Editorial

દિલ્હીની વાત : અયોધ્યાના દિપોત્સવી કાર્યક્રમમાં બે ઉપ મુખ્યમંત્રી ગેરહાજર રહેતા વિવાદ

By GS TEAM
21 Oct 20255 mins read
દિલ્હીની વાત : અયોધ્યાના દિપોત્સવી કાર્યક્રમમાં બે ઉપ મુખ્યમંત્રી ગેરહાજર રહેતા વિવાદ

નવી દિલ્હી : અયોધ્યામાં આયોજીત દિપોત્સવી કાર્યક્રમમાં દેશ આખામાંથી ભક્તો ઉમટયા હતા. જોકે નવાઈની વાત એ છે કે, ઉત્તર પ્રદેશના બંને ઉપમુખ્યમંત્રીઓ કેશવપ્રસાદ મોર્ય અને વ્રજેશ પાઠક આ કાર્યક્રમમાં દેખાયા નહોતા. રાજ્યપાલ આનંદીબેન પટેલએ પણ પોતાની મુલાકાત રદ કરી હતી. આ બાબતે ઉત્તર પ્રદેશના રાજકારણમાં ચર્ચા થઈ રહી છે. ભાજપના વર્તુળો જ ચર્ચા કરી રહ્યા છે કે બંને ડેપ્યુટી સીએમ આ કાર્યક્રમથી અલીપ્ત શા માટે રહ્યા હતા. કેશવપ્રસાદ મોર્યના સેક્રેટરીએ અયોધ્યાના ડીએમ અને એસએસપીને પત્ર લખીને જાણ કરી હતી કે તેઓ કાર્યક્રમમાં હાજર રહેશે નહીં. એ જ પ્રકારે વ્રજેશ પાઠક દ્વારા પણ આયોજકોને જાણ કરવામાં આવી હતી કે તેઓ કાર્યક્રમમાં હાજર રહેવાના નથી. આ બાબતે સપાના પ્રમુખ અખિલેશ યાદવએ સોશ્યલ મીડિયા પર કટાક્ષ પણ કર્યો હતો કે શું ભાજપ સરકારના બંને ઉપમુખ્યમંત્રીના હોદ્દાઓ સમાપ્ત કરવામાં આવ્યા છે?

મહાગઠબંધનમાં ખેંચતાણની વચ્ચે કોંગ્રેસએ બીજા છ ઉમેદવારો જાહેર કર્યા

બિહાર ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો એક પછી એક જાહેર કરી રહ્યા છે. મહાગઠબંધનના વિવિધ પક્ષો વચ્ચે બેઠકો બાબતે ખેંચતાણ ચાલી રહી છે. આ વચ્ચે કોંગ્રેસએ પોતાના છ નવા ઉમેદવારો જાહેર કર્યા છે. અત્યાર સુધી કોંગ્રેસએ ૬૦ ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસની નવી યાદીમાં વાલ્મીકીનગરથી સુરેન્દ્ર પ્રસાદ કુશવાહાને ટિકિટ મળી છે. અરરીયાથી પક્ષે અબીદુર રહેમાનને ટિકિટ આપી છે. આ સિવાય અલાવા અમોર વિધાનસભાની બેઠક પરથી જલીલ મસ્તાનને ટિકિટ આપવામાં આવી છે. પક્ષે બરારીથી તૌકીર આલમને ટિકિટ આપી છે. પહલગાવ વિધાનસભા બેઠક પરથી પ્રવિણસિંહ કુશવાહા અને સિંકદરા બેઠક પરથી વિનોદ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. રાજકીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહાગઠબંધનના પક્ષોએ બેઠક વહેચણી બાબતે એક બીજા સાથે વાત કરવાની પણ બંધ કરી દીધી છે.

અમૌરથી જેડીયુએ ઉમેદવાર બદલ્યા

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા ટિકિટ મેળવવા માટે દરેક પક્ષમાં એટલું મોટુ ધમસાણ મચ્યું છે કે કદાચ એને ઐતિહાસિક કહી શકાય. કેટલાકની તો ટિકિટ મળી ગયા પછી પણ કપાઈ છે. પુણીયાની અમૌર વિધાનસભા બેઠકના જેડીયુના ઉમેદવાર સબા જફર ઉમેદવારીપત્રક ભરે એ પહેલા જ એમને બદલી નાખવામાં આવ્યા છે. હવે આ બેઠક પરથી ભૂતપૂર્વ સાંસદ સાબીર અલી જેડીયુની ટિકિટ પર લડશે. આ પહેલા સબા જફરને પાર્ટીનો સિમ્બોલ આપવામાં આવ્યો હતો. ત્યાર પછી સાબીર અલી ફરીથી જેડીયુમાં આવ્યા અને એમને ટિકિટ મળી પણ ગઈ. નવાઈની વાત એ છે કે સાબીર અલી પક્ષમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ ટિકિટ આપવામાં આવી જેને કારણે પક્ષના સિનિયર નેતાઓ નારાજ પણ થઈ ગયા છે. એવી ચર્ચા થાય છે કે, મોટી નાણાકીય લેવડદેવડ થઈ હોઈ શકે છે.

કર્ણાટકના આરએસએસ વિવાદમાં ઉદીત રાજ કુદયા

કર્ણાટકમાં આજકાલ રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ વચ્ચે જંગ છેડાયો છે. હવે કોંગ્રેસના નેતા ઉદીત રાજએ પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. એમણે કહ્યું છે કે આવી ઝેરીલી વિચારધારાથી દુર જ રહેવું જોઈએ. આવી વિચારધારાઓ દલીતો અને પછાત વર્ગોની નોકરી અને ભણતર છીનવી લે છે. આરએસએસ બાબતનો વિવાદ એ સમયે જ ચગ્યો છે કે જ્યારે બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા આ પ્રકારનું નિવેદન આપીને ઉદીત રાજએ દલીતો અને પછાતવર્ગને કોંગ્રેસ તરફ કરવાની કોશિષ કરી છે. જોકે કોંગ્રેસ લાંબા સમયથી દલીતો અને પછાતોના મુદ્દાઓ ઉઠાવતી રહી છે. કોંગ્રેસ ૫૦ ટકા અનામતની મર્યાદા તોડવાની અને જાતિ આધારીત વસ્તી ગણતરી કરવાની માંગણી પણ કરતી રહે છે.

અમેરિકામાં લોરેન્સ અને રોહિત ગોદારા ગેંગ વચ્ચે ગેંગવોર

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને રોહિત ગોદારા વચ્ચે અમેરિકામાં મોટા પાયે ગેંગવોર થયા હોવાના સમાચાર આવ્યા છે. સોશ્યલ મીડિયા એક્સ પર રોહિત ગોદારાના આઇડી પરથી એક પોસ્ટ મૂકવામાં આવી છે. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકાના કેલિફોનિયામાં લોનેન્સ બિશ્નોઇ ગેંગની એક નજીકની વ્યક્તિ હરી બોક્સર પર અંધાધૂધ ગોળીબાર થયો છે. આ ગોળીબારમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે. જોકે બોક્સર બચી ગયો છે. બોક્સરની ગણના બિશ્નોઇ ગેંગના શૂટર તરીકે થાય છે. કારની સીટ પાછળ છૂપાઈ જવાને કારણે બક્સરનો બચાવ થયો છે એની સાથે રહેલા એના સાથીદારનું મૃત્યુ થયું છે. રોહિત ગોદારાએ દાવો કર્યો છે કે આ ગોળીબાર એના મારાઓએ કર્યો હતો.

ભૈયાજી જોષીની કેન્દ્ર સરકારને શિખામણ

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારણી સભ્ય ભૈયાજી જોષીએ કહ્યું છે કે, ઇઝરાઇલની માફક ભારતએ પણ પોતાની આતંરીક અને બહારની સુરક્ષાનો બચાવ મજબૂતીથી કરવો જોઈએ. એમણે ધર્માંતરણ વિશે પણ ચિંતા જાહેર કરી છે અને ધર્માંતરણ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગણી કરી છે. દેશના જમણેરી વિચારધારકો હંમેશા ઇઝરાઇલના પ્રશંસક રહ્યા છે. કેટલાક કટ્ટર જમણેરીઓને મોદી સરકારની આક્રમકતા ઓછી લાગે છે. હવે ભૈયાજી જોષીએ પણ એજ દિશામાં વાત કરી છે. જોષીએ કહ્યું છે કે આપણે નસીબદાર છીએ કે ભારતમાં જન્મ લીધો છે. આપણી જવાબદારી છે કે આપણે આપણી આઝાદીને યથાવત રાખીએ. દેશમાં ફક્ત ભૌતિક વિકાસ નહીં, પરંતુ માનસીક,  સાંસ્કૃતિક અને રચનાત્મક વિકાસ થવો પણ જરૂરી છે.

દુભાયેલા નેતાઓએ કહ્યું કોંગ્રેસ 10 બેઠકો પણ જીતી નહીં શકે

કોઈપણ ચૂંટણી વખતે દરેક પક્ષમાં ટિકિટ મેળવવા માટે પડાપડી થાય છે. જીતવાની શક્યતા નહીં હોય એવા પક્ષ સાથે જોડાણ ધરાવનારાઓ પણ ચૂંટણી લડવા થનગનતા હોય છે. બિહારમાં મહાગઠબંધન વચ્ચે ચાલતા તણાવ વચ્ચે કોંગ્રેસની અંદર પણ ટિકિટ મેળવવા માટે ખેંચતાણ ચાલી રહી છે. પાર્ટીના કેટલાક નેતાઓ જાહેર મંચપરથી પ્રદેશના કોંગ્રેસ પ્રભારી કૃષ્ણા અલ્લાહ વરુ અને પ્રદેશ અધ્યેક્ષ રાજેશ રામ પર આક્ષેપો કરી રહ્યા છે. એમનું કહેવું છે કે ટિકિટની વહેંચણીમાં ગરબડ થઈ છે અને પૈસા લઈને ટિકિટો વેંચવામાં આવે છે. કોંગ્રેસ માટે આ વાત નવી નથી. બીજા રાજ્યોમાં પણ કાર્યકરોએ નેતાઓ પર આવા આક્ષેપો કર્યા છે. કોંગ્રેસ રિસર્ચ સેલના પ્રમુખ અને પ્રવક્તા રહેલા આનંદ માધવનએ તો ત્યાં સુધી કહ્યું છે કે, બિહારમાં કોંગ્રેસ ૧૦ બેઠકો પણ જીતી શકશે નહીં.