેદનશીલ માહિતી તેમજ તસવીરો કૈથરીન મોસાદને મોકલતી રહેતી હતી. આ માહિતીનો ઉપયોગ કરીને ઇઝરાઇલએ ઇરાન પર હુમલો કર્યો હતો.
સૂચિત્રા કૃષ્ણમૂર્તિએ ટ્વીટ ડિલીટ કરીને શા માટે માફી માગી
અભિનેત્રી - ગાઇકા સૂચિત્રા કૃષ્ણમૂર્તિએ અમદાવાદ પ્લેન ક્રેશ બાબતે કરેલી એક ટ્વીટ ડિલીટ કરવી પડી છે. એટલું જ નહીં ટ્વીટ કરવા બદલ એણે માફી પણ માગવી પડી છે. સૂચિત્રાને એવી માહિતી મળી હતી કે અમદાવાદ પ્લેન ક્રેશમાં બચી ગયેલો એક માત્ર પ્રવાસી ખોટુ બોલી રહ્યો છે અને એ ફ્લાઇટમાં હતો જ નહીં. સૂચિત્રાએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે રમેશકુમારને કડક સજા થવી જોઈએ અને એને પાગલની હોસ્પિટલમાં મોકલી આપવો જોઈએ. સૂચિત્રાએ ટ્વીટ કર્યું હતું કે, 'વિશ્વાસકુમાર રમેશએ વિમાનનો એક માત્ર બચી ગયેલો સર્વાઇવલ હોવાની વાત જૂઠાણુ છે. શું યુકે રહેતા એના કુટુંબીઓએ આ બાબતે કોઈ પુરાવો આપ્યો છે? જો એ ખોટો સાબિત થાય તો એને ગાંડાની હોસ્પિટલમાં મોકલી આપવો જોઈએ.' પાછળથી જ્યારે સૂચિત્રાને અક્કલ આવી ત્યારે એણે માફી માગવી પડી છે.
દિલ્હીની ૬૭૫ ઝૂંપડપટ્ટીઓ ધારાવી મોડેલ પર રીડેવલપ થશે
દિલ્હી સરકાર ૬૭૫ ઝૂપડપટ્ટીઓના રહેવાસીઓનો પુર્નવિકાસ કરવા માટે મુંબઈની ધારાવીના મોડલનો અભ્યાસ કરી રહી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાના કહેવા પ્રમાણે દિલ્હી સરકાર લોકોને વ્યવસ્થિત રીતે વસાવવા માંગે છે. વર્ષોથી ઝૂપડપટ્ટીમાં રહેનારાઓને હવે મકાન મળશે. લોકોએ પોતાની જવાબદારી સમજવી જોઈએ. જો કોઈ વ્યક્તિ રેલવે લાઇનની નજીક અતિક્રમણ કરીને રહેવા માગશે તો મુખ્યમંત્રી એમને બચાવી નહીં શકે. જો કોઈ અકસ્માત થઈ જાય તો કોણ જવાબદાર ગણાશે? દરેક વ્યક્તિની પોતાના શહેર માટે અને રેલવેની સુરક્ષા માટે જવાબદારી છે. રાજકીય નીરિક્ષકો જોકે માની રહ્યા છે કે મુખ્યમંત્રી રેખા ગુપ્તા માટે આ કામ આસાન નહી હોય.
મોદીની બિહાર મુલાકાત વખતે તેજસ્વીએ કરેલી ટીપ્પણીથી વિવાદ
પરિવારવાદના રાજકારણ મુદ્દે ભાજપ પર પ્રતિ હુમલો કરવાની કોશિષમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ વિવાદમાં ફસાયા છે. નરેન્દ્ર મોદી જ્યારે બિહારની મુલાકાતે ગયા હતા ત્યારે તેજસ્વી યાદવએ કહ્યું હતું કે, મોદી 'રાષ્ટ્રીય દામાદ આયોગ' (એનડીએ)ની બેઠકમાં ભાગ લેવા માટે બિહાર આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી બિહારમાં એનડીએ નેતાઓના કુટુંબીઓની નિમણૂક વિવિધ આયોગોમાં કરવામાં આવી છે. સત્તાપક્ષ જેડીયુ -ભાજપના ગઠબંધન દ્વારા આરજેડી પર ભાઈ-ભત્રીજાવાદનો આરોપ વારંવાર મૂકવામાં આવે છે. તેજસ્વીએ એનડીએના નેતાઓ પણ પોતાના કુટુંબીઓને સરકારી હોદ્દાઓ પર ગોઠવી દે છે એ માટે ટીકા કરી હતી.
યોગીએ ડી કંપનીનો ઉલ્લેખ કર્યો તો અખિલેશ યાદવ બગડયા
ગોરખપુર લિંક એક્સપ્રેસનું લોકાર્પણ કરતી વખતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ સપા પર શાબ્દિક હુમલા કર્યા હતા. એ વખતે યોગીએ ડી કંપની અને દાઉદ ગેંગનો ઉલ્લેખ કર્યો હતો. યોગીની ટીપ્પણી સામે હવે સપાના પ્રમુખ અખિલેશ યાદવએ પ્રતિ હુમલો કર્યો છે. અખિલેશ યાદવએ કહ્યંા છે કે, ડી કંપની વિશે યોગી ખુલાસો કરે તો અમે કહી શકીશું કે ડી કંપની કઈ છે. ડી કંપની એટલે ડેવલપમેન્ટ કંપની. યોગી ડી કંપની કોને કહે છે. યોગીના મીડિયા સલાહકારએ મીડિયામાં પૈસા આપીને અમારી સામે સમાચારો છપાવ્યા છે. એમનું નામ બહાર આવી ગયું છે. બધા પત્રકારોને એના નામની ખબર છે. એનો વ્યવહાર ડી કંપની સાથે હતો. મને લાગે છે કે એટલે જ યોગીને ડી કંપનીની યાદ આવી રહી છે.
મેકઅપ કરીને કે પરફ્યુમ લગાડીને જંગલમાં જવું નહીં જોઈએ
પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત અરણ્ય ઋષિ મારુતિ ચિત્તમપલ્લીનું મૃત્યુ થયું છે. પદ્મશ્રી પુરસ્કાર સ્વિકાર્યા પછી ચિત્તમપલ્લીએ ખુબ અગત્યની વાત કરી હતી. ચિત્તમપલ્લીએ કેટલાક અલભ્ય છોડો વિશે અભ્યાસ કર્યો હતો. ગાઢ જંગલમાં બનતી દરેક ઘટનાના કારણો તેઓ શોધતા હતા. કોઈપણ ઘટનાની અસર વન્યજીવો પર કેવી થાય છે એની જાણકારી પણ એમને રહેતી હતી. ચિત્તમપલ્લી કહેતા હતા કે જંગલી જાનવરો કોઈ દિવસ મનુષ્યો પર સીધો હુમલો નથી કરતા. જ્યારે આપણે જંગલમાં હોઇએ છીએ ત્યારે જાનવરો આપણને સુંઘી લે છે. ગંધ મારફતે જાનવરો જોખમ સમજે છે. તેઓ એક-બે કિલોમીટર દુરથી જ આપણો પીછો કરે છે. મેકઅપ કે પરફ્યુમ લગાડીને જંગલમાં જવું જોઈએ નહીં. એમની ગંધથી જાનવરો જાગૃત થઈ જાય છે અને પોતાની રક્ષા કરવા માટે કદાચ હુમલો કરી શકે છે.









